ધર્માંતરણ : ૬૭ વર્ષ ફાંફાં માર્યા પછી હિન્દુત્વવાદીઓની પીછેહઠ

Published: 28th December, 2014 06:53 IST

ગયા અઠવાડિયે કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું હતું કે ધર્માંતરણ પર સમૂળગો પ્રતિબંધ મૂકવો જોઈએ અને વિરોધ પક્ષે સરકારના પ્રસ્તાવને ટેકો આપવો જોઈએ. BJPના અધ્યક્ષ અમિત શાહે પણ આવી જ માગણી કરી હતી. ૬૭ વર્ષ પછી ધર્માંતરણરૂપી કસીનોમાંથી ઊભા થઈ જવાનું વલણ કેમ અપનાવવું પડ્યું છે?
નો નૉન્સેન્સ - રમેશ ઓઝા


ગયા સપ્તાહે આપણે જોયું કે જ્ઞાતિ હિન્દુ ધર્મની મોટી મર્યાદા છે. ધર્મ અપનાવી શકાય, જ્ઞાતિ અપનાવી શકાતી નથી. એ જન્મ સાથે મળે છે જેને કોઈ આપી શકતું નથી કે આંચકી શકતું નથી. જ્ઞાતિ વિનાનો કોઈ હિન્દુ હોઈ જ ન શકે એટલે હિન્દુ ધર્મમાં બહારનાને પ્રવેશ નથી. હિન્દુ ધર્મમાંથી ધર્માંતરણ કરીને બહાર નીકળી શકાય, પ્રવેશી ન શકાય. હજારો વર્ષ દરમ્યાન સવર્ણો ધર્મના નામે અવર્ણોનું શોષણ કરતા આવ્યા છે એને કારણે એ શોષણથી બચવા છેલ્લાં સેંકડો વર્ષ દરમ્યાન મોટી સંખ્યામાં પૂર્વાશ્રમી પછાત હિન્દુઓએ અન્ય ધર્મમાં ધર્માંતરણ કર્યું છે.

૧૯મી સદીમાં પાશ્ચાત્ય શિક્ષણને કારણે, પાશ્ચાત્ય ધર્મોના સંપર્કને કારણે અને ખાસ કરીને મિશનરીઓના આયોજનબદ્ધ ધર્માંતરણ કરાવવાની પ્રવૃત્તિને કારણે કેટલાક હિન્દુઓના મનમાં હિન્દુઓની સંખ્યાની સભાનતા જન્મી હતી. દયાનંદ સરસ્વતી આવા પહેલા હિન્દુ હતા જેમણે આર્ય સમાજની સ્થાપના કરીને હિન્દુઓની ઘટતી સંખ્યાને અટકાવવાના અને બને તો સંખ્યા વધારવાના ઉપાયો વિચાર્યા હતા. ઘટતી સંખ્યા અટકાવવાનો ઉપાય હતો; હિન્દુ સમાજમાંથી જ્ઞાતિ નાબૂદ કરવી, સામાજિક સમાનતા દાખલ કરવી અને પછાત વર્ણોને શોષણમુક્ત કરવા. સંખ્યા વધારવાનો ઉપાય હતો; બહાર ગયેલાઓનું શુદ્ધીકરણ કરીને ધર્મમાં પાછા દાખલ કરવા અથવા જે મૂળ વિધર્મી હતા તેમનું ધર્માંતરણ કરાવવું. મૂંઝવણ એ હતી કે જો પહેલો ઉપાય સફળ નીવડે તો જ બીજો ઉપાય સફળ નીવડી શકે એમ હતો.

ઈશુના અવસાન પછી ૫૭ વર્ષે સૅન્ટ થૉમસ ભારત આવ્યા હતા અને ઈસાઈ ધર્મ ભારતમાં દાખલ કર્યો હતો એમ કહેવાય છે. સાલ ગમે એ હોય, ભારતમાં ઈસાઈઓ દ્વારા કરાતા ધર્માંતરણનો ઇતિહાસ ૧૮૦૦ વર્ષ જેટલો જૂનો છે. ઇસ્લામ ધર્મ ભારતમાં આવ્યો એને ૧૩૦૦ વર્ષ થઈ ગયાં છે અને ઇસ્લામમાં હિન્દુઓના ધર્માંતરણનો ઇતિહાસ પણ ૮૦૦ વર્ષ કરતાં વધુ જૂનો છે. હિન્દુ ધર્મ આ બન્ને ધર્મો કરતાં પ્રાચીન છે, પણ એનો ધર્માંતરણ કરાવવાનો અનુભવ આઝાદી સમયે માત્ર ૭૫ વર્ષનો હતો. ક્યાં ૧૮૦૦ વર્ષ, ક્યાં ૮૦૦ વર્ષ અને ક્યાં ૭૫ વર્ષ. ઉપરાંત પહેલા બે ધર્મોને જ્ઞાતિ નડતી નહોતી એટલે તેમના ધર્મમાં હિન્દુનો પ્રવેશ બિનશરતી આસાન હતો, જ્યારે હિન્દુ ધર્મમાં જ્ઞાતિને કારણે પ્રવેશ શરતી અને મુશ્કેલ હતો.

આ સ્થિતિમાં જ્યારે ભારતને આઝાદી મળી અને બંધારણ ઘડાતું હતું ત્યારે હિન્દુ ધર્માભિમાનીઓએ નિર્ણય લેવાનો હતો કે બંધારણમાં ધર્માંતરણ કરવાની અને કરાવવાની છૂટ આપવી જોઈએ કે નહીં? જો પ્રતિબંધ મુકાય તો હિન્દુઓની સંખ્યા તો જળવાઈ રહે, પણ એમાં વધારો ન થાય. જો છૂટ આપવામાં આવે તો એ છૂટ માત્ર હિન્દુઓને મળવાની નહોતી, બીજા ધર્માનુયાયીઓને પણ મળવાની હતી. હિન્દુઓની સંખ્યા વધારી શકવાની સંભાવના ખરી તો સામે સંખ્યા ઓછી થવાની સંભાવના પણ ખરી. ઈસાઈઓનો અને મુસ્લિમોનો ધર્માંતરણ કરાવવાનો લાંબો અને સફળ ઇતિહાસ હતો, જ્યારે હિન્દુઓનો શુદ્ધિઆંદોલનનો માત્ર ૭૫ વર્ષનો ટૂંકો ઇતિહાસ ઉત્સાહવર્ધક નહોતો. આર્ય સમાજીઓનું અને હિન્દુ મહાસભાનું શુદ્ધિ આંદોલન બેપગે ઊભું નહોતું રહી શકતું અને એમાં એકંદરે નિષ્ફળતા મળી હતી. આ સ્થિતિમાં હાર સ્વીકારીને શું હાથમાં છે એટલા રૂપિયા લઈને કસીનોના ટેબલ પરથી ખસી જવું અને કસીનો પર પ્રતિબંધ આણવો કે પછી કસીનોની રમત ચાલુ રાખીને જુગાર રમી લેવો?

તમને આજે કદાચ આશ્વર્ય થશે, પણ ત્યારે મોટા ભાગના હિન્દુ ધર્માભિમાનીઓ કસીનો ચાલુ રાખીને જુગાર રમી લેવાના મતના હતા. આપણો ધર્મ મહાન છે. દેશ આઝાદ થઈ રહ્યો છે, મુસ્લિમોના અને ઈસાઈઓના શાસનનો અંત આવ્યો છે, હિન્દુઓ બહુમતીમાં (આદિવાસીઓને ગણો તો લગભગ ૮૫ ટકા) છે એટલે છેવટે શાસન તો હિન્દુઓ જ કરવાના છે, શિક્ષણ દ્વારા હિન્દુ જાગ્રત થઈ રહ્યો છે અને જ્ઞાતિનાં બંધનો ઢીલાં થઈ રહ્યાં છે વગેરે અનુકૂળતા ત્યારે તેમને નજરે પડતી હતી. એ ઉપરાંત ફાયદાના અભાવમાં હિન્દુઓમાં ઇસ્લામ ધર્મ અપનાવવાનું વલણ ઘટી ગયું હતું એટલે મુકાબલો એકલા મિશનરીઓ સામે કરવાનો હતો. ટૂંકમાં કહીએ તો, ત્યારે હિન્દુ ધર્માભિમાનીઓને એમ લાગ્યું હતું કે હવે દરેક વાતની અનુકૂળતા છે તો કસીનો છોડીને જતા શું કામ રહેવું? હવે તો આપણો સમય શરૂ થઈ રહ્યો છે અને જીત મુઠ્ઠીમાં છે.

ગયા અઠવાડિયે કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું હતું કે ધર્માંતરણ પર સમૂળગો પ્રતિબંધ મૂકવો જોઈએ અને વિરોધ પક્ષે સરકારના પ્રસ્તાવને ટેકો આપવો જોઈએ. BJPના અધ્યક્ષ અમિત શાહે પણ આવી જ માગણી કરી હતી. ૬૭ વર્ષ પછી કસીનોમાંથી ઊભા થઈ જવાનું વલણ કેમ અપનાવવું પડ્યું છે? આ રીતે હવે અત્યારે યુટર્ન લેવાની કેમ જરૂર પડી? આનો જવાબ એ છે કે આઝાદી પછીનો શુદ્ધિઆંદોલનનો અનુભવ એટલો જ નિરાશાજનક છે જેવો એ પહેલાં ૭૫ વર્ષનો હતો. આનો જવાબ એ છે ધર્માંતરણરૂપી કસીનોના ટેબલ પર ઈસાઈ મિશનરીઓ સામે હિન્દુત્વવાદીઓ પરાજિત થઈ રહ્યા છે. આનો જવાબ એ છે કે હિન્દુત્વવાદીઓએ પરાજય સ્વીકારી લીધો છે. તેઓ હવે હિન્દુઓની સંખ્યા જાળવી રાખવાની વેતરણમાં પડ્યા છે, વિસ્તરવાનાં સપનાં રોળાઈ ગયાં છે. તેમને અકળાવનારું સત્ય એ છે કે હિન્દુ ધર્મમાંથી ૯૯ જણ બહાર જાય છે એની સામે એક પ્રવેશે છે.

શું કારણ છે હિન્દુત્વવાદીઓની નિષ્ફળતાનું? શા માટે ૯૯:૧નું પ્રમાણ ૧૯૪૭ પછીની તમામ અનુકૂળતાઓ છતાં બદલાયું નહીં?

આનું પહેલું કારણ છે, જ્ઞાતિ. જ્યાં સુધી જ્ઞાતિ છે ત્યાં સુધી હિન્દુ ધર્મનો વિસ્તાર શક્ય નથી અને જ્ઞાતિ કોઈ ને કોઈ સ્વરૂપમાં જળવાઈ રહેવાની છે. જો જાતી નહીં વહ જાતિ એવા શબ્દોમાં વિનોબા ભાવેએ જ્ઞાતિને ઓળખાવી હતી. આગળ જતાં જ્ઞાતિ કોમ (કમ્યુનિટી)નું સ્વરૂપ ધારણ કરશે, પણ નાબૂદ નહીં થાય. સ્પર્શ, રોટી અને બેટી આ ત્રણ વ્યવહારમાં જ્ઞાતિનાં બંધનો પ્રગટ થાય છે. આમાંથી પહેલાં બે બંધનો તૂટી રહ્યાં છે અને સાવ તૂટી જશે, પણ બેટીવ્યવહાર સમાજની અંદર અથવા તો સમકક્ષ સમાજની અંદર જ થાય એવો આગ્રહ હજી કાયમ છે અને એ હજી ૧૦૦-૨૦૦ વર્ષ રહેવાનો છે. સમાનતાની ખરી અને આખરી કસોટી લગ્ન છે, ભોજન અને સ્પર્શ નથી. સામેની વ્યક્તિને અપનાવ્યા વિના ભોજન અને સ્પર્શ શક્ય છે, લગ્ન શક્ય નથી. લગ્ન પોતે જ એક સ્વીકાર છે.

તેમની નિષ્ફળતાનું બીજું કારણ છે જ્ઞાતિનિમૂર્‍લનની બાબતમાં પ્રામાણિકતાનો અભાવ. કેટલાક હિન્દુત્વવાદીઓ સનાતની છે અને કેટલાક આર્ય સમાજી. આમાં આર્ય સમાજીઓ સાવ નર્બિળ છે અને ત્રિશંકુ અવસ્થામાં જીવે છે. દયાનંદ સરસ્વતીએ આપેલા ઉપદેશ કરતાં તેઓ ક્યાંય દૂર ધકેલાઈ ગયા છે. બીજી બાજુ સનાતનીઓ જ્ઞાતિપ્રથાનો બચાવ કરે છે. દોઢસો વર્ષ દરમ્યાન અલગ-અલગ ધારાના હિન્દુ ધર્માભિમાનીઓ જ્ઞાતિ વિશે એકસરખી અને સ્પષ્ટ ભૂમિકા બનાવી શક્યા નથી. તેઓ વર્ણના નામે જ્ઞાતિનો બચાવ કરે છે અને કસીનોમાં મિશનરીઓ સામે હારે છે. જેટલું હિન્દુ એટલું શ્રેષ્ઠ, પ્રાચીન એટલું શ્રેષ્ઠ એવી તર્કવિસંગત ભૂમિકા તેમને નડે છે.

તેમની નિષ્ફળતાનું ત્રીજું કારણ સત્તા માટેનું સંસદીય રાજકારણ છે જેમાં હિન્દુત્વવાદીઓ પણ મેદાનમાં છે. મત જોઈતા હોય તો જ્ઞાતિ નામના પરિબળનો ઉપયોગ કરવો પડે. એક બાજુ જ્ઞાતિની જ્ઞાતિ તરીકેની ઓળખ મતની લાલચે સ્વીકારવી અને મજબૂત કરવી અને બીજી બાજુ હિન્દુ ધર્મને વિસ્તારવાનાં સપનાં જોવાં એ બન્ને ચીજ સાથે ન ચાલે. સંઘપરિવારને હિન્દુ હિતની આટલી ચિંતા હતી તો એણે સમાધાનો કરવાં પડે એવા સંસદીય રાજકારણમાં નહોતું પડવું જોઈતું. સાચી વાત તો એ છે કે એને સત્તામાં રસ છે અને હિન્દુ એક વોટ-બૅન્ક છે.

તેમની નિષ્ફળતાનું ચોથું કારણ તેમની હિન્દુ ધર્મ વિશેની અધૂરી સમજ છે. તેઓ પાશ્ચાત્ય ધર્મોની ફ્રેમમાં હિન્દુ ધર્મને જોવાનો અને ઢાળવાનો પ્રયાસ કરે છે જે હિન્દુને ક્યારેય માફક ન આવી શકે. હિન્દુ ધર્મનું ઈસાઈકરણ અને ઇસ્લામીકરણ કરવાનો બેહૂદો પ્રયાસ દયાનંદ સરસ્વતીએ કર્યો હતો. આપણી ખૂબીને મૂડી બનાવવાની જગ્યાએ લજવાઈને આપણી મૂડીને વિદેશી મૂડી સામે વટાવવા નીકળો તો હાથમાં ખુવારી જ આવે. ગર્વ સે કહો હમ હિન્દુ હૈ સૂત્રના મૂળમાં લજ્જા અને લઘુતા આધારિત નકલ છે.

તેમની નિષ્ફળતાનું પાંચમું કારણ હિન્દુ ગવર્‍ને પ્રગટ કરનારાં પ્રતીકો અને ભાષા છે. ત્રિશૂલ અને ભગવા રંગ સાથે આદિવાસીઓને, દલિતોને કે સાવ પછાત જાતિઓને ઇતિહાસમાં ક્યારેય કોઈ સંબંધ રહ્યો છે? ત્રિશૂલ અને ભગવો રંગ સવર્ણ હિન્દુઓનાં પ્રતીકો છે, અવર્ણોના નહીં. ધર્માંતરણ માટેની ભાષા પણ કેટલી ગર્વ પ્રગટ કરનારી છે? જેઓ પૂર્વાશ્રમમાં ઈસાઈ કે મુસ્લિમ થયા હતા તેઓ શું અશુદ્ધ કે અપવિત્ર છે કે તમે તેની શુદ્ધિ કરવા નીકળ્યા છો? ઈસાઈ મિશનરીઓને ધર્માંતરણ માટે આવો વાગે એવો શબ્દ વાપરતા જોયા છે? તેઓ ઈશુને શરણે આવવાનું કહે છે, શુદ્ધ થવાનું નથી કહેતા. ભગવો સ્કાર્ફ પહેરીને ત્રિશૂળધારી સ્વયંસેવક જંગલમાં આદિવાસીને શુદ્ધ કરવા નીકળે એ કલ્પના જ ઍબ્સર્ડ છે. વિદેશથી આવેલા મિશનરીઓ આદિવાસી સમજે એવી ભાષામાં અને એવાં પ્રતીકો સાથે જંગલમાં જાય અને આપણા દેશમાં જન્મેલા અને ઊછરેલા હિન્દુત્વવાદીઓ તોછડી ભાષા અને અજાણ્યાં પ્રતીકો સાથે જંગલમાં જાય તો પરિણામ શું આવે?

તેમની નિષ્ફળતાનું છઠ્ઠું અને મહત્વનું કારણ કરુણા અને નિસબતનો અભાવ છે. મિશનરીઓ માટે ઈસાઈ ધર્મમાં ધર્મપ્રવેશ કરનારો આદિવાસી કે દલિત માત્ર સંખ્યાનો આંકડો નથી, ઈશુએ સેવા કરવા માટે મોકલેલો ઇન્સાન છે. નિસબત, સેવા અને કરુણામાં કોઈ હિન્દુત્વવાદી સ્વયંસેવક મિશનરીનો મુકાબલો કરી ન શકે. ઊંચ-નીચમાં માનનારા જ્ઞાતિગ્રસ્ત હિન્દુને ગળથૂથીમાં સંસ્કાર સેવા લેવાના મળ્યા છે, કરવાના નથી મળ્યા. સરેરાશ હિન્દુ પોતાનાથી નીચેનાને ચાહી ન શકે અને તેની સેવા ન કરી શકે અને પોતાનાથી ઉપર હોય તેની સાથે બરાબરીના દરજ્જા સાથે ઊભો ન રહી શકે, એ તેની ગુલામી જ કરી શકે. બે-ત્રણ હજાર વર્ષ જૂના આ સંસ્કાર ત્રિશૂલ ધારણ કરીને ડાંગના જંગલમાં જવાથી બદલાઈ નથી જવાના. મિશનરીઓ ધર્માંતરણ કરાવવાના ઉદ્દેશથી સેવા કરે છે એવી આપણે દલીલ કરીએ છીએ અને એમાં તથ્ય પણ છે, પરંતુ આદિવાસીને તો એમાં કરુણાવાન સેવક જ નજરે પડે છે.

તો આ કેટલાંક કારણો છે હિન્દુત્વવાદીઓને ધર્મવિસ્તાર કરવામાં મળેલી નિષ્ફળતાનાં. રાજનાથ સિંહનાં, અમિત શાહનાં અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓનાં નિવેદનો એમ સૂચવે છે કે તેમણે મિશનરીઓ સામે પરાજય સ્વીકારી લીધો છે. તેમણે હવે હિન્દુ ધર્મનો વિસ્તાર કરીને વિશ્વધર્મ બનાવવાનાં સપનાંઓ જોવાનું છોડી દીધું છે અને એની જગ્યાએ હિન્દુઓની સંખ્યા છે એટલી જાળવી રાખવા માગે છે. કસીનોમાંથી બચેલી મૂડી લઈને તેઓ ઊભા થવા માગે છે. એ માટેની ભૂમિકા બનાવવા માટે તેઓ ઘર વાપસીની રમત રમી રહ્યા છે. એક દિવસ તેઓ ઉદારમતવાદીઓ અને સેક્યુલરિસ્ટો પાસે બોલાવડાવવા માગે છે કે આના કરતાં તો ધર્માંતરણ પર જ સમૂળગો પ્રતિબંધ સારો. તેરા ભી નહીં, મેરા ભી નહીં એમ કહીને તેઓ દાવમાંથી ખસી જવા માગે છે.

અહીં બે પ્રશ્ન ઉપસ્થિત થાય છે; શું ધર્માંતરણ પર સમૂળગો પ્રતિબંધ શક્ય છે? અને બીજો પ્રશ્ન, હિન્દુ ધર્મમાંથી બહાર નીકળનારા ધર્માંતરણને રોકવાનો કાયદા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી? આ બે પ્રશ્નોની ચર્ચા આવતા સપ્તાહે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK