Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બાકીના જોયા કરે છે, આપણે પણ જોયા કરો

બાકીના જોયા કરે છે, આપણે પણ જોયા કરો

27 December, 2020 07:12 PM IST | Mumbai
Hiten Anandpara

બાકીના જોયા કરે છે, આપણે પણ જોયા કરો

બાકીના જોયા કરે છે, આપણે પણ જોયા કરો

બાકીના જોયા કરે છે, આપણે પણ જોયા કરો


એકસાથે જોવું, એક જ તરફ જોવું એ આમ તો એકતાની નિશાની ગણાય. પણ ટોળાશાહીમાં જોવું ક્યારે જોણું બની જાય એની ખબર નથી પડતી. કર્મચારીઓ જે વિચારે એનાથી ઊલટું જ કોઈ ડાયનૅમિક સીઈઓ વિચારે. સ્ટાફને કદાચ પાગલ જેવો લાગે પણ જાત સાથેના અનેક વૈચારિક મંથન પછી તે નિર્ણય લેતો હોય છે. તઘલખી લાગતા વિચારો દૂરંદેશી અને આયોજનના કારણે વાસ્તવિકતામાં પલટાતા આપણે જોયા છે. ગૌરાંગ ઠાકરના શેર સાથે દેખાવડા રંગબેરંગી ગૉગલ્સ ઉતારી આપણી આંખને માફક આવે એવાં ચશ્માં પહેરીને જોઈએ...
હું મારામાં ભાળું તો લાગ્યા કરે છે
મને કોઈ અંદરથી જોયા કરે છે
હશે ભીતરે કૈંક તો જોવા જેવું
હવા આવ-જા કેમ કીધા કરે છે?
અંદર ભાળવા માટે અનેક આવરણો હટાવવાં પડે. દ્વેષ અને ઈર્ષાના પ્રારંભિક ધમપછાડા પછી એટલું સમજાવું જોઈએ કે વાતમાં કંઈ માલ નથી. પણ આ કમાલ સમજવા માટે અનુભવની પગદંડીએ પસાર થવું પડે. આ પગદંડી ક્યારેક દાયકાઓ લાંબી હોય તો ક્યારેક આખી જિંદગી સુધી લંબાતી જાય. શ્યામ સાધુ એ અલગારીપણાની વાત કરે છે જે આત્મસાત કરવું તો દૂર, સમજવું પણ અઘરું પડી જાય...
ટેકરીઓના વાતા પવનો જોયા કરજો
આકાશી રસ્તા પર તમને માન થવાનું
સહુ જાંબુડી ઇચ્છાના દરવાજે ઊભા
કોને કહેવું? કોનું અહીં બહુમાન થવાનું
આપણે દરેક કામ કરીએ પછી બહુમાનની અપેક્ષા રાખતા હોઈએ છીએ. કેટલીક વાર આ અપેક્ષા આદતમાં પલટાઈ જાય. સમારંભમાં કોઈ ગુલદસ્તાથી સન્માન ન કરે તો એવું લાગે કે આપણે ભૂલદસ્તાનો ભોગ બન્યા છીએ. આપણા અસ્તિત્વની જાણકારી માટે આપણે બીજા પાસે મહોરની અપેક્ષા રાખતા થઈ જઈએ. શિક્ષક કોઈ વિદ્યાર્થીને ધમકાવતો હોય એ અદાથી ડૉ. રશીદ મીર સમજાવે છે...
ભીંત બેસી જાય તો સારું હવે
ક્યાં છબી ટાંગી હતી જોયા ન કર
આગનો દરિયો છે, ચડતો જાય છે
ડૂબવાનું હોય છે જોયા ન કર
દેશમાં કેટલાક પ્રસંગો એવા બની રહ્યા છે કે કોણ ડૂબશે કે કોણ તરશે એ પરિણામ ત્રિશંકુ સ્થિતિમાં લાગે. કિસાન આંદોલન ઉકેલાવાનું નામ નથી લેતું. વાત સાચા-ખોટા પરથી તારા-મારા પર આવી ગઈ છે. આંદોલનમાં અહંકારનો જળો ચોંટે પછી એને ઉખાડવો મુશ્કેલ બની જાય. ફરી એક વાર સુપ્રીમ કોર્ટે જ સારાસારી અને સાચાસાચી વિશે નિર્ણય આપવો પડે એવું વર્તાઈ રહ્યું છે. આંદોલનમાં પડદા પાછળ ડાબેરીઓનો સંચાર છે એવી આશંકા વ્યક્ત થઈ છે. વિદેશથી ફન્ડ આવી રહ્યું છે. જો કિસાન સમસ્યા ગણતંત્ર દિવસ સુધી લંબાઈ તો વિશ્વભરમાં એના પડઘા પડશે. ધ્વનિલ પારેખ કહે છે એ સ્થિતિ બહુ અકારી છે...
કાંડા કપાઈ જાય છે ને યુદ્ધ ચાલતું
સામે પડી છે ઢાલ ને જોયા કરો તમે
આગળ વધી શકો ના, ના પાછળ જઈ શકો
ચાલી છે એણે ચાલ ને જોયા કરો તમે
કિસાનોની માંગ દાયકાઓ જૂની છે. એને પૂરી કરવા સરકારે સુધારા કર્યા જે સીમિત રાજ્યોમાં બૂમરૅન્ગ થયા. પારંપરિક માનસ સાથે આધુનિકતાનો તાલમેલ સાધવો ભલભલાની કસોટી કરી મૂકે. ગિરીશ પરમાર વેધક સવાલ પૂછે છે...
તોય ડૂંડામાં હજી દાણો નથી
પાક વાવેતર થયે વર્ષો થયાં
તે છતાંયે તેં કદી જોયા ખરા?
એમને ઈશ્વર થયે વર્ષો થયાં
ઈશ્વરને ભાગે પણ ગાળો ખાવાનું તો આવવાનું જ. એક તરફ આપણે શ્રદ્ધાથી ધજા ફરકાવીએ તો બીજી તરફ આપણાં દુઃખો માટે એનો ધજાગરો ઉડાવતાં અચકાતા નથી. આકાશ ઠક્કર લખે છે...
ભગવી ધજાને ફરફરાવે એ રીતે
જાણે પવન પણ લઈ રહ્યો સંન્યાસ છે
ઈશ્વર, તને જોયા પછી સમજાયું છે
બન્ને તરફ સરખો વિરોધાભાસ છે
ક્યા બાત હૈ
કંઈક લોકો થરથરે છે, આપણે જોયા કરો
બાકીના જોયા કરે છે, આપણે જોયા કરો

આપણા મનમાં વસી છે કાયરોની ટોળકી
જે સતત ગાતી ફરે છે, આપણે જોયા કરો



સાવ ધીમે એ તરફથી આ તરફ આવી જવા
વેદના પગલું ભરે છે, આપણે જોયા કરો


આપણે જોતા હતા જેના પ્રતાપે ચોતરફ
આખરી દીપક ઠરે છે, આપણે જોયા કરો

પુસ્તકોને બ્હાર કાઢી કંઈક વિદ્યાર્થી હવે
બેગમાં પથ્થર ભરે છે, આપણે જોયા કરો


આપણી આંખોની સામે, આપણા આકાશમાં
અન્ય ઝંડા ફરફરે છે, આપણે જોયા કરો

જે અહીં પૂરા થવા હકદાર ને લાયક હતા
સ્વપ્ને એ સળગી મરે છે, આપણે જોયા કરો

આપણે જોયા કરીશું એમને વિશ્વાસ છે
એમનો હેતુ સરે છે, આપણે જોયા કરો
- ભાવિન ગોપાણી
ગઝલસંગ્રહ : અગાશી

Whatsapp-channel Whatsapp-channel

27 December, 2020 07:12 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK