‘કૈસે મંઝર સામને આને લગે હૈં, ગાતે ગાતે લોગ ચિલ્લાને લગે હૈં, અબ ઇસ તાલાબ કા પાની બદલો, યે કંવલ કે ફ

Published: Jun 01, 2020, 23:27 IST | Pravin Solanki | Mumbai

ભવિષ્ય એટલે આપણે આવતી કાલ માટે શું પ્લાન કર્યો છે એ નહીં, ભવિષ્ય એટલે આજે ‍આપણે જે પ્લાન કર્યો છે એનું પરિણામ હોવું જોઈએ. કોરોનાકાળની કઠણાઈ...

પણ હવેથી એક ઈશ્વર બીજા ઈશ્વરને મળશે ત્યારે જરૂર પૂછશે કે તમે માણસમાં માનો છો?
પણ હવેથી એક ઈશ્વર બીજા ઈશ્વરને મળશે ત્યારે જરૂર પૂછશે કે તમે માણસમાં માનો છો?

‘કોણ વધારે મહત્ત્વનું, મંદિર કે હૉસ્પિટલ?’ સવારની ચા પીતો હતો ત્યાં મારા એક મિત્ર જતીનભાઈએ ફોનમાં પ્રશ્ન કર્યો? હું ડઘાઈ ગયો. અવાજ આવ્યો, ‘ચૂપ કેમ થઈ ગયા?’
‘ભાઈ જતીન, અત્યારે મારા મનમાં પ્રશ્ન એ છે કે ચા સાથે ખાખરા ખાઉં, ગાંઠિયા ખાઉં, ઇડલી ખાઉં, બધું જ ખાઉં કે પછી કંઈ ન ખાઉં, શું મહત્ત્વનું છે? પ્રવીણભાઈ, આ મજાકનો વિષય નથી. મેં કહ્યું કે મને ખબર છે કે આ વિષય નિબંધસ્પર્ધાનો છે. ભણતા હતા ત્યારે ઘણી નિબંધસ્પર્ધામાં ભાગ લીધો છે. ‘કોનું મહત્ત્વ વધારે, લક્ષ્મીનું કે સરસ્વતીનું, લોકશાહીનું કે સરમુખત્યારીનું, વિજ્ઞાનનું કે ધર્મનું, માતા કે પિતાનું, શાકાહારી ભોજનનું કે માંસાહારી ભોજનનું, હૃદયનું કે બુદ્ધિનું, ચહેરાનું કે ચારિત્રનું? હું વિષયોની યાદી લંબાવું એ પહેલાં તેણે ફોને મૂકી દીધો. મેં સામેથી લગાડ્યો. મેં કહ્યું, સૉરી, જતીન, પણ આ સવાલ તું મને શું કામ કરે છે? તેણે કહ્યું, તમને જ નથી કર્યો, ઘાટકોપરની અનેક મોટી હસ્તીઓને કર્યો છે.’ હું મોટી વ્યક્તિ નથી. તેણે કહ્યું, એની મને ખબર છે, પણ તમે કામની વ્યક્તિ છો, ઘાટકોપરની પ્રશંસાના વાર-તહેવારે ઢોલ-નગારાં વગાડો છો તો આજે જે પરિસ્થિતિ છે એનો અંદાજ કેમ નથી તમને?
‘શું પરિસ્થિતિ છે?’
એકશ્વાસે ઘણુંબધું કહી દીધું. સાહેબ, આજે ઘાટકોપર જ નહીં, આખું મુંબઈ યમપાશના ભરડામાં છે. સારવાર માટે કોઈ દરદીને હૉસ્પિટલમાં બેડ મેળવતાં નેવાનાં પાણી મોભે આવી જાય છે. સક્ષમ લોકો પૈસાના જોરે ગમે ત્યાં, ગમે તેમ કરીને પથારી મેળવી લે છે, પણ મધ્યમવર્ગની પથારી ફરી જાય છે અને ગરીબોને તો બેડની કલ્પના કરવી પણ પોસાય એમ નથી.’
‘ગરીબોને હૉસ્પિટલમાં બેડ મળે એના કરતાં પેટ ભરવા માટે બ્રેડ મળી જાય એના પ્રયત્નો બધા જ કરે છે, એ મેં સગી આંખે જોયું છે.’
‘છતાંય તમારી આંખ કેમ ન ખૂલી? એ લોકોને સમજાવો કે જેટલું બ્રેડનું મહત્ત્વ છે એટલું હૉસ્પિટલના બેડનું છે. અરે, ગરીબ જીવતો હશે તો બ્રેડ ખાશેને? પ્રવીણભાઈ, લોકો બધા અનાજ-પાણીની વ્યવસ્થા કરવામાં હૈસો... હૈસો... કરી રહ્યા છે. મૂળ પ્રશ્ન છે સારવારનો, સ્વાસ્થ્યનો.’
‘ભાઈ, તું તો જાણે છે કે ભૂતકાળમાં મેં ઘાટકોપરમાં એક અદ્યતન નાટ્યગૃહ-થિયેટર બંધાય એ માટે ઝુંબેશ શરૂ કરી હતી. મુંબઈનાં ઘણાં મોટાં ઉપનગરમાં મ્યુનિસિપાલિટી કે સરકાર દ્વારા બંધાયેલાં વિશાળ થિયેટરો છે...’
મને અધવચ્ચેથી અટકાવતાં તે બોલ્યો, ‘તમે રાજકારણીની જેમ વિષયાંતર ન કરો, લોકોને થિયેટરની વધારે જરૂર છે કે હૉસ્પિટલની?’
‘મારા બાપ, તું આમ પેટાપ્રશ્ન કરીને મને મૂંઝવ નહીં. તારું કહેવું હું બરાબર સમજી ગયો છું.’
દેશ અને દુનિયામાં અચાનક કોરોનાનું ભૂત તાંડવ કરવા લાગ્યું. એ ભૂતને કાઢવા કે નાથવા વિશ્વભરના ભૂવા-ડાકલિયાઓ, તાંત્રિકો, ડાકલા વગાડીને ધૂણવા લાગ્યા. ધૂણીના ધખારાથી કોરોનાનું ભૂત ગાંજ્યું નહીં, એ વધારેમાં વધારે કેર વર્તાવવા માંડ્યું-વર્તાવે છે. એક પંડમાંથી બીજા પંડમાં પાણીની જેમ પોતાની મેળે જગ્યા શોધીને ઘર કરી જાય છે. પ્રજા માનવા લાગી છે કે આ ભૂતપ્રેત-પલીત કે ડાકણ કરતાં પણ વધારે ખતરનાક છે. આ તો એક દૈવી પ્રકોપ છે. ‘હવન કરેંગે ભાઈ હવન કરેંગે, કોરોના કા દહન કરેંગે.’ નાદ થોડો વખત ચાલ્યો ને શમી ગયો.
કોરોનાએ આપણી અનેક ક્ષતિઓનો પર્દાફાશ કર્યો છે‍ અને એમાં પણ ખાસ કરીને આરોગ્ય-સ્વાસ્થ્ય ક્ષેત્રનાં ચીરહરણ થઈ ગયાં છે‍.
શુશ્રૂષા એ જીવનનો પાયો છે. ‘પહેલું સુખ તે જાતે નર્યા’ની કહેવત આપણે, આપણી સરકારે, આપણા સમાજે, આપણા ધર્મગુરુઓએ બોલવા પૂરતી કે પુસ્તકમાં વાંચવા પૂરતી મર્યાદિત રાખી, એના અમલનો સભાનપણે પ્રયાસ થયો જ નહીં.
સવાલ માત્ર ઘાટકોપરનો જ નહીં, આખા દેશનો છે. આઝાદી પછી દેશને ખૂણે-ખૂણે પાણી, વીજળી‍, તાર-ટેલિફોન, ટીવી, શિક્ષણ વગેરેની સગવડ મળે એના ભલે અધકચરા તો અધકચરા પ્રયત્ન થયા, પણ એ પ્રમાણમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે ખૂબ નજીવાં કામ થયાં છે. હા, એ માટે પ્રચાર થયો, પણ નક્કર પગલાં ભરાયાં નહીં. વિચાર કરો, દેશની જનસંખ્યા પ્રમાણે કેટલા ડૉક્ટર્સ છે? કેટલાં દવાખાનાં છે? કેટલી અદ્યતન હૉસ્પિટલ્સ છે? દર વર્ષે દેશમાં જેટલી શાળા-કૉલેજ, મંદિરો, સદાવ્રતો, ધર્મશાળા બંધાય છે એના પ્રમાણમાં હૉસ્પિટલ્સ, દવાખાનાં કેટલાં નિર્માણ થાય છે?
‘કોનું મહત્ત્વ વધારે, મંદિરનું કે હૉસ્પિટલનું?’ હૉસ્પિટલ સાથે મંદિરને જ શું કામ સાંકળી લેવાયું?’
કહો, એવું કયું ગામ છે જ્યાં બેથી પાંચ જ હજારની વસ્તી હોય છતાં એક-બે મંદિર ન હોય?
બોલો, એવાં કેટલાં ગામડાં છે જ્યાં આઠથી દસ હજારની વસ્તી હોવા છતાં દવાખાનાં કે હૉસ્પિટલની બિલકુલ સુવિધા ન હોય.
જરા વિચારો કે એવાં અસંખ્ય શહેરો છે જ્યાં ધર્મના દરેક સંપ્રદાયની એકથી વધારે સંખ્યામાં મંદિરો પર ધજા ફરકી રહી છે.
દેવોનું અસ્તિત્વ માનવજાતના અસ્તિત્વ સાથે સંકળાયેલું છે. મંદિર એ શ્રદ્ધા, આસ્થા અને ધર્મનું પ્રતીક છે એટલે અનાદિકાળથી આપણે મંદિરો બાંધતા આવ્યા છીએ. પરદેશીઓ, લૂંટારાઓ અનેક વખત લૂંટી ગયા, ઉધ્વસ્ત કરી ગયા, પણ લોકોની આસ્થાને ન ડગાવી શક્યા.
લોકોને સરકાર કરતાં વધારે વિશ્વાસ મંદિરોમાં છે.
લોકોના ટૅક્સની રકમ મંદિરમાં થતા દાનની રકમ કરતાં ઓછી છે.
લોકો નેતા કરતાં ધર્મગુરુઓને વધારે અનુસરે છે.
આ જ કારણે નેતાઓ મંદિરનાં ઉદ્ઘાટનો વધારે પ્રમાણમાં કરે છે. હવે તમે જ કહો કે મંદિરની મહત્તા વધારે કે હૉસ્પિટલની?
જવાબ છે મંદિરની મહત્તા વધારે, પણ જરૂરિયાત હૉસ્પિટલની વધારે છે. મહત્તા અને જરૂરિયાતમાં બહુ ફેર છે. લોકોને મન તાજમહાલની મહત્તા વધારે છે, પણ નાનકડા ઘરની એને જરૂરિયાત છે.
ઘાટકોપર સહિત આખા દેશનું દુર્ભાગ્ય રહ્યું છે કે સરકાર, દાનવીરો, કર્મવીરો, ધર્મવીરોએ આરોગ્ય પાછળ ચર્ચાઓ વધુ કરી છે, કામ ઓછું કર્યું છે. કોરોનાએ આપણા જ દેશ‍ની નહીં, દુનિયાઆખીની ‍આબરૂના ધજાગરા ઉડાડી દીધા છે.
દેશમાં આજે પણ અસંખ્ય ગામોમાં ડૉક્ટર નથી, દવાખાનાં નથી. તો હૉસ્પિટલની વાત જ ક્યાં કરવી? દરેક ગામમાં મંદિર છે, પણ એ ફક્ત સાજા થવાની માનતા માનવા માટે છે, સાજા થવાના સાધનરૂપે નહીં.
કોરોનાકાળ દરમ્યાન ‍સારવાર માટેનો હંગામો જોઈને ઘાટકોપરના નેતાઓ, શ્રેષ્ઠીઓથી માંડીને આમ જનતાની આંખ ઊઘડી ગઈ છે. આશા રાખીએ કે આ બાબતે કોઈ નક્કર, ઠોસ પગલાં લેવાય. ગાય માટે કરોડોનાં દાન કરતા દાતાઓ, મંદિર કે દેરાસર પર ધજા ફરકાવવા અઢળક રૂપિયાની લહાણી કરતા હે શ્રેષ્ઠીઓ, ઈશ્વરની આરતી ઉતારવાના કોડ પૂરા કરવા માટે ભંડાર ખુલ્લો મૂકી દેતા હે ધનકુબેરો‍, હવે ક્યારેક માણસ બચાવવા, માણસાઈની ધજા ફરકાવવા, માણસની આબરૂની આરતી ઉતારવા માટે પણ આગળ આવશો તો ૧૦ ધર્મસ્થાનો બાંધ્યાનું પુણ્ય આપને મળશે.
એક વાત ખાસ યાદ આવે છે. લગભગ દરેક મોટી હૉસ્પિટલમાં એક નાનકડું મંદિર હોય છે એમ દરેક મોટા મંદિરમાં એક નાનકડી હૉસ્પિટલ હોય તો
અને છેલ્લે...
જેમ અહીં મંદિર કે હૉસ્પિટલની મહત્તાની વાત છે એમ મારા નાટક ‘ભીતર સાત સમંદર’માં માણસ કે ઈશ્વરની મહત્તાનો પ્રશ્ન હતો. એક સંવાદમાં માણસ ઈશ્વરને પડકારતાં કહે છે, ‘અરે કઠોર, નિષ્ઠુર, જગતનિયંતા, તું ઘડામાં તિરાડ પાડી શકીશ, જળમાં નહીં, તું આયના ફોડી શકીશ, પ્રતિબિંબો નહીં, તું શ્વાસ તોડી શકીશ, સ્નેહના તાંતણા નહીં! નહીં નમાવી શકે, માણસને તું ક્યારેય નહીં નમાવી શકે, કેમ કે માણસ છે તો તારું અસ્તિત્વ છે.’
માણસની તાકાત એ છે કે તે જડ પથ્થરને પણ ભગવાન બનાવી શકે છે. જ્યારે તારી નબળાઈ એ છે કે તું માણસ જેવા માણસને પણ માણસ બનાવી શકતો નથી. એ તો અમારે જ બનવું પડે છે.
અને ત્યાં જ તારો પરાજય છે‍!
કાન ખોલીને સાંભળી લે, હવેથી એક માણસ બીજા માણસને મળશે ત્યારે નહીં પૂછે કે તમે ભગવાનમાં માનો છો? પણ હવેથી એક ઈશ્વર બીજા ઈશ્વરને મળશે ત્યારે જરૂર પૂછશે કે તમે માણસમાં માનો છો?

સમાપન
ભવિષ્ય એટલે આપણે આવતી કાલ માટે શું પ્લાન કર્યો છે એ નહીં, ભવિષ્ય એટલે આજે ‍આપણે જે પ્લાન કર્યો છે એનું પરિણામ હોવું જોઈએ.
કોરોનાકાળની કઠણાઈ...
‘જબ ભી મિલતે હૈં જીને કી દુઆ દેતે હૈં
જાને કિસ બાત કી સજા દેતે હૈં!’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK