Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સેંકડો પ્રશ્નચિહ્નો વચ્ચે એક અવિરત પ્રાર્થના

સેંકડો પ્રશ્નચિહ્નો વચ્ચે એક અવિરત પ્રાર્થના

06 October, 2020 05:41 PM IST | Mumbai
Taru Kajaria

સેંકડો પ્રશ્નચિહ્નો વચ્ચે એક અવિરત પ્રાર્થના

ગુનેગારોને એવી આકરી સજા સત્વરે થાય કે બીજાઓ એનો વિચાર કરતાં પણ કાંપે.

ગુનેગારોને એવી આકરી સજા સત્વરે થાય કે બીજાઓ એનો વિચાર કરતાં પણ કાંપે.


છેલ્લા પખવાડિયાથી સમાચારોમાં ગાજેલી ઉત્તર પ્રદેશના હાથરસની અત્યાચાર પીડિત યુવતીનું ગયા અઠવાડિયે દિલ્હીની હૉસ્પિટલમાં મૃત્યુ થયું. ત્યાર બાદ તમામ ચૅનલ્સ પર તેના જ સમાચાર આવી રહ્યા છે. ઓગણીસ-વીસ વર્ષની યુવતી પર ચાર માણસોએ અત્યાચાર કર્યો (કહે છે કે છોકરીની ભયંકર ક્રૂર રીતે મારપીટ કરી. તેની ડોક મરડી, કરોડરજ્જુ તોડી અને જીભ કાપી નાખી હતી). એ યુવતી દલિત પરિવારની હતી. એક અહેવાલ પ્રમાણે આ ઉપરાંત તે યુવતી પર સામૂહિક બળાત્કાર પણ કરાયો હતો. અને યુપીના એક વર્ગના ટ્રૅક રેકૉર્ડને જોતાં એ અહેવાલને ખોટો માનવાનું બિલકુલ કારણ નથી. આટલું બધું સહન કર્યા બાદ પણ એ યુવતી હૉસ્પિટલમાં પંદર દિવસ મોત સામે ઝઝૂમતી રહી પણ અંતે ગયા મંગળવારે તે જિંદગીની લડાઈ હારી ગઈ. દરમિયાન આ દુષ્કૃત્ય કરનાર ચારેય માણસ પકડાઈ ગયાના સમાચાર પણ આવ્યા.
અહીં સુધીની વાતો વિશે આપણે અહેવાલો અને સમાચારોમાં જોયું-સાંભળ્યું હતું. પરંતુ તેના મૃત્યુના સમાચાર આવ્યા ત્યાર બાદની ઘટનાઓ દેશના કરોડો લોકોએ ટેલિવિઝન ચૅનલો પર લાઇવ જોઈ છે. હૉસ્પિટલમાંથી એ યુવતીના મૃતદેહને ઍમ્બ્યુલન્સમાં નાખી યુપી પોલીસ દ્વારા હાથરસ લાવવામાં આવ્યો. ગામજનો અને પરિવારના સ્વજનો દીકરીનાં અંતિમ દર્શન માટે વિનંતીઓ કરતા રહ્યા, પણ મૃતદેહનો ચહેરો જોવા ન મળ્યો એટલું જ નહીં, પરિવારજનોની ઇચ્છા વિરુદ્ધ અધરાતે જ તેના અગ્નિસંસ્કાર પણ પોલીસો દ્વારા જ કરવામાં આવ્યા! એક વેરાન જગ્યા પર ખડકવામાં આવેલી એ યુવતીની ચિતા, એમાં લાકડાં નાખતા, ડીઝલ રેડતા અને છેવટે અગ્નિને હવાલે કરી દેતા પોલીસો અને તેમના સાગરીતો અને દૂર એક લોખંડના દરવાજાના સળિયા પકડી વિલાપ કરતા આ સમગ્ર દુર્ઘટનાના લાચાર સાક્ષી બની રહેલા તેના સ્વજનોનાં વિઝ્યુઅલ્સ ટીવીની સ્ક્રીન પર સેંકડો વાર દર્શાવાયાં. એ દૃશ્યો એટલાં ભયંકર હતા કે ભલભલા કઠણ કાળજાવાળા પણ ભાંગી પડે. પોતાના મૃત્યુ પામેલા સ્વજનનો ચહેરો પણ છેલ્લી વાર જોવા ન મળે? શા માટે? એ પોલીસોને કોણે આપ્યો હતો એવો અધિકાર કે તેઓ પરિવારજનોને મૃત યુવતીનાં અંતિમ દર્શનથી પણ વંચિત રાખે? એવું શું હતું જે છુપાવવાના મરણિયા પ્રયાસો થઈ રહ્યા હતા? કોઈના સ્વજનના મૃતદેહની અંતિમ વિધિ કરવાનો હક એ પોલીસવાળા પાસે ક્યાંથી આવ્યો? આઉટરાઇટ દાદાગીરી, ખુલ્લેઆમ સત્તાનો કેફ અને રોફ.
એ યુવતી પર બળાત્કાર કરનારા નરાધમો અને હવે તેના મૃતદેહને પણ તેના સ્વજનોની લાગણીભીની વિદાયથી વંચિત રાખનારા એ નરરાક્ષસોને જોઈને મને એક પ્રસંગ યાદ આવ્યો. આપણા સંનિષ્ઠ સર્જક જયભિખ્ખુની (બાલભાઈ દેસાઈ) જીવનકથા ‘જીવતરની વાટે અક્ષરનો દીવો’માં તેમના સાહિત્યકાર પુત્ર કુમારપાળ દેસાઈએ આલેખી છે. જયભિખ્ખુને નાનપણમાં બધા ભીખો કહેતા. તેમના બાળપણનો એક પ્રસંગ કુમારપાળે ટાંક્યો છે : એક વાર વરસોડા ગામનો રસ્તો ખરાબ થઈ ગયો હતો. એની મરામત કરવા જેલના કેદીઓને લાવવામાં આવ્યા. આખું ગામ આ કેદીઓને જોવા એકઠું થયું. પગે જંજીર અને હાથે બેડી જડેલી, શરીર પર જાંગિયો કે ચડ્ડી અને માથે ધોળી ટોપી. એ કેદીઓને જોઇને ભીખાના એક ગોઠિયાએ કહ્યું : અરે, ભીખા, ચોર તે કંઈ આવા હોતા હશે? આ બધાને તો આપણા જેવા જ હાથ-પગ, નાક-કાન અને આંખો છે. આ તો આપણા જેવા લાગે છે; ચોર નથી. સો વરસ પહેલાંના સમયમાં ઊછરતાં એ નિર્દોષ બાળકોનું કુતૂહલ તો જાણકારીના આ યુગમાં ભસ્મ થઈ ગયું છે. એમ છતાં ઓઢીને આવી અધમ હરકતો કરતા દુર્જનોને જોઈએ ત્યારે માનવીનાં ખોળિયાં પહેરીને આવેલા હેવાનોની ઝલક જોવા મળે છે.
આવું એ રાજ્યમાં થઈ રહ્યું હતું જેના વિકાસ અને પરિવર્તનનાં રૂપકડાં વિઝ્યુઅલ્સ સાથેની જાહેરખબરો એ ટીવી ચૅનલો પર થોડી-થોડી વારે પ્રદર્શિત થઈ રહી છે! જેના મુખ્ય પ્રધાન સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી સલામતીની વાતો કરી રહ્યા છે! સ્વાભાવિક છે આને કારણે દેશવાસીઓનો આક્રોશ આસમાને પહોંચી ગયો. વિરોધનો હોબાળો એટલો વધી ગયો કે આ કેસની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) રચવામાં આવી અને એને સાત દિવસમાં તપાસનો અહેવાલ સોંપવાની તાકીદ કરવામાં આવી.
ખરેખર કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિને વ્યથિત કરી દે એવાં એ દૃશ્યો હતાં. અને ત્યાર બાદ એ પરિવાર સુધી પહોંચવાનો પ્રયત્ન કરનાર રાજાકારણીઓ તો ઠીક, પણ પત્રકારોનેય અટકાવવાના પ્રયત્નો થયા એ પણ આઘાતજનક હતું. એ નાનકડા ગામમાં જાણે પોલીસદળોની ફોજ ઉતારવામાં આવી હતી. એવું તે શું હતું કે પત્રકારોને પીડિતાના સ્વજનો સાથે વાત કરવા જવા નહોતા દેવાતા? એ માટે એવો ખુલાસો કરાયો કે એસઆઇટીની તપાસ ચાલે છે એટલે હમણાં કોઈ પીડિતના પરિવાર સુધી નહીં જઈ શકે. પત્રકારોને બળપૂર્વક રોકતા એ પોલીસબળને જોઈને સવાલ થતો હતો કે આપણે દુનિયાની સૌથી વિરાટ લોકશાહી ભારતમાં જ છીએ કે ચીનમાં?
પોતપોતાની કંઠી પ્રમાણે ટીવી ચૅનલો આ સમગ્ર ઘટનાને કવરેજ આપી રહી છે. કેટલીક ચૅનલોએ દાવો કર્યો કે આ ઘટનાને વકરાવવા પાછળ રાજકારણીઓ અને પત્રકારોએ ભૂમિકા ભજવી છે અને તેમની પાસે એનાં સબૂત છે. તેમણે એ પુરાવાઓ (ઑડિયો અને વિડિયો) પણ વારંવાર બતાવ્યા કર્યા. કહેવાય છે કે પીડિતાના પરિવારને મામલો થાળે પડવા ન દેવાની ઉશ્કેરણી કરતા, સરકારની કોઈ પણ મદદ ન સ્વીકારવાની શીખ આપતા અને બદલામાં સરકાર આપે એના કરતાં ડબલ રકમ આપવાની લાલચ આપતાં એ સંવાદો એક રાજકીય પક્ષના કાર્યકરો અને મળતિયા પત્રકારોના હતા. દેશમાં રાજકારણ જે દિશામાં જઈ રહ્યું છે એમાં આવી ઘટનાઓ શક્ય પણ છે. આમ છતાં એક યુવતી સાથે જે જઘન્ય અપરાધ આચરવામાં આવ્યો છે એની દુષ્ટતા કે ગંભીરતા કોઈ પણ હિસાબે ઓછી આંકી શકાય નહી. છેલ્લે શનિવારે રાત્રે યોગી સાહેબે આ ઘટનાની તપાસ સીબીઆઇને સોંપવાની જાહેરાત કરી છે. પરંતુ સીબીઆઇ જે ગતિએ કામ કરે છે એ જોતાં એ તપાસ જલદી શરૂ થશે? પૂરી થશે? કે...????? હા, સેંકડો પ્રશ્નચિહ્નો છે. પણ એ બધાની વચ્ચે એક પ્રાર્થના અવિરત છે. ગુનેગારોને એવી આકરી સજા સત્વરે થાય કે બીજાઓ એનો વિચાર કરતાં પણ કાંપે.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2020 05:41 PM IST | Mumbai | Taru Kajaria

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK