Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > ગુજરાતના દરેક પ્રદેશની પોતાની તાસીર છે અને ખાસ પ્રકારનાં સામાજિક સમીકરણો છે

ગુજરાતના દરેક પ્રદેશની પોતાની તાસીર છે અને ખાસ પ્રકારનાં સામાજિક સમીકરણો છે

23 December, 2012 07:07 AM IST |

ગુજરાતના દરેક પ્રદેશની પોતાની તાસીર છે અને ખાસ પ્રકારનાં સામાજિક સમીકરણો છે

ગુજરાતના દરેક પ્રદેશની પોતાની તાસીર છે અને ખાસ પ્રકારનાં સામાજિક સમીકરણો છે




ચૂંટણીલક્ષી ગુજરાતને ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે : સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત. આ પ્રદેશોની પોતાની એક તાસીર છે અને ખાસ પ્રકારનાં સામાજિક સમીકરણો છે. ભારતના અન્ય પ્રદેશોની માફક ગુજરાતમાં પણ સામાજિક સમીકરણો બદલાતાં રહે છે એટલે એનું ચુસ્ત જનરલાઇઝેશન શક્ય નથી. આમ છતાં જે-તે પ્રદેશના મતદારો કઈ રીતની રાજકીય પ્રતિક્રિયા આપે છે એ જાણવું રસપ્રદ અને જરૂરી હોય છે.

૨૦૦૭ની વિધાનસભાની અને ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીના પ્રકાશમાં ૨૦૧૨ની ચૂંટણીની તુલના કરવી જોઈએ. ખાસ કરીને આટલા પ્રશ્નો મહત્વના છે : (૧) કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીએ કઈ બેઠક પર કોને કેટલું નુકસાન પહોંચાડ્યું? (૨) બહુજન સમાજ પાર્ટીએ મુખ્ય રાજકીય પક્ષોને કેટલું નુકસાન પહોંચાડ્યું? ૨૦૦૭માં બહુજન સમાજ પાર્ટીએ ગુજરાતમાં કુલ ૨.૬૨ ટકા મત મેળવ્યા હતા અને જે મતદારક્ષેત્રમાં એના ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા એમાં સરેરાશ ૨.૯૬ ટકા મત મેળવ્યા હતા. (૩) શહેરી મતદારોની અને ગ્રામીણ મતદારોની વોટિંગ-પૅટર્નમાં શું અંતર છે? (૪) આદિવાસીઓ, મુસલમાનો અને દલિતોએ કોને મત આપ્યા છે? (૫) જે-તે સ્થળે ચાલતાં આંદોલનોનો મતદાન પર કોઈ પ્રભાવ જોવા મળ્યો હતો ખરો? (૬) સ્ત્રીઓએ કેટલા ટકા મતદાન કર્યું અને કેટલી મહિલા-ઉમેદવારો ચૂંટાઈને આવી? (૭) પહેલી વાર મતદાન કરનારા મતદારોનો ઝોક કોના તરફ હતો? (૮) રિપીટ ઉમેદવારો અને પહેલી વારના ઉમેદવારો પરત્વે મતદારોનું વલણ કેવું હતું? (૯) ચૂંટણીમાં મુદ્દાઓ શું હતા અને કયા મુદ્દાએ કેટલો પ્રભાવ પાડ્યો?

ખેર, ઉપલબ્ધ માહિતીના આધારે આવું કંઈક ચિત્ર ઊપસે છે.

સૌરાષ્ટ્ર

૨૦૦૭માં સૌરાષ્ટ્રની કુલ ૫૬ બેઠકમાંથી બીજેપીને ૪૧, કૉન્ગ્રેસને ૧૪ અને અપક્ષ ઉમેદવારને એક બેઠક મળી હતી. મતના પ્રમાણની વાત કરીએ તો બીજેપીને ૪૭.૮ ટકા, કૉન્ગ્રેસને ૩૮.૭ ટકા અને અન્યોને ૧૩.૬ ટકા મત મળ્યાં હતા. ૨૦૦૯માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. લોકસભાના મતદારક્ષેત્રના મતદાનને એ ક્ષેત્રમાં આવતા વિધાનસભા મતદારક્ષેત્રમાં પરિવર્તિત કરવામાં આવે તો પરિણામ આવું હતું. ૨૦૦૯માં બીજેપીને ૪૩.૮ ટકા મત સાથે માત્ર ૩૨ બેઠક મળતી હતી. જો ૨૦૦૯માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હોત તો ૨૦૦૭ની તુલનામાં બીજેપીએ ૯ બેઠક ગુમાવી હોત. ૨૦૦૯માં કૉન્ગ્રેસને ૪૩.૧ ટકા મત સાથે ૨૪ બેઠક મળતી હતી.

૨૦૧૨માં બીજેપીને ૩૪ બેઠક મળી છે. એને ૨૦૦૭ની તુલનામાં પાંચ બેઠક ઓછી અને ૨૦૦૯ની તુલનામાં બે બેઠક વધુ મળી છે. કેશુભાઈ પટેલે પડકાર ફેંક્યો હોવા છતાં બીજેપીએ સૌરાષ્ટ્રનો ગઢ બહુ મોટા નુકસાન વિના જાળવી રાખ્યો છે એમ કહેવું રહ્યું. કૉન્ગ્રેસને ૧૭ બેઠક મળી છે જે ૨૦૦૭ની તુલનામાં ત્રણ બેઠક વધુ છે અને ૨૦૦૯ની તુલનામાં સાત બેઠક ઓછી છે. ગુજરાત પરિવર્તન પાર્ટીને માત્ર બે બેઠક મળી છે. ૨૦૦૭ અને ૨૦૦૯માં એનું અસ્તિત્વ નહોતું એટલે તુલના કરવાની રહેતી નથી. કેશુભાઈને સૌરાષ્ટ્રમાં કેટલા ટકા મત મળ્યાં એ જ વાત મહત્વ રાખે છે. જો એ આંકડો પાંચ ટકાથી ઓછો હશે તો એ કેશુબાપા માટે શરમજનક ઘટના હશે, કારણ કે આ વખતની ચૂંટણીમાં એકમાત્ર મુદ્દો કેશુભાઈ અને પટેલોની નારાજગી હતી. કૉન્ગ્રેસના શક્તિસિંહ ગોહિલ અને મહુવામાં નિરમાની સામે આંદોલન ચલાવનારા કનુભાઈ કળસરિયાનો પરાજય આશ્ચર્યજનક છે. અમરેલીમાં દિલીપ સંઘાણીનો પરાજય તેમની સામે થયેલા ભ્રષ્ટાચારના આરોપ પછી અપેક્ષિત હતો.

મધ્ય ગુજરાત

૨૦૦૭માં મધ્ય ગુજરાતમાં કૉન્ગ્રેસે સારો દેખાવ કર્યો હતો. કૉન્ગ્રેસે ૪૨.૪ ટકા મત સાથે ૨૫ બેઠક મેળવી હતી, જ્યારે બીજેપીએ ૪૪.૬ ટકા મત સાથે ૨૨ બેઠક મેળવી હતી. ૨૦૦૯માં ૪૪.૧ ટકા મત સાથે ૨૪ બેઠક અને બીજેપીએ ૪૫.૫ ટકા મત સાથે એટલી જ ૨૪ બેઠક મેળવી હતી. ૨૦૦૭ના મધ્ય ગુજરાતનાં અને ૨૦૦૯ના સમગ્ર ગુજરાતનાં પરિણામો જોઈને એમ લાગતું હતું કે કૉન્ગ્રેસ ગુજરાતમાં બેઠી થઈ રહી છે. ૨૦૦૯માં કૉન્ગ્રેસને કુલ ૭૫ બેઠક મળતી હતી.

આ વખતે બીજેપીએ ૩૪ અને કૉન્ગ્રેસે ૧૭ બેઠક મેળવી છે. મધ્ય ગુજરાતના મતદારોનો મૂડ બદલાઈ રહ્યો છે એના સંકેત મળવા લાગ્યા હતા. આનું સૌથી મોટું કારણ એ છે કે મોદીની વિકાસનીતિનો સૌથી લાભાર્થી પ્રદેશ મધ્ય ગુજરાત છે. કૉન્ગ્રેસના ત્રણ નેતાઓ મધ્ય ગુજરાતના છે અને એ ત્રણેય વચ્ચે બાપે માયાર઼્ વેર છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના લેઉવા પટેલોએ કેશુભાઈના પટેલોને અન્યાય થઈ રહ્યો છે એવા મરસિયામાં સાથ નહોતો આપ્યો.

ઉત્તર ગુજરાત

૨૦૦૭માં બીજેપીને ઉત્તર ગુજરાતમાં ૫૨.૧ ટકા મત સાથે ૩૬ બેઠક મળી હતી. ૨૦૦૯માં ૪૯.૨ ટકા મત સાથે ૩૨ બેઠક મળતી હતી. કૉન્ગ્રેસને ૨૦૦૭માં ૩૭.૧ ટકા મત સાથે ૧૩ બેઠક મળી હતી. ૨૦૦૯માં કૉન્ગ્રેસના મતમાં અને બેઠકોમાં વધારો નોંધાયો હતો. ત્યારે એને ૪૨.૭ ટકા મત સાથે ૧૭ બેઠક મળી હતી. ૨૦૧૨માં ઉત્તર ગુજરાતમાં બીજેપીએ ગઢ જાળવી રાખ્યો છે. એને ૩૨ બેઠક મળી છે, જ્યારે કૉન્ગ્રેસને ૨૧ બેઠક મળી છે.

દક્ષિણ ગુજરાત

એક સમયે દક્ષિણ ગુજરાત કૉન્ગ્રેસનો ગઢ હતું. વલસાડના કોળી પટેલો તથા ધરમપુર અને ડાંગના આદિવાસીઓ કૉન્ગ્રેસના સમર્થકો હતા. ૧૯૭૫ અને એ પછીનાં વર્ષોમાં કૉન્ગ્રેસવિરોધી જુવાળ હતો ત્યારે પણ દક્ષિણ ગુજરાત કૉન્ગ્રેસના કબજામાં રહ્યું હતું. છેલ્લા એક દાયકાથી સ્થિતિ જુદી છે.

૨૦૦૭માં બીજેપીને ૫૨.૬ ટકા મત અને ૧૮ બેઠક મળી હતી. કૉન્ગ્રેસને માત્ર ૩૮ ટકા મત અને ૧૦ બેઠક મળી હતી. ૨૦૦૯માં બીજેપીની બેઠકમાં ઘટાડો નથી થતો, પરંતુ મતમાં ચાર ટકાનો ઘટાડો થયો હતો. ૨૦૦૯માં કૉન્ગ્રેસની બેઠકોમાં પણ કોઈ વધારો નહોતો થયો. મતમાં એેને પાંચ ટકાનો ફાયદો થયો હતો.

દક્ષિણ ગુજરાતમાં કૉન્ગ્રેસનું ધોવાણ થઈ ગયું છે. કૉન્ગ્રેસને ૬ બેઠક મળી છે, જ્યારે બીજેપીને ૨૮ બેઠક મળી છે. આ એક પ્રદેશ એવો છે જ્યાં કેશુભાઈ ફૅક્ટર સુરત શહેરની બહાર સમ ખાવા પૂરતું પણ જોવા નહોતું મળતું. સંપૂર્ણ વિગતો મેળવ્યા પછી આવનારા દિવસોમાં એની વિગતે સાધાર વાત કરીશું. 


Whatsapp-channel Whatsapp-channel

23 December, 2012 07:07 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK