Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > માણસની માનસિકતા અને નીતિમત્તાને કોહવાવી દેતા વાઇરસથી પણ બચવા જેવું છે

માણસની માનસિકતા અને નીતિમત્તાને કોહવાવી દેતા વાઇરસથી પણ બચવા જેવું છે

18 February, 2020 02:42 PM IST | Mumbai
Taru Kajaria

માણસની માનસિકતા અને નીતિમત્તાને કોહવાવી દેતા વાઇરસથી પણ બચવા જેવું છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


માણસની માનસિક સ્વસ્થતા કે સ્થિરતાને ભયંકર નુકસાન કરતાં આવા ઘણા વાઇરસો અસ્તિત્વમાં છે. એ વાઇરસો ભલે કોરોના કે સાર્સ જેવા વાઇરસની જેમ જીવલેણ ન હોવા છતાં માણસની માણસાઈને પીંખી નાખે એવા, તેને કકડીને પાશવીપણા પર લાવી મૂકે એવા હોય છે. સમાજ અને જનસમૂહ માટે ભયંકર જોખમી હોય છે. પરંતુ આપણે એ વિશે કદી આટલી ગંભીરતાથી વિચારતા નથી.

આ લખી રહી છું ત્યારે ન્યુ કોરોના વાઇરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા હજારને આંબી ગઈ છે અને ચાલીસ હજારથી વધુ લોકોને એનો ચેપ લાગી ગયો છે. આ ઘાતક વાઇરસનો કેર દિવસે-દિવસે વિસ્તરતો અને વકરતો જાય છે. ચીનમાં જન્મેલો આ વાઇરસ ભૌગોલિક સીમાડાઓ વીંધીને ભારત સહિત પચીસ જેટલા દેશોમાં પ્રવેશી ગયો છે. એનો ફેલાવો પણ માનવ સંસર્ગ સુધી મર્યાદિત નથી રહ્યો. હવામાં અને હવાથી ફેલાઈ રહી છે એની રાક્ષસી પહોંચ. વિશ્વ આરોગ્ય સંસ્થાઓએ એને તાજેતરના સમયનો સૌથી ખતરનાક વાઇરસ જુમલો ગણાવ્યો છે અને આ વાઇરસની પકડમાં દુનિયાનાં વેપાર, વાણિજ્ય અને અર્થતંત્ર પણ ઝડપાઈ ગયાં છે. દુનિયાવાસીઓ આતંકિત થઈ ઊઠ્યા છે. જાણે મૃત્યુનો દૂત છાકટો થઈને કોઈની પણ ઉપર ત્રાટકશે! એના ભયથી દુનિયા રીતસર ફફડી ઊઠી છે.



બીમારી બનીને ત્રાટકતા અને મૃત્યુને દ્વાર પહોંચાડી દેતા આ વાઇરસને જોઈને બીજું કંઈક પણ યાદ આવે છે. થોડા સમય પહેલાં એક સમાચાર વાંચ્યા હતા. એમાં ચાઇલ્ડ મોલેસ્ટેશન, બળાત્કાર અને હત્યાના સમાચારો પ્રગટ થયેલા. અને એ ત્રણેય કિસ્સાના પકડાયેલા આરોપીએ કબૂલ કર્યું હતું કે મોબાઇલમાં ઇન્ટરનેટ પર પૉર્નોગ્રાફિક વિડિયો જોઈને તેમણે એ દુષ્કૃત્યો આચરેલાં! એમાં એક તો કિશોરવયનો ગુનેગાર હતો. છેલ્લા કેટલાય સમયથી નાની બાળકીઓ પરના બ‍ળાત્કાર અને હત્યાના સમાચારો જાણે સામાન્ય બની ગયા છે. સગા કે સાવકા પિતા, કાકા, માસા, ફુવા કે દાદા જેવા સગાંઓએ કુટુંબની છોકરીઓ પર બળાત્કાર કર્યાના સમાચારો પણ એવા જ કૉમન થઈ ગયા છે. સંસ્કાર કે મૂલ્યોની વાતો કરનારા જુનવાણી અને સંકુચિત ગણાય છે. સાહિત્ય કે ફિલ્મમાં પર્વર્ટ કહી શકાય એવી અધમમાં અધમ કક્ષાની વાતો કે અભદ્ર ભાષાને કલાત્મક રીતે રજૂ કરવામાં આવે છે અને એ સો કરોડની ક્લબમાં પહોંચી જાય એટલો વકરો ચપટીમાં કરી લે છે!


આ બધું જોઈને વિચાર આવે છે કે આ પણ એક પ્રકારનો વાઇરસ જ નથી? માણસની માનસિકતા અને નીતિમત્તાને કોહવાવી દેતો, કોરી ખાતો કોઈ ઝેરી વાઇરસ? તમે જ વિચારો, સ્વસ્થ માનસિકતા ધરાવતા એક સરેરાશ સંસ્કારી માણસને પોતાની પુત્રી પર બળાત્કાર કરવાનો વિચાર કદી આવે? કોઈ વ્યક્તિ પોતાની બહેન, મા કે દાદીની હત્યા કરવાનું વિચારી શકે? કોઈ મા કે બાપ પોતાનાં બાળકોની હત્યા કરી શકે? છેલ્લાં થોડા વર્ષોમાં આવા બધા કિસ્સાઓ જેટલી સંખ્યામાં બની રહ્યા છે એ જોઈને લાગતું નથી કે માનવીની વિચાર અને વિવેકશક્તિને ડસી ગયેલો આ પણ કોઈ વાઇરસ છે? માણસને તેની સ્વાભાવિક અને પાયાની સંસ્કારિતા વિસરાવી દે, યોગ્ય-અયોગ્ય વચ્ચેની ભેદરેખા ભૂંસી નાખે, નીતિ અને નેકીનાં મૂલ્યોને નેવે મુકાવી દે એવો ‘લૂઝ મૉરલ્સ’નો વાઇરસ?

કોઈ પણ વ્યવસાય કે ધંધામાં પણ પોતાનો સ્વાર્થ જોવામાં તદ્દન નીચલી પાયરીએ ઊતરીને લોકો સાથે ભયંકર છેતરપિંડી કરતા લોકોને જોઉં ત્યારે પણ આ જ વિચાર આવે છે. કોઈ વ્યક્તિ કે દરદી ડૉક્ટર પાસે જાય ત્યારે પણ આ જ વિચાર આવે છે. કોઈ વ્યક્તિ કે દરદી ડૉક્ટર પાસે જાય ત્યારે કોઈ પણ દીવાલ રાખ્યા વગર પોતાની જે કોઈ સમસ્યા હોય એ પેટ ખોલીને જણાવે છે. આમ ડૉક્ટર દરદીના જીવનની અત્યંત ખાનગી વાત જાણી શકે છે.


શરીરનો કોઈ પણ ભાગ ડૉક્ટર પાસે ઉઘાડો કરતાં દરદી સંકોચ ન અનુભવે, કેમ કે તેને તબીબ પર વિશ્વાસ હોય. પરંતુ એ તબીબ જ્યારે પોતાના વ્યવસાયની નૈતિકતા વીસરીને વાસનાનો ગુલામ થઈ જાય ત્યારે દરદીની શું હાલત થાય? માનસિક બીમારીથી પીડાતા દરદીઓ માટે તો તેનો ઇલાજ કરનાર તબીબ તેની સૌથી વધુ વિશ્વાસપાત્ર વ્યક્તિ હોય છે. તેના આંતરમનમાં થતા ગૂંચવાડા દરદી તેના માનસચિકિત્સક પાસે ખોલતાં અચકાતો નથી. હવે તેની એ લાચાર સ્થિતિનો જ્યારે તબીબ જ ઊઠીને ગેરલાભ લેવા બેસે એને શું કહીશું? માનસિક અસ્થિરતા ધરાવતી મહિલા દરદીઓને છેડવાના કે તેમના પર બળાત્કાર ગુજારવાના કિસ્સાઓ કેટલા બધા બને છે! આવા તબીબો કે એવું વર્તન કરનારા બીજા કોઈને પણ બેફામ કામવાસનાનો વાઇરસ તો નહીં લાગી ગયો હોય? માણસની માનસિક સ્વસ્થતા કે સ્થિરતાને ભયંકર નુકસાન કરતાં આવા ઘણા વાઇરસો અસ્તિત્વમાં છે. એ વાઇરસો ભલે કોરોના કે સાર્સ જેવા વાઇરસની જેમ જીવલેણ ન હોવા છતાં માણસની માણસાઈને પીંખી નાખે એવા, તેને કકડીને પાશવીપણા પર લાવી મૂકે એવા હોય છે. સમાજ અને જનસમૂહ માટે ભયંકર જોખમી હોય છે. પરંતુ આપણે એ વિશે કદી આટલી ગંભીરતાથી વિચારતા નથી. દેશ કે દુનિયામાં થતી એવી અઢળક ઘટનાઓ છતાં એના માટે કોઈ પ્રિકૉશન કે ક્વોરાન્ટાઇનનો પ્રોગ્રામ હોતો નથી. આવું કેમ? કદાચ તનના સ્તરે અનુભવાતા જોખમથી માણસ વધુ સાવધ રહેવા ટેવાયેલો છે, કેમ કે એમાં તેને જીવનનો સવાલ લાગે છે. પરંતુ મનના સ્તરે થતું નુકસાન એ જીવનની જીવાઈ સામે ઝળૂંબતું મહા જોખમ છે એ વાત પણ સમજવી જરૂરી છે.

Whatsapp-channel Whatsapp-channel

18 February, 2020 02:42 PM IST | Mumbai | Taru Kajaria

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK