Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ - 51

સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ - 51

11 August, 2019 03:28 PM IST | મુંબઈ
ગીતા માણેક

સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ - 51

સરદાર પટેલ

સરદાર પટેલ


‘રહેના હૈ કિ જાના હૈ?’ તેમનું સ્વાસ્થ્ય તપાસવા આવેલા બંગાળના મુખ્ય પ્રધાન અને જાણીતા ડૉક્ટર બિપિનચંદ્ર રૉયને સરદારે હસતાં-હસતાં પૂછ્યું.

 ‘જવાનું હોય તો હું તમને તપાસવા શા માટે આવું?’ ડૉક્ટર તરીકે તેમણે દરદીમાં આશાનો સંચાર કરવા જવાબ આપ્યો, પરંતુ રાજા-મહારાજાઓ હોય કે રાજકારણીઓ બધાને એક નજરમાં પારખી લેતા સરદારે પોતાના અંતના આરંભને પણ ઓળખી લીધો.



‘હું હવે ઝાઝું જીવવાનો નથી, પણ મને એક વચન આપો.’ સરદારની તબિયત જોવા આવેલા નરહર ગાડગીળનો હાથ પથારીમાં સૂતેલા સરદારે પકડી લીધો.


‘જરૂર...’ ગાડગીળે કહ્યું.

‘જવાહરલાલ જોડે ગમે એટલા મતભેદ થાય, તો પણ તેમને એકલા છોડીને જશો નહીં.’ સરદારના અવાજમાં મોટા ભાઈની નાના ભાઈ માટેની કાળજી હતી.


‘મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે... મંગલ મંદિર ખોલો દયામય...’ તેમણે ગણગણવા માંડ્યું હતું.

‘દરવાજો ઊઘડે એમ નથી. ત્યાં એક નહીં, બે તાળાં લાગેલાં છે. તમારે ક્યાંય જવાનું નથી.’ ડૉ. ધાંદાએ તેમનો હાથ પોતાના હાથમાં લઈને નાડી પકડીને કહ્યું.

‘દસ તાળાં લાગ્યાં હશે તો પણ દરવાજો ઊઘડી જશે.’ સરદાર કોઈની વાતમાં આવે એમ નહોતા. તેમને સમજાઈ ચૂક્યું હતું કે છેવટની ઘડી આવી ચૂકી છે.

તબિયત વધુ ને વધુ લથડવા માંડી. મુંબઈની સમશીતોષ્ણ આબોહવામાં સરદારને ખસેડવાની ડૉક્ટરોએ સલાહ આપી.

દિલ્હીના વિલિંગ્ડન હવાઈ મથકે તૈયાર રાખવામાં આવેલા હવાઈ દળના ડકોટા વિમાન સુધી તેમને કારમાં લઈ જવાયા. વિમાન પાસે ડૉ. રાજેન્દ્રપ્રસાદ, જવાહરલાલ નેહરુ, રાજાજી, ગાડગીળ અને મેનન ઊભા હતા. સરદારને ખુરસીમાં બેસાડી, ઊંચકીને વિમાનમાં લઈ જવાયા. સીડી પર છેક ઉપર પહોંચ્યા પછી તેમણે વિનંતી કરી, ‘ભાઈ, એક મિનિટ ખુરસી પેલી તરફ ફેરવજો.’

ખુરસી ફેરવવામાં આવી. નીચે ઊભેલા સર્વે સાથીઓને તેમણે હાથ જોડીને સ્મિત સાથે નમસ્કાર કર્યા. તેમની ખુરસી ઊંચકીને અંદર લઈ જવામાં આવી. થોડી જ ક્ષણોમાં વિમાનનો દરવાજો બંધ થયો. એક ઘરઘરાટી સાથે વિમાન હવામાં ઊડ્યું અને મુંબઈ ભણી રવાના થયું.

ડકોટા જુહુના વિમાનમથકે ઊતર્યું ત્યાં સુધી સરદાર સખત રીતે નંખાઈ ગયા હતા. મુંબઈમાં તેમને આવકારવા મોરારજી દેસાઈ સહિત અન્ય આગેવાનો આવ્યા હતા, પણ સરદાર તેમની સાથે એક શબ્દ પણ બોલી શક્યા નહીં. મુંબઈના બિરલા હાઉસમાં તેમની સારવાર થઈ રહી હતી. અસહ્ય વેદનાથી કણસતા અને અમળાતા રહ્યા, પણ તેમણે કોઈ બૂમાબૂમ કે ચીસાચીસ કરી નહીં.

બિરલા હાઉસમાં સરદાર જાણે પોતાના અંતની રાહ જોતા પથારીમાં પડ્યા હતા.

રામેશ્વરદાસ બિરલા અને સરદારના અંગત સચિવ વી. શંકર તેમની પથારીની બાજુમાં બેઠા હતા.

‘બાપુ, કંઈ જોઈએ છે? તમારી કોઈ ઇચ્છા...’ પડછાયાની જેમ સાથે રહેલાં મણિબહેને પિતાને પૂછ્યું.

શારીરિક પીડા અને નબળાઈને કારણે નંખાઈ ગયેલા સરદાર પહેલાં તો કશું બોલ્યા નહીં, પણ શંકર તરફ નજર કરી ધીમા અવાજે કહ્યું, ‘હો સકે તો વીણા સુનની હૈ. રુદ્રવીણા...’

વી. શંકરે તરત જ ચક્રો ગતિમાન કર્યાં. ઑલ ઇન્ડિયા રેડિયોના વડાને સંદેશો મોકલવામાં આવ્યો. સાંજ સુધીમાં તો મહાન સંગીતજ્ઞ વી. કે. નારાયણ મેનન હાજર થઈ ગયા. ફક્ત દેશના નાયબ વડા પ્રધાન જ નહીં, પણ પોતાનું સર્વસ્વ સમર્પિત કરનારા લોકલાડીલા સપૂત માટે તેમણે રુદ્રવીણાના સૂર રેલાવ્યા. એ સૂર જાણે સરદારના અંતઃકરણ પર શીતલ મલમનું કામ કરી રહ્યા હતા. આ દિવ્ય સૂર સાંભળતાં-સાંભળતાં જ તેઓ નિદ્રામાં સરી પડ્યા.

એ રાતે ત્રણ વાગ્યે ફરી તેમને હૃદયરોગનો હુમલો આવ્યો.

‘મણિબહેન, પાણી આપોને...’ સરદારે વિનંતીભર્યા સ્વરમાં માંડ કહ્યું. મણિબહેને બાજુમાં જ ભરી રાખેલા પ્યાલામાંથી બે-ત્રણ ચમચી પાણી પીવડાવ્યું.

‘બહુ ગળ્યું લાગે છે પાણી...’ કહીને સરદાર આંખ મીંચી ગયા. પછી એ આંખો ફરી ક્યારેય ન ખૂલી. એ ૧૫ ઑક્ટોબરની સવાર હતી. હિન્દુસ્તાને ટુકડા-ટુકડામાં વહેંચાયેલા દેશને એકત્રિત કરનાર એનો સરદાર ગુમાવ્યો.

એ દિવસે વડા પ્રધાન નેહરુએ સંસદને સરદાર વલ્લભભાઈ પટેલના મૃત્યુના સમાચારની જાણ કરી. પોતાની કાવ્યાત્મક ભાષામાં તેમણે સરદારને શ્રદ્ધાંજલિ આપી ‘વિકટ સમયે અને વિજય પ્રસંગે આપણને સાચી સલાહ આપનાર તરીકે, વિશ્વાસ રાખી શકાય એવા મિત્ર અને સાથી તરીકે અને ધ્રૂજતા હૈયાને મજબૂત બનાવે એવા શક્તિના સ્રોત તરીકે આપણે તેમને યાદ કરીશું.’

પાર્લમેન્ટ હાઉસમાંથી બહાર નીકળ્યા બાદ જવાહરલાલ નેહરુએ હિન્દુસ્તાનના રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદને સૂચના મોકલાવી, ‘તમારે દિલ્હીમાં જ રહેવું. મુંબઈ જવાની જરૂર નથી.’ ત્યાર બાદ ફતવો બહાર પાડ્યો, ‘કોઈ પણ પ્રધાનો કે સચિવોએ સરદારની અંતિમયાત્રામાં ભાગ લેવા જવાનું નથી.’

વડા પ્રધાનના આ ફતવાને અવગણીને રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ જ નહીં; કનૈયાલાલ મુનશી, કૅબિનેટના અન્ય પ્રધાનો, અધિકારીઓ પોતાના ખિસ્સાના ખર્ચે સરદારની અંતિમયાત્રામાં સામેલ થવા આવી પહોંચ્યા. સરદારની છબિ લોકોના માનસપટ પર જેવી હતી એવો જ પહેરવેશ ઃ ખાદીનું ધોતિયું, ઝભ્ભો અને બંડી તેમના પાર્થિવ દેહને પહેરાવવામાં આવ્યાં. મણિબહેને પોતાના હાથે કાંતેલો સૂતરનો હાર પહેરાવી માથે કેસરનું તિલક કરીને સરદારને આખરી વિદાય આપી. મુંબઈમાં એ દિવસે માનવમહેરામણ ઊમટ્યો હતો. ‘સરદાર પટેલ અમર રહે’ના નારાથી મુંબઈનું આકાશ ગુંજી ઊઠ્યું. સરદારનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો, પણ ફક્ત ભારતના જ નહીં, વિશ્વના ઇતિહાસમાં તેમનું નામ કંડારાઈ ચૂક્યું હતું.

(સમાપ્ત)

વાચકમિત્રો,

સરદારના મૃત્યુ બાદ તેમના વિશે બહુબધું લખાયું છે, પણ સરદાર વલ્લભભાઈ પટેલે પોતે ભાગ્યે જ કંઈ લખ્યું છે. ગાંધીજી અને નેહરુએ અનેક પુસ્તકો લખ્યાં. તવારીખ લખવાની કોશિશ કરી, પણ સરદારના નામે ફક્ત ૩૧ પાનાંની નાનકડી પુસ્તિકા ‘જેલ-ડાયરી’ જ છે. તેમના પત્રો અને ભાષણોનું સંકલન થયું છે, પણ તેમણે જાતે કોઈ પુસ્તક લખ્યું કે સંકલન કર્યું નથી. તેમનાં દીકરી મણિબહેને સરદારને ઘણી વખત કહેતા સાંભળ્યા હતા, ‘ઇતિહાસનું સર્જન કરવું, ઇતિહાસ લખવામાં શા માટે સમય વેડફવો?’

ઘણાંબધાં પુસ્તકોની રચના કરી અમરત્વ પામવાનો અહંકાર છોડીને તેમણે વિરાટ કાર્ય કરી જવાનું પસંદ કર્યું. ટુકડા-ટુકડામાં વહેંચાયેલા ભારતને અખંડ રાષ્ટ્ર બનાવવાનું કાર્ય અને એ પણ કોઈ મોટા યુદ્ધ કે જાનહાનિ કર્યા વિના. માત્ર પોતાની વિચક્ષણ બુદ્ધિમત્તા, વિવેક અને સમજદારીથી. ૭૦ વર્ષ બાદ પણ વિશ્વમાં જ્યારે પણ ભારતનાં રજવાડાંઓના વિલીનીકરણનો ઉલ્લેખ થાય છે ત્યારે વિશ્વના રાજકારણીઓ મોંમાં આંગળાં નાખી જાય છે. સોવિયેટ યુનિયનના નિકોલાઈ બુલગનિએ તો કહ્યું છે કે ‘તમે ભારતીયો ગજબ છો. રાજાઓને ખતમ કર્યા વિના તમે રજવાડાંઓને કઈ રીતે ખતમ કરી શક્યા?’

એ તો હકીકત છે કે જો સરદાર ન હોત તો ભારતના નાગરિકોએ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે પણ વિઝા લેવા પડ્યા હોત. ભારતને એક અખંડ રાષ્ટ્ર બનાવવાનું જે મહામૂલું અને મહાન કાર્ય સરદાર પટેલે કર્યું એની વિગતવાર માહિતી ભાગ્યે જ કોઈ પાસે હતી. કમનસીબે શાળાનાં પાઠ્યપુસ્તકોમાં કે કૉલેજોમાં પણ વિલીનીકરણનો આ ઇતિહાસ આપણને ભણાવવામાં આવ્યો નથી. ભારત માટે જે કાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય અને આદિ શંકરાચાર્યે કર્યું હતું એ ૭૫ વર્ષ અગાઉ સરદાર પટેલે ફરી વાર કર્યું, પરંતુ જે માન-સન્માન ગાંધીજી અને નેહરુને મળ્યાં એ સરદારને પ્રાપ્ત થયાં નથી. વિદ્વાન અંગ્રેજી લેખક હિન્દોલ સેનગુપ્તાના શબ્દોમાં કહીએ તો, ‘ગાંધીયન (ગાંધીવાદ), નેહરુવિયન (નેહરુવાદ), આંબેડકરાઇટ (આંબેડકરવાદ) જેવાં વિશેષણો છે, પણ પટેલિયન (પટેલવાદ) જેવો શબ્દ નથી.’

વિલીનીકરણના આ ઇતિહાસને જુદાં-જુદાં પુસ્તકો, માહિતીના સ્રોતમાંથી વીણી-વીણીને એને ‘સરદાર ધ ગેમ ચેન્જર’ ડૉક્યુ-નૉવેલના રૂપમાં રસપ્રદ અને પ્રવાહી રૂપે અહીં પીરસવાનો પ્રયાસ કર્યો છે. જોકે રસપ્રદ રજૂઆત કરવામાં માહિતી સાથે ક્યાંય ચેડાં ન થાય એની તકેદારી રાખવાનો પ્રયાસ પણ કર્યો છે. આ નવલકથા લખવાનું સૂચન જાણીતા અભિનેતા અને અમારા મિત્ર મનોજ જોષીએ કર્યું હતું. તેમણે આગ્રહ ન રાખ્યો હોત તો કદાચ આ ક્યારેય લખાયું ન હોત. ‘મિડ-ડે’ના તંત્રી મયૂરભાઈ જાની અને તંત્રીવિભાગના સભ્યોના સહકાર વિના આ કાર્ય અસંભવ હતું. મારી ભત્રીજી રાધા કારિયાએ સંશોધન કરવામાં સહાય કરવાની ખૂબ અગત્યની ભૂમિકા નિભાવી છે. તેની સહાય વિના આટલું તલસ્પર્શી સંશોધન કરવું મુશ્કેલ બન્યું હોત. પરિવારજનો, મિત્રોએ સતત પ્રોત્સાહન આપ્યું અને ખાસ તો વાચકોએ ભરપૂર પ્રતિસાદ આપ્યો. આપ સૌની હું ઋણી છું.

આ નવલકથા ધારાવાહિક રૂપે ‘મિડ-ડે’ (ગુજરાતી)નાં પાનાંઓ પર પ્રકાશિત થતી હતી ત્યારે ઘણા વાચકોએ એને પુસ્તકરૂપે વાંચવાની માગણી કરી હતી. અમને જણાવતાં આનંદ થાય છે કે ‘સરદાર ધ ગેમ ચેન્જર’ ડોક્યુ-નૉવેલનું પુસ્તક આ મહિનાના અંત સુધીમાં કૌટિલ્ય બુક્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 50

આ ડૉક્યુ-નૉવેલની સમાપ્તિ થઈ રહી છે ત્યારે આપના પ્રતિભાવ gitamanek@gmail.com પર વાંચવા જરૂર ગમશે.

-ગીતા માણેક

Whatsapp-channel Whatsapp-channel

11 August, 2019 03:28 PM IST | મુંબઈ | ગીતા માણેક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK