Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઈશ્વરોલૉજી - પ્રકરણ - 15

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 15

21 July, 2019 10:04 AM IST | મુંબઈ ડેસ્ક
નવલકથા - ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

ઈશ્વરોલૉજી - પ્રકરણ - 15

ઈશ્વરોલૉજી

ઈશ્વરોલૉજી


ગતાંક...
ઈશ્વરની ઈશ્વરોલૉજી હવે ખીલી રહી હતી. સંજયના સમર્પણ પછી ભગવાને તેને એવા સત્યનાં દર્શન કરાવવાનું શરૂ કરેલું જેની શોધ આજના જમાનામાં દરેક માણસને છે. ભગવાન કોનું તરત સાંભળે અને કોનું નહીં એ વાત એક ભિખારીના માધ્યમથી શીખવાડી. બન્ને જણ એક નવા જ બનેલા મંદિરમાં મૂર્તિના ચરણસ્પર્શની લાઇનમાં હતા, જ્યાં ઈશ્વરે પોતાની મૂર્તિને પહેરાવેલાં કડાં ગાયબ કર્યાં અને સાથે-સાથે પોતે પણ ગાયબ થઈ ગયા. આ સઘળું અચાનક જ બનતાં સંજય ગભરાયો. આ તરફ પૂજારીની ચીસ સંભળાઈ કે ભગવાનનાં કડાં ગાયબ અને ત્યાં તો મંદિરની અંદર સાઇરન વાગવા લાગી...
હવે આગળ...
જે જગતને સાચવે તેની મૂર્તિને સાચવવા સિક્યૉરિટીની જરૂર હોય એ ખરેખર વિચારવા જેવું છે. હશે, પણ અહીં તો પર્સનલ સિક્યૉરિટી કંપનીએ મંદિરની સિક્યૉરિટીનો કૉન્ટ્રૅક્ટ લીધો હતો. સાઇરન વાગતાંની સાથે જ બહાર જવાના દરવાજા પર રહેલા ગાર્ડે દરવાજો બંધ કર્યો. હજી હમણાં સુધી માંડ બે કે પાંચ દેખાતા વર્દીવાળા ગાર્ડની જગ્યાએ અચાનક અનેકાનેક ગાર્ડ આવીને દરેકને એક લાઇનમાં ઊભા રહેવા જણાવ્યું.
સંજયની હાલત ખરાબ હતી. તેને થયું કે આ ભગવાને આવા સના કરવાની જરૂર ક્યાં હતી. ત્યાં સામે એક બાળકૃષ્ણના ચિત્રની સાથે ભાવવાક્ય લખ્યું હતું, ‘નટખટ ગોપાલ બહુ તોફાની, માખણ ચોરી કરે મનમાની...’
સંજય બબડ્યો. આ ગોપીઓના ઘરેથી માખણ ઉઠાવતા હતા ત્યાં સુધી વાંધો નહોતો પણ આ શું? મંદિરમાંથી ચોરી? તેના અંતરમાં રહેલા સંસ્કાર મુજબ મનમાંથી શબ્દો નીકળવા જતા હતા કે પાપ લાગશે. પછી થયું કે ભગવાનને થોડું પાપ લાગે?
તેને શું કરવું એની ખબર ન પડી એટલે આજુબાજુ થઈ રહેલા ટોળામાં તે ઈશ્વરને શોધવા લાગ્યો, પણ કયાંય તેઓ દેખાતા નહોતા. સિક્યૉરિટીના માણસો સૌને એક પછી એક લાઇનમાં ઊભા રહીને ખિસ્સાં કે પછી સાથે લાવ્યા હતા એ થેલી-બૅગ અને પર્સ ચેક કરાવવાનું કહી રહ્યા હતા. માઇક પરથી પણ ભગવાનનાં કડાં ચોરાયાં હોવાથી સૌને તપાસમાં સહકાર આપવા વિનંતીની જાહેરાત સતત થતી હતી. ભગવાનને શોધવામાં પરસેવે રેબઝેબ થઈ ગયેલા સંજયે પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢવા હાથ નાખ્યો અને તેની આંખો ચમકી.
પૅન્ટનાં બન્ને ખિસ્સાંઓમાં એક-એક કડું હતું. બે ક્ષણ માટે તેને તમ્મર આવી ગયાં. બાજુમાં રહેલા થાંભલાને પકડીનેતે બેસી પડ્યો. તેને થયું કે ભગવાને આમ મને મુસીબતમાં નાખવાની શી જરૂર હતી?
ભીડમાં રહેલા લોકોને એક પછી એક ચેકિંગ કરીને બહાર જવા દેવામાં આવતા હતા. પોતે શું કરશે એ ન વિચારી શકતો સંજય ભીડમાં પાછળની તરફ જવા લાગ્યો. પહેલાં વિચાર આવ્યો કે ધીમેકથી આ કડાંને ખિસ્સામાંથી કાઢીને બાજુમાં મૂકી દઉં પણ પછી વિચાર આવ્યો કે આટલી ભીડમાં જો કોઈએ તેને એમ કરતાં જોઈ લીધો તો! હવે ઈશ્વરને શોધવું એ તેના માટે અનિવાર્ય બની ગયું, પણ કયાંય ઈશ્વર દેખાતા જ નહોતા.
ઈશ્વરની આ ખાસિયત છે કે તમને તકલીફમાં મૂક્યા પછી તમને જ પહેલાં ન દેખાય અને એ વખતે ભલભલાની શ્રદ્ધા ડગમગવાની શરૂઆત થઈ જાય. સંજયને બે ક્ષણ માટે થયું કે ભગવાનને અહીં આવીને પોતાની સાથે રહેવાની ચૅલેન્જ આપવી મોંઘી પડી. કયાંક આ એનો બદલો લેવા તો ભગવાને એમ નથી કર્યુંને? પછી થયું કે સ્વયં ઈશ્વર છે એને બદલો લેવો હોય તો આવી રીતે થોડો લે?
એટલે આ કંઈક લીલા જ છે. પરિસ્થિતિ અવળી હોય ત્યારે એમાં પણ ઈશ્વરનો આપણા માટે કોઈ સારો હેતુ છે એ અનુભવી શકવાની તાકાત લગભગ કોઈનામાં હોતી નથી, કારણ કે એ લેવલની શ્રદ્ધાને આપણે આપણી જાતમાં અનુભવી જ શકતા નથી. બાકી જો પરમમાં પૂર્ણ શ્રદ્ધા હોય તો ટેન્શન ભગવાનને થાય, ભક્તને શું કામ? પણ એ પૂર્ણ ભક્તિના વિશ્વાસને ફક્ત નરસિંહ મહેતા જેવા કોઈક સાચા ભક્તે કેળવ્યો હોય કે સામે એક રાજા પણ પૂરું ન કરી શકે એવું દીકરીનું મામેરું કરવાનું લિસ્ટ હોય અને છતાં સહેજેય ચિંતા કર્યા સિવાય મૂર્તિ આગળ લિસ્ટ મૂકીને કહે, ‘દીકરી તારી છે અને તારે મામેરું કરવાનું છે.’ અને ભગવાનને ચિંતા થાય અને પોતે લક્ષ્મીજી સાથે આવીને મામેરું કરવું પડે.
અહીં શ્રદ્ધા તો ઠીક, રહ્યોસહ્યો વિશ્વાસ પણ ડગમગી ગયો હતો. કોઈ જ કારણ વગરની તકલીફ માથે હતી. પોતે શું કરે એનો કોઈ જ વિચાર તેને આવતો નહોતો અને ભગવાન દેખાતા નહોતા.  ત્યાં દૂરથી દેખાતી તેમની મૂર્તિને જોઈને તેણે બબડવાનું શરૂ કર્યું, ‘ભગવાન, તમારી આગતા-સ્વાગતામાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો. અરે, મારાથી તમને કંઈ આડુંઅવળું બોલાઇઈ ગયું હોય તોય માફ કરજો, પણ આમાંથી મને બહાર કાઢો. તમને ખબર છે કે મારા તો મનમાં પણ ચોરીનો વિચાર નથી અને આ કડાં જો મારા ખિસ્સામાંથી નીકળ્યાં તો! મારું તો આવી જ બનશે. પ્રભુ સહેજ વિચારો તો ખરા...’
ડાયરેક્ટ દિલથી કરેલી પ્રાર્થના સમજ્યા વગરના શ્લોક બોલીને કરાતી પ્રાર્થના કરતાં ૧૦૦૦ ગણી વધારે અસરકારક હોય છે, કારણ કે સામાન્યતઃ પ્રાર્થનાઓમાં ભગવાનના ગુણગાન ગાઈને પછી જો તમે ખુશ હો તો અમને આશીર્વાદ આપો એવી ભાવના હોય છે, જેમાં ઈશ્વર જોડે સંવાદ કરવાની રીત થોડી અલાયદી હોય છે, પણ આમ સટાક દઇઈને હૃદયમાં જે આવે એ મગજના ફિલ્ટરમાંથી પસાર કર્યા વગર ડાયરેક્ટ દિલસે થતી પ્રાર્થનાઓ  કદાચ એ પરમ પિતા અચૂક સાંભળતો હશે.
સંજયની પરિસ્થિતિમાં ઈશ્વર પર ગુસ્સો ચડે તો પણ વિનંતી સિવાય કોઈ જ ઑપ્શન નહોતો. તેણે જોયું તો પૂજારી કોઈ હેડ સિક્યૉરિટી ગાર્ડને આંગળી વડે અમુક માણસો તરફ ઇશારા કરી રહ્યો હતો. પૂજારીએ સંજયની તરફ પણ આંગળી કરી. આ સાથે જ પૂજારીએ બતાવેલા માણસોને ગાર્ડ્સ એક જુદા ખૂણા તરફ લઈ જવા લાગ્યો, જેમા એક સિક્યૉરિટી ગાર્ડે સંજયને પણ એ તરફ બોલાવ્યો.
સંજયને વધારે ફાળ પડી. સૌ ટોળામાં એકબીજાને પૂછવા લાગ્યા કે તેમને જુદા કેમ પાડવામાં આવ્યા છે? એક બે જણે કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે સીસીટીવીના આધારે અને પૂજારીના કહેવા પ્રમાણે જે ક્ષણે કડાં ગુમ થયાં એ વખતે ગર્ભગૃહમાં ચરણસ્પર્શની લાઇનમાં ઊભા રહેલા લોકો પર શંકા વધારે હોવાથી તેમને જુદા તારવવામાં આવ્યા છે.
સંજયને થયું કે હવે પોતે બેભાન થઈ જશે. તેની બાજુમાં એક રસ્તે રખડતા ગુંડા જેવા માણસે હાથમાં સળી લઈને દાંત ખોતરતાં-ખોતરતાં જોર જોરથી બોલવાનું શરૂ કર્યું ‘તે અમે શું ચોર છીએ? આ લો, દસ વખત ચેક કરી લો. ના, ના, સાલું ગરીબ માણસને જ ભોગવવાનું.’
ત્યાં રહેલા દરેકનું ધ્યાન એ માણસ પર જ હતું. મોટે-મોટેથી બોલીને તે સૌનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરી રહ્યો હતો એ જણાઈ આવતું હતું. સંજય તેની બરોબર બાજુમાં હતો એટલે સ્વાભાવિક હતું કે સૌની નજર તેની તરફ જઈ રહી હતી અને એટલે એ કડાંને પોતાનાં ખિસ્સાંમાંથી કાઢવાનો પ્રયત્ન પણ કરી શકે એમ નહોતો.
પેલો માણસ જાણે આમ થવું તેને રોજનું હોય એમ સંજયને ખભે હાથ મૂકીને બોલવા લાગ્યો,  ‘સાહેબ, તમે કેમ પરસેવે રેબઝેબ છો? અરે ખોટું કરે એ બીએ, આપણે થોડું કાંઈ ખોટું કર્યું છે તે બીવાનું? બિન્દાસ આમ ખિસ્સાં ખાલી કરીને બતાવી દેવાનાં, શું?’
એમ કહીને તેણે બન્ને હાથ પોતાનાં ખિસ્સાંમાં નાખી એને બહાર તરફ ખેંચીને બતાવ્યાં. સંજયને આ બટકબોલા માણસ પર પણ ચીડ ચડી.
કોઈ જ ઓળખાણ વગર એ માણસ બોલ્યે જ જતો હતો. ‘સાહેબ, આ તમારાં ખિસ્સાંમાં કશું ભરેલું છે? ખિસ્સાં ફૂલેલાં લાગે છે... એ શું છે? હા, ભાઈ, તમે મોટા માણસો, તમારાં ખિસ્સાં ભરેલાં જ હોયને. અંદર પૈસાથી ભરેલું પાકીટ હશે અને મોંઘો મોબાઇલ હશે અને ગાડીની ચાવી હશે... બરોબરને...?’
સંજયને થયુ કે આ ગાંડા જેવા માણસને એક લાફો મારી દઉં, પણ હમણાં કશું જ કરવું એટલે વધારે તકલીફને નોતરવા જેવું છે. જુદા તારવેલા આ લોકો પાસે હેડ સિક્યૉરિટીએ આવીને એક ગુસ્સાભરી નજરે પહેલાં બોલવાનું શરૂ કર્યું. બોલતી વખતે મોટા ભાગે તેની નજર સંજયની બાજુમાં બેઠેલા માણસ તરફ વધારે હતી.
‘તમે દરેક ભાવિક ભક્તોને સાદર વિનંતી કે અમને સહકાર આપજો. અમારો કહેવાનો મતલબ એમ જરાય નથી કે આપ કોઈ ચોર છો, પણ વાસ્તવિકતા પણ એ જ છે કે જ્યારે કડાં ગુમ થયાં ત્યારે એની સૌથી નજીક તમે લોકો જ હતા એટલે સ્વાભાવિક રીતે શંકાની સોય તમારા તરફ જાય. અહીંથી આ રૂમમાંથી મંદિરની પાછળ નીકળવાનો રસ્તો છે. ત્યા રૂમમાં તમે એક પછી એક આવશો અને અમે તમારી સંપૂર્ણ તપાસ કરીશું. આપની પાસે કશું જ ન હોય તો આપે ચિંતા કરવાની જરૂર નથી. ફક્ત ત્યાં રહેલા રજિસ્ટરમાં તમારું નામ, સરનામું અને ફોન-નંબર લખાવીને આપ નિશ્ચ્રિતપણે આપના ઘરે જઈ શકો છો. એટલે જેણે ચોરી કરી જ નથી તેણે ચિંતા કરવાની જરૂર જ નથી. બીક તો એ રાખે જેની પાસે કડાં હોય. અમારું માનવું છે કે આપ સૌ અમને સાથ આપશો...’
હેડ સિક્યૉરિટીના છેલ્લા શબ્દો જ સંજયને ઢીલા કરવા પૂરતા હતા. તેને થયું કે હવે તે પકડાઈ જ જશે. મનોમન એ હૃદયના ઊંડાણથી ઈશ્વરને યાદ કરવા લાગ્યો. અને ધીરે-ધીરે કદાચ એ સંપૂર્ણ સમર્પણની અવસ્થામાં આવી ગયો. સૌથી છેલ્લોતે ઊભો હતો. તેણે મનોમન ઈશ્વરને કહ્યું કે ‘હવે તારા પર છે, તેં જ મુશ્કેલીમાં નાખ્યો છે અને તું જ એમાંથી કાઢજે.’
ત્યાં જ તેને ઇશારો કરીને રૂમની અંદર જવા કહ્યું. રૂમની અંદર જતાં તેના પગ ધ્રૂજી રહ્યા હતા. અંદર રહેલા ગાર્ડે તેને બે હાથ અને પગ પહોળા કરીને વચ્ચે ઊભા રહેવા કહ્યું.

એક પ્રમાણમાં બહુ ઊંચો નહીં એવો સિક્યૉરિટી ગાર્ડ તેની પાસે આવ્યો. સંજય પોતાની આંખો જોરથી મીંચીને ઊભો રહ્યો. ગાર્ડે સંજયના પહોળા કરેલા હાથથી લઈને ખભા સુધીના ભાગ પર અને પછી ખભાથી લઇઈને કેડ સુધી પોતાનો હાથ લગાવીને ચેક કર્યું અને જેવા તેણે બન્ને હાથ તેના પૅન્ટના ખિસ્સા પર મૂક્યા કે કશુંક ખખડ્યું... (વધુ આવતા અંકે)


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2019 10:04 AM IST | મુંબઈ ડેસ્ક | નવલકથા - ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK