Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > સમય અને ધીરજ : આ જ છે આસામની સમસ્યાનો ઉપાય

સમય અને ધીરજ : આ જ છે આસામની સમસ્યાનો ઉપાય

29 July, 2012 06:23 AM IST |

સમય અને ધીરજ : આ જ છે આસામની સમસ્યાનો ઉપાય

સમય અને ધીરજ : આ જ છે આસામની સમસ્યાનો ઉપાય


assam-positionબ્રહ્મપુત્રાની દક્ષિણે લોઅર આસામ તરીકે ઓળખાતા પ્રદેશમાં બોડો પ્રજાની વસ્તી મોટા પ્રમાણમાં છે. દસ વર્ષ પહેલાં અલગ બોડોલૅન્ડ રાજ્ય માટેનું આંદોલન વકરવા માંડ્યું ત્યારે કેન્દ્ર સરકારે બોડો પ્રજાને શાંત કરવા સ્વાયત્તતાનું પૅકેજ આપ્યું હતું અને ત્યારથી આ પ્રદેશ બોડોલૅન્ડ ટેરિટોરિયલ ઑટોનોમસ ડિસ્ટ્રિક્ટ્સ (બીટીએડી) તરીકે ઓળખાય છે. આ પ્રદેશમાં આગંતુક મુસ્લિમવિરોધી હુલ્લડો થઈ રહ્યાં છે જેમાં ચાર દિવસમાં ૫૦ જેટલા લોકોએ જાન ગુમાવ્યા છે અને લગભગ પોણાબે લાખ લોકો બેઘર થયા છે.

જે લોકો આસામ અને એકંદરે ઈશાન પ્રદેશના પ્રશ્નોમાં રસ લેતા હશે તેમને આમાં જરાય આશ્ચર્ય નહીં થાય. આસામ ભારતનું સૌથી કમનસીબ રાજ્ય છે. એનાથી પણ મોટી કમનસીબ હકીકત એ છે કે સરેરાશ ભારતીય આસામના પ્રશ્ન વિશે બહુ ઓછું જાણે છે અને તેને જાણવામાં રસ પણ નથી. હજી એક કમનસીબ બાબત એ છે ભારતીય જનતા પાર્ટી જેવા પક્ષો બાકીના ભારતમાં રાજકીય લાભ લેવા માટે આસામના પ્રશ્નનો દુરુપયોગ કરે છે.



આસામની સમસ્યા ત્રણ છે. એક ભૌગોલિક છે, બીજી બહુવાંશિક છે અને ત્રીજી રાજકીય-આર્થિક છે.


ભૌગોલિક સમસ્યા એ છે કે આસામમાં અને એકંદરે ઈશાન ભારતમાં સીમા કે સરદહ નામની કોઈ ચીજ નથી. આમાં બ્રહ્મપુત્રા મોટી સમસ્યા છે. દર વર્ષે બ્રહ્મપુત્રામાં પૂર આવે ત્યારે એ જ્યાંથી વહે છે ત્યાંનો નકશો બદલી નાખે છે. એ ભૂભાગનો નકશો એટલી હદે બદલી નાખે છે કે ત્યાં જન્મેલા અને વૃદ્ધ થયેલા લોકો પણ પોતાના વતનની ભૂમિ શોધી શકતા નથી. બ્રહ્મપુત્રા એવી પ્રચંડ નદી છે કે કેટલીક જગ્યાએ સામે કિનારાની જગ્યાએ ક્ષિતિજ દેખાય. આ નદી જેમ-જેમ બંગાળના અખાત તરફ આગળ વધે છે તેમ-તેમ વધારે વિશાળ અને વિકરાળ થતી જાય છે. ૧૯૪૭માં ભારતના વિભાજન વખતે જે સરહદ ખેંચવામાં આવી છે એ કેવળ કાગળ ઉપરની છે. વાસ્તવમાં આસામ અને બંગલા દેશ વચ્ચે કોઈ સરહદ જ નથી, સરહદ બનાવવી શક્ય પણ નથી. કાંટાની વાડ શું, મોટી દીવાલ પણ બ્રહ્મપુત્રા સામે કોઈ વિસાતમાં નથી. આસામ અને બંગલા દેશના લોકો માટે બ્રહ્મપુત્રા એક હાઇવે છે.

મોટા પ્રમાણમાં બંગલાદેશીઓ ભારતમાં ઘૂસી રહ્યા છે એવો જે કહેવાતા રાષ્ટ્રવાદીઓ પ્રચાર કરી રહ્યા છે એમાં તથ્ય જરૂર છે, પરંતુ એનો કોઈ ઇલાજ નથી. આસામમાં વિદેશીઓ સામે આંદોલન ચલાવનારાઓ ગુવાહાટીમાં બે મુદત માટે સત્તામાં આવ્યા હતા. બંગલાદેશીઓ સામે સૂગ ધરાવનારા હિન્દુત્વવાદીઓ દિલ્હીમાં છ વર્ષ સત્તામાં હતા. શા માટે ત્યારે બંગલાદેશીઓની ઘૂસણખોરીનો અંત ન આવ્યો?


બીજી સમસ્યા બહુવાંશિક છે.

ઈશાન પ્રદેશમાં વિવિધ વંશની સેંકડો જાતિ-જનજાતિઓ છે. આટલી બહુલતા વિશ્વમાં ભાગ્યે જ જોવા મળશે. દુર્ભાગ્ય એ છે કે તેમની વચ્ચે સમાનતા બહુ ઓછી છે, સાવ નથી એમ કહીએ તો ચાલે. પહાડોએ પૉકેટ્સ રચ્યાં છે. ભારત આઝાદ થયો ત્યારે ઈશાનનો આખો પ્રદેશ આસામ તરીકે ઓળખાતો હતો. આઝાદી પહેલાંથી જ આસામના સિલહટના પ્રદેશને પૂર્વ બંગાળમાં જોડવાનું કાવતરું શરૂ થયું હતું અને સરવાળે આઝાદી વખતે સિલહટની ભૂમિ પૂર્વ પાકિસ્તાનને આપવામાં આવી હતી. આઝાદી પછી આસામનું છ વખત વિભાજન કરવામાં આવ્યું છે. હજીયે આસામમાં બોડો જેવી કેટલીક પ્રજા આસામથી અલગ થવાની માગણી કરે છે. આવનારાં વરસોમાં આસામને હજી વધુ વિભાજિત કરવામાં આવે તો આશ્ચર્ય નહીં.

ત્રીજી સમસ્યા આર્થિક અને એને કારણે રાજકીય છે. પહાડોમાં હંમેશાં જોવા મળે છે એમ આસામમાં વસ્તી બહુ પાંખી છે. ઓછી વસ્તી અને વિપુલ કુદરતી સંસાધનો હોવાથી સ્વાભાવિક રીતે જ ત્યાંની પ્રજાને કામ કરવાની આદત નથી. આમાં વળી ૧૯મી સદીમાં આસામમાં ચાનું વાવેતર શરૂ થયું. ૨૦મી સદીના પ્રારંભમાં આસામમાં તેલ મળ્યું. પહેલી વાર આસામમાં મજૂરોની જરૂર પડવા માંડી. એક તો ઓછી સંખ્યા અને એમાં નિરાંતની જિંદગી જીવવા ટેવાયેલા આસામના લોકોથી કામ ચાલે એમ નહોતું. એટલે અંગ્રેજો આસામની બહારથી, ખાસ કરીને બિહાર અને બંગાળમાંથી મજૂરો લાવવા માંડ્યા. તેઓ છેલ્લાં સો વર્ષથી આસામમાં વસે છે, પરંતુ જે-તે સ્થળની સ્થાનિક પ્રજા માટે તેઓ બહારના આગંતુક છે. આસામનાં નાનાં-નાનાં ક્ષેત્રોમાં તેમની વચ્ચે આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક સંઘષોર્ ચાલી રહ્યા છે. આ સંઘષોર્ નિરંતર ચાલી રહ્યા છે, આપણને તો એની ત્યારે જાણ થાય છે જ્યારે બોડોલૅન્ડ જેવી મોટી હિંસક ઘટના બને. એ સમયે દિલ્હીના નેતાઓ અને દેશના મિડિયાવાળાઓ થોડાં સાચાં અને વધુ દેખાવ પૂરતાં આંસુ સારી લે છે.

તો પછી આનો ઉપાય શું? એક રીતે જોઈએ તો આનો કોઈ ઉપાય નથી. બીજી રીતે જોઈએ તો આનો ઉપાય સમય અને ધીરજ છે. એની પોતાની રફતારે ધીરે-ધીરે પરિસ્થિતિ થાળે પડતી જશે. એ રફતારને વેગ મળે એમાં બને એટલી મદદ કરવી જોઈએ. બાકીના ભારતમાં મત મેળવવા માટે કેટલાક રાજકીય પક્ષો સામંજસ્યની રફતારમાં ઘોંચપરોણા કરે છે એ બંધ કરવા જોઈએ અને આપણા જેવા સામાન્ય નાગરિકે આસામ અને એકંદરે ઈશાન ભારત માટે ખૂબ સહાનુભૂતિ દાખવવી જોઈએ, ત્યાંની પ્રજામાં અને પ્રશ્નોમાં રસ લેતા થવું જોઈએ, તેમને આપણા કરવા જોઈએ. અમરનાથની યાત્રા ભલે કરો, પણ ઈશાન ભારતની યાત્રા કરવાનું ભૂલશો નહીં. એનાથી પુણ્ય પણ મળશે અને મજબૂત દેશ પણ મળશે. બાય ધ વે, ભગવાન શંકરનું એક નામ ઈશાન પણ છે.

Whatsapp-channel Whatsapp-channel

29 July, 2012 06:23 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK