ફક્ત એક જ દોરડાના ઝૂલા પર પથારી બનાવી કુન્ગ ફુ માસ્ટરે

Published: 19th October, 2014 04:49 IST

ચીનના હુઆંગ્યાન ટાઉનમાં ૫૧ વર્ષના લિયાંગ યાન્ગુઓ નામના માણસને સૂવા માટે બેડ નહીં, એકમાત્ર રસ્સી કાફી છે. હૅમક પર રિલૅક્સ થઈને સૂતો હોય એમ તે એકમાત્ર દોરડા પર સૂએ છે, હાથ-પગ હલાવે છે અને તમે પાસેથી પસાર થાઓ તો બે હાથ જોડીને નમસ્કાર પણ કરે છે(વાહ રે વાહ!- સેજલ પટેલ)

મસ્ત રૂની પોચી ગાદીવાળા ડબલ બેડ પર સૂઈ જઈએ ત્યારે પણ મોસ્ટ કમ્ફર્ટેબલ પોઝિશન માટે આપણે પથારીમાં આળોટતા હોઈએ છીએ, પણ ચીનનો લિયાંગ યાન્ગુઓ આરામથી એક દોરડા પર સૂઈ જાય છે. ચીનના ઝેજિયાંગ પ્રાંતના હુઆંગ્યાન ટાઉનમાં એક પાર્કમાં બે ઝાડ વચ્ચે દોરડું બાંધીને એના પર આરામ ફરમાવતો લિયાંગ આજકાલ ટૉક ઑફ ધ ટાઉન છે. ૫૧ વર્ષનો લિયાંગ એટલી સહજતાથી દોરડા પર આરામ ફરમાવતો હોય છે કે સૌને એ જોઈને આશ્ચર્ય થાય છે.

લિયાંગનું કહેવું છે કે તે આમ કરી શકે છે એનું રાઝ તેના કુન્ગ ફુ માસ્ટરે આપેલી તાલીમ છે. નવાઈની વાત એ છે કે તે દોરડા પર લટકતો હોય એવું નહીં પણ આરામ ફરમાવતો હોય એવું જ લાગે છે. આસપાસમાં એક્સરસાઇઝ કરનારા લોકો તેના ફોટો પાડે કે ઈવન વાતો કરવા આવે ત્યારે તે જાણે લાંબી-પહોળી પથારીમાં સૂઈને વાતો કરતો હોય એટલો રિલૅક્સ થઈને વાતો કરે છે. દોરડા પર સૂઈને તે કસરત પણ કરે છે. એક પગ અને બે હાથ અધ્ધર રાખીને તે જાણે સ્ટૅચ્યુ હોય એમ સ્થિર સૂઈ રહે છે. પુસ્તકો વાંચવા માટે પણ તેને એક દોરડાનો હૅમક જ ખૂબ પસંદ આવે છે. લિયાંગ જનરલી બે વૃક્ષ વચ્ચે દોરડું બાંધીને ગમે ત્યાં સૂઈ શકે છે. આ રીતે સૂવાની પ્રૅક્ટિસ તેણે ત્રણેક વર્ષ પહેલાં શરૂ કરેલી.

ત્રણ વર્ષ પહેલાં લિયાંગને ગળામાં કૅન્સરની ગાંઠ થઈ હોવાનું નિદાન થયેલું. તેણે ડૉક્ટરને કન્સલ્ટ કર્યું તો સર્જરી કરીને ટયુમર કાઢવાની સલાહ અપાઈ. એ પછી પણ તેના જીવવાના ચાન્સિસ છ મહિના જેટલા જ છે એવું ડૉક્ટરોએ કહેલું. લિયાંગે ટયુમર કાઢવા માટે સર્જરી કરાવી અને કુન્ગ ફુ શીખવામાં લાગી ગયો. બૉડીનું સંતુલન રાખતાં શીખવાથી ઓવરઑલ સ્વાસ્થ્ય પણ સુધરે છે એવું તેના કુન્ગ ફુ માસ્ટરનું માનવું હતું એટલે ભાઈએ એક દોરડા પર બૅલૅન્સ રાખીને સૂવાનો મહાવરો કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તે પૅરૅલલ ત્રણ દોરડાં બાંધતો. વચલી રસ્સી પર આખા બૉડીને સેટ કરતો અને બાજુની રસ્સીઓ પર હાથ ટેકવીને બૉડીને બૅલૅન્સ કરવામાં આવતું. એમ છતાં તે ગબડી પડતો. વારંવારના મહાવરા અને માઇન્ડને એકાગ્ર કરવાની ટેãકનક શીખ્યા પછી તેના માટે એક દોરડા પર સૂવાનું કામ ડાબા હાથનો ખેલ બની ગયો. લિયાંગનું કહેવું છે કે જે લોકો કુન્ગ ફુ ન જાણતા હોય તેઓ પણ દોરડા પર સૂવાનું આરામથી શીખી શકે છે, કેમ કે આ માટે શરીરને નહીં પણ મનને એકાગ્ર કરતાં શીખવાની જરૂર છે. બૉડીનું બૅલૅન્સિંગ પણ બ્રેઇનના જ કન્ટ્રોલમાં હોય છે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK