દિવાળી હેલ્ધી, હૅપી અને સલામત રીતે ઊજવાય એ માટે શું કરશો?

Published: 11th November, 2012 07:41 IST

તહેવાર આવે એટલે આપણે એની ઉજવણીમાં કદી પાછું વળીને જોતા જ નથી. એમાંય આ તો દિવાળીનું મહાપર્વ અને સળંગ ચાર-પાંચ દિવસની ઉજવણી છે એટલે ખાવા-પીવામાં અને આનંદપ્રમોદમાં જાણે નૉન-સ્ટૉપ એન્જૉયમેન્ટ ચાલતું રહે છે.આયુર્વેદનું A 2 Z

તહેવાર આવે એટલે આપણે એની ઉજવણીમાં કદી પાછું વળીને જોતા જ નથી. એમાંય આ તો દિવાળીનું મહાપર્વ અને સળંગ ચાર-પાંચ દિવસની ઉજવણી છે એટલે ખાવા-પીવામાં અને આનંદપ્રમોદમાં જાણે નૉન-સ્ટૉપ એન્જૉયમેન્ટ ચાલતું રહે છે. સામાન્ય રીતે જો વચ્ચે એકાદ-બે દિવસ ઉજવણીના આવે અને આપણે બેકાબૂ થઈને ખાવા-પીવાનું કરીએ તો શરીરને એટલો વાંધો નથી આવતો, પણ દિવાળીમાં એવો ફાયદો નથી મળતો. પહેલાં તો દિવાળીની તૈયારીઓ માટે ઉજાગરા અને ઓવર-વર્ક થાય છે ને પછી એની ઉજવણીમાં ઓવર-સેલિબ્રેશન. માટે જ આવા દિવસોમાં સ્વાસ્થ્યની જાળવણી બાબતે બેધ્યાન ન થવામાં આવે એ જ બહેતર છે.

મુંબઈની દિવાળી અસ્થમાના દરદીઓ માટે ઘણી ટેન્શનવાળી હોય છે. જો તમને પણ શ્વાસ ચડવાની તકલીફ હોય, ઍલર્જી થઈ જતી હોય તો ચેતવું. દિવાળીની સફાઈ દરમ્યાન ઊડેલા ધૂળના રજકણોને કારણે અસ્થમાનાં લક્ષણો વધે છે અને એ પછી બાકીની કસર ઝેરી કેમિકલ્સવાળા ફટાકડા પૂરી કરે છે. જો વારંવાર અસ્થમાનો હુમલો આવતો હોય તો દિવાળીમાં પૉલ્યુશન ન હોય એવી કુદરતી જગ્યાએ જતા રહેવું જ સેફ રહે. બાકી, ક્યારેક અડધી રાત્રે અટૅક આવતાં ઇમર્જન્સી ઊભી થઈ શકે છે. બને તો સાંજના સમયે બહાર ન નીકળવું. ઘરે પણ બારીબારણાં બંધ કરીને રાખવાને બદલે વેન્ટિલેશન જળવાય એ માટે બારીબારણાં ખુલ્લાં રાખીને ફુલ સ્પીડમાં પંખો ચાલુ રાખવો. સાથે જ અસ્થમાના દરદીઓ માટે અજમાનો અર્ક અક્સીર દવા છે. અત્યારથી જ રોજ સવાર-સાંજ જમ્યા પછી બે ચમચી અજમાનો અર્ક ગરમ પાણી સાથે લેવાનું ચાલુ કરી દેવું જોઈએ.

બીજી માઠી અસર થાય છે ડાયાબિટીઝના દરદીઓ પર. અલબત્ત, જો વ્યક્તિ પોતે ખાવાપીવા પર કન્ટ્રોલ રાખે તો કોઈ જ વાંધો નથી આવતો. પણ કન્ટ્રોલ નથી રહેતો એને કારણે જ સ્તો ડાયાબિટીઝની તકલીફ થઈ હોય છે! દિવાળીમાં સ્વીટ્સ અને ફરસાણ ખાધા પછી પણ હેલ્થ સારી રહે એવી કોઈ જ ચાવી હજી સુધી શોધાઈ નથી એટલે જીભ પર કાબૂ રાખવો એ જ એકમાત્ર વિકલ્પ છે. ઉજાગરા, આડેધડ ખાવાનું અને બેઠાડુ જીવન એ ડાયાબિટીઝને વકરવા માટેનાં પૂરતાં કારણો બની રહે છે.

દિવાળીના દિવસો પછી વજન વધી જવાની અને શરદી-ખાંસી થવાની શક્યતાઓ અનેકગણી વધી જાય છે. એનું કારણ છે કફપ્રકોપ. જો તમે કેટલીક કાળજી રાખી લો તો આ તકલીફોનું પ્રમાણ ઘટી શકે છે. આવો જોઈએ એવી કઈ બાબતો છે એ.

૧. સવારે ઊઠીને નરણા કોઠે સહેજ હૂંફાળું લીંબુ-પાણી લો. બાકીના દિવસોમાં ભલે તમે કસરત કરતા હો કે ન કરતા હો, તહેવારના દિવસોમાં પંદરેક મિનિટ માટે યોગાસાન, પ્રાણાયામ જેવી હળવી કસરતો અચૂક કરો.

૨. તમને કબજિયાતની તકલીફ હોય કે ન હોય, રોજ રાત્રે સૂતી વખતે એક ચમચી હરડે અથવા તો એક ટૅબ્લેટ હરડે હૂંફાળા પાણી સાથે લો. જો વધુ ખવાઈ ગયું હોય અને ઓડકાર આવતા હોય અને આફરા જેવું લાગતું હોય તો એક ચમચી હિંગ્વાષ્ટક ચૂર્ણ લઈ લો.

૩. જો મિત્રો-સંબંધીઓના ઘરે જઈને નાસ્તો કરવામાં કન્ટ્રોલ ન રહેતો હોય તો ઘરે લંચ-ડિનરમાં હળવી ચીજો લો. બને તો મિત્રોને ત્યાં જતાં પહેલાં જ જમી લો. એમાં માત્ર વેજિટેબલ સૂપ કે દાળ-ભાત જેવી એકાદ-બે ચીજો જ ઘરે લો. એમ કરવાથી પેટ પર એટલો ઓછો અત્યાચાર થશે. પેટ ભરેલું હશે તો ફરસાણ-મીઠાઈઓ ઓછી પેટમાં જશે.

૪. આસપાસમાં જવાનું હોય તો રિક્ષા-ટેક્સી કરવાને બદલે ચાલી નાખો. ખાસ કરીને જમ્યા પછી કે ભારે નાસ્તો કર્યા પછી ઓછામાં ઓછા પંદરથી વીસ મિનિટનું મિની-વૉક મળે જ એની કાળજી રાખો.

૫. દિવાળી-બેસતું વરસ જાય એટલે એ પછીના દિવસોમાં પચવામાં હલકી ચીજો ખાઈને પેટને આરામ આપવાનું ભૂલતા નહીં. એ પછીના એક-બે દિવસ માત્ર સૂપ, ફ્રૂટ્સ કે સૅલડ, ખીચડી-કઢી જેવી પૌષ્ટિક ચીજો ખાવાનું રાખો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK