સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 50

Published: Aug 04, 2019, 13:06 IST | ગીતા માણેક | મુંબઈ

લોહી રેડ્યા ‌વિના ‌હિન્દુસ્તાનને ‌છિન્ન‌‌ભિન્ન થતું રોકવાનો જંગ આલેખતી ડૉક્યુ-નૉવેલ

સરદાર પટેલ
સરદાર પટેલ

યુનાઇટેડ નેશન્સ (યુકે) પાકિસ્તાનને આક્રમણ કરનાર જાહેર કરશે એવી જવાહરલાલ નેહરુને અપેક્ષા હતી, પણ યુએનના ઠરાવના પગલે કાશ્મીરના મુદ્દે હિન્દુસ્તાન અને પાકિસ્તાન એકસરખા સ્તર પર આવી ગયાં. જ્યારે હકીકતમાં મહારાજા હરિ સિંહે જોડાણ કર્યા બાદ કાશ્મીર પર હિન્દુસ્તાનનો જ અધિકાર હતો. સરદારની આશંકાઓ સાચી પૂરવાર થઈ રહી હતી. યુનાઇટેડ નેશન્સમાં જવાને કારણે કાશ્મીરનો મામલો ઉકેલાવાને બદલે વધુ પેચીદો બન્યો.

શેખ અબદુલ્લા વિશેનું સરદારનું અનુમાન પણ સાચું પુરવાર થઈ રહ્યું હતું. સરદારના કહેવાથી મહારાજા હરિ સિંહે તેમને જેલમાંથી છોડ્યા ત્યારે શેખ અબદુલ્લાએ મહારાજા પ્રત્યે આજીવન વફાદારીનાં વચન આપ્યાં હતાં, પરંતુ જેવી પરિસ્થિતિ બદલાઈ કે તરત જ તેમણે નેહરુને પત્ર લખ્યો અને એમાં ભારોભાર ખુશામત કરી કે ‘કાશ્મીરની સ્થિતિ તમારાથી વધુ સારી રીતે કોઈ જાણતું કે સમજતું નથી.’

સરદાર પટેલને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેમણે ચેતવણી આપી, ‘જવાહર, એ વાત ધ્યાનમાં રાખજો કે શેખ આપણા બન્ને વચ્ચે ફૂટ પડાવવાની કોશિશ કરી રહ્યા છે.’

શેખ અબદુલ્લા પોતે મુસ્લિમ હોવા છતાં તેમનો ઝુકાવ પાકિસ્તાન કરતાં ભારત પ્રત્યે વધુ હતો, કારણ કે તેઓ જાણતા હતા કે પાકિસ્તાનમાં તેમનો ગજ વાગવાનો નથી. ભારતમાં નેહરુ સાથેની મિત્રતાની આડશમાં ધાર્યું કરી શકાશે. તેમણે મોકો મળતાં જ મહારાજા હરિ સિંહને તગેડીને કાશ્મીરના સર્વેસર્વા બનવાના પ્રયાસ શરૂ કરી દીધા. તેમણે એક પત્રકાર-પરિષદ બોલાવીને જાહેરમાં મહારાજાની નિંદા કરવા માંડી. સરદારને શેખ અબદુલ્લાનાં લક્ષણ સારાં દેખાતાં નહોતાં. આ પત્રકાર-પરિષદનો અહેવાલ મળતાં જ સરદારે ફરી એક વાર નેહરુનું ધ્યાન દોરતાં કહ્યું, ‘જુઓ, આ તમારો શેખ શું કરી રહ્યો છે?’

જવાહરલાલ નેહરુની આંખ પર તો જાણે પડળ પડ્યાં હતાં. તેમણે શેખ અબદુલ્લાનો એવું કહીને બચાવ કર્યો કે ‘શેખ અબદુલ્લા તો બહુ સરળ અને નિખાલસ માણસ છે. તેઓ થોડા ભાવુક બની ગયા હશે એટલે ન બોલવાનું બોલી ગયા હશે.’ જોકે સરદાર પટેલની વિચક્ષણ અને પારખુ નજર શેખ અબદુલ્લાની ઔકાત જાણી ચૂકી હતી. મહારાજા હરિ સિંહ વિપરીત સ્થિતિમાં પણ ભારત સાથે કરેલા કરારને વળગી રહ્યા હતા, પણ શેખ અબદુલ્લાને તો સત્તા મેળવવામાં જ રસ હતો. મહારાજા વિશેનાં તેમનાં એલફેલ નિવેદનોથી ગિન્નાઈને સરદારે શેખ અબદુલ્લાને એક પત્ર લખ્યો...

‘માય ડિયર મિસ્ટર શેખ અબદુલ્લા,

તમે જાણો છો કે મહારાજા અત્યારે સત્તાવિહીન છે અને તમે આવું શું કામ કરી રહ્યા છો એ મારી સમજની બહાર છે. મહારાજા સમય વર્તીને ભારતમાં ન જોડાયા હોત તો કાશ્મીર કદાચ અત્યારે ભારત પાસે ન હોત. એમ છતાં તમે મહારાજા વિશે ગમે તેમ બોલો છો. કદાચ તમે એ વાત ભૂલી ગયા છો કે તમે જેલમાં હતા ત્યારે છૂટવા માટે મહારાજાની કદમબોસી કરતા હતા...

લિ. વલ્લભભાઈ પટેલ.’

આ તરફ યુનાઇટેડ નેશન્સમાં હિન્દુસ્તાનની ફરિયાદ સામે પાકિસ્તાને અનેક આક્ષેપ કર્યા. જૂનાગઢનો ઉલ્લેખ થયો, મુસ્લિમોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે એવું પણ પાકિસ્તાને જોરશોરથી કહ્યું. સંયુક્ત રાષ્ટ્રસંઘ માટે આ મુદ્દો કાશ્મીરનો નહીં, પણ ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષનો હતો. અમેરિકાના કહેવાથી બ્રિટને પણ પાકિસ્તાનનો પક્ષ લીધો. આ મુદ્દે ચીન પણ પાકિસ્તાનતરફી થઈ ગયું. યુનાઇટેડ નેશન્સે પાકિસ્તાનની આક્રમકતા સામે આંખ આડા કાન કર્યા અને ઝીણાની વાત સ્વીકારી કે ભારત પાકિસ્તાનનું ગળું દબાવીને કામ કઢાવવા માગે છે. યુએન દ્વારા કહેવામાં આવ્યું કે હિન્દુસ્તાન-પાકિસ્તાનના ભાગલા ધર્મના આધારે થયા છે તો કાશ્મીરમાં પણ આ જ વાત લાગુ થવી જોઈએ. મતલબ કે જો કાશ્મીરમાં મુસ્લિમ વસ્તી વધારે છે તો પાકિસ્તાનનો એના પર કબજો રહેવો જોઈએ.

‘કાશ્મીરમાં છૂપી લડાઈઓ કરવાને બદલે ખુલ્લેઆમ યુદ્ધ કરવું જોઈએ. આ જ કારણસર તો આપણે યુએનમાં ગયા. કાશ્મીર જો શસ્ત્રોથી બચાવી શકાતું હોય તો લોકમત લેવાનો સવાલ જ ક્યાં રહ્યો? કાશ્મીરની એક તસુ જમીન પણ આપણે આપીશું નહીં.’ ત્રીજી જાન્યુઆરી ૧૯૪૮માં સરદારે કલકત્તામાં આપેલા ભાષણમાં છડેચોક કહ્યું. પરંતુ ત્યાર બાદ કાશ્મીર વિશે પોતે શું માને છે એ વિશે સરદારે જાહેરમાં ફોડ પાડીને વાત કરવાનું બંધ કર્યું. કાશ્મીરનો મામલો જવાહરલાલ નેહરુએ પોતાના હસ્તક લઈ લીધો હતો. સરદારે કદાચ ગણતરીપૂર્વક આ મામલાથી દૂર રહેવાનું નક્કી કરી લીધું હતું. જાહેરમાં તો તેઓ આ વિષય પર પોતાનું મંતવ્ય આપવાનું ટાળતા હતા, પણ રાજ્ય ખાતાના સચિવ વિષ્ણુ સહાયને કાશ્મીરના મુદ્દે તેમણે કહ્યું, ‘જે મારું નથી એ હું ક્યારેય લઈશ નહીં, પણ જે મારું છે એ કોઈ પણ સંજોગોમાં છોડીશ નહીં.’

સરદારે સમાજવાદી પક્ષના નેતા અચ્યુત પટવર્ધનને જોકે કહ્યું હતું કે ‘કાશ્મીરનો મામલો હું ૬ મહિનામાં ઉકેલી શકું એમ છું. હું સિખ પ્રજાને કાશ્મીરમાં વસાવી દઉં તો આનો ઉકેલ આવી જાય.’

અલબત્ત, સરદાર ક્યારેય જવાહરલાલ નેહરુની ઉપરવટ ગયા નહીં. કાશ્મીરના મામલે તેમણે ક્યારેય ચંચુપાત કર્યો નહીં. કાશ્મીરનો પ્રશ્ન વણઉકેલાયેલો રહ્યો. વાત પર વળ ચડતાં ગયાં.

***

આખો કરંડિયો સફરજનથી ભરાઈ ગયો, પણ એક કાશ્મીર બાકી રહ્યું એનો વસવસો સરદારના મનમાં રહી ગયો, પરંતુ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના ભારતનું સંવિધાન લાગુ થયું ત્યાં સુધીમાં સરદારે બધાં રજવાડાંઓને દેશમાં જોડી દીધાં હતાં. એક અંખડ ભારત સર્જાઈ ચૂક્યું હતું. ૧૪મી મેના દિવસે તેમણે ગર્વપૂર્વક કહ્યું, ‘હવે રાજ્ય અને રજવાડાં એવો ભેદ રહ્યો નથી. બધા જ એકમોમાં એક કાયદો લાગુ થશે. ભારતના ઇતિહાસમાં ક્યારેય આવું એકત્રીકરણ થયું નથી જેવું અત્યારે થયું છે.’

જવાહરલાલ નેહરુ સાથેના મતભેદ હવે વધવા માંડ્યા હતા. ગાંધીજીના મૃત્યુ પૂર્વે નેહરુ સાથે આક્રમક વલણ લેનાર સરદારે પછીનાં વર્ષોમાં ઘણાંબધાં અપમાન સહ્યાં. તેમની સત્તામાં કાપ મુકાવા માંડ્યો. તેમણે ધાર્યું હોત તો તેઓ નિવૃત્ત થઈ શક્યા હોત; પણ અવહેલના, અપમાન અને નાદુરસ્ત તબિયત છતાં તેઓ કાર્યરત રહ્યા, કારણ કે જવાહરના પડખે રહેવાનું તેમણે ગાંધીજીને વચન આપ્યું હતું.

છેલ્લા દિવસોમાં તેમણે મૌલાના આઝાદને કહ્યું, ‘તમે જવાહરને જણાવો કે મને ઇશારો કરે તો આ વલ્લભભાઈ સરકારમાંથી તરત નીકળી જશે.’

કહેવાય છે કે સત્પુરુષોને આખરી દિવસોમાં તેમનું વીતી ગયેલું આખું જીવન તાદૃશ થવા માંડે છે. સરદારને પણ અંદેશો આવી ગયો હતો કે હવે આ ધરા પરથી વિદાય લેવાનો સમય આવી ચૂક્યો છે.

‘બાપુના લશ્કરમાં જોડાયો ત્યારથી આજ સુધીનું મારું જીવન આજે હું જોઈ શકું છું. બાએ મારા પર જેટલું હેત રાખ્યું છે એટલું મારી સગી મા પાસેથી મને મળ્યું નથી. મા-બાપનું જે હેત મારા નસીબમાં લખાયું હશે એ મને બાપુ અને બા પાસેથી મળ્યું.

બાપુએ આ મરેલા દેશને સજીવન કર્યો છે અને બાએ તેમને સાથ આપ્યો છે. આ બન્નેનું સજોડે ચિત્ર આપણે હંમેશાં નજર સમક્ષ રાખવું જોઈએ. આપણે ભૂલ કરીએ તો આપણો હિસાબ લેવા આ બન્ને બેઠાં છે.

અમે બધા તો તેમની છાવણીના સિપાહી હતા. મને લોકો નાયબ વડો પ્રધાન કહે છે. હું મારી જાતને આવો પદાધિકારી ગણતો નથી. જવાહરલાલ આપણા નેતા છે. બાપુએ તેમને વારસદાર નીમ્યા છે અને એ રીતે જાહેરાત પણ કરી છે.’ ઇન્દોરમાં સરદારે જાહેર સભામાં જવાહરલાલને જ દેશના નેતા તરીકે સ્વીકારવાની અપીલ કરી. તેમના મનમાં જવાહરલાલ માટે કોઈ દ્વેષ નહોતો. જોકે સામા પક્ષે સ્થિતિ સદંતર જુદી હતી.

પોતાના સંગી-સાથીઓની આખરી વિદાય લેવાની હોય એમ સરદારે તેમના આખરી જન્મદિવસ વખતે અમદાવાદમાં પાંચ દિવસનો મુકામ કર્યો. તેમણે વિદાય લઈ ચૂકેલા સાથીઓને યાદ કર્યા અને જીવિત હતા તેમની સાથે સમય ગાળ્યો. તેમના પરિચિતો, મિત્રો અને ચાહકોએ જન્મદિવસ ઊજવ્યો એમાં તેમના પરિવારના સભ્યો પુત્ર ડાહ્યાભાઈ, પુત્રવધૂ ભાનુમતી અને પૌત્ર ગૌતમ પણ આવીને રહ્યાં. મણિબહેન તો હરહંમેશ સાથે જ હતાં.

નવેમ્બરથી તેમની તબિયત લથડવા માંડી. પરિસ્થિતિને પગરવથી પામી લેતા સરદારના કાન હવે તેમને દગો દેવા માંડ્યા. નાડી તેજ ગતિએ ચાલતી હતી અને હૃદયની ગતિ ધીમી પડી રહી હતી. આંતરડામાં દુખાવો વધવા માંડ્યો હતો. શરીર નબળું પડી રહ્યું હતું. ચાલવા જવાનું તો ડૉક્ટરોએ ક્યારનુંય બંધ કરાવી દીધું હતું, પણ હવે મોટરમાં ફરવા જવામાં પણ થાક વર્તાતો હતો.

‘રજવાડાંને લગતી બાબતોની છણાવટ માટે જવાહર પ્રધાનમંડળની સમિતિ રચવા માગે છે એવી વાત મારા સુધી આવી છે. શું આ સાચું છે?’ પથારીવશ સરદારને નિયમિત મળવા આવતા મેનનને તેમણે ધીમા અવાજે પૂછ્યું.

મેનન કશું બોલ્યા નહીં. તેમણે જવાબ આપવાનું ટાળ્યું, પણ સરદાર જવાબ સમજી ચૂક્યા હતા. થોડી વાર તેઓ આંખ મીંચીને પડ્યા રહ્યા.

‘મેં જે કર્યું છે એનો હિસાબ મારે ફક્ત બાપુને અને ઈશ્વરને આપવાનો છે. એ બન્નેની નજરમાં હું ખરો ઊતર્યો છું એની મને ખાતરી છે. બાપુ જીવતા હતા ત્યાં સુધી હું તેમનો (જવાહરલાલ) વિરોધ કરતો રહ્યો છું અને લડતો રહ્યો છું, પણ હવે મેં એ બધું છોડી દીધું છે.’ સરદાર જાણે સ્વગત બોલ્યા.

‘તમે એ બધી ચિંતા મૂકી દો અને આરામ કરો.’ સરદારને કઈ રીતે સાંત્વન આપવું એ મેનનને સમજાતું નહોતું.

‘મને ખબર પડી છે કે જવાહરે સચિવોની પણ મોટા પાયે બદલી કરવા માંડી છે. મારા પ્રત્યેની વફાદારીની કિંમત અધિકારીઓ ચૂકવી રહ્યા છે. મને સૌથી વધુ ચિંતા તમારી અને શંકર (વી. શંકર સરદારના અંગત સચિવ હતા)ની છે.’

આ પણ વાંચો: સરદાર: ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 49

‘અમારી ચિંતા હરગિજ ન કરતા. તમારી સાથે કામ કરવા મળ્યું એનાથી મોટું વળતર અમારા માટે કંઈ ન હોઈ શકે.’ મેનનનો અવાજ ગળગળો થઈ ગયો.

એ રાતે મણિબહેને સરદારને શાયર નઝીરની પંક્તિ ગણગણતાં સાંભળ્યા, ‘ઝિંદગી કા યહ તમાશા ચંદ રોજ.’

(ક્રમશઃ)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK