Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઝમાના આજ નહીં હૈ ડગમગાકે ચલને કા સંભલ ભી જા કિ અભી વક્ત હૈ સંભલને કા

ઝમાના આજ નહીં હૈ ડગમગાકે ચલને કા સંભલ ભી જા કિ અભી વક્ત હૈ સંભલને કા

04 January, 2021 04:47 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

ઝમાના આજ નહીં હૈ ડગમગાકે ચલને કા સંભલ ભી જા કિ અભી વક્ત હૈ સંભલને કા

ઝમાના આજ નહીં  હૈ ડગમગાકે ચલને કા સંભલ ભી જા કિ અભી વક્ત હૈ સંભલને કા


કૉલેજમાં ભણતો એ સમયે ‘ચેત મછિન્દર’ નામનું સાપ્તાહિક દર શનિવારે પ્રગટ થતું, તંત્રીનું નામ પણ શનિ હતું. સાપ્તાહિકના પહેલા પાને, શીર્ષકની ઉપર બે પંક્તિઓ કાયમ અંકિત રહેતી...

 ‘છોડ યે સબ લોભ મોહ માયા,



 ચેત મછિન્દર ગોરખ આયા.’


આ સાપ્તાહિકમાં આવતા લેખો-વાતો ખૂબ ચર્ચાસ્પદ અને જુગુપ્સાપ્રેરક રહેતાં અને અમે સૌ  મિત્રો હોંશે-હોંશે એ વાંચતા. મહત્ત્વની વાત એ છે કે બહુ વખત પછી અમારા મનમાં એક પ્રશ્ન જાગ્યો કે આ ‘મ‌છિન્દર’ છે કોણ? કોણ તેને ચેતવે છે? તેણે શું કર્યું છે? અને ગોરખનાથથી તે શું કામ ડરે છે? વળી આ ગોરખનાથ પણ છે કોણ?

ત્યાર બાદ જાણ્યું કે મછિન્દરનાથ એટલે મત્સ્યેન્દ્ર નાથ. માછલી સ્વરૂપે પ્રગટેલા ભગવાન. હઠયોગી, ભગવાન શિવના માનસપુત્ર, મંત્ર, તંત્ર અને અનેક સિદ્ધિઓને વરેલા યોગી. નાથપંથને વ્યવસ્થિત કરી એનો પ્રચાર અને પ્રસાર કરનારા તેમના શિષ્ય એટલે ગોરખનાથ. ગુરુ મછિન્દરનાથના પટશિષ્ય. ગોરખનાથ પણ મહાયોગી હતા. અનેક કઠિન યોગાસનોનો તેમણે આવિષ્કાર કર્યો હતો. આડાં, અવળાં, સીધાં, ત્રાંસાં, જાતજાતનાં અને ભાતભાતનાં તેમનાં આસનો જોઈને લોકો મંત્રમુગ્ધ બની જતા. એટલી હદ સુધી કે આગળ જતાં કોઈ આડાં-અવળાં કાર્યો કરે તો ‘શું ગોરખધંધા’ માંડ્યા છે એવી ઉક્તિ પ્રચલિત થઈ ગઈ.


બે સપ્તાહ પહેલાં ‘લોભ’ વિશેના લેખમાં નાથપંથી સાધુઓ ગુરુ મછિન્દરનાથ અને ગોરખનાથનો ઉલ્લેખ કરેલો લોભ થકી કામવાસના જાગે છે એનો. એ સામાન્ય માણસ માટેનું  કારણ હશે એવી માન્યતાને પુષ્ટિ આપે એવો પ્રસંગ મને એક સંતના આખ્યાનમાંથી મળ્યો. એક ખૂબ ચોંકાવનારી વાત સંતે કરી, પ્રમાણ આપીને. ઊપજાવી કાઢેલી નહીં, પરંતુ સત્યની એરણ પર ચડેલી વાત. સંતે બેધડક એક વિધાન કહ્યું, ‘ભોગ વગર યોગ અખંડ ન બને.’

ભોગ ભોગવ્યા પછી જ યોગસિદ્ધિ પ્રાપ્ત થાય. વાતના સમર્થનરૂપે તેમણે ગુરુ ગોરખનાથ અને મછિન્દરનાથ વચ્ચે બનેલો પ્રસંગ ટાંક્યો! ખૂબ જ રસપ્રદ, માર્મિક અને વેધક.

ગોરખનાથ ગુરુ મછિન્દરનાથના પડછાયા સમ હતા. ગુરુભક્તિ અને ગુરુસેવા સિવાય તેમને કંઈ સૂઝતું નહોતું. મછિન્દરનાથને ગુરુ પ્રત્યેની આવી એકતરફી આસક્તિ કે ભક્તિ પસંદ ન આવી. ભક્તિ વહેતાં ઝરણાં જેવી હોવી જોઈએ, કૂવાના પાણીની જેમ બંધિયાર નહીં. સેવા કોઈ એક ચોક્કસ વ્યક્તિ માટે નહીં, પણ સમાજ અને દેશ માટે હોવી જોઈએ.

સાધના સંકુચિત નહીં, સમસ્ત માટે હોય. એક દિવસ તેમણે ગોરખનાથને પાસે બોલાવીને કહ્યું, ‘ગોરખ, તારી આ યોગસાધના કેમ ચાલે છે?’

‘ગુરુવર્ય, આપની કૃપાથી બધું બરાબર ચાલે છે.’

‘બધું બરાબર ચાલે છે એ નક્કી કરનાર તું કોણ?’

‘દેવ, કંઈ ભૂલ થઈ ગઈ?’

‘ભૂલ નહીં, મહાભૂલ. તારી સેવા સંકુચિત છે, તારો પ્રેમ પરિમિત છે, તારી દૃષ્ટિ મર્યાદિત છે. તારા વિચારો વિશાળ બનાવ, પ્રેમ વ્યાપક બનાવ, સાધના સધન કર.’

‘એ માટે શું કરું?’

‘૧૨ વર્ષ હિમાલય જઈને તપ કર.’

ગોરખનાથ ૧૨ વર્ષ હિમાલયમાં ઉગ્ર તપ કરીને હોંશે-હોંશે પાછા આવ્યા, પણ ગુરુ ગાયબ હતા. ગુરુની રાહમાં બીજાં ૧૨ વર્ષ વિતાવ્યાં, ગુરુ શરણ કે ચરણ પામ્યા જ નહીં.

છેલ્લાં ૧૨ વર્ષથી દેશકાળ બદલાઈ ગયો હતો. સમાજમાં અરાજકતા, અંધાધૂંધી ફેલાઈ હતી. સમાજને દોરનાર, દિશા બતાવનાર, સર્વમાન્ય લોકપ્રિય એક જ વ્યક્તિ હતી ગુરુ મછિન્દરનાથ. તેઓ અંતર્ધ્યાન હતા.

ગોરખનાથે ગુરુની શોધ આદરી. શોધને અંતે જે સમાચાર મળ્યા એ અત્યંત આઘાત અને  આશ્ચર્યજનક હતા. અયોનીજ મછિન્દરનાથ કામરુ દેશની રાણી મૈનાકિનીના મોહપાશમાં  જકડાયા હતા. કામરુ દેશમાં ૧૨-૧૨ વર્ષથી વિલાસ કરે છે. એક પુત્રના પિતા પણ બન્યા છે.

આવું કઈ રીતે બન્યું? કઈ રીતે બની શકે? મછિન્દરનાથ જેવા સિદ્ધપુરુષનું આવું અધઃપતન કઈ રીતે થઈ શકે? કોઈ મજબૂરી હશે? કોઈ નાટક હશે? કોઈ અભિશાપ હશે? ગોરખનાથની  સમજમાં કંઈ આવતું નહોતું. તેમને થયું કે મારે ગુરુને ઉગારવા જોઈએ, દોરવા જોઈએ.

કામરુ દેશમાં પ્રવેશવું સહેલું નહોતું. ત્યાં ત્રિયા રાજ્ય હતું, સ્ત્રીઓનું રાજ. કોઈ પુરુષ  પરવાનગી વગર પ્રવેશે તો બળીને ભષ્મ થઈ જાય. ત્યાં પ્રવેશ્યા પછી કોઈ પુરુષ પાછો  આવ્યાના કોઈ દાખલા મોજૂદ નહોતા, પરંતુ આ તો ગોરખનાથ! ‘અલખ નિરંજન’નો નાદ  ગજવતાં કામરુ દેશની સીમા સુધી પહોંચી ગયા. નગરમાં કેમ પ્રવેશ કરવો એ વિચારે છે ત્યાં  દૂરથી તેમને ઘૂંઘરુનો રણકાર

સંભળાય છે. ગોરખનાથ નજર કરે છે તો રૂપરૂપના અંબાર સમી એક નર્તકી, નામે કાલિંગા રાજદરબારમાં નૃત્ય કરવા જઈ રહી હતી.

બન્નેની નજર અરસપરસ મળે છે. હજારો પુરુષોને જેણે ઘાયલ કર્યા હતા એ કાલિંગા આ દૈવી પુરુષને જોઈને ખુદ ઘાયલ થઈ ગઈ. ગોરખનાથે મર્યાદામાં રહીને કાલિંગાનું અભિવાદન કર્યું. સામે કાલિંગાએ અહીં આવવાનું પ્રયોજન પૂછ્યું. ગોરખનાથે બધી વાત કરી. રાજદરબાર સુધી પહોંચાડવા મદદ માગી.

કાલિંગા માટે તો ‘ભાવતું’તું ને વૈદે કીધું’ જેવું થયું. કાલિંગાએ કહ્યું, ‘યોગીજી, આપે બે શરત પાળવી પડશે; એક, સ્ત્રીવેષ ધારણ કરવો પડશે અને બીજી, મારા વાદ્યવૃંદમાં સામેલ થઈ મૃદંગ વગાડવું પડશે. ફાવશે?’

ગોરખનાથે જવાબ આપ્યો, ‘ગુરુ માટે હું કોઈ પણ રૂપ સ્વરૂપ ધારણ કરીશ. મારે માટે કંઈ પણ અશક્ય નથી.’

રાજદરબાર ભરાયો છે. ચારે તરફ ખુશ્બૂ મહેકી રહી છે. આહ્‍લાદક અને માદક વાતાવરણમાં નર્તકી કાલિંગા અનોખા ઠાઠથી મંચ પર પ્રવેશી. રાની મૈનાકિની અને મછિન્દરનાથનો મુજરો કર્યો. સર્વે સ્ત્રીસાજિંદાઓ સોળે શણગાર સજીને આવી હતી, પરંતુ એકનું રૂપ-સ્વરૂપ બધાથી અલગ તરી આવતું હતું, પણ માનવસહજ સ્વભાવ છે કે જ્યાં અને જ્યારે ટોળામાં એક વિશિષ્ટ વ્યક્તિ ઉપસ્થિત હોય ત્યાં અને ત્યારે ટોળામાંની વિશિષ્ટતા કોઈને નજર આવતી નથી. આજે કાલિંગાનું રૂપ કાંઈ ઔર ખીલ્યું હતું. સોનામાં સુગંધ ભળે એમ નર્તકીમાં કીર્તન ભળ્યું હતું (નર્તકીને ઊંધેથી વાંચો). કાલિંગાએ પગનો એક ઠૂમકો માર્યો અને એક વેધક નજર દરબારની ચારે બાજુ કરીને નૈનો નચાવ્યાં, હાથની મુદ્રાઓથી દરબારનાં ઓવારણાં લીધાં. મછિન્દરનાથ તરફ મીઠું, મારકણું સ્મિત કરીને પગના ઘૂંઘરુ રણકાવ્યા, સાજિંદાઓએ સાઝ છેડ્યા, કાલિંગાના પગની પાનીઓથી મંચ ડોલવા લાગ્યો અને સાથે ગોરખનાથ મૃદંગ-તાલ આપવા લાગ્યા.

મૃદંગ પરની થાપીઓ સાંભળીને એકાએક મછિન્દરનાથના શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ. મૃદુંગની થાપીમાં તેમને બ્રહ્મનાદ સંભળાયો. અસ્વસ્થ થઈ ગયા. મૈનાકિની તેમની અસ્વસ્થતા પામી ગઈ, ત્યાં ગોરખનાથનો પહાડી અવાજ ગુંજ્યો..

‘અલખ નિરંજન અલખ નિરંજન,

કોટિ કોટિ વંદન હે ગુરુજન.’ 

અલખ નિરંજનની ધૂન સાંભળીને આખી સભા મંત્રમુગ્ધ બની ગઈ. એક તો કાલિંગાના  કામણગારા હાવભાવ અને એમાં ઉમેરાયો ગોરખનાથનો અનાહદ નાદ! મછિન્દરનાથ ધ્રૂજી ઊઠ્યા. આવો સ્વર, આવો સૂર અને મૃદંગ પરથી આવતો આવો નાદ તેમણે ક્યારેય નહોતો  સાંભળ્યો. તેમણે ગાયિકા તરફ નજર નાખી. સૂર જાણીતો લાગ્યો, પણ સ્વરૂપ બરાબર  ઓળખાયું નહીં. મૈનાકિનીનું ધ્યાન પણ અત્યારે નૃત્ય કરતાં મછિન્દરનાથ પર વધારે હતું, ‘સ્વામી, આટલા અસ્વસ્થ કેમ છો?’

‘મૃદંગમાંથી નીકળતા નાદને કારણે, આજે કંઈક અલૌકિક લાગે છે. રોજ આ મહિલા જ વગાડે છે?’ ‘બંધ કરો.’ મૈંનાકિનીની ત્રાડથી સન્નાટો છવાઈ ગયો. ‘કાલિંગા, આ મૃદંગવાદિની કોણ છે? રોજ આ જ મહિલા વગાડે છે?’

 ‘ક્ષમા કરજો મહારાણી, નવી છે. રાણીદરબારમાં એક વાર વગાડવાની તેની વિનંતીને માન આપીને મેં તક આપી. અપરાધી હું છું. દંડ કરવો હોય તો મને કરો.’

મૈનાકિની કંઈ જવાબ આપે એ પહેલાં મછિન્દરનાથ બોલ્યા, ‘જે રોજ વગાડે છે તેને વગાડવા દો.’ ફરીથી નૃત્યગાન શરૂ થયાં. જે થાપીમાંથી બ્રહ્મનાદ નીકળતો હતો એમાંથી માત્ર નગારાનો ઘોંઘાટ સંભળાવા લાગ્યો. જે મૃદંગમાંથી હૈયાનો આર્તનાદ સંભળાતો હતો એ ફક્ત હાથની  કરામત લાગી. મછિન્દરનાથે એને બંધ કરાવીને ફરીથી ગોરખનાથને વગાડવાનું કહ્યું.

ગોરખનાથને થયું કે આ તક ઝડપી લેવા જેવી છે. તેમણે ઊભા થઈ મછિન્દરનાથની આંખમાં આંખ મિલાવીને પ્રણામ કર્યા. ચાર આંખો મળતાં મછિન્દરનાથના શરીરમાંથી વીજળી પસાર થઈ ગઈ. લાગ્યું કે સામેની બે આંખોને જુગજુગની ઓળખાણ છે. એ કાંઈ વધુ વિચારે એ પહેલાં ગોરખનાથનો પહાડી અવાજ સંભળાયો...

‘ઘટ ઘટ મેં અલખ જગાયા, 

ચેત મછિન્દર ગોરખ આયા!’

ગોરખનું નામ સાંભળીને મછિન્દરનાથ એકદમ ઊભા થઈ ગયા. ગોરખનાથને ઓળખી ગયા. આ અહીં ક્યાંથી? શું કામ આવ્યો હશે? આવ્યો તો ભલે આવ્યો, પણ મને ચેતવણી આપે છે કે ‘ચેત મછિન્દર ગોરખ આયા.’

વધુ આવતા સપ્તાહે...

સમાપન

એક મિત્રે મેસેજ મોકલ્યો, ‘આજે સવારે હું થોડો આધ્યાત્મિક થઈ ગયો. આંખો  બંધ કરીને વિચારવા લાગ્યો કે હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? કેમ આવ્યો છું? ક્યાં જવાનું છે? ત્યાં તો રસોડામાંથી વાઇફનો અવાજ આવ્યો, ‘તમે એક નંબરના આળસુ છો. ખબર નથી તમે કઈ દુનિયામાંથી આવ્યા છો. મારી જિંદગી ખરાબ કરવા આવ્યા છો. ઊભા થાઓ અને નાહવા  જાઓ.

‘દો નૈન તેરે દો નૈન મેરે, જબ મિલે તો મિલકે ચાર હુએ,

યે અપની અપની કિસ્મત હૈ, દો જીત ગયે, દો હાર ગયે!’

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

04 January, 2021 04:47 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK