Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સળગાવવા જેવું થયું

સળગાવવા જેવું થયું

22 December, 2019 03:08 PM IST | Mumbai
Hiten Anandpara

સળગાવવા જેવું થયું

સળગાવવા જેવું થયું


મહારાષ્ટ્રના મહાભારતમાં લોકશાહીનાં મૂલ્યો સળગીને લાલચોળ થઈ ગયાં. છગન ભુજબળ અને અજિત પવાર જેવા રાજકારણીઓ પર ભ્રષ્ટાચારના કેસ થયા હોવા છતાં આ અને આવા અનેક લોકો સત્તાધીશ થઈ ગયા. સમરથ કો નહીં દોષ ગુંસાઈ! એક તરફ ફાઇવસ્ટાર હોટેલમાં શક્તિ-પ્રદર્શનની કવાયત થઈ, તો બીજી તરફ મતદાર તરીકે આપણી આબરૂના લીરેલીરા થયા. શું જોઈને આપણે મત આપ્યા હતા અને શું જોવાનું આપણા ભાગે આવ્યું! મકરંદ મુસળે કહે છે એવા અસ્ત્ર-શસ્ત્રની તલાશ કરવી પડશે...

વીજના ચમકાર જેવું હોય છે



આયખું પળવાર જેવું હોય છે


સત્યનાં શાસ્ત્રો ઉગામી તો જુઓ

જૂઠ ખાલી વાર જેવું હોય છે


સત્યને કોણે પીંખ્યું નથી એ જ સવાલ છે. સત્તાલાલસુ દરેક પક્ષે બચેલીકૂચેલી શરમ ગીરવી મૂકીને સમાધાન કરી લીધાં. એકમેક સાથે હાથ પણ ન મેળવતા લોકો એકમેકને આલિંગન આપતા થઈ ગયા.  સત્તાનો નાચ કેટલો વરવો હોય છે એ આખા દેશે જોયું. રાજેન્દ્ર શુક્લની પંક્તિઓ સાથે વાસ્તવિકતા સ્વીકારવી પડે છે... 

રંગ ચડ્યા ને રંગ ઊતર્યા

રંગ વગર આખર રંગાણું!

કેવાં વસ્તર, કેવા વાઘા

જેવો અવસર, જેવું ટાણું!

એકવીસમી સદીમાં રાજકારણ હાઈ-ટેક બન્યું છે, પણ મૂલ્યોની બાબતમાં એટલું નીચું ઊતર્યું છે કે ચંબલની ખીણો પણ હેબતાઈ જાય. આવું થઈ શકે? એનો જવાબ એવો જ મળે કે હા, આવું પણ થઈ શકે. આલીશાન ખુરસીઓના વજન તળે મતદાતાનું મૌન દબાઈ ગયું. મલાઈવાળા ખાતા માટે સિલાઈકામ ચાલુ થઈ ગયું. આ પહેલાં વિવિધ રાજ્યોમાં બનેલી ખીચડી સરકાર સફળ નીવડી નથી એટલે અપેક્ષિત છે કે અંદરઅંદરનો ગજગ્રાહ ધીરે-ધીરે બહાર આવશે. થોડા મહિનામાં જ જે સ્થિતિ સામે આવીને ઊભી રહેવાની શક્યતા છે એની વાત રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ કરે છે... 

આ વળી, કેવા હિસાબો તેં કર્યા સરભર હવે

બહારથી દરિયો ને લાગું રણ નર્યો ભીતર હવે

એક પરદેશીની માયા કેટલી મોંઘી પડી?

થઈ ગયું હોવું ત્રિશંકુ, ના ધરા-અંબર હવે

ત્રિશંકુ સ્થિતિ આખરે નુકસાનકારક જ નીવડે. વિચારધારાના મતભેદ નિર્ણયોને વિલંબિત કરે. વિચારવિમર્શનો સમય વિવાદોમાં ખર્ચાય. શાંતિથી નિરીક્ષણ કરો તો ખ્યાલ આવે કે મથરાવટીના આ મહાભારતમાં લપડાક તો પ્રામાણિક મતદારોના ગાલ પર જ પડી છે. આદિલ મન્સૂરીની પંક્તિ પ્રમાણે તેમનું દર્દ કોઈ સમજશે એવી આશા રાખવી ઠગારી છે...

આંસુઓમાં થઈ ગયો તરબોળ હું

આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

આપ શું સમજો હૃદયની વાતમાં

આપને ક્યાં દર્દ જેવું થાય છે?

હૃદયની વાત કરવી જ પડે એમ છે. હાયવોય અને જીવનશૈલીને કારણે સાઇકલની મધુર ટ્રિન ટ્રિન અનુભવતું હૃદય હવે જેસીબી મશીનનો ભાર જીરવવા લાગ્યું છે. હૃદયરોગના કિસ્સાઓ હવે વીસીની નીચે પણ નોંધાઈ રહ્યા છે. હળવાશના વાઘા જલદી ઊતરી જાય અને ટાઇટ જીન્સ જેવી હાયવોય ઘર કરી જવામાં સફળ નીવડે. સંપર્કો વધે, પણ સંબંધોની ગહેરાઈ ન આવે તો કોઈ સાર નીકળે નહીં. મનનો ભાર હળવો થઈ શકે એવું એક જણ તો જોઈએ. સાહિલ આ વિચારની પુષ્ટિ કરે છે...

વાતમાં નહીંતર હતો ક્યાં કાંઈ પણ વક્કર છતાં

આપને કીધા પછી હું સાવ હળવો થઈ ગયો

માનું છું ‘સાહિલ’ તણખલા જેવું છે અસ્તિત્વ, પણ

જ્યાં મળ્યાં બે-ત્રણ તણખલાં ત્યાં જ માળો થઈ ગયો

સંઘની શક્તિનું નિયોજન જો સારી રીતે થાય તો એ સમાજને ઉપકારક નીવડે. વિરોધ અને અવરોધ તો બધી જગ્યાએ થવાના. ક્યાંક આદર્શોને લઈને ઊહાપોહ હોય તો ક્યાંક અહંને લઈને ટકરાવ થાય. સરખા વિચાર ધરાવતા લોકોનું જૂથ બને તો એ વિચારને સાકાર કરવામાં સહાયરૂપ થાય અને એક આત્મવિશ્વાસ પણ જાગ્રત થાય. રઈશ મનીઆર એક ચિકિત્સકની દૃષ્ટિએ પરિસ્થિતિને મૂલવે છે...

તરવું જો હો, તણખલું કદી ક્યાં દૂર હતું?

બાંધેલ બોજ જેવું મને શાણપણ નડે

શું ભેદ? આખું વિશ્વ વિરોધી બને અગર

શું ભેદ? આખા વિશ્વમાં એકાદ જણ નડે

એકાદ જણ નડે એના કરતાં એકાદ જણ ભળે એ વધારે અગત્યનું છે. કોઈનો ખભો કમાવો એ પણ સહેલી વાત નથી. સ્વાર્થ ઓગાળી નાખો પછી જ સ્નેહની સરવાણી શરૂ થાય. ભરત વિંઝુડા આવા સહિયારા પ્રયાસોની વાત કરે છે...

સહેજ મારે તારા જેવું પણ થવું છે

લાવ તારી જીભ મારે બોલવું છે

જેમ તું મારા જ હાથથી લખે છે

એમ મારે તારી આંખે વાંચવું છે

આંખોને શબ્દો ઉપરાંત સપનાં વાંચતાં પણ આવડવું જોઈએ. એમાંથી મળતા કંઈક સંકેતો તારવતાં આવડે તો કેટલાક નિર્દેશો આગોતરા મળી જાય. આવાં સપનાં શૅર કરવા માટે પણ કોઈ અંગત જોઈએ એમ મનહર મોદી કહે છે...

તમે કાલ રાત્રે જે સપનાં ઉઘાડ્યાં

એ હમણાં બતાવું કે કાલે સવારે?

હવે ઊંઘ આવે તો દરિયાઓ ઢોળું

ભલી આંખ મારા જ જેવું વિચારે

સારી ઊંઘ આવવી એ પણ એક ઉપલબ્ધિ છે, અન્યથા પડખાં ઘસીને રાત કાઢવી સહેલી નથી. જોકે જિંદગી જીવવી એ પણ સહેલી વાત નથી. અનેક છાયા-પડછાયા એની સાથે સંકળાયેલા હોય છે. સૈફ પાલનપુરી એક એવી અવસ્થાની વાત કરે છે, જ્યાં બધું નિઃસાર લાગવા માંડે અથવા તો ખરેખર શ્વાસનો સાર સમજાવાની શરૂઆત થાય...

પ્રીતની એકપક્ષી રમત થઈ ગઈ

કેવી નાદાની સંજોગવત્ થઈ ગઈ

હાર કે જીત જેવું કશું ના રહ્યું

જિંદગી એક અમસ્તી શરત થઈ ગઈ

ક્યા બાત હૈ

સાવ ખુલ્લાં બારણાં ખખડાવવા જેવું થયું

ને પવનને એમ પાછા આવવા જેવું થયું

 

રાત ઓઢી પ્હાડ જ્યાં પહેલું બગાસું ખાય ત્યાં

પૂર્વમાં કંઈ તાપણી સળગાવવા જેવું થયું

 

પોપડા રૂપે ખરી જાવાની દાનત ભીંતની

ચાકળાને ત્યાં ને ત્યાં લટકાવવા જેવું થયું

 

એક વરસાદી નદીને લોપ થઈ જાવું પડ્યું

બેઉ કાંઠાને અડોઅડ લાવવા જેવું થયું

 

ફક્ત સન્નાટો વસે છે એ રણોની રેત પર

વાંસના અંકુરણોને વાવવા જેવું થયું

- વિજય રાજ્યગુરુ

(કાવ્યસંગ્રહઃ અવઢવ)

Whatsapp-channel Whatsapp-channel

22 December, 2019 03:08 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK