પશ્ચિમ કચ્છના લોકજીવનમાં ઢોલ પરંપરા

Published: Jan 07, 2020, 15:09 IST | Mavji Maheshwari | Kutch

પશ્ચિમ કચ્છને બારીકાઈથી જોવામાં આવે તો એ ભારતીય સંસ્કૃતિ અને અરેબિક સંસ્કૃતિનો છાયા વિસ્તાર જણાય છે.

ઢોલ પરંપરા
ઢોલ પરંપરા

પશ્ચિમ કચ્છમાં રહેતી અમુક જ્ઞાતિઓના પહેરવેશ અને જીવનશૈલી બલૂચિસ્તાન, સિંધ અને અફઘાન સાથે થોડું સામ્ય ધરાવે છે. સ્થાનિક ભાષા ઉપર પણ એ વિસ્તારોની અસર છે. અગાઉ કહેવાયું એમ લોકગીત અને ઢોલ એકમેક સાથે જોડાયેલાં રહ્યાં છે. પશ્ચિમ કચ્છમાં ઢોલના તાલની જેટલી વિવિધતા છે એટલી ગુજરાતમાં ક્યાંય નથી.

પશ્ચિમ કચ્છ બે સદી પહેલાં ઉત્તર ભારતીય સંસ્કૃતિથી જરા જુદો હતો. પશ્ચિમ કચ્છમાં મોટા ભાગે હિન્દુ અને મુસ્લિમ પીરોનાં આસ્થાન, સતીઓ અને શૂરાઓના પાળિયા હતા જે એ વખતે પૂજાતા અને આજેય પૂજાય છે, પણ ફરક પડી ગયો હોય તો એ છે કે એ વખતે દરેક આસ્થાન ઉપર જે ઢોલ વાગતો જેના જુદા-જુદા તાલ હતા. જખ્ખ, વાછરો, રાવળપીર, ભુઠ્ઠીપીર, મરદપીર, પઠાપીર નામના દેવ પશ્ચિમ કચ્છમાં જ છે. એ આસ્થાનો ઉપર જુદા-જુદા તાલનો ઢોલ વગાડવામાં આવે છે. ઢોલના તાલના આધારે કહી શકાય કે એ કયા દેવસ્થાન પર વાગી રહ્યો છે. એટલું જ નહીં, આશાપુરા માતાજી સિવાય અન્ય હિન્દુ દેવીઓ જેવાં કે અંબાજી, કાલકા, બહુચરનાં મંદિરો પણ કોઈ સમયે પશ્ચિમ કચ્છમાં નહોતાં. જે-તે જ્ઞાતિઓના પોતાના સતી કે શૂરાની છતરડીઓ હતી, એના પર પણ ઢોલ જ વાગતો. આ વિસ્તારમાં પોતપોતાની કુળદેવીના આસ્થાને જે ઢોલ વાગે છે એ એક જ પ્રકારનો છે અને એને માતાનો ઢોલ કહેવામાં આવે છે. આ તાલ ખાસ કરીને ભૂવા ધૂણે ત્યારે વગાડવામાં આવે છે. પશ્ચિમ કચ્છમાં વાછરા દેવનાં પાંચ મુખ્ય આસ્થાનો છે. ભોજાય, પાંચોટિયા, ઉનડોઠ સાંયરા અને વડવા કાંયા. આ દેવ વડગાડ કાઢવાના, ભૂત-પ્રેત દૂર કરવાના દેવ ગણાય છે. આ પાંચેય સ્થાનક ઉપર જુદા-જુદા તાલનો ઢોલ વાગે છે જેને ‘નચ જો ઢોલ’ કહેવાય છે.  જખ્ખદેવ અને જસરાજદેવનો તાલ ઢોલ સાવ જુદો. એ બન્ને દેવ જેના સરમાં આવે તે ઊભા થઈને એક પગે ધૂણે છે. કચ્છમાં પાબૂદાદા કહેવાતા દેવનાં ઘણાં આસ્થાનો છે. આ સ્થાનકે વાગતો ઢોલ તલવાર રાસને મળતો આવે છે. માંડવીના મસ્કા ગામ પાસે રાવળપીર નામનું એક દેવસ્થાન આવેલું છે જેની આરતી બપોરે ૧૨ વાગ્યે થાય છે અને એ આરતીમાં ઢોલ વગાડવામાં આવે છે. વળી કચ્છનાં દેવસ્થાનો ઉપર વાગતા ઢોલના તાલનો અભ્યાસ કરવામાં આવે તો દરેક તાલમાં ઘોડાની વિવિધ ચાલ સંભળાય છે, કેમ કે જખ્ખ, વાછરો, પાબૂદાદા, રાવળપીર એ દેવોની મૂર્તિઓ ઘોડા પર બેઠેલી જોવાં મળે છે. પશ્ચિમ કચ્છમાં મોટા ભાગનાં ગામોમાં સુદ બીજનો ચંદ્ર દેખાય એ સાંજે ગામનાં દેવસ્થાનો પર ઢોલ વગાડવાની પરંપરા આજે પણ છે. ઢોલનો એક વિશિષ્ઠ તાલ પશ્ચિમ કચ્છમાં ભરાતા મેળાઓમાં સાંભળવા મળે છે. એ મેળાઓમાં કચ્છી કુસ્તી (કચ્છીમાં એને બખ મલાખડો કહે છે) યોજવામાં આવે છે. આ કુસ્તી ચાલતી હોય ત્યારે એક ચોક્કસ જાતના તાલનો ઢોલ વગાડાય છે.

પશ્ચિમ કચ્છમાં શ્રમજીવી, દલિત અને મુસ્લિમ જ્ઞાતિઓમાં લગ્નની આગલી રાતને શોની રાત કહેવાય છે. શોની આખી રાત કચ્છી રાસડા ગવાય છે. શોની રાતે ઢોલના જુદા-જુદા તાલ પ્રહર પ્રમાણે વગાડાય અને પ્રહર પ્રમાણે જ ગીતો ગવાય. પાછલી રાતે જે ગીતો ગવાય એની સાથે વાગતા ઢોલના તાલ પરથી નક્કી પણ કરી શકાય કે છોકરાનાં લગ્ન હશે કે છોકરીનાં. પશ્ચિમ કચ્છમાં ઢોલના કેટલાક ચોક્કસ તાલ છે જેને વાવલ, ગિડધો, થારી, ચલખી, વીરતાલ, લમી ચાલ, ટૂંકી ચાલ વગેરે કહેવાય છે. કચ્છની અમુક જ્ઞાતિઓમાં શોની રાત પૂરી થવામાં હોય ત્યારે પરોઢે ઘડી ભરવાની વિધિ થાય. વર કે કન્યાને કરાવાતા સ્નાન માટે જળાશયથી અબોટ પાણી લેવા જવાની વિધિને ઘડી ભરવી કહેવાય છે. ઘડી ભરવા સમયે એક ચોક્કસ ગીત ગવાય છે એનો તાલ સાવ જુદો છે અને એ ગીત પૂરતો જ છે. એવું લાગે જાણે જળને જાગૃત કરવાનો તાલ હોય. વરરાજાને તેની માતા પરણવા જવા વિદાય આપે (કચ્છમાં અમુક જાતિઓમાં દીકરાની મા જાનમાં જતી નથી) ત્યારે તેની સાથે જ્ઞાતિસમૂહ શમીવૃક્ષ સુધી જાય એને નિખિટી કહેવાય છે. વર પરણવા જાય ત્યારે નિખિટી વરની હોય અને જાન વિદાય થાય ત્યારે કન્યાની હોય. આ નિખિટીના ઢોલનો તાલ જુદો હોય છે. પશ્ચિમ કચ્છના મહેશ્વરી અને મારુ મેઘવાળ સમાજમાં એક સમયે ઢોલ વગાડવાનું કામ તેના ગોર (કચ્છીમાં મારાજ) જ કરતા. કચ્છના રાજવંશ જાડેજાના કૂળદેવી આશાપુરાજીના મંદિરે વાગતો ઢોલ સિંધુડો છે. આશાપુરાજીના મંદિરે ઢોલની સાથે ડાક વગાડવાની પણ પ્રથા છે. મહેશ્વરી મેઘવાળ સમુદાયના ધર્મગુરુ પુરુષ મૃત્યુ પામે તો તેની સ્મશાનયાત્રામાં ચોક્કસ જાતનો ઢોલ વગાડાય છે જે સિંધુડાને મળતો આવે છે.

કચ્છની ત્રીજા ભાગની વસ્તી મુસ્લમાનોની છે અને વધુ મુસ્લિમો પશ્ચિમ કચ્છમાં રહે છે જેની ઓછી નોંધ લેવાઈ છે એ છે કચ્છનાં ઇસ્લામી ગીત અને તાલ. મોહરમના મહિનામાં હજરત મોહમ્મદ પયગંબર સાહેબ અને તેમની સાથે શહીદ થયેલા તેમના પરિવારજનોની યાદમાં કચ્છમાં જે ગીતો ગવાય છે એને ઓસાણી કહેવાય છે. આ ઓસાણી દરમ્યાન જે ચોક્કસ તાલનો ઢોલ વગાડાય છે એને ચોકારો કહેવાય છે. આ ચોકારો તાલ જ્યારે તાજિયા નીકળે ત્યારે પણ વગાડાય છે. તાજિયામાં અન્ય બે જાતના ઢોલ વગાડાય છે જેને ચક્કર અને ધમાલ કહે છે. આ પ્રદેશમાં રહેતા સીદી જ્ઞાતિની બાવા ગોર નામની એક જગ્યા ભૂજમાં છે જેના વાર્ષિક ઉત્સવ વખતે સીદી જ્ઞાતિના લોકો ભેગા થાય છે અને જે તાલ વગાડવામાં આવે છે એ કચ્છના એકેય તાલને મળતો નથી. એ તાલમાં દક્ષિણ આફ્રિકાના નેગ્રીટોના સંગીતની છાંટ સ્પષ્ટ વર્તાય છે. આવો તાલ મુન્દ્રા તાલુકાના ધ્રબ અને ઝરપરામાં પણ સાંભળવા મળે છે. પશ્ચિમ કચ્છમાં દાતણિયા નામનો એક ગુજરાતી ભાષી સમૂહ ફક્ત માંડવી અને મુન્દ્રા તાલુકામાં રહે છે. આ સમૂહ મોટા ભાગે ફળો અને શાકભાજીનો વેપાર કરે છે. લાંબા સમયથી કચ્છમાં રહેતા હોવાથી તેમના ઢોલના મૂળ તાલ બદલાઈ ગયા છે. તેમ છતાં, તેમની જાન વિદાય થવાની હોય એ પહેલાં વરરાજાને બેસાડીને એક રાજાને સન્માન અપાય એમ ઢોલ વગાડાય છે એ દક્ષિણ ગુજરાતના આદિવાસીઓને મળતો આવે છે. મારું વ્યક્તિગત એવું માનવું છે કે આ સમુદાય દક્ષિણ ગુજરાતના વલસાડ વિસ્તારમાંથી કોઈ સમયે કચ્છ આવેલો હોવો જોઈએ. પશ્ચિમ કચ્છની લંઘા જ્ઞાતિની ઓળખ જ ઢોલ અને તબલા છે.  લંઘા જ્ઞાતિ આજે ઢોલ વગાડવામાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામી છે. એ જ્ઞાતિ કોઈ સમયે ગામમાં જુદા-જુદા સામાજિક પ્રસંગોમાં ઢોલ વગાડતી. પશ્ચિમ કચ્છમાં ઢોલ વગાડવાનું અને ઢોલ બનાવવાનું કામ મુસ્લિમ, દલિત, કોળી, પારાધી અને જોગી જેવી જ્ઞાતિઓ કરતી રહી છે. કચ્છમાં દેશી ઢોલમાં બકરાનું અને હરણનું ચામડું વપરાય છે. ખારેકના થડનો ઢોલ સારો કહેવાય છે. કચ્છનાં અમુક ગામોની મુસ્લિમ જમાતના મકાનમાં જૂના સમયના બહુ મોટા કદના ઢોલ છે જે વર્ષમાં એક જ વાર ઉપયોગમાં લેવાય છે જેને સવાલી ઢોલ કહે છે.

વર્તમાન સમયમાં તળ કચ્છી તાલ હવે અબડાસા, લખપત, નખત્રાણા અને બન્ની વિસ્તારના અમુક ભાગમાં બચ્યા છે. એ વિસ્તારોમાં હજી પરંપરાગત તાલનાં લોકગીતો ગાનારા મળી આવે છે. ઇલેક્ટ્રિકલ સાધનો અને સંગીતનાં આધુનિક સાધનોને કારણે કચ્છની ઢોલ સાથે જોડાયેલી ગાવાની અને રમવાની પરંપરા તૂટી રહી છે. એટલું જ નહીં, કચ્છની ઓળખ જેવા કેટલાક ઢોલના વિશિષ્ટ તાલ ભૂંસાતા જાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK