Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સવર્ણ અનામત બિલ JPC પાસે મોકલો- કોંગ્રેસ,ખુલીને કરો સમર્થન કરો- જેટલી

સવર્ણ અનામત બિલ JPC પાસે મોકલો- કોંગ્રેસ,ખુલીને કરો સમર્થન કરો- જેટલી

08 January, 2019 07:49 PM IST | નવી દિલ્હી

સવર્ણ અનામત બિલ JPC પાસે મોકલો- કોંગ્રેસ,ખુલીને કરો સમર્થન કરો- જેટલી

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં સવર્ણોને આર્થિક આધાર પર 10% અનામત આપવા માટે લોકસભામાં મંગળવારે બિલ રજૂ કરવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતે 124મું બંધારણીય સુધારા બિલ લોકસભામાં રજૂ કર્યું. ચર્ચાની શરૂઆત કરતા તેમણે કહ્યું, 'આ 10% અનામત તમામ ધર્મના લોકો માટે છે. ખાનગી શૈક્ષણિક સંસ્તાઓમાં પણ આ અનામત લાગુ થશે.' ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ કેવી થોમસે કહ્યું, બિલનો વિરોધ નથી કરતા, પરંતુ અમારી માંગ છે કે તેને પહેલા જોઇન્ટ પાર્લામેન્ટ્રી કમિટી (જેપીસી) પાસે મોકલવામાં આવે. તેના પર નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું- તમે આ બિલનું સમર્થન કરી જ રહ્યા છો તો અડધા મનથી નહીં, પૂરા મનથી કરો. જ્યારે આ બિલ ગરીબ સવર્ણોના પક્ષમાં છે ત્યારે કમ્યુનિસ્ટોએ પણ તેનો વિરોધ ન કરવો જોઇએ. 

બે તૃતીયાંશ સભ્યોનું સમર્થન અનિવાર્ય



લોકસભા અને રાજ્યસભામાં આ બંધારણીય સુધાર બિલ પાસ કરાવવા માટે બે તૃતીયાંશ સભ્યોનું સમર્થન જરૂરી છે. લોકસભામાં સાંસદોની પ્રવર્તમાન સંખ્યા 523 છે. બિલ પાસ કરાવવા માટે 349 વોટ્સની જરૂર છે. એ જ રીતે રાજ્યસભામાં પ્રવર્તમાન સભ્યોની સંખ્યા 244 છે. બિલ પાસ કરાવવા માટે અહીંયા 163 વોટ્સની જરૂર પડશે. લોકસભામાં સરકાર સરળતાથી બિલ પાસ કરાવી શકશે. 


રાજ્યસભામાં એનડીએના 88, કોંગ્રેસના 50 અને અન્ય પક્ષોના 11 સાંસદોના વોટ્સ પછી પણ સરકારને વિપક્ષ પાસેથી સમર્થન મેળવવાની જરૂર પડશે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ આ બિલનું સમર્થન કર્યું છે. દ્રમુકે તેનો વિરોધ કર્યો છે. વોટિંગને લઈને એનડીએ સિવાયના અન્ય પક્ષોનું વલણ હજુ સ્પષ્ટ નથી. 

જેટલીએ કહ્યું- શું આ વાત ફક્ત મેનિફેસ્ટો પૂરતી સીમિત રહેશે? 


લોકસભામાં ચર્ચા દરમિયાન જેટલીએ કહ્યું, "મોટાભાગના રાજકીય દળોએ પોતાનો મેનિફેસ્ટો જાહેર કરતી વખતે અનારક્ષિત અને આર્થિક રીતે પછાત લોકોને અનામત અપાવવાનો જુમલો તેમાં નાખ્યો હતો. તે કાયદાકીય વિઘ્નોને કારણે થઈ શક્યું ન હતું. જો તમે બધા તેનો વિરોધ ખુલીને નથી કરી રહ્યા તો ખુલીને તેનું સમર્થન કરો. કોમ્યુનિસ્ટ ભાઈઓને કહેવા માંગું છું કે જ્યારે ગરીબીના આધારે આ આરક્ષણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે ભારત એવો પહેલો દેશ હશે જ્યાં ગરીબોને અનામત વાળા બિલનો કોમ્યુનિસ્ટ્સ વિરોધ કરી રહ્યા હોય."

જેટલીએ કહ્યું- આ ફક્ત બીજેપી કે એનડીએની વાત નથી. કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓએ પણ એક જ જેવી ભાષામાં આ પ્રકારના અનામતની વાત કરી હતી. સવાલ એ છે કે શું આ વાત ફક્ત મેનિફેસ્ટો પૂરતી સીમિત રહી જશે કે પછી તેનો કાયદો પણ બનશે? આજે કોંગ્રેસની પરીક્ષા છે. સમર્થન કરો તો મોટા મનથી કરો. 

કોંગ્રેસના સાંસદ કેવી થોમસે કહ્યું, "જેની આવક મર્યાદા 8 લાખ રૂપિયા વાર્ષિક એટલે કે 63 હજાર રૂપિયા મહિને છે, તેઓ અક્ષમ નથી. આ પગલું ફક્ત ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભરવામાં આવી રહ્યું છે અને તેના પર કોઈ હોમવર્ક કરવામાં આવ્યું નથી. અમે તેની વિરુદ્ધ નથી. અમે આર્થિક રીતે પછાત લોકોની સાથે છીએ. પરંતુ તમે આટલી ઉતાવળમાં આ પગલું કેમ ભરી રહ્યા છો? મારી માંગ છે કે આ બિલને પહેલા જેપીસી પાસે મોકલવામાં આવે."

માયાવતીએ સમર્થન તો આપ્યું પણ પગલાને ગણાવ્યું સ્ટંટ

આ પહેલા બસપા પ્રમુખ માયાવતીએ સમર્થન તો આપ્યું પણ કહ્યું, "સવર્ણ અનામતના પ્રસ્તાવનું તેમની પાર્ટી સમર્થન કરશે. લોકસભા ચૂંટણી પહેલા લેવામાં આવેલો આ નિર્ણય અમને સાચી દાનતથી લેવામાં આવ્યો હોય એમ નથી લાગતું. આ ચૂંટણી સ્ટંટ અને રાજકીય છળ લાગે છે. સારું થાત જો બીજેપી સરકારે આ નિર્ણય ચૂંટણીના ઘણા સમય પહેલા લીધો હોત." માયાવતીએ કહ્યું કે બાબાસાહેબના અથાગ પરિશ્રમ અને ત્યાગ પછી જ ગરીબ અને શોષિત વર્ગના દલિત અને આદિવાસીઓને અનામત આપવાની વ્યવસ્થા ઘણી જૂની થઈ ચૂકી છે. એટલે એસસી-એસટી-ઓબીસીને તેમની વસ્તીના રેશિયો પ્રમાણે અનામત આપવાની વ્યવસ્થા લાગુ કરવામાં આવવી જોઈએ.

સવર્ણોને ખુશ કરવા સરકારે ભર્યું આ પગલું

લોકસભા ચૂંટણીની બરાબર પહેલા થયેલા આ નિર્ણયથી વિભિન્ન વર્ગોની કુલ અનામત 49.5%થી વઘીને 59.5% થઈ જશે. જોકે, સુપ્રીમ કોર્ટે અનામતની મહત્તમ મર્યાદા 50% નક્કી કરી રાખી છે. બીજેપીની વોટબેંક માનવામાં આવતી સવર્ણ જાતિઓ અનામતની માંગ કરતી આવી છે. જનરલ કેટેગરીમાં સવર્ણો ઉપરાંત મુસ્લિમ અને અન્ય ધર્મના લોકો પણ સામેલ થશે. અનામત માટે પરિવારની મહત્તમ આવક 8 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે સરકારે આ પગલું એસસી-એસટી ઍક્ટ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો ફરી જવાથી નારાજ સવર્ણોને ખુશ કરવા માટે ઉઠાવ્યું છે. તેનું નુકસાન પાર્ટીને તાજેતરમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તા ગુમાવીને ભોગવવું પડ્યું હતું.

સામાજિક એકરૂપતાની દિશામાં મોટું પગલું ભરીને મોદી સરકારે સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાનોમાં આર્થિક આધાર પર 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી સરકારને સવર્ણોની નારાજગી દૂર કરવામાં સફળતા મળી શકે છે. ગરમાઈ રહેલા ચૂંટણી માહોલની વચ્ચે અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી) અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે નિર્ધારિત 50 ટકાના ક્વોટાને છંછેડ્યા વગર સામાન્ય વર્ગના ગરીબોને અનામત આપવાના આ નિર્ણયને મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. તેનો લાભ સવર્ણ હિંદુઓની સાથે-સાથે તમામ અનારક્ષિત જાતિના ગરીબોને મળશે. તેમાં આર્થિક પછાતપણાની વ્યાખ્યા ઓબીસીને સમાન જ રાખવામાં આવશે.

 

આ પણ વાંચો: CBI vs CBI: આલોક વર્માને SCએ આપી મોટી રાહત, CBI ડાયરેક્ટરનું પદ યથાવત

 

સરકાર આ નિર્ણયને લઈને ઘણી ઉત્સાહિત છે. તેનો અંદાજ એનાથી જ લગાવી શકાય છે કે કેબિનેટમાં વડાપ્રધાન મોદીએ તેને સામાજિક બરાબરીની દિશામાં એક ઐતિહાસિક પગલું જણાવ્યું. એ તો સ્પષ્ટ છે કે જો આ નિર્ણય લાગુ થાય તો બીજેપીના પરંપરાગત વોટર્સ માનવામાં આવતા બ્રાહ્મણ, રાજપૂત, ભૂમિહાર, કાયસ્થ ઉપરાંત જાટ અને ગૂજર જેવી તે જાતિઓ માટે અનામતનો રસ્તો ખૂલી જશે જે કેટલાક રાજ્યોમાં અનામતની બહાર છે.

જોકે, રાજકીય રીતે જોતા સરકારનું આ પગલું સફળ માનવામાં આવશે. છેલ્લા કેટલાક મહિનાઓમાં એસસી, એસટી અનામતને લઈને ઉઠેલા વિવાદ અને કેટલાક સ્થાનો પર ઉપલી જાતિઓમાં ઉગ્રતાને અટકાવવા માટે પણ આ મોટો નિર્ણય છે. ઘણા રાજ્યોમાં ઉંચી જાતિઓ તરફથી પણ આંદોલનો થયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

08 January, 2019 07:49 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK