ઉનાળામાં તો લીંબુ-શરબત ઘણું પીધું, હવે વરસાદમાં એને અવગણશો નહીં

Published: 4th August, 2012 18:59 IST

    ઉનાળામાં લીંબુ અને લીંબુ-શરબતના મહત્વ વિશે તો આપણે ઘણી વાર જાણ્યું છે, પણ ચોમાસામાં લીંબુ સારાં કે નહીં એ વિશે આજે જરાક જોઈએ. ઘણા લોકો માને છે કે લીંબુ ખાટાં હોવાથી શરીરમાં તાવ પેદા કરે છે,

આયુર્વેદનું ખ A 2 Z  - ડૉ. રવિ કોઠારી

ઉનાળામાં લીંબુ અને લીંબુ-શરબતના મહત્વ વિશે તો આપણે ઘણી વાર જાણ્યું છે, પણ ચોમાસામાં લીંબુ સારાં કે નહીં એ વિશે આજે જરાક જોઈએ. ઘણા લોકો માને છે કે લીંબુ ખાટાં હોવાથી શરીરમાં તાવ પેદા કરે છે, એનાથી સાંધા જકડાઈ જાય છે ને ઠંડા વાતાવરણમાં લેવામાં આવે તો શરદી અને સળેખમ થઈને માથું દુખે છે. આ માન્યતાઓ કેટલાક અપવાદોને બાદ કરતાં મહદંશે સાચી નથી છતાં મનમાં એટલી ઊંડે ઘર કરી ગઈ છે કે આપણા રોજિંદા જીવનમાંથી લીંબુનો ઉપયોગ ઘટવા લાગ્યો છે. આયુર્વેદ અનુસાર ખાસ કરીને વર્ષા અને શરદ ઋતુમાં લીંબુનો ખાસ ઉપયોગ કરવાનું કહેવાયું છે. જો ન કરીએ તો એને કારણે કેટલાંક દરદો આવી શકે.

વર્ષાઋતુ દરમ્યાન હવામાન ભેજવાળું હોવાથી ખોરાકનું પાચન કરતા ખાટા પાચકરસો નબળા પડી જાય છે અને એટલે જ ચોમાસા દરમ્યાન ગૅસ, અરુચિ, મંદાãગ્ન, અપચો, ઝાડા, મરડો જેવી તકલીફો સૌથી વધારે થાય છે. આવા પાચન સંબંધી રોગો માટે વરસાદની સીઝનમાં લીંબુનો છૂટથી ઉપયોગ કરવો જોઈએ, કેમ કે આ ખાટું ફળ અãગ્ન પ્રદીપ્ત કરે છે. પાચકાãગ્ન સતેજ થવાથી ખાવામાં રુચિ વધે છે અને ખોરાકનું પાચન થવામાં સરળતા થતાં કબજિયાત, ઝાડા, મરડો જેવી તકલીફો નથી થતી. લીંબુની ખટાશથી મળની જમાવટ અને સડો બન્ને દૂર થાય છે.

આપણા ખોરાકમાં કુદરતી ખટાશનો વપરાશ ઘટી ગયો છે. આયુર્વેદના આચાયોર્નું કહેવું છે કે આરોગ્ય જાળવી રાખવા માટે ખાટા, ખારા, તીખા, કડવા, મધુર અને તૂરા એમ બધા જ રસોનું સંતુલન જળવાય એ જરૂરી છે. આમલી કે ટમેટાંની ખટાશ કરતાં લીંબુની ખટાશ શરીર માટે ગુણકારી છે. ખાટો રસ પાચન કરનારો અને આંતરડાંને બળ આપનારો છે. એ જ કારણથી વૈદ્યો આંતરડાંના રોગીઓને લીંબુ, ખાટી છાશ, બિજોરુ વગેરે ખટાશવાળા પદાર્થોનું સેવન કરવા કહે છે. ખાટો રસ પાચનશક્તિને સબળ કરવા ઉપરાંત શરીરમાંથી ઝેરી દ્રવ્યો દૂર કરવાનું કાર્ય કરે છે.

ચોમાસામાં ટાઇફૉઇડ થવાનું રિસ્ક વધુ હોય છે. એના તાવમાં દિવસમાં ત્રણ-ચાર વાર લીંબુનું પાણી પીવાથી મળનો સડો કે આંતરડાંની બીજી કોઈ તકલીફ નથી થતી. લીંબુથી આંતરડાંને બળ મળે છે ને એ શરીરમાં જમા થયેલો કચરો પેશાબ અને ઝાડા વાટે બહાર કાઢી નાખે છે. કૉલેરા, ઝાડા, મરડો અને આંતરડાંની ગરમીમાં લીંબુનું પાણી બનાવી એમાં થોડું સિંધવ નમક મેળવીને પીવું. ભૂખ મરી ગઈ હોય, ખાવાની રુચિ જ ન થતી હોય ત્યારે લીંબુને આડું કાપી એમાં મીઠું, મરી અને દિકામાળી ભરી અંદરનો રસ ઉપર આવે એટલું ગરમ કરી એ ઠરે એટલે ચૂસી જવું.

આ સીઝનમાં મલેરિયાનો તાવ આવતો હોય અને ઊલટી થતી હોય તો મધ-લીંબુનું શરબત પીવાથી કે કાળી દ્રાક્ષને લીંબુના રસમાં લસોટીને બનાવેલી ચટણી ખાવાથી આરામ મળે છે અને ઊલટી બંધ થઈ જાય છે.

લીંબુ એક લિવર-ટૉનિક છે એમ કહીએ તોય ચાલે. ખોરાકની વિષમતા કે માંદગીને કારણે લિવરમાંથી રસોનો યોગ્ય રીતે સ્રાવ નથી થતો. એને કારણે લિવરમાં સોજો આવે છે, દુખાવો થાય છે અને ક્યારેક ચાંદું પણ પડે છે. લિવરની નબળાઈ, સોજો કે એની તકલીફવાળા દરદીઓ માટે લીંબુનો પ્રયોગ અકસીર છે. ખોરાક સાથે અથવા ખોરાક ખાધા પછી લીંબુ લેવાથી જે રસોની ખોરાકના પાચન માટે જરૂર પડે છે એ લીંબુ દ્વારા મળી રહે છે. એનાથી લિવર વગેરે ગ્રંથિઓને આરામ મળે છે અને ધીમે-ધીમે એ તંદુરસ્ત બની જાય છે.

ખસ, ખરજવું, દાદર, માથાની ઉંદરી જેવા રોગ થાય છે એમાં લીંબુને કાપીને દરદના ભાગ પર ઘસવું અને પછી સ્પિરિટથી સાફ કરી લેવું. કાનમાં દુખાવો થતો હોય અથવા તો કાનમાંથી ઇન્ફેક્શનને કારણે પરું નીકળતું હોય ત્યારે એક-બે ચમચી તલનું તેલ લઈ એમાં થોડો લીંબુનો રસ ઉમેરી ગરમ કરીને આ તેલનાં ટીપાં કાનમાં નાખવાથી કાનમાં સણકા મારતા હોય, સોજો થયો હોય, પરું વહેતું હોય તો એ તકલીફ દૂર થાય છે.

પાયોરિયા, દાંતની કે મોઢાની દુર્ગંધ અને પેઢાનો દુખાવો કે સડા પર ૧૦ તોલા તલના તેલમાં ચાર તોલા લીંબુનો રસ, એક તોલો કપૂર અને સિંધવ મેળવીને દરરોજ દાંત-પેઢાં પર માલિશ કરવાથી એની ફરિયાદ દૂર થાય છે.

લીંબુનો ડેઇલી ડોઝ

એકદમ સ્વસ્થ હો તો પણ આ સીઝનમાં રોજ વહેલી સવારે સહેજ હૂંફાળા પાણીમાં અડધું લીંબુ નિચોવીને નરણા કોઠે પી જવાનું રાખવું. એ પછી અડધોથી પોણો કલાક કંઈ જ ન ખાવું. ચોમાસામાં પેટને સાફ રાખીને સબ દર્દને માફ કરવા હોય તો આ ઉપચાર બેસ્ટ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK