Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > ગણેશજીનો ભક્તોને ઓપન લેટર

ગણેશજીનો ભક્તોને ઓપન લેટર

23 September, 2012 03:44 AM IST |

ગણેશજીનો ભક્તોને ઓપન લેટર

ગણેશજીનો ભક્તોને ઓપન લેટર




સાંઈરામનું હાયરામ - સાંઈરામ દવે




ચારે બાજુ ગણપતિ ઉત્સવનો માહોલ જામેલો છે. ગઈ સાલ ગણપતિ વિસર્જનનો એક અઘરો પ્રસંગ મને યાદ છે. એક જણે રાજકોટની નદીમાં ૫૦ જેટલા ગણપતિ પધરાવ્યા. મેં પૂછ્યું, ‘ઓહોહો, ભાઈ આટલાબધા ગણપતિભગત છો?’


ઈ ભાઈ ક્યે, ‘ના સાહેબ, એમાં એવું છેને કે મેં ૧૦૦ મૂર્તિ બનાવી હતી એમાંથી ૫૦ જ વેચાણી એટલે વધેલી ૫૦ મેં જ પધરાવી દીધી.’


કેવું નગ્ન સત્ય છે કે ઈશ્વરે માણસને બનાવ્યો ને માણસ હવે ઈશ્વરને બનાવે છે. જેણે આપણું સર્જન કરીને આપણને માર્કેટમાં મોકલ્યા તે ઈશ્વરના નામ પર પણ આપણે માર્કેટ બનાવી લીધી છે. વેલ, પૉઇન્ટ ઉપર આવું તો ગણપતિદાદાનો એક વેદનાભર્યો પત્ર મારા પર આવ્યો છે. તેમની વાત જો તમારા સુધી ન પહોંચાડું તો નગુણો ગણાઈશ. આ પત્રમાં કદાચ હસવા જેવું કાંઈ નહીં મળે, પણ કંઈક સમજ્યા જેવું મળશે એ શ્રદ્ધા સાથે ગણપતિદાદાનો પત્ર અક્ષરશ:

હે મારા પ્રિય ગણપતિપ્રેમી ભક્તો,

હું ખૂબ દુ:ખ સાથે આ પત્ર લખવા બેઠો છું. તમારા સુધી કોઈક તો પહોંચાડશે જ એવી આશા સાથે. તમે લોકો છેલ્લાં ઘણાં વર્ષોથી ‘ગણપતિ ઉત્સવ’ ઊજવો છો એનાથી હું આમ તો રાજી છું, પણ છેલ્લાં ૧૦ વરસના ઓવરડોઝથી મારું કાળજું બળે છે. માટે જ આ પત્ર લખવા પ્રેરાયો છું. તમને યાદ તો છેને કે ઈ.સ. ૧૪મી સદીમાં સંત મોરયા ગોસાવીએ પુણે પાસે મોરગાવમાં મારું પ્રથમ મંદિર ‘ર્મોયેશ્વર’ બનાવ્યું ત્યારથી લોકો ગણપતિબાપ્પા મોરયાને બદલે ‘મોરિયા’ બોલતા થયા. તમે ભૂલી ગયા કે મુઘલો સામે હિન્દુત્વને એકઠું કરવા ઈ.સ. ૧૭૪૯માં શિવાજીમહારાજે કુળદેવતા તરીકે ગણપતિને સ્થાપી પૂજા શરૂ કરાવી. તમને યાદ જ હશે કે ઈ.સ. ૧૮૯૩માં બાળ ગંગાધર ટિળકે મુંબઈના ગિરગાંવમાં સાર્વજનિક ગણેશ ઉત્સવથી અંગ્રેજો સામે ભારતને સંગઠિત કરવા આ ઉત્સવને ગરિમા બક્ષી.

મારા આ ઉત્સવ સાથે ભારતને એક કરીને જગાડવાના કામના શ્રીગણેશ ટિળકજીએ માંડ્યા’તા, પણ તમે લોકોએ હવે મારો તમાશો કરી નાખ્યો છે. અરે યાર, શેરીએ-શેરીએ ગણપતિ? દરેક સોસાયટીના જુદા. ૧૪ માળના અપાર્ટમેન્ટમાં વળી દરેક માળે મારી પધરામણી? અને એ પણ એકબીજાને બતાવી દેવા, સ્પર્ધા કરવા? તમે લોકો તો મારા નામે ‘શક્તિ-પ્રદર્શન’ કરવા લાગ્યા છો. આ ઉત્સવથી ભારતનું ભલું થાય એમ હતું એટલે આજ સુધી મેં આ બધું ચાલવા દીધું છે. આ ગણપતિ ઉત્સવો સોસાયટીઓની ડેકોરેશન-જમણવારની હરીફાઈઓ માટે હરગિજ નથી. પૉલિટિકલ પાર્ટીઓ કે જેમને ખુરસી સિવાય બીજા એક પણ દેવતા સાથે લેવાદેવા નથી તેઓ મારા ઉત્સવો શા માટે ઊજવી રહ્યા છે? આઇ ઍમ હર્ટ! પ્લીઝ, મારા વહાલા ભક્તો, સંપત્તિનો આ વ્યય મારાથી જોવાતો નથી.

મુંબઈમાં ગણપતિ ઉત્સવ દરમ્યાન અગરબત્તીની દુકાનમાં લાઇન, મીઠાઈની દુકાનમાં લાઇન, ફૂલવાળાને ત્યાં લાઇન! અરે યાર, આ બધું શું જરૂરી છે? માર્કેટની ડિમાન્ડને પહોંચી વળવા નકલી દૂધ કે માવાની મીઠાઈઓ ડેરીવાળા પબ્લિકને બટકાવે છે અને પબ્લિક મને પધરાવે છે. હવે મારે ઈ ડુપ્લિકેટ લાડુ ખાઈને આર્શીવાદ કોને આપવા અને શ્રાપ કોને આપવા, કહો મને?

શ્રદ્ધાના આ અતિરેકથી હું ફ્રસ્ટ્રેટ થઈ ગયો છું. એક ગામ કે શહેરમાં ૫૦ કે ૧૦૦ ગણપતિ ઊજવાય એના કરતાં આખું ગામ કે શહેર ભેગાં મળીને ‘એક ગણપતિ’ ઊજવે તો મારો, સંત મોરયા ગોસાવીનો અને બાળગંગાધર ટિળકનો આતમો રાજી થાય. અને ત્યાં પણ ડિસ્કો અને ફિલ્મની પાર્ટીઓ નહીં, રાષ્ટ્રભક્તિનું ગાન થાય તો જ...! વહાલા ગણેશભક્તો, દુ:ખ ન લગાડતા; પણ હું તમારું એન્ટરટેઇનમેન્ટ નથી, હું તમારા દરેક શુભ કાર્યની શરૂઆતનો નિમિત્ત છું અને તમે મારા ઉત્સવોથી મને જ ગોટે ચડાવી દીધો છે. મેં મોટું પેટ રાખ્યું જેથી હું દરેક ભગતની વાત અને સુખ-દુ:ખને ‘સાગરપેટો’ બનીને સાચવી શકું, પણ તમે તો મોટા પેટનું કારણ ભૂખ સમજીને ટનના મોઢે મને લાડવા દાબવા માંડ્યા. મેં મોટા કાન રાખ્યા જેથી હું દરેક ભક્તની ઝીણામાં ઝીણી વાત પણ સાંભળી શકું, પણ તમે લોકો તો ૪૦,૦૦૦ વૉટની ડીજે સિસ્ટમ લગાડીને મારા કાન પકવવા લાગ્યા છો. મેં ઝીણી આંખો રાખી જેથી હું ઝીણા ભ્રષ્ટાચાર કે અનિષ્ટને પણ જોઈ શકું, પરંતુ તમે તો તે ભ્રષ્ટાચારીઓ પાસેથી જ ફાળો ઉઘરાવીને મારી આરતી ઉતરાવો છો.

નવરાત્રિ તો તમે અભડાવી નાખી, હવે ગણેશ ઉત્સવને ડાન્સ કે ડિસ્કો પાર્ટી ન બનાવો તો સારું. માતાજીએ તમને માફ કર્યા હશે, પણ મને ગુસ્સો આવશેને તો સૂંઢભેગા સાગમટે પાડી દઈશ. ઇટ્સ અ વૉર્નિંગ. જેમ દૂધ પીધું’તું એમ તમારું લોહી પીતાં પણ મને વાર નહીં લાગે. કંઈક તો વિચાર કરો. ચિક્કાર ડ્રિન્ક કરીને મારી યાત્રામાં ડિસ્કો કરીને આવતાં તમને શરમ નથી આવતી? ગણપતિબાપ્પા મોરિયા કરતાં ‘ગણપતિ બાપા નો-રિયા’ બોલો!

કરોડો રૂપિયામાં મારાં ઘરેણાંની હરાજી કરી લેવાથી હું પ્રસન્ન થઈ જાઉં એમ? હું કાંઈ પૉલિટિશ્યન છું કે લાખોની મેદની જોઈને હરખઘેલો થઈ જાઉં? અરે, મારા ચરણે એક લાખ ભલે ન આવે પણ એકાદ ભક્ત દિલમાં શ્રદ્ધા અને આંખમાં આંસુ લઈને આવશેને તોય હું રાજી થઈ જઈશ! લાડુના ઢગલા મારી સામે કરીને અન્નનો બગાડ કરવા કરતાં ઝૂંપડપટ્ટીના કોઈ ભૂખ્યા બાળકને જમાડી દો, મને પહોંચી જશે. મારા નામે આ દેખાડો બંધ કરો વહાલા ભક્તો! જે દરિયાએ અનેક ઔષધિઓ અને સંપત્તિ તમને આપી છે એમાં જ મને પધરાવી દઈને પર્યાવરણનો કચ્ચરઘાણ વાળતાં સહેજ પણ વિચાર નથી કરતા?

આ ગણપતિ ઉત્સવે મારી છેલ્લી એક વાત માનશો? મારા નામે દાન કરવાની નક્કી કરેલી રકમ ભેગી કરીને કોઈ ગરીબનાં છોકરા-છોકરીને ભણાવી દો, મારું અંતર રાજી થશે. આ સંપત્તિનો દુવ્ર્યય બંધ કરો. ભારતમાં જન્મેલો પ્રત્યેક નાગરિક આ ગણપતિ ઉત્સવે ભારતને વફાદાર રહેવાના સોગંદ લે તો જ આવતા વર્ષે આવીશ. બાકી મારા નામે છૂટા પાડવાનું-છેતરવાનું અને દેવી-દેવતાઓને ઇમોશનલી બ્લૅકમેઇલિંગ કરવાનું બંધ કરો.

Wish You All The Best.

દાચ છેલ્લી વાર ઇન્ડિયા આવેલો તમારો જ

- ગણપતિ...
Whatsapp-channel Whatsapp-channel

23 September, 2012 03:44 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK