તારે ઝમીન પરના આમિર ખાન જેવી વ્યક્તિ રિયલ લાઇફમાં પણ

Published: 26th October, 2014 07:29 IST

સાંતાક્રુઝમાં રહેતાં ૫૧ વર્ષનાં અંજલિ શાહ સાંતાક્રુઝમાં ૨ ગ્ણ્ધ્ના ફ્લૅટમાં અદ્વિતીય નામનું NGO ચલાવે છે જ્યાં ૨૮ વર્ષથી લઈ ૬૮ વર્ષની ઉંમરના માનસિક રીતે અક્ષમ લોકો આવે છે
આ ગુજરાતીને સલામ કરો - કૃપા પંડ્યા


કોઈનું એક સ્માઇલ તમને તમારા જીવનનું કારણ આપી દે તો? કોઈનું એક સ્માઇલ તમને જીવનમાં કંઈ કરવા માટે મજબૂર કરી દે અને તમારા જીવનની દિશા બદલાઈ જાય ત્યારે? આવું જ કંઈક થયું છે ૫૧ વર્ષનાં અંજલિ શાહ સાથે. તેમને એક માનસિક રીતે અક્ષમ બાળકના એક સ્માઇલે એટલાં હચમચાવી મૂક્યાં કે તેમણે એ દિવસથી જ નક્કી કર્યું કે તેમને જો ચાન્સ મળશે તો આ બાળકો માટે કંઈ કરશે અને તેમને ચાન્સ મળ્યો અને જન્મ થયો ‘અદ્વિતીય’નો. અદ્વિતીય એ એક એવું NGO (નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન) છે જેમાં સ્પેશ્યલ ચિલ્ડ્રનની સારસંભાળ લેવાની સાથે તેમનામાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવામાં આવે છે. અંજલિ શાહ માટે આ કામ ઘણું ચૅલેન્જિંગ હતું અને એના માટે તેમને ઘણી તકલીફો પણ આવી હતી.

સ્કૂલથી ફૅશન-ડિઝાઇનિંગ

ભણવામાં હોશિયાર હોય તે જ માબાપનું નામ રોશન કરી શકે એ વાત ખોટી પાડી અંજલિબહેને. અંજલિબહેન ભણવામાં જરા પણ હોશિયાર નહોતાં. તેઓ કહે છે, ‘હું મલાડમાં કાર્મેલ ઑફ સેન્ટ જોસેફ સ્કૂલમાં ભણી હતી. ભણવામાં હું પહેલેથી જ ઠોઠ વિદ્યાર્થિની હતી. એટલે સુધી કે હું દસમું ધોરણ પાસ કરીશ કે નહીં એ પણ મને કે મારા ઘરવાળાને ખબર નહોતી.’

અંજલિબહેનને ભણવામાં પહેલેથી જ ઇન્ટરેસ્ટ નહોતો. તેમના મનમાં એક અલગ જ વાત આકાર લઈ રહી હતી. તેમનું મન આર્ટ અને ક્રાફ્ટ તરફ તેમને ખેંચી રહ્યું હતું. તેમની આ છૂપી પ્રતિભા અને ઇન્ટરેસ્ટને ઓળખ્યાં તેમના પપ્પાએ જે મફતલાલની ટેક્સટાઇલ મિલમાં ટેક્સટાઇલ ટેક્નિશ્યન તરીકે કામ કરતા હતા. અંજલિબહેન કહે છે, ‘મારા પપ્પાએ અમને ભાઈ-બહેનને પહેલેથી જ છૂટ આપી હતી કે તમારે જે કરવું હોય એ કરો. એ સાથે મારા પપ્પાને મારા ઇન્ટરેસ્ટ વિશે ખબર હતી એટલે તેમને થયું કે મને એવું શિક્ષણ આપવું જોઈએ જ્યાં મારી પ્રગતિ થાય અને મારું મન લાગે. એટલે મારા પપ્પાએ ૧૯૭૯માં જુહુ લ્ફ્Dવ્માં ૩ વર્ષના ફૅશન-ડિઝાઇનિંગના ડિપ્લોમા કોર્સમાં મારું ઍડ્મિશન કરાવ્યું.  કૉલેજમાં ગમતા સબ્જેક્ટ મળ્યા એટલે સ્કૂલમાં સૌથી પાછલી બેન્ચ પર બેસવાવાળી હું કૉલેજમાં સૌથી આગળની બેન્ચ પર બેસતી થઈ ગઈ.’

૧૯૮૧માં ફૅશન-ડિઝાઇનિંગનો કોર્સ પૂરો કર્યા પછી અંજલિબહેનને આર્ટમાં જ આગળ જવાની ઇચ્છા હતી. તેઓ કહે છે, ‘મારા પપ્પા ટેક્સટાઇલ મિલમાં જ કામ કરતા એટલે હું તેમની ફૅક્ટરીમાં જતી. જે પણ ડિઝાઇન સાડીઓ કે કપડાં પર પ્રિન્ટ થતી એને ધ્યાનથી જોતી. એ ડિઝાઇન જોઈને મને લાગ્યું કે મારે પણ આ ટેક્સટાઇલ ડિઝાઇન શીખવી છે. એટલે મેં પ્રભાદેવીમાં જ ફાઇન આટ્ર્‍સની ઇન્સ્ટિટ્યૂટમાં બે વર્ષનો ટેક્સટાઇલ ડિઝાઇનનો કોર્સ કર્યો. કોર્સ પૂરો કર્યા પછી મેં છથી આઠ મહિના ફ્રીલાન્સિંગ કર્યું.’

સ્પેશ્યલ ચિલ્ડ્રનની સ્કૂલમાં સેવા

અંજલિબહેનનું ટેક્સટાઇલ ડિઝાઇનિંગનું ભણવાનું પૂરું થયું અને તેમની એક મિત્રએ કહ્યું કે મલાડમાં આવેલી માનસિક રીતે અક્ષમ બાળકોની વલ્લભભાઈ ડાગરા સ્કૂલમાં આર્ટ અને ક્રાફ્ટની વર્કશૉપ લેવા માટે કોઈ વ્યક્તિની જરૂર છે એથી તેમણે ત્યાં અપ્લાય કર્યું. અંજલિબહેન ત્યાં ૧૮ વર્ષ ઉપરનાં બાળકોને વર્કશૉપમાં આર્ટ અને ક્રાફ્ટ શીખવાડતાં હતાં. જ્યારે તેમણે અપ્લાય કર્યું ત્યારે આવાં બાળકો એટલે શું અને તે કેવાં હોય એની ખબર પણ નહોતી. ત્યાં ૩ વર્ષની ઉંમરનાં બાળકોથી લઈને ૪૫ વર્ષની ઉંમરની માનસિક રીતે અક્ષમ વ્યક્તિઓને જોઈ ત્યારે તેમને ખ્યાલ આવ્યો.

૧૪ વર્ષનો છોકરો બન્યો પ્રેરણાસ્ત્રોત

આપણે હંમેશાં વિચારતા હોઈએ છીએ કે આ બાળકો શું કોઈના પ્રેરણાસ્ત્રોત બનશે? પણ અંજલિબહેનનો કોઈ પ્રેરણાસ્ત્રોત હોય તો આ બાળકો છે. એ દિવસને યાદ કરતાં અંજલિબહેન કહે છે, ‘ત્યારે હું ૧૮ વર્ષની હતી. અમારી સ્કૂલમાં રોજ બાળકોને નાસ્તો અપાતો અને જો નાસ્તો આપવા માટે કોઈ સેવાધારી ન હોય તો બાળકોને સ્કૂલ તરફથી સેવમમરા આપવામાં આવતા. એ દિવસે ગુરુવાર હતો. બાળકોને કોઈ નાસ્તો આપવાવાળું ન હોવાથી બાળકોને સ્કૂલ તરફથી સેવમમરા આપ્યાં. ત્યાં ૧૪ વર્ષનો કમલ નામનો છોકરો હતો જે જન્મથી સેરિબ્રલ પૉલ્ઝી નામની બીમારીથી પીડાતો હતો. અમે બધાં બાળકોને સ્ટીલની પ્લેટમાં સેવમમરા આપ્યાં હતાં અને કમલ તેના બે હાથથી સેવમમરા ખાવાની કોશિશ કરી રહ્યો હતો, પણ તેના મોઢામાં સેવમમરા પહોંચતાં પહેલાં જ સેવમમરા હાથમાંથી પડી જતાં. તેને જોઈ હું તેની મદદ કરવા આગળ ગઈ અને જેવી તેની પાસે ગઈ તો તેણે મને મોટું સ્માઇલ આપ્યું અને ઇશારાથી કહ્યું કે હું જાતે કરી લઈશ. તેની આંખોમાં દેખાતો આત્મવિશ્વાસ અને તેનો સેલ્ફ-રિસ્પેક્ટ જોઈને મારા મનમાં થયું કે આ બાળકો કોઈના પર ડિપેન્ડ નથી રહેવા માગતાં, તેમનામાં પણ જાતે કંઈ કરી દેખાડવાની ધગશ છે. ત્યારે જ મેં નક્કી કર્યું કે મને મારા જીવનમાં કંઈ કરવાનો ચાન્સ મળશે તો આ બાળકો માટે કંઈ કરવું છે. આમ તે મારી પ્રેરણા બની ગયો.’

દિલખુશ સ્પેશ્યલ સ્કૂલ

અંજલિબહેનના કામથી વલ્લભભાઈ ડાગરા સ્કૂલના ફાઉન્ડર ડૉ. એ. વી. મહેતા ઘણા ખુશ હતા અને તેમણે અંજલિબહેનને આ જ ક્ષેત્રમાં આગળ વધવાનું કહ્યું અને તેમને જુહુમાં આવેલી દિલખુશ સ્પેશ્યલ સ્કૂલનું નામ આપ્યું જ્યાં આવાં સ્પેશ્યલ ચિલ્ડ્રન માટે ટીચર ટ્રેઇનિંગ કોર્સ થાય છે. એ સિવાય ત્યાં આવાં બાળકો ભણવા પણ આવે છે. અંજલિબહેને ત્યાં જઈ ઍડ્મિશન લીધું. તેઓ કહે છે, ‘મને આમ પણ આ બાળકો માટે કંઈ કરવું તો હતું જ અને મને સામેથી ચાન્સ પણ મળ્યો જે મેં લઈ લીધો. મેં ત્યાં ઍડ્મિશન લીધું અને ૧૯૮૪-૮૫માં મં બે વર્ષનો ડિપ્લોમા કોર્સ પૂરો કર્યો. કોર્સ પૂરો કર્યા પછી મને ડૉ. એ. વી. મહેતાએ તેમની સ્કૂલમાં બોલાવી. પહેલાં હું ત્યાં સેવા આપતી હતી, હવે ત્યાં જૉબ કરતી થઈ ગઈ.’ 

અંજલિબહેનનાં ૧૯૮૭માં લગ્ન થયાં અને તે મલાડથી પોતાના સાસરે સાંતાક્રુઝ આવ્યાં. તે કહે છે, ‘મારાં લગ્ન થયા પછી મને દિલખુશ સ્પેશ્યલ સ્કૂલમાંથી આ છોકરાઓને ભણાવવાની ઑફર આવી અને મં ૧૯૮૮માં દિલખુશ સ્પેશ્યલ સ્કૂલ જૉઇન કરી.’

૧૯૮૮માં અંજલિબહેને દિલખુશ જૉઇન કરી અને ૧૯૮૯માં તેમને ત્યાં વલ્લરીરૂપે લક્ષ્મી પધાર્યા. અંજલિબહેન વલ્લરી એક વર્ષની માંડ થઈ હશે અને તેને ક્યારેક પોતાની સાથે સ્કૂલ લઈ જતાં. તેઓ કહે છે, ‘વલ્લરીને હું ક્યારેક મારી સાથે સ્કૂલ લઈ જતી અને તેને આ બાળકોની વચ્ચે મૂકી દેતી. મને મારી એક કલીગે રોકી, પણ મં મારી કલીગને એટલું જ કહ્યું કે તેઓ મારા કરતાં વધારે તેનું ધ્યાન રાખશે અને બાળકો તેનું મારા કરતાં વધારે ધ્યાન રાખતાં. વલ્લરી એ લોકો સાથે સવારના ૯ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી રહેતી.’

એક સફર પૂરી, બીજી શરૂ

અંજલિબહેને ૮ વર્ષ સુધી દિલખુશ સ્પેશ્યલ સ્કૂલમાં કામ કર્યું. એ પછી વલ્લરી નાનપણમાં દેખાવમાં સુંદર હોવાથી તેને મૉડલિંગની ઘણી ઑફર આવતી. વલ્લરીએ ૬ વર્ષ સુધી મૉડલિંગ કર્યું. સ્કૂલ અને દીકરીના મૉડલિંગમાં ધ્યાન ન આપી શકતાં હોવાથી અંજલિબહેને સ્કૂલ છોડી દીધી અને દીકરીના મૉડલિંગ પર ધ્યાન આપવા લાગ્યાં. વલ્લરી જ્યારે નવ વર્ષની થઈ ત્યારે તે મૉડલિંગ છોડી ભણતર પર ધ્યાન આપવા લાગી. એ દરમ્યાન તેમની દિલખુશની એક વિદ્યાર્થિની જેનું નામ સ્વાતિ હતું તે ૨૫ વર્ષની હતી. તેને મંગોલ નામની બીમારી હતી. અંજલિબહેન એ વાતને વાગોળતાં કહે છે, ‘દિલખુશ છોડ્યા પછી છ વર્ષે એટલે કે ૧૯૯૯માં મારી એક વિદ્યાર્થિની સ્વાતિની મમ્મી નંદિની એક દિવસ મારા ઘરે આવી અને મને કહે કે જ્યારથી તમે સ્કૂલ છોડીને ગયાં છો ત્યારથી તે કોઈ પણ ટીચર પાસે કે સ્કૂલમાં જવા તૈયાર નથી, તે ડિપ્રેશનમાં આવી ગઈ છે અને ઘરમાં એવું વર્તન કરે છે કે અમે કોઈ મહેમાનને ઘરમાં બોલાવી શકતાં નથી, ડિપ્રેશનમાં તેનું વજન ૭૦ કિલો થઈ ગયું છે, તમે મારી દીકરી માટે કંઈક કરો. એટલે મેં તેની મમ્મીને હા પાડી અને તેણે મારા ઘરે રોજ સવારના ૧૧ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી આવવાનું ચાલુ કર્યું.’

મ્યુઝિક અને કલર થેરપી

અંજલિબહેને સ્વાતિ માટે મ્યુઝિક અને કલર થેરપી અપનાવી. તેઓ કહે છે, ‘સ્વાતિ જ્યારથી મારા ઘરે આવતી હું તેની પાસે કોઈ પણ કામ કરાવતી એ કલર પેપરથી જ કરાવતી. જેમ કે પેપર બૅગ બનાવવી કે એન્વેલપ બનાવવાં. આ બધું હું તેની પાસે કલર પેપરથી કરાવતી અને સાથે-સાથે કોઈ પણ લાઇટ મ્યુઝિક ચલાવતી. એ સાથે તેને બધી રીતે મહત્વ ફીલ કરાવતી. તેને ડ્રાઇવ પર લઈ જતી. એમ કરતાં-કરતાં સાત મહિનામાં મં તેને ડિપ્રેશનમાંથી બહાર કાઢી. પોતાની દીકરીમાં ફેરફાર જોઈ સ્વાતિની મમ્મીએ મને કહ્યું કે તમે મારી દીકરીને ઠીક કરી શકો છો તો કોઈને પણ ઠીક કરી શકો છો. તો તમે અમારા જેવાં માબાપ માટે આવું કંઈ કરો.’

અદ્વિતીયનો જન્મ

૨૦૦૦ની પહેલી ઑગસ્ટે અદ્વિતીયની શરૂઆત થઈ. ત્યારે અંજલિબહેન ઘરે બેસીને જ અદ્વિતીયને ચલાવતાં. એ સમયે સ્વાતિ સાથે હજી બે આવાં બાળકો આવતાં અને બે વર્ષમાં તેની સંખ્યા પાંચ થઈ. અંજલિબહેન બાળકો પાસે આર્ટ અને ક્રાફ્ટનું કામ કરાવતાં. તેઓ કહે છે, ‘મારી પાસે ૨૭ વર્ષથી લઈને ૩૦ વર્ષ સુધીના લોકો આવતા. હું સ્વાતિની જેમ તેમની પાસે જે પણ કામ કરાવતી એ કલર પેપરથી કરાવતી. તે જે પણ બનાવતા અને વેચતા એ પૈસાથી આ લોકોને હું સૅલરી આપતી અને તેમની જરૂરિયાતની વસ્તુઓ લેતા. એક દિવસ અમને ગ્લૅક્સો કંપનીમાંથી પેપર બૅગ બનાવવાનો મોટો ઑર્ડર મળ્યો જેમાંથી બે લાખ બચાવીને ૨૦૦૮માં મેં ખીરાનગરમાં વન રૂમ-કિચનનો ફ્લૅટ ભાડેથી લીધો. ખીરાનગરમાં એટલે કેમ કે એ આખો કમર્શિયલ એરિયા છે. ત્યાં ૮ વર્ષ સુધી રહ્યાં. એ પછી ૨૦૧૦માં શિફ્ટ થયાં.’

કોઈ શરતો નહીં

અદ્વિતીયમાં ઍડ્મિશન માટે કોઈ શરતો નથી. જેને કોઈ સંસ્થા ઍડ્મિશન નથી આપતી તેને અમે અહીં ઍડ્મિશન આપીએ છીએ એમ જણાવતાં અંજલિબહેન કહે છે, ‘અદ્વિતીયમાં ઍડ્મિશન માટે જ્યારે મારી પાસે વાલીઓ આવે તો એ લોકો ડૉક્ટરોની ફાઇલો લઈને આવતા, પણ મેં એ લોકોને એક જ વાત કહી કે આ બધું તમારી પાસે રાખો, મને દેખાય છે કે તે સ્પેશ્યલ ચાઇલ્ડ છે; બસ, એટલું મારા માટે બસ છે; મારા માટે માત્ર તેને કઈ તકલીફ છે એ જ મહત્વનું છે; એ તકલીફો વિશે સાચું કહેજો, કેમ કે તેમને જે પણ પ્રૉબ્લેમ હોય એ રીતે અમે તેને અહીં હૅન્ડલ કરી શકીએ. અમે ઘરે બેઠાં હોય એવાં બાળકો, ડિપ્રેશનમાં હોય એવાં અથવા જેને બિહેવિયર પ્રૉબ્લેમ હોય એવાં બાળકોને જ ઍડ્મિશન આપીએ છીએ.’

દંગ કરી દેતી ટૅલન્ટ

અદ્વિતીયને આજે ૧૪ વર્ષ થયાં છે. અંજલિબહેન અને તેમના પરિવાર સાથે અહીં પાંચ ટીચરો, એક કામવાળી, ડાન્સિંગ-સિન્ગિંગ જેવી વિવિધ પ્રવૃત્તિના ટીચરો આવે છે. સ્પેશ્યલ ચિલ્ડ્રનમાં એટલી સુંદર કળાઓ છુપાયેલી છે જે જોઈને આપણે દંગ થઈ જઈએ. આ બાળકો ડાન્સિંગ-સિન્ગિંગની સાથે કૅન્વસ પર પેઇન્ટિંગ, પૉટરી પેઇન્ટિંગ જેવી વિવિધ પ્રકારની વસ્તુ બનાવે છે. એ સાથે આ બાળકો ડાન્સ માટે ટીવી પર ‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’ અને ‘ઇન્ડિયાઝ ડાન્સિંગ સુપરસ્ટાર’માં પણ આવ્યાં હતાં.

પરિવારનો સાથ

અદ્વિતીયને ચલાવવામાં અંજલિબહેનને તેમના પરિવારનો ભરપૂર સાથ મળ્યો. એ વાતને વાગોળતાં અંજલિબહેન કહે છે, ‘પહેલા દિવસથી એટલે કે જ્યારથી સ્વાતિ મારા ઘરે આવતી ત્યારથી લઈને અત્યાર સુધી મને મારા પરિવારનો ઘણો સાથ મળ્યો છે. મારાં પપ્પા-મમ્મી અને મારી દીકરીએ મને ઘણો સાથ આપ્યો. જ્યારે મં આ ચાલુ કર્યું ત્યારે કોઈ ટીચર નહોતા કે ન કોઈ સેવા કરવાવાળી વ્યક્તિ. જે પણ કરવાનું હતું અમારે જ કરવાનું હતું. ત્યારે મારા પરિવારે મને પૂરો સપોર્ટ કર્યો.’

અંજલિબહેનના પપ્પા બાબુભાઈ ૭૭ વર્ષના છે અને તે સવારથી સાંજ સુધી અદ્વિતીયમાં સેવા આપે છે. તેમની મમ્મી પણ તેમને પૂરો સપોર્ટ કરે છે. બાબુભાઈ કહે છે, ‘જ્યારે અંજલિએ મને અદ્વિતીયનું કહ્યું ત્યારે મને ઘણી ખુશી થઈ. મેં તેને પહેલેથી જ કહ્યું છે કે તું જે કરીશ એમાં તને અમારો પૂરો સપોર્ટ છે.’

અંજલિબહેનની ૨૫ વર્ષની દીકરી વલ્લરીએ ફ્લેમ ઇન્સ્ટિટ્યૂટ, પુણેમાંથી માસ કમ્યુનિકેશનમાં MBA કર્યું છે અને તે પણ તેની મમ્મી સાથે સેવા આપે છે. એ સાથે તે હવે સાયકોલૉજીમાં MA કરી રહી છે. સાથે તે પોતે ક્રીએટિવ રાઇટર છે. તે કહે છે, ‘હું મમ્મીને સપોર્ટ કરવા માટે અહીં સેવા આપું છું. મને આ સોશ્યલ સેક્ટરમાં કામ કરવું ગમે છે. જે રીતે આ સેક્ટર આગળ વધી રહ્યું છે એ જોતાં લાગે છે કે આ સેક્ટરમાં અમારા જેવા હાઈલી એજ્યુકેટેડ લોકોની જરૂર પડવાની છે. કૉર્પોરેટ સેક્ટરમાં મને સારી જૉબ મળી જાય, પણ જે સૅટિસ્ફેક્શન અહીં સેવા આપવાથી મળે છે એ સંતોષ કૉર્પોરેટ સેક્ટરમાં કામ કરવાથી નથી મળવાનો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK