સલગમ-કોળાની કોતરણી કળા

Published: 11th November, 2012 07:44 IST

દીવડા કે કંદીલ માટે પમ્પકિન કે ટર્નિપ કોતરીને વાપરવાનો વર્ષો જૂનો રિવાજ હવે વિશાળ પાયે આર્ટનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. હેલોવીન ફેસ્ટિવલમાં પણ હવે પમ્પકિન આર્ટ લૅન્ટર્ન સુધી સીમિત રહેવાને બદલે અદ્ભુત કલાત્મક બની ગઈ છેસેજલ પટેલ

આપણી દિવાળી હોય, અમેરિકાનો હેલોવીન ફેસ્ટિવલ હોય કે સ્વિટ્ઝરલૅન્ડનો ટર્નિપ ફેસ્ટિવલ; ઝળાંહળાં થતા પ્રકાશનું આગવું મહત્વ લગભગ તમામ મોજીલા તહેવારોમાં રહ્યું છે. આ ત્રણેયમાં કોઈ કૉમન ફૅક્ટર હોય તો એ છે કંદીલ. સાંજ પડ્યે દરેક ઘરની બહાર દીવડા અને લાઇટિંગ લાગી જાય છે. પશ્ચિમના દેશોમાં યોજાતા હેલોવીન ફેસ્ટિવલમાં છેલ્લાં વીસ વરસથી કોળાની કોતરણી એક અનોખી આર્ટ બની રહી છે. જૅક-ઓ-લૅન્ટર્ન એટલે કે કોળાને અધવચ્ચેથી કોતરી ઉપર બે આંખો અને મોંના શેપની કોતરણી કરીને અંદર મીણબત્તી સળગાવીને બનાવેલું કંદીલ ઘરની બહાર લટકાવીને લોકો હેલોવીન ફેસ્ટિવલનું જાણે સ્વાગત કરે છે. વર્ષોથી ચાલી આવતી આ પ્રથામાં ખરેખર કોળાને રાક્ષસી ચીજ તરીકે વાપરવામાં આવી છે, પરંતુ કળાકાર જીવોએ એમાંથી પણ એક અનોખું આર્ટફૉર્મ વિકસાવ્યું છે. હવે તો માત્ર હેલોવીન ફેસ્ટિવલ દરમ્યાન જ નહીં, બારે માસ કોળાં કોતરીને અવનવી છબિઓ તૈયાર કરવાના ક્લાસિસ, એક્ઝિબિશન્સ અને કૉમ્પિટિશન્સ યોજાય છે. દુનિયાને જ્યારથી ઑનલાઇન પ્રગતિનું વળગણ લાગ્યું છે ત્યારથી તો ફેસબુક, ટ્વિટર જેવી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પણ હવે છાશવારે પમ્પકિન આર્ટની તસવીરો ઊભરાવા લાગી છે.

પમ્પકિન આર્ટની લોકપ્રિયતા કેટલી હદે વધી રહી છે એ જાણવા એનો કેવી-કેવી જગ્યાએ ઉપયોગ થવાનો શરૂ થઈ ગયો છે એ જાણવું પડે. પ્રી-સ્કૂલનાં બાળકોના ક્રાફ્ટવર્કથી લઈને લેટેસ્ટ ઍક્સેસરીઝરૂપે હવે પમ્પકિન જ્વેલરીનો પગપેસારો થઈ ગયો છે. અને રિયલ કોળા પરની કોતરણી કળાના ક્લાસિસ અને એક્ઝિબિશનની લોકપ્રિયતાને પગલે અમેરિકામાં કોળાં ઉગાડનારાઓને પણ બખ્ખાં થઈ ગયાં છે. ઍવરેજ કરતાં મોટી સાઇઝના અને ખાસ કોળા-કારીગરી થઈ શકે એવાં કોળાં ઉગાડવા માટે એક્સપર્ટ ઍગ્રિકલ્ચરલ એન્જિનિયરોની ડિમાન્ડ છે. વર્ષેદહાડે એકલા અમેરિકામાં જ ૩૦૦ ટનથી વધુ કોળાં માત્ર કોતરણીકળા માટે વપરાય છે.

જેમ-જેમ આ કળા પાંગરતી જાય છે પમ્પકિન-કળાના સીમાડા પણ વિસ્તરતા જાય છે. હેલોવીન ફેસ્ટિવલના માત્ર ડરામણા ચહેરાને બદલે બારીક ડિઝાઇન્સ, થ્રી-ડી ઇફેક્ટ્સવાળી છબિઓ અને અલગ-અલગ એક્સપ્રેશન્સ ધરાવતા ચહેરાઓની કોતરણીઓ હવે વધુ ફેમસ થઈ રહી છે. છેલ્લાં પાંચેક વરસથી પમ્પકિન આર્ટ પણ અન્ડરવૉટર પફોર્ર્મ થવા લાગી છે ને એની પર ઠેર-ઠેર સ્પર્ધાઓ યોજાય છે. આ વર્ષે ફ્લોરિડાના નૅશનલ મરીન સેન્ચુરીમાં યોજાયેલી આવી જ સ્પર્ધામાં અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામા અને તેમને ચૂંટણીમાં પડકાર આપનારા મિટ રોમનીના ચહેરાઓ અન્ડરવૉટર કૉન્ટેસ્ટમાં ચીતરાયા હતા.

હજી પશ્ચિમના દેશોમાં ઑક્ટોબર એન્ડનો હેલોવીન ફીવર બરાબર ઊતયોર્ નથી ત્યાં વળી, સ્વિટ્ઝરલૅન્ડનો ટર્નિપ ફેસ્ટિવલ વાજતેગાજતે આવ્યો છે. એમાં સલગમના કંદને કોતરીને કંદીલ બનાવવામાં આવે છે. ઝુરિક તળાવના કિનારે આવેલા રિક્ટર્સવિલ નામના નાનકડા ગામનો આ ખાસ ઉત્સવ છે. અહીં નવેમ્બર મહિનાના બીજા શનિવારે આખું શહેર સલગમના કંદીલથી સજીધજીને દુલ્હન જેવું થઈ જાય છે. એટલું જ નહીં, તળાવના કિનારે સલગમના દીવડાઓથી બનેલી જાતજાતની આકૃતિઓનું સરઘસ નીકળે છે. અડધા પર્પલ અને અડધા વાઇટ એવા બીટથી થોડાક મોટી સાઇઝના આ સલગમ જાણે ગળ્યાં બીટ. ૧૯૯૮માં રિક્ટર્સવિલમાં ૨૬ ટન સલગમની કોતરણી કરીને એમાં ૫૦,૦૦૦ કૅન્ડલ્સ પ્રગટાવીને આખાય શહેરને ઝળાંહળાં કરી દેવા માટે ગિનેસ બુક ઑફ વલ્ર્ડ રેકૉર્ડ્સમાં પણ સ્થાન મળેલું. એ પછીય દર વર્ષે લગભગ આટલી જ માત્રામાં સલગમના દીવા ઝળહળે છે.

ઘણા લોકો માને છે કે અમેરિકામાં યોજાતા હેલોવીન પમ્પકિનનું જોઈને આ સલગમ આર્ટ વિકસી છે, પણ ખરેખર છે એનાથી સાવ જ ઊંધું. યુરોપના ઘણા દેશોમાં સદીઓ પહેલાં આવી સલગમ આર્ટ ચલણમાં હતી. સ્કૉટલૅન્ડ, ઉત્તર ઇંગ્લૅન્ડ અને નૉર્થ  આયરલૅન્ડમાં ફેસ્ટિવલ્સ દરમ્યાન સલગમના દીવડાં સદીઓ પહેલાંથી વપરાતા હતા. ઇનફૅક્ટ, સલગમનો પહેલાંના જમાનામાં ખાવામાં બહુ ઉપયોગ નહોતો થતો હોવાથી એને ડેકોરેશન વર્કમાં લોકો વાપરતા. જોકે અંદરથી થોડા કઠણ અને કોતરવામાં અઘરા હોવાથી સલગમની કોતરણી એ બહુબધા લોકોના બસની વાત ન બની શકી. અમેરિકાના જે દેશોમાં અત્યારે પમ્પકિન આર્ટનું ઘેલું છે એ પણ પહેલાંના સલગમના કંદીલની પ્રથામાંથી જ આવ્યું છે. કોળાં કોરવામાં સહેલાં અને સાઇઝમાં મોટાં હોવાથી કાળક્રમે પમ્પકિન જ ફેમસ થઈ ગયાં અને એમાંથી વિકસી અદ્ભુત અને અનોખી આર્ટ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK