કચરો ઘટાડો અને ટૅક્સ રિબેટ મેળવો

Published: 24th October, 2012 07:46 IST

થાણે મહાનગરપાલિકાની પ્રેરણાદાયક યોજના : જે સોસાયટીઓ ૫૦ ટકા કચરાનું રીસાઇક્લિંગ કરશે એને પ્રૉપર્ટી-ટૅક્સમાં પાંચ ટકા રાહતસપના દેસાઈ

થાણે શહેરમાં કચરાની ગંભીર બની રહેલી સમસ્યાને ધ્યાનમાં લેતાં થાણે મહાનગરપાલિકા સાથે મળીને સિટિઝન્સ કૅમ્પેન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે નાગરિકોની આ પહેલને બિરદાવવા માટે થાણે મહાનગરપાલિકાએ થાણે મહાનગરપાલિકા વિસ્તારમાં કચરાના પ્રમાણમાં ઘટાડો કરી દેખાડનારી કો-ઑપરેટિવ સોસાયટીને પ્રૉપર્ટી ટૅક્સમાં પાંચ ટકા જેટલી રાહત આપવાનું નક્કી કર્યું છે.

સિટિઝન્સ કૅમ્પેન હેઠળ આ સોસાયટીઓ કચરાની સમસ્યાના નિરાકરણમાં મદદ કરે તો તેમને પ્રૉપર્ટી-ટૅક્સમાં રાહત આપવાનું સુધરાઈને માટે જ લાભદાયક નીવડશે એવો પ્રસ્તાવ થાણે મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને સુધરાઈની સામાન્ય સભામાં તેને મંજૂરી આપવામાં આવી હતી. ‘થ્રી- આર’ નામના આ પ્રોજેક્ટ અંતગર્ત લોકોને ત્રણ ટકાથી લઈને પાંચ ટકા સુધીની રાહત પ્રૉપર્ટી ટૅક્સમાં મળશે.

‘થ્રી-આર’ પ્રોજેક્ટ બાબતે થાણે મ્યુનિસિપલ કમિશનર (ટીએમસી) આર. એ. રાજીવે કહ્યું હતું કે ‘થાણે મહાપાલિકાનો વિસ્તાર બહુ ઝડપથી વિકસી રહ્યો હોઈ અહીં મોટી-મોટી હાઉસિંગ સોસાયટી, હાઉસિગ કૉમ્પ્લેક્સ અને હોટેલ્સનું પ્રમાણ વધી ગયું છે. જેને પગલે થાણે પાલિકાની હદમાં રોજનો લગભગ ૭૦૦ મૅટ્રિક ટન જેટલો ઘનકચરાનું નિર્માણ થાય છે. આ કચરાનો નિકાલ લાવતાં નાકે દમ આવી જાય છે. એટલું જ નહીં પણ પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે કચરાના નિકાલ કરવા માટે રહેલી જગ્યાની કૅપેસિટી જોઈને ભવિષ્યમાં મોટા પ્રમાણમાં નીકળનારા ઘનકચરાનો નિકાલ કઈ રીતે અને ક્યાં કરવો એ સમસ્યા ઊભી થવાની છે. એટલે જ જાગ્યા ત્યાંરથી સવારની જેમ અમે ‘થ્રી-આર’ પ્રોજેક્ટ થાણેમાં લાવી રહ્યા છે. જેનાથી નજીકના ભવિષ્યમાં કચરાના પ્રમાણમાં ઘટાડો થશે.’

થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના સ્પોક પર્સન સંદીપ માળવીએ ‘થ્રી-આર’ પ્રોજેક્ટ વિશે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘થ્રી-આર’ને અમલમાં લાવી કચરામાં પ્રમાણમાં ઘટાડો કરી હાઉસિંગ સોસાયટીઓ અને હાઉસિંગ કૉમ્પ્લેક્સને પ્રૉપર્ટી ટૅક્સમાં રાહત આપવાનો મહત્વનો નિર્ણય થાણે મહાનગરપાલિકાએ લીધો છે. જેમાં ૨૫ ટકાથી ૫૦ ટકા સુધીનો કચરો ઓછો થયો તો પ્રૉપર્ટી ટૅક્સમાં ૩ ટકા સુધીની છૂટ અને જે સોસાયટી, હાઉસિંગ કૉમ્પ્લેક્સ ૫૦ ટકાથી વધુ કચરો ઓછો કરશે તેને ૫ ટકા સુધીની રાહત આપવામાં આવશે.’

પ્રોજેક્ટ વિશે વધુ બોલતાં સંદીપ માળવીએ કહ્યુ હતું કે અત્યારે થાણે મહાનગરપાલિકાની હદમાં વેદાંત કૉમ્પ્લેક્સ, કોરસ, નક્ષત્ર, નટરાજ સોસાયટી, ભકિત મંદિર, હીરાનંદાની અને માજિવડા-માનપાડા વિસ્તારમાં કુલ ૩૦૧ હાઇરાઇસ બિલ્ડિંગો છે જેમાં કુલ ૯૫૬૫ ફ્લૅટ્સ છે. જેમાંથી પ્રતિદિન નીકળતા  કચરાને ભેગો કરવા, તેને ઊંચકવા માટે વાહનો, કચરાને ડમ્પિંગ ગ્રાઉન્ડ સુધી પહોંચાડવા માટે વપરાતાં વાહનોનો ખર્ચો અને ડમ્પિંગ ગ્રાઉન્ડમાં કચરાના પર કરવામાં આવતી પ્રક્રિયા માટે અત્યારે પ્રતિ ટન ૮૭૭.૪૧ રૂપિયાનો ખર્ચો થાય છે. આ ખર્ચાને જોતાં હાઉસિંગ સોસાયટીઓ કચરો ઓછો કરવા માટે  ‘થ્રી-આર’ પ્રોજેક્ટને હકારાત્મક પ્રતિસાદ આવે તો ટ્રાન્સર્પોટ અને કચરાના નિકાલ માટે થનારા ખર્ચામાં ભારે ઘટાડો થઈ શકે છે.

ટૅક્સમાં રાહત મેળવવા સોસાયટીએ શું કરવું?


આ પ્રોજેક્ટમાં જે સોસાયટી અને હાઉસિંગ કૉમ્પ્લેક્સ ભાગ લેવા ઇચ્છતી હોય તેમણે થાણે મહાપાલિકામાં રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત રહેશે. રજિસ્ટ્રેશન બાદ એ સોસાયટીઓમાં દરરોજનો કેટલો કચરો નીકળે છે તેનો અભ્યાસ મહાપાલિકાના ઘન કચરા વિભાગ દ્વારા કરવામાં આવશે. એક વાર સ્ટડી થઈ જાય અને ફિગર મળી જાય એટલે સુધરાઈ સોસાયટીને ફાઇનલ વિગતો આપશે. એ મુજબ સોસાયટીઓએ તેમની ત્યાં નિર્માણ થનારા કચરાનું રિસાઇકલિંગ તેમ જ તેનો રીયુઝ કરવાનો રહેશે, જેની નોંધ સુધરાઈના કર્મચારીઓ રાખશે અને એ મુજબ તેમને પ્રૉપર્ટી ટૅક્સમાં રાહત આપશે.

શું છે ‘થ્રી -આર’?


‘થ્રી - આર’ પ્રોજેક્ટ વિશે સમજાવતાં સંદીપ માળવીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘કચરાના પ્રમાણમાં ઘટાડો કરવો હોય તો એ માટે કચરાનું વર્ગીકરણ કરીને કચરાનો પુન:ઉપયોગ કરવો એ શ્રેષ્ઠ માર્ગ છે. એટલે જ થાણે મહાનગરપાલિકા ‘થ્રી-આર’ નામનો પ્રોજેક્ટ અમલમાં મૂકવા જઈ રહી છે. જેમાં કચરાનું નિર્માણ ઓછું કરવું કચરાનો પુન:ઉપયોગ કરવો અને કચરાનું રિસાઇકલિંગ કરવાનો સમાવેશ થાય છે.’


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK