Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > બાથટબને બદલે કટિસ્નાન કરો અને વાત, પિત્ત તથા કફજન્ય રોગો નાથો

બાથટબને બદલે કટિસ્નાન કરો અને વાત, પિત્ત તથા કફજન્ય રોગો નાથો

07 October, 2012 08:04 AM IST |

બાથટબને બદલે કટિસ્નાન કરો અને વાત, પિત્ત તથા કફજન્ય રોગો નાથો

બાથટબને બદલે કટિસ્નાન કરો અને વાત, પિત્ત તથા કફજન્ય રોગો નાથો




આયુર્વેદનું A 2 Z - ડૉ. રવિ કોઠારી

બાથરૂમમાં જ બાથટબ હોય એ તો હવે લેટેસ્ટ ફૅશન થઈ, પરંતુ પૌરાણકાળમાં પણ આવા જ બાથટબ એટલે કે કટિસ્નાનનો મહિમા ગણાયો છે. અલબત્ત, ગરમ પાણીના ટબમાં લાંબો સમય પડ્યા રહેવું પુરુષો માટે ખતરનાક નીવડી શકે છે એ વાત હજી બહુ ઓછા લોકો સમજી શકે છે. પુરુષોની ફર્ટિલિટી માટે ગરમ પાણીનો લાંબા સમયનો શેક હિતાવહ નથી. શુક્રાણુઓને ઠંડકવાળું વાતાવરણ ગમે છે એટલે ગરમ પાણીમાં લાંબો સમય બાથટબમાં બેસી રહેવામાં આવે તો એનાથી શુક્રાણુઓ પેદા થવાનું ધીમું પડી જાય છે અને સંતાનપ્રાપ્તિમાં તકલીફ પડે છે.

બાથટબમાં નહાવાની સરખામણીએ સમજણપૂર્વકનું ઔષધસિદ્ધ ઔષધિઓ સાથેનું કટિસ્નાન અનેક રોગોમાં અકસીર ઔષધ નીવડી શકે છે. કટિસ્નાન એટલે કટિની નીચેના ભાગનું સ્નાન. કટિ એટલે કેડ. કમરની નીચેના ભાગને પાણી, તેલ કે ઔષધસિદ્ધ દ્રવ્યમાં થોડાક સમય માટે ડુબાડી રાખવો એટલે કટિસ્નાન.

વાત, પિત્ત અને કફ ત્રણેયના દોષો તેમ જ ચામડીના રોગમાં કટિસ્નાન કરાવવામાં આવે છે. ચાલો જોઈએ કેવી તકલીફોમાં કેવા પ્રકારનું કટિસ્નાન કરી શકાય એ.

વાતજ કટિસ્નાન

વાયુના કોઈ પણ પ્રકારના રોગોમાં પંચકર્મમાં અભ્યંગ, સ્નેહન અને સ્વેદનનું મહત્વ છે. આયુર્વેદના પૌરાણિક ગ્રંથોએ તો વાયુના રોગોમાં ચોખ્ખું તલનું તેલ, વાતઘ્ન ઔષધિઓથી સિદ્ધ તેલ, નારાયણ તેલ, બલા તેલ કે દશમૂલમાં પકવેલું તેલ વાપરીને કટિસ્નાન કરવાનું કહ્યું છે. જોકે આજના સમયમાં એકલા તેલનું કટિસ્નાન કોઈને પરવડે નહીં અને એમ કરવું પ્રૅક્ટિકલ પણ ન બને એટલે બીજો ઑપ્શન અપાયો છે એ ફૉલો કરી શકાય. એમાં વાતઘ્ન ઔષધિઓ નાખીને ઉકાળેલું પાણી સહન કરી શકાય એટલું ગરમ રહે એટલે એમાં બેસી શકાય. પંદરથી વીસ મિનિટ સુધી સહ્ય ગરમ એવા ઔષધસિદ્ધ પાણીમાં કમર ડુબાડીને નિયમિત બેસવાથી લાંબા ગાળે ફાયદો થાય છે. જોકે યુવાન પુરુષો જેમને સંતાનપ્રાપ્તિની ઇચ્છા હોય તેમણે આ પ્રયોગ ડૉક્ટરની સલાહ મુજબ જ કરવો.

કોને ફાયદો થાય? : લકવો, રાંઝણ (સાયેટિકા), કટિવાત, કમર જકડાઈ જવી, સ્લિપ ડિસ્ક, મણકા ઘસાઈ જવા, સાથળ-પેઢુનો દુખાવો, ગૅસ, વાતજ મૂત્રાવરોધ, વાયુની પથરી, આંચકી, વાતજ યોનિદોષ, કમર પર મૂઢમાર, કેડની નીચેનું હાડકું દબાવું, હાડકું ભાંગવું, વાયુના મસા વગેરે રોગમાં વાતજ કટિસ્નાન કરાવવામાં આવે છે.

વાતજ ઔષધિઓ : એરંડિયું, આકડો, નગોળ, સરગવો, ગોખરું જેવાં ઔષધો ઉકાળીને કટિસ્નાન કરાવી શકાય.

પિત્તજ કટિસ્નાન

ગરમીના રોગો, ગરમ ઋતુ અને ગરમ પ્રકૃતિ ધરાવતી વ્યક્તિને ઠંડા પાણીનું કટિસ્નાન માફક આવે છે. સામાન્ય રીતે કૂવા, તળાવ કે નદીમાં તરવાથી પણ ઠંડા કટિસ્નાન જેવો ફાયદો થાય છે.

મગજની શાંતિ, આંખની ઠંડક, સ્ફૂર્તિ માટે શીત કટિસ્નાન લાભદાયક છે. પિત્તજ કટિસ્નાનમાં પિત્તશામક ઔષધિઓને પાણીમાં ઉકાળી, ઠારી અને એ સાવ જ ઠંડું પડી જાય એ પછી કટિસ્નાન માટેના ટબમાં બેસવામાં આવે છે.

કોને ફાયદો થાય? : ઊનવા, ગરમીને કારણે થતો મૂત્રાવરોધ, પાક, થાક, યોનિદાહ, શિશ્નદાહ, પિત્તપ્રદર, ત્વચાના રોગો, લોહીના વિકારો, અતિકામુકતામાં શીત કટિસ્નાન ખૂબ કામમાં આવે છે.

પિત્તજ ઔષધિઓ : ગોખરું, જેઠીમદ, ચંદન, અનંતમૂળ, સુગંધી વાળો પાણીમાં ઉકાળીને ઠારી શકાય.

કફજ કટિસ્નાન

કફદોષોનો નાશ કરે એવાં ઔષધોનો ઉકાળો બનાવી નવશેકું પાણી હોય ત્યારે એમાં પંદરેક મિનિટ બેસવાથી કફજ દોષોમાં ફાયદો થાય.

કોને ફાયદો થાય? : કફજ ભગંદર, મસા, ત્વચાના રોગો, ખંજવાળ, ચામડીના રંગમાં કાળાશ હોય ત્યારે તેમ જ ખસ, સૉરાયસિસ, ચાંદી, સિફિલિસ જેવા સંક્રામક રોગોમાં કફજ કટિસ્નાનથી ફાયદો થાય.

કફજ ઔષધિ : કરંજ, લીમડો, બહેડા, ગરમાળાનો ગર, વાવડિંગ, ખદીર, હળદર વગેરે કફઘ્ન દ્રવ્યો છે.



Whatsapp-channel Whatsapp-channel

07 October, 2012 08:04 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK