Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દો શિકારીના સેટ પર જ્યારે રેખા રડતાં-રડતાં સેટ છોડીને જતી રહી હતી

દો શિકારીના સેટ પર જ્યારે રેખા રડતાં-રડતાં સેટ છોડીને જતી રહી હતી

08 September, 2019 04:15 PM IST | મુંબઈ
વો જબ યાદ આએ - રજની મહેતા

દો શિકારીના સેટ પર જ્યારે રેખા રડતાં-રડતાં સેટ છોડીને જતી રહી હતી

વિશ્વજીત અને રેખા

વિશ્વજીત અને રેખા


આપણે જોયું કે વિશ્વજિત કોઈ એક ઇમેજમાં બંધાઈને રહેવા નહોતા માગતા. પોતાની રોમૅન્ટિક ઇમેજને તોડવા તેમણે ‘આસરા’ અને ‘દો કલિયાં’ (જે અંગ્રેજી ફિલ્મ ‘પૅરન્ટ્સ ટ્રેપ’ પર આધારિત હતી) જેવી સામાજિક ફિલ્મોમાં કામ કર્યું. આ દરમ્યાન એક નવી ચૅલેન્જ સ્વીકારીને તેમણે કૉસ્ચ્યુમ ફિલ્મ ‘દો દિલ’માં કામ કર્યું જેમાં વી. શાંતારામની પુત્રી રાજશ્રી હિરોઇન હતી. આ ફિલ્મને યાદ કરતાં વિશ્વજિત કહે છે,

‘આ ફિલ્મમાં મારા અને પ્રાણ સા’બનાં તલવારબાજીનાં અગત્યનાં દૃશ્યો હતાં. ફાઇટ માસ્ટર અઝીમભાઈ મને કહે કે તેમની સામે તું ટકી નહીં શકે. ભલભલા હીરો તેમની સામે આવાં દૃશ્યોમાં ઢીલા પડી જાય છે અને તેમનો આગ્રહ હોય કે બને તો આવાં દૃશ્યો ફિલ્મમાંથી કાઢી નાખો. મેં કહ્યું, હું હિંમત નહીં હારું અને મેં તેમના અસિસ્ટન્ટ મન્સૂર (જેણે દિલીપકુમારની ‘ગંગા જમુના’નાં ઍક્શન સીન ડાઇરેક્ટ કર્યાં છે)ને વાત કરી. એક મહિના સુધી રોજ સવારે બે કલાક, હું તેની સાથે તલવારબાજીની પ્રૅક્ટિસ કરતો. આ વાતની બીજા કોઈને ખબર નહોતી.’



‘શૂટિંગના દિવસે પ્રાણસાહેબ મારી સાથેના સીનમાં ધીમેથી તલવાર ચલાવતા હતા અને હું તેમને સારી રીતે ફાઇટ આપતો હતો. આ જોઈને તે મને કહે, ‘બરખુરદાર, હમ તો યે સમજકર આરામસે તલવાર ચલાતે થે કી કહીં હીરો કો ચોટ ન લગ જાય. અગર યે બાત હૈ તો હો જાય અને આમ અમારી વચ્ચે દાવપેચની શરૂઆત થઈ. ત્યાં હાજર રહેલા લોકોને એ સમજાતું નહોતું કે શૂટિંગ થઈ રહ્યું છે કે અસલી તલવારબાજી! વચ્ચે-વચ્ચે પ્રાણસા’બ ખેલદિલીથી મને બિરદાવતા હતા. ‘બહોત અચ્છે વિશ્વજિત.’ શૂટિંગ પૂરું થયું ત્યારે સૌને એ વાતની ખબર પડી કે મેં આ સીન માટે કેટલી મહેનત કરી છે. પ્રાણસાહેબે મને ખૂબ જ અભિનંદન આપ્યા અને કહ્યું કે આજ સુધી કોઈ હીરો કે વિલને તેમની સામે ટક્કર ઝીલી નથી. આ દૃશ્યો ખૂબ જ જીવંત હતાં અને ફિલ્મની હાઈલાઇટ્સ બન્યાં; ત્યાં સુધી કે ફિલ્મના રિવ્યુમાં આનો ખાસ ઉલ્લેખ કરીને મને ક્રેડિટ આપવામાં આવી હતી.’


ડાઇરેક્ટર તરુણ મઝુમદારની એક ફિલ્મ ‘રાહગીર’માં ફરી એક વાર મેં અનયુઝ્વલ રોલ કર્યો. હાથમાં ગિટાર લઈને ગાતા પ્લેબૉયની ઇમેજને બદલે ધોતી પહેરીને અને હાથમાં ગમછો લઈને ફરતા એક ‘ફોક સિંગર’ (લોકગીતો ગાનાર)નો રોલ કરવાની મને ખૂબ મજા આવી. આ ફિલ્મમાં ‘ટેનિંગ અફેક્ટ’ (તડકાને કારણે  શરીર પર આવતી કાળાશ) માટે આખા શરીર પર મારે પેઇન્ટ કરાવવો પડતો. તરુણદાએ મને કહ્યું કે આવો ડીગ્લેમરાઇઝ્ડ રોલ તું સ્વીકારીશ એમ મેં ધાર્યું નહોતું. મોટી મૂછો, કાળું શરીર અને એક અલગ ‘ગેટ–અપ’વાળો રોલ કર્યા બાદ મારી ઍક્ટિંગ એફિલિટી માટે વિવેચકોને જે શંકા હતી એ દૂર થઈ ગઈ. હેમંત કુમારના સંગીતમાં અને તેમના સ્વરમાં ગવાયેલું ‘જનમ સે બંજારા હું બંધુ, જનમ જનમ બંજારા’ ખૂબ જ લોકપ્રિય બન્યું હતું.’

વિશ્વજિત સાથે મારી જેટલી મુલાકાતો થઈ એ દરમ્યાન મને કદી એવું નથી લાગ્યું કે હું એક વિખ્યાત, સફળ હીરો (ભલે એ પછી વીતેલા યુગના કેમ ન હોય) સાથે વાત કરી રહ્યો છું. અત્યંત મૃદુભાષી, નમ્ર અને સહજતાથી તેમની સાથે વાતો કરવાની ખૂબ જ મજા આવી. મને ખબર હતી કે તેમને મારી જેમ ક્રિકેટમાં ખૂબ જ દિલચશ્પી છે એટલે વીતેલા દિવસોના અનેક કિસ્સાઓ અમે શૅર કર્યા છે. જ્યારે વર્લ્ડ કપની મૅચો રમાતી હતી ત્યારે મૅચની શરૂઆતમાં, વચ્ચે અને મૅચ પૂરી થયા બાદ અમે બન્ને એક્સપર્ટ કૉમેન્ટ્સની આપ-લે કરતા. એક સમય એવો હતો કે તેમની ક્રિકેટ રમવાની કાબેલિયતની કલકત્તામાં વાહ-વાહ થતી હતી! એમ કહેવાતું હતું કે રણજી ટ્રૉફી મૅચ માટે તેમની પસંદગી થઈ શકે એમ હતી. સલીમ દુર્રાની, કરસન ઘાવરી અને બીજા ક્રિકેટર્સ સાથે તેમને ઘરોબો હતો. એ દિવસોને યાદ કરતાં વિશ્વજિત કહે છે, 


‘શર્મિલા ટાગોર સાથે મેં બંગાળી ફિલ્મોમાં કામ કર્યું હતું એટલે અમે એકમેકથી પરિચિત હતાં. ફિલ્મ ‘યે રાત ફિર ના આયેગી’નું શૂટિંગ ચાલતું હતું ત્યારે તેનો અને પટૌડીનો રોમૅન્સ પૂરબહારમાં ચાલતો હતો.

એક દિવસ લંચ ટાઇમ પછી આખું યુનિટ શર્મિલાની રાહ જોતું હતું. મેં પૂછ્યું કે શર્મિલાની તબિયત સારી નથી? તો જવાબ મળ્યો કે પટૌડી અને શર્મિલા મેક-અપ રૂમમાં બેસીને ગપ્પા મારે છે અને બે કલાક પછી તે સેટ પર આવી, પછી તો આ રોજનું થયું! અમે પણ એ વાતનો સ્વીકાર કરી લીધો કે લંચ પછી રાહ જોવાની છે. એક દિવસ મેં શર્મિલાને કહ્યું કે મારી સાથે પટૌડીની ઓળખાણ તો કરાવ? તો કહે, તે એકદમ રિઝર્વ નેચરના છે. આમ તેમને નજીકથી મળવાનો મોકો ન મળ્યો. આ બન્નેનાં લગ્નનું રીસેપ્શન મહાલક્ષ્મી ટર્ફ ક્લબમાં હતું ત્યાં અમારું ઇન્ટ્રોડક્શન થયું. જોકે પછીથી તેમની સાથે એકાદ-બે વાર મુલાકાત થઈ ત્યારે મોસ્ટલી અમે ક્રિકેટની વાતો કરતા હતા. તેમને ફિલ્મી દુનિયામાં રસ નહોતો.’

વિશ્વજિત હોય કે પછી બીજી કોઈ સેલિબ્રિટી, તેમની સાથે વાતો કરતી વખતે, તેમના અંગત જીવનમાં હું એટલા માટે નથી ઊતરતો કે મને કોઈની દુખતી રગ દબાવવામાં રસ નથી. આ કોઈ ગોસીપ કૉલમ નથી. મોટે ભાગે એવું બનતું હોય છે કે થોડા જ સમયમાં વ્યક્તિવિશેષ સાથે એટલી આત્મીયતા બંધાઈ જાય કે મારા પૂછ્યા વિના જ, તેમની અંગત વાતો મારી સાથે શૅર કરી નાખે છે. એ વાતોનો કદી બિનજરૂરી ઉપયોગ મેં કર્યો નથી. કોણ જાણે કેમ, તેમને એ વાતનો ભરોસો હોય છે કે આ વાતને મારીમચડીને રજૂ નહીં કરાય. મેં કદી એ ભરોસો તોડ્યો નથી. કદાચ એ કારણોસર આ દરેક કલાકાર નિખાલસ થઈને, આ વાતો કરીને હળવાશ અનુભવતા હશે એમ હું માનું છું. વિશ્વજિત સાથે વાતો કરતાં એક એવી વાતનો તેમણે ઉલ્લેખ કર્યો જે હું સામેથી પૂછવા નહોતો માગતો.

હિરોઇનની વાતો નીકળી એટલે મેં તેમને પૂછ્યું કે તમારી સાથે કામ કરનારી બીજી હિરોઇનો સાથેનાં સ્મરણોની વાતો સંગીતપ્રેમીઓને સાંભળવી ગમશે. એના જવાબમાં તેમણે કહ્યું, 

‘માલા સિન્હાને હું વર્ષોથી ઓળખતો. તે પોતે એક સારી સિંગર છે. રેડિયો આર્ટિસ્ટ છે. તેણે ગોવિંદાનાં માતાજી નિર્મલાદેવી પાસે તાલીમ લીધી છે. બંગાળી ગીતો રેકૉર્ડ કર્યાં છે. તેની સાથે એકદમ ફ્રેન્ડ્લી રીલેશન હતાં. ‘આસરા’, ‘નાઇટ ઇન લંડન’, ‘પ્યાર કા સપના’, ‘ચાહત’ અને બીજી ફિલ્મોમાં કામ કર્યું છે. તે એકદમ ઇમોશનલ આર્ટિસ્ટ છે. રોલમાં ખૂબ જ ઇનવૉલ્વ થઈ જાય. એક દિવસ એક સીનમાં તેણે રડવાનું હતું. સીન પૂરો થયો પણ તેનું રડવાનું બંધ ન થયું! ધ્રૂજતી જાય અને રડતી જાય. માંડ-માંડ તેને શાંત પાડી. તે એક ઊંચા દરજ્જાની ઍક્ટ્રેસ છે.’

વિશ્વજિત પોતે જાણે ગઈ કાલની જ આ વાતો હોય એ રીતે ભૂતકાળને વાગોળી રહ્યા હતા. મારે તેમને કેવળ હિરોઇનનું નામ જ યાદ કરાવવું પડે એમ હતું. મેં પૂછ્યું, ‘રેખાએ એક ઇન્ટરવ્યુમાં તમારો ઉલ્લેખ કરીને તમારાં વખાણ કર્યું છે. તેની સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?’

‘સારું થયું તમે આ પ્રશ્ન પૂછ્યો. રેખાની પહેલી ફિલ્મ ‘અનજાના સફર’માં હું હીરો હતો. આ ફિલ્મ દસ વર્ષ પછી ‘દો શિકારી’ નામે રિલીઝ થઈ. (રેખાની રિલીઝ થયેલી પ્રથમ ફિલ્મ ‘સાવન ભાદો’ હતી જે નવીન નિશ્ચલની પણ પહેલી ફિલ્મ હતી) આ ફિલ્મમાં મારો અને રેખાનો એક કિસિંગ સીન હતો. હકીકતમાં આ સીન ઓવરસીસ વર્ઝન માટે શૂટ કરવાનો હતો. જેના કારણે તે દિવસોમાં ખોટાં કારણસર અમે ચર્ચામાં રહ્યાં. અત્યારે તો આ વાત સાવ નૉર્મલ ગણાય છે, પરંતુ એ દિવસોમાં આ સીનને કારણે ઘણી ક‍ન્ટ્રૉવર્સી ઊભી થઈ હતી. એ સમયે વિખ્યાત મૅગેઝિન ‘લાઇફ’ની એશિયન ઍડિશનના કવર પેજ પર આ ફોટો છપાયો હતો. લોકોએ એવી અફવા ફેલાવી કે રેખાની જાણ બહાર આ સીન લેવાયો હતો એટલે તે મારા પર ગુસ્સે હતી. હકીકતમાં વાત એમ હતી કે જ્યારે ડાઇરેક્ટરે મને આ સીન સમજાવ્યો ત્યારે મેં તેને પૂછ્યું કે રેખા આ સીન માટે તૈયાર છે? તો તેણે કહ્યું કે હા, મારી વાત થઈ ગઈ છે. જ્યારે શૂટિંગ શરૂ થયું અને અમારો સીન ભજવતાં મેં કિસ કરી ત્યારે તે ચોંકી ગઈ અને રડવા લાગી. તેને થયું કે મેં આ હરકત કરી છે એટલે તે નારાજ થઈને સેટ છોડીને જતી રહી. જ્યારે મેં તેને સાચી હકીકતથી વાકેફ કરી ત્યારે તેણે મને એટલું જ કહ્યું કે મને તમારી વાત પર ભરોસો છે. તે દિલની એકદમ ભોળી છે. તેનો સ્વભાવ એક બાળક જેવો છે. તે મને હંમેશાં પ્રેમથી ‘બિશુબાબા’ કહીને  બોલાવે. મીડિયાએ જે અફવા ફેલાવી એ સાવ ખોટી હતી. તેણે મારી પોતાની ફિલ્મ ‘કહેતે હૈ મુજકો રાજા’માં કામ કર્યું છે. એ જ બતાવે છે કે અમારી વચ્ચે કોઈ મનદુઃખ નહોતું.’ 

એક આડ વાત. ફિલ્મ ‘દો શિકારી’ માટે સંગીતકાર ચિત્રગુપ્તે વિશ્વજિતના સ્વરમાં એક ગીત રેકૉર્ડ કર્યું હતું. ‘એ દિલ મેરી જાં, તેરી મંઝીલ હૈ કહાં’. મજાની વાત તો એ છે કે આ ગીતમાં સંગીતકાર ચિત્રગુપ્તે ક્લીન્ટ ઇસ્ટવુડની ફિલ્મ ‘ફોર અ ફ્યુ ડૉલર્સ મોર’ની લોકપ્રિય વ્હીસલિંગ ટ્યુનનો સરસ ઉપયોગ કર્યો છે. વિશ્વજિતના અવાજમાં હિન્દી ફિલ્મ માટે ગવાયેલું પહેલું અને છેલ્લું ગીત સાંભળીએ ત્યારે તેમનો અવાજ હેમંત કુમારને મળતો આવે એવો અહેસાસ થાય છે.

આ પણ વાંચો : હિન્દી ફિલ્મોમાં ઍક્ટિંગ કરવા આવેલા વિશ્વજિતને અશોકકુમારે શું સલાહ આપી?

એક દિવસ લંચ ટાઇમ પછી આખું યુનિટ શર્મિલાની રાહ જોતું હતું. મેં પૂછ્યું કે શર્મિલાની તબિયત સારી નથી? તો જવાબ મળ્યો કે પટૌડી અને શર્મિલા મેક-અપ રૂમમાં બેસીને ગપ્પા મારે છે અને બે કલાક પછી તે સેટ પર આવી, પછી તો આ રોજનું થયું! અમે પણ એ વાતનો સ્વીકાર કરી લીધો કે લંચ પછી રાહ જોવાની છે. એક દિવસ મેં શર્મિલાને કહ્યું કે મારી સાથે પટૌડીની ઓળખાણ તો કરાવ? તો કહે, તે એકદમ રિઝર્વ નેચરના છે. આમ તેમને નજીકથી મળવાનો મોકો ન મળ્યો. આ બન્નેનાં લગ્નનું રીસેપ્શન મહાલક્ષ્મી ટર્ફ ક્લબમાં હતું ત્યાં અમારું ઇન્ટ્રોડક્શન થયું. જોકે પછીથી તેમની સાથે એકાદ-બે વાર મુલાકાત થઈ ત્યારે મોસ્ટલી અમે ક્રિકેટની વાતો કરતા હતા. તેમને ફિલ્મી દુનિયામાં રસ નહોતો.’

Whatsapp-channel Whatsapp-channel

08 September, 2019 04:15 PM IST | મુંબઈ | વો જબ યાદ આએ - રજની મહેતા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK