નબળા સમયની બે લાક્ષણિકતા‍ : આવે ઝડપથી અને જાય પણ ઝડપથી

Published: Jan 18, 2020, 15:34 IST | Sanjay Raval | Mumbai

આ બન્ને સમયગાળાને સાચવી લેવાની નીતિ હોવી જોઈએ. આવેલા ખરાબ સમયને જો માન નહીં આપો તો એ તમારી દરેક ભૂલને પોતાની બનાવીને કાયમ માટે ટકી રહેવાની જહેમત ઉઠાવશે એટલે ખરાબ સમયમાં ભૂલ ન થાય એની ચીવટ રાખો

સમય
સમય

આજે આપણે થોડા પર્સનલ કહેવાય એવા વિષય પર વાત કરવી છે. હમણાં થોડા સમય પહેલાં મેં મિત્રને વ્યાજના ચક્કરને લીધે જીવ ગુમાવતો જોયો. વાત બહુ સરળ હતી કે તેને ધંધામાં ખેંચ આવી અને તેણે વ્યાજે પૈસા લીધા અને એ પછી તેના બધા દાવ ઊંધા પડતા રહ્યા અને વ્યાજનું ભારણ વધવા માંડ્યું. તેણે પોતાની રીતે બહુ મહેનત કરી, ઉધામા કર્યા, પણ વ્યાજના ચક્કરમાંથી તે બહાર આવી શક્યો નહીં એટલે તેણે જાતે જ પોતાનું જીવન ટૂંકાવી દીધું. બહુ દુખદ ઘટના છે આ. વિષયવસ્તુ પર આપણે આગળ વાત કરીએ એ પહેલાં મારે તમને કહેવું છે કે તમે પણ કોઈના મિત્ર હશો, કોઈના દીકરા, કોઈના પિતા કે કોઈના પતિ હશો, પણ જો ક્યારેક એવું બને કે પૈસાને લીધે કે પછી આર્થિક સંકડામણને લીધે મૂંઝવણમાં મુકાઓ તો જીવને જોખમ ઊભું ન કરતા.

સેમિનાર દરમ્યાન ઘણા લોકો પોતાની મૂંઝવણ વિશે વાત કરવા કે ઉકેલ મેળવવા આવે. જે આવે તેઓમાંથી મોટા ભાગે બે જ પ્રકારના પ્રશ્નો હોય. એક તો પ્રેમપ્રકરણ કે પારિવા‌િરક પ્રશ્નો હોય અને કાં તો આર્થિક સંકડામણના પ્રશ્નો હોય. આ બન્ને પ્રશ્નોમાંથી પહેલા પ્રશ્ન માટે તો આપણે અનેક વખત વાત કરી છે અને ભવિષ્યમાં કરતા પણ રહીશું, પરંતુ આજે આપણે આર્થિક સંકડામણ વિશે વાત કરવી છે. એક વાત યાદ રાખજો કે ગયા વીકમાં જ મેં કહ્યું હતું કે વ્યાજને રવિવારની રજા નથી હોતી એટલે ક્યારેય એ દિશામાં જવાનું વિચારવું નહીં. એ પણ એટલું જ સાચું છે કે જે પ્રાઇવેટમાં વ્યાજનો ધંધો કરે છે એ કંઈ સમ આપવા તો નહોતા આવ્યા કે અમારી પાસેથી વ્યાજે પૈસા લો. ના, ક્યારેય નહીં. હા, એવું બને કે માગ્યા હોય ત્યારે તેમણે સંકોચ વિના પૈસા આપી દીધા હોય, પણ એવું તો બિલકુલ નહોતું કે તેમણે સામે ચાલીને પૈસા આપ્યા હોય. એ આપણી ઇચ્છા હતી, આપણે શૉર્ટકટ તરીકે રસ્તો એ પસંદ કર્યો હતો એટલે પહેલી ભૂલ આપણી છે અને આ ભૂલની દિશામાં ક્યારેય આગળ વધવા જેવું નથી.

ધંધો છે, નાની-મોટી ચડતીપડતી આવતી રહે, એમાં હિંમત હારીને કોઈ ખોટો રસ્તો ન પકડે એ જ સાચો વેપારી. બિઝનેસમૅન આમ તો બહુ મોટું ગર્વ દર્શાવતા હોય છે કે આપણે બીજા કરતાં જુદું વિચારીએ છીએ તો સંકડામણ વખતે પણ એ જ વિચારધારાને અકબંધ રાખવાની છે. માર્કેટમાં આપણી આબરૂ છે, બહુ મોટું નામ છે. એ નામને અને એ આબરૂને બચાવવાના અંતિમ પ્રયાસરૂપે પણ જે ખોટી દિશા પકડે છે અને જીવ આપવાનો વિચાર કરે છે એ સાવ ખોટું જ છે. નામ તમે જ બનાવ્યું છે, આબરૂ તમે જ ઊભી કરી છે એટલે એ બગડવાની ચિંતા તમારે કરવાની જરૂર નથી. જે સારપ દર્શાવી શકે એ જ માણસ ભવિષ્યમાં પણ નવેસરથી સારપ ઊભી કરી જ શકે છે એટલે ભૂલથી પણ વર્તમાનનો વિચાર કરીને ભવિષ્યને ખરાબ કરવાની દિશામાં આગળ વધતા નહીં, ક્યારેય નહીં.

પહેલી વાત ખોટી દિશામાં જવું નથી. એ ચાહે વ્યાજની દિશા હોય કે જીવ આપવાની દિશા હોય. બીજી વાત, ધારો કે વ્યાજની દિશા પકડાઈ પણ ગઈ છે તો જેને પણ પૈસા આપવાના છે તેની પાસે પૈસા માગ્યા હતા એમ જ, આ વખતે તેમની પાસે સમય માગો. મળશે, જો સાચી નીતિ સાથે સમય માગશો તો એ પણ મળશે. સમજાવો કે સમય ખરાબ છે, તમારી દાનત નહીં અને એ સમજાવ્યા પછી મહેનત કરો, દિવસ-રાત કામ કરો, કામનું સાચું મૂલ્યાંકન કરો અને ખોટો સમય ખર્ચવાનું બંધ કરીને જેકોઈ ઉધારી છે તેમને ચૂકવવાનું રાખો, પણ ક્યારેય એવું ન કરો જેમાં તમારી જિંદગીનો અંત ખોટી રીતે આવી જાય.

 

જીવ આપી દેવાથી દેવું ચૂકતે નથી થવાનું, પણ જો તમારી હયાતી હશે તો શક્ય છે કે થોડા મોડા પણ તમે દેવું ચૂકવી શકશો. મેં અનેક એવા લોકો જોયા છે જે ખરેખર આર્થિક સંકડામણ અનુભવી રહ્યા હોય અને એ પછી પણ તેમણે સાચી રીતે એમાંથી રસ્તો કાઢ્યો હોય અને નવેસરથી ઊભા થયા હોય. આ રીતે નવેસરથી ઊભા થનારાઓની શાખ ચાર ગણી વધી જતી હોય છે. આગળની વાત શરૂ કરીએ એ પહેલાં એક નાનકડી સ્પષ્ટતા પણ કરી દઉં કે અહીં વ્યાજ એટલે પેલા ખાનગીમાં વ્યાજનો વેપાર કરનારાઓની જ વાત નથી. બૅન્કમાંથી મળતી લોનની વાત પણ આવી જાય છે. લોનમાં પણ અમુક લોન એવી હોય છે જેમાં વ્યાજના દર સહ્ય કહેવાય એવા હોય છે. બાકી તો લોન પણ એવી છે જેના વ્યાજના દર સમજવાનો પ્રયાસ કરો તો તમારી આંખો મોટી થઈ જાય. ક્રેડિટ કાર્ડ અને જે પ્રકારે સરળતાથી લોન મળે છે એમાં ક્યાંક રોક આવવી જોઈએ એવું હું પર્સનલી માનું છું, પણ એ વિષય પર અત્યારે વાત કરવાને બદલે આપણે આપણા મૂળ ટૉપિક પર અકબંધ રહીએ.

લોનના અને વ્યાજના રવાડે ચડવા કરતાં નબળા સમયે ખેંચને અનુભવીને એને માન આપવાનું સ્વીકારવું જોઈએ. સમય બધા પ્રકારનાં રંગરૂપ લઈને આવી શકે, પણ એ ક્યારેય લાંબો સમય અકબંધ નથી રહેતો અને એમાં પણ ખરાબ સમયની એક ખાસિયત છે, એ જેટલી જલદી આવે છે એટલી જ ઝડપથી જાય છે. ખરાબ સમયમાં જો કોઈ કળાની આવશ્યકતા હોય તો એ એટલી જ કે એમાં ધીરજ નહીં ગુમાવવાની. ધીરજ ગુમાવવાથી એવું પગલું ભરાઈ જતું હોય છે જેનો અફસોસ લાંબો સમય રહે છે અને એનો વસવસો પરિવારના બાકીના સભ્યોએ ભોગવવો પડે છે. તમે જેમના અંગત છો એને માટે તમારી ગેરહયાતી એ પૈસાથી પણ મોટું નુકસાન છે અને જીવનમાં કેટલાંક નુકસાન એવાં હોય છે જે આર્થિક સમૃદ્ધિ આવી ગયા પછી પણ અકબંધ રહે છે. યાદ રાખજો કે જેમ દરેક પ્રશ્નનો જવાબ છે એવી જ રીતે દરેક મુશ્કેલીનો પણ એક પડકાર છે. શૉર્ટકટનું ચક્કર એ પડકારની ક્ષમતા ઓછી કરી નાખે છે અને એને લીધે લડવાની જે માનસિકતા મનમાં કેળવવાની છે એને કેળવવાને બદલે બહુ ઝડપથી બીજા રસ્તે વળી જઈએ છીએ.

મારે એક બીજી વાત પણ આજના દિવસે કહેવી છે. જીવનમાં એક વાત ભૂલતા નહીં કે જે રીતે ખરાબ સમયને સન્માન આપવાનું હોય એ જ રીતે સારા સમયને પણ માન આપવું જોઈએ. પહેલી વાતની સમજણ જેટલી આવશ્યક છે એટલું જ મહત્ત્વ આ બીજી વાતનું પણ છે. જો તમે તમારા સારા સમયે સમજીવિચારીને રહેવાને બદલે ખોટી દિશાઓ પકડી લેશો તો એ સમય તમને ક્યારેય સન્માનનીય નજરે નહીં જુએ. આજે હું જોઉં છું કે મોટા ભાગના લોકોના શૉપિંગમાં ૮૦ ટકા ગેરવાજબી અને બિનજરૂરી શૉપિંગ હોય છે. જેની આવશ્યકતા ન હોય અને જેની કોઈ જરૂરિયાત નહીં હોય એવી ચીજવસ્તુ તમે ઘરમાં લઈ આવશો તો એક સમય એવો આવશે કે જરૂરી ચીજવસ્તુઓ પાછળ રહેવા માંડશે. સફળતા વિશ્વાસ આપે, પણ એ જ સફળતા આત્મવિશ્વાસને ખોટી દિશામાં લઈ જવાનું પણ કામ કરે. જે સફળતાને પચાવી પોતાના આત્મવિશ્વાસને કાબૂમાં રાખી શકે એ જ વ્યક્તિ પોતાની સફળતાને કાયમી રાખી શકે. સફળતાને કાયમી રાખવી હોય અને સફળતાને અકબંધ રાખવી હોય તો જીવનમાં બે વાતને વળગી રહેજો.

એક, બિનજરૂરી આવશ્યકતાને ક્યારેય ઊભી નહીં થવા દેતા અને બીજી વાત, સફળતાના નશામાં કોઈ નિર્ણય નહીં લેતા. સાહસ કરવું હિતાવહ છે, પણ એવું સાહસ ક્યારેય ન કરવું જે દુઃસાહસમાં પરિણમી શકતું હોય. આજનું ઘડતર કરવા માટે જેટલી મહેનત કરી છે એટલી જ જહેમત આજને અકબંધ રાખવા માટે કરશો તો તમારે ક્યારેય તકલીફમાં મુકાવું નહીં પડે, ક્યારેય કોઈ જાતની નુકસાની સહન નહીં કરવી પડે અને નુકસાની નહીં સહન કરવી પડે એટલે ક્યારેય તમારા પરિવારે પણ હેરાનગતિ ભોગવવી નહીં પડે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK