ગાંધીજીની જેમ રહેવા આજે કોઈ તૈયાર નથી

Published: 5th October, 2014 06:54 IST

ગૂજરાત વિદ્યાપીઠ અને વડોદરાની એક સંસ્થાએ અમદાવાદ પાસે બાપુએ બનાવેલા સત્યાગ્રહ આશ્રમની પાંચ દિવસની પૅકેજ-ટૂરનો પ્રોગ્રામ બનાવ્યો છે, પણ એની શરૂઆત થયાના એક વર્ષ પછીયે હજી સુધી કોઈ અહીં પોતાનું વેકેશન મનાવવા તૈયાર નથી થયું
સ્પેશ્યલ સ્ટોરી - શૈલેશ નાયક

હવે દિવાળીનો તહેવાર નજીક આવી ગયો છે. ઘણાબધાએ કદાચ પૅકેજ-ટૂરમાં પ્રવાસનું આયોજન કરી લીધું હશે. કોઈ ફ્રેન્ડ્સ સાથે, કોઈ ફૅમિલી સાથે તો કોઈ કપલ તેમની રીતે દિવાળીની રજાઓમાં મનગમતાં સ્થળોએ ફરવા ઊપડી જશે; પરંતુ જો તમને એમ કહેવામાં આવે કે અમદાવાદમાં આવેલા ગાંધીબાપુના સત્યાગ્રહ આશ્રમમાં ચાર-પાંચ દિવસ પૅકેજ-ટૂરમાં રહેવા આવવાનું છે તો કેટલા લોકો આ પૅકેજ-ટૂરની પસંદગી કરશે?

૧૯૧૫માં સાઉથ આફ્રિકાથી સ્વદેશ પાછા ફરીને મહાત્મા ગાંધીએ ભારતમાં પોતાનો પહેલો આશ્રમ અમદાવાદમાં કોચરબ ગામ પાસે સ્થાપ્યો હતો. એ સત્યાગ્રહ આશ્રમમાં ગાંધીજીના નીતિનિયમો પ્રમાણે રહેવા આવવા આજે કોઈ તૈયાર નથી!

ગૂજરાત વિદ્યાપીઠ અને વડોદરાની સંસ્થા મરૂન માઇગ્રેટ દ્વારા સત્યાગ્રહ આશ્રમમાં ‘લિવ ગાંધી ફૉર અ વાઇલ’ નામનો ટૂરિઝમ પ્રોગ્રામ ૨૦૧૩ની બીજી ઑક્ટોબરે લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ અનોખા પ્રોગ્રામનો કન્સેપ્ટ એ હતો કે લોકો ભારત અને વિદેશમાં જેમ હરવા-ફરવાનાં સ્થળોએ જાય છે એમ અહીં સત્યાગ્રહ આશ્રમમાં આવે અને ગાંધીજીના નીતિનિયમોથી રહે; ગાંધીજી જે નિયમો પાળતા, જે દિનચર્યા કરતા એને ફૉલો કરે જેથી ગાંધીજીના વિચારો તથા તેમનાં મૂલ્યોની તેમને ખબર પડે.

પૉલિટિશ્યનો, નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગે‍નાઇઝેશનો, લોકો, ગાંધીજીનાં મૂલ્યો, ગાંધીજીના જીવન વિશે બહુ જ મોટી-મોટી વાતો કરતા હોય છે; પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે એનો અમલ કરવામાં બધા જ જાણે કે ઊણા ઊતર્યા હોવાનું લાગી રહ્યું છે, કેમ કે આ અનોખી પૅકેજ-ટૂરમાં છેલ્લા એક વર્ષમાં સમ ખાવા પૂરતો એક પણ જણ સત્યાગ્રહ આશ્રમમાં રહેવા નથી આવ્યો. ગાંધીજીનું જીવન, સાદગી, સત્ય, અહિંસા સહિતની વાતો તો સ્ટેજ પરથી મોટે-મોટેથી આપણે કંઈકેટલીયે વાર સાંભળી છે, પરંતુ કરણી અને કથનીમાં ફેર હોય એ વાસ્તવિકતા હવે લગભગ બધાને ખબર છે. સ્ટેજ પરથી ગાંધીજીની વાતો કરવી અને ગાંધીજી જે રીતે જીવન વિતાવતા, દિનચર્યા કરતા એને ફૉલો કરવા આજે લગભગ કોઈ તૈયાર નથી એ એટલી જ કડવી વાસ્તવિકતા બની રહી છે.

મરૂન માઇગ્રેટના ચીફ એક્સ્પ્લોરર નિશ્ચલ બારોટ આ સંદર્ભમાં ‘સન્ડે સરતાજ’ને કહે છે, ‘આ લક્ઝુરિયસ ટૂર-પૅકેજ નથી; પરંતુ અમે ગાંધીજીનાં મૂલ્યો, તેમની ફિલોસૉફી, વૅલ્યુઝ, તેમની જીવનશૈલી પર ટૂરિઝમ ડેવલપ કર્યું છે. આમ કરીને ગાંધીજીના વિચારો-મૂલ્યોનો પ્રચાર-પ્રસાર થાય એ મૂળ હેતુ છે. અહીં આશ્રમમાં મિનિમમ પાંચ દિવસ રહેવાનો આખો પ્રૉગ્રામ છે, પરંતુ હજી સુધી એક વર્ષમાં ટૂરિઝમ પૅકેજ અંતર્ગત કોઈ અહીં સત્યાગ્રહ આશ્રમમાં રહેવા નથી આવ્યું. ગુજરાત સહિત ભારતમાંથી ઇન્ક્વાયરી બહુ જ આવે છે, પરંતુ જ્યાં રહેવા માટે પૈસા આપવાની વાત આવે ત્યારે લોકો પાછા ખસી જાય છે. અમે જોયું કે લોકોની માનસિકતા એ છે કે આશ્રમમાં રહેવાનું અને પૈસા આપવાના? ઘણાખરાને એમ લાગ્યું કે આશ્રમમાં રહેવા માટે ફી પે કરવી પડશે?’

અમને લાગે છે કે આના માટે લોકોમાં જાણકારી ઓછી છે. એમ જણાવતાં નિશ્ચલ બારોટ કહે છે, ‘અહીં ગાંધીવિચારો સાથે રહેવા આવવા કોઈ સિરિયસ નથી તેમ જ આ અલગ પ્રકારના ટૂરિઝમ માટે જે પ્રકારે માર્કેટિંગ થવું જોઈએ એ પ્રકારે થયું નથી. આ એક નવા પ્રકારની પ્રોડક્ટ છે. જોકે હવે ટૂરિઝમની સીઝન ચાલશે. અમને નવેમ્બર-ડિસેમ્બરની ઇન્ક્વાયરી આવી છે અને અગામી જાન્યુઆરીમાં અમેરિકાની એક કૉલેજના સ્ટુડન્ટ્સના એક ગ્રુપે અહીં રહેવા આવવા માટે બુકિંગ કર્યું છે.’

સત્યાગ્રહ આશ્રમમાં સવારે પાંચ વાગ્યે ઊઠવાનું અને જાતે કામ કરવાનું. બોલો, ફાવશે તમને?

ગાંધીબાપુના શ્રમદાનનું મહત્વ અને તેમના સાદાઈભર્યા જીવનનો અનુભવ કરાવવા સત્યાગ્રહ આશ્રમમાં પાંચ દિવસના રોકાણ દરમ્યાન સવારે પાંચ વાગ્યે ઊઠવાનું અને જાતે કામ કરવાનું શેડ્યુલ ગોઠવવામાં આવ્યું છે. સવારે પાંચ વાગ્યે ઊઠuા બાદ ૬થી ૭ દરમ્યાન પ્રાર્થના અને યોગ કરવાના, ત્યાર બાદ નાસ્તો કરીને લેબરવર્ક કરવાનું જેમાં કપડાં ધોવાનાં હોય છે. એ ઉપરાંત અહીં ચરખો કાંતતાં શીખવવામાં આવે છે એટલે એ ચરખામાં રૂ કાંતવાનો અનુભવ કરવાનો. ત્યાર પછી રસોઈમાં મદદ કરવાની. એમાં જો તમને રસોઈ આવડતી હોય તો તમે બનાવી શકો છો, પણ ન આવડતી હોય તો શાક સમારવામાં મદદ કરવાની, દાળ ચડવા મૂકી હોય તો એને ચમચાથી હલાવવાની અને એ સહિત રસોઈના કામમાં મદદરૂપ થવાનું.

મહાત્મા ગાંધીનાં કામો, તેમના જીવન વિશે અહીં તમને જણાવવામાં આવશે. સાંજે ફરી રસોઈ કરવાની અને વાસણ માંજવાનાં અને સમગ્ર દિવસ તમે કેવી રીતે પસાર કર્યો એનું સેલ્ફ-ઍનૅલિસિસ કરવાનું તેમ જ ગ્રુપ ઇન્ટરઍક્શન કરવાનું અને પછી રાત્રે ૧૦ વાગ્યે સૂઈ જવાનું. દિવસ દરમ્યાન તમને જેલ, સ્લમ, હૉસ્પિટલની વિઝિટ પણ કરાવવામાં આવે.

ગાંધીજીએ જ્યાં સત્ય માટે પ્રથમ ઉપવાસ કર્યો હતો એ અમદાવાદના સત્યાગ્રહ આશ્રમનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે

સત્યાગ્રહ આશ્રમની દેખરેખ રાખતા રમેશ ત્રિવેદી ‘સન્ડે સરતાજ’ને કહે છે, ‘સાઉથ આફ્રિકાથી ભારતમાં આવ્યા બાદ ગાંધીજીએ જ્યાં સત્ય માટે પ્રથમ ઉપવાસ કર્યો હતો એ અમદાવાદના સત્યાગ્રહ આશ્રમનું આ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. જીવણલાલ દેસાઈ ઉર્ફે જીવણલાલ બૅરિસ્ટરના બંગલામાં ૧૯૧૫માં ૨૫ મેએ બાપુએ આશ્રમ સ્થાપ્યો હતો. અમદાવાદના કોચરબ ગામ પાસે આવેલા આ આશ્રમમાંથી ગાંધીબાપુએ સ્વરાજ માટેની લડતનાં મંડાણ કર્યા હતાં. આ આશ્રમમાં ગાંધીજીએ સત્ય, અહિંસા, સ્વદેશી સહિતનાં ૧૧ વþત પાળવાનાં રાખ્યાં હતાં એ દરમ્યાન આશ્રમમાં રહેતા છોકરાઓમાંથી એક છોકરો કોઈ બાબતે જુઠ્ઠું બોલ્યો હતો એના કારણે ગાંધીજીએ ઉપવાસ કર્યો હતો. જોકે પાછળથી જૂઠ કબૂલ થયું અને સમાધાન થયું ત્યાર પછી સાંજે ગાંધીજીએ ભોજન લીધું હતું. આમ ભારતમાં આવ્યા પછી ગાંધીજીની સત્યની શોધ માટે ઉપવાસની પરંપરાનો આ પહેલો ઉપવાસ હતો. ગાંધીજી અહીં બે વર્ષ અને બે મહિના રહ્યા હતા અને ગાંધીજી દ્વારા સ્વરાજ માટેની લડતનો આરંભ આ આશ્રમથી થયો હતો. એટલે આમ જોવા જઈએ તો અખંડ હિન્દુસ્તાનના રાજકીય પરિવર્તન માટેનું આ મૂળ સ્થાન ગણાય. સરદાર વલ્લભભાઈ પટેલ, વિનોબા ભાવે, મહાદેવ દેસાઈ, મામાસાહેબ ફડકે, કેદારનાથજી સહિતના મહાનુભાવોની ગાંધીજી સાથે અહીં મુલાકાત થઈ હતી.’

ગાંધીજી અને કસ્તુરબાના હાથે બનેલી રસોઈ દેશ-વિદેશના નાગરિકો જમ્યા છે

સત્યાગ્રહ આશ્રમ શરૂ કર્યો ત્યારે ગાંધીજી સાથે અહીં પચીસ જણ રહેતા હતા જેમાં લગભગ ૧૩ તામિલ હતા. સાઉથ આફ્રિકાથી ગાંધીબાપુ સાથે પાંચ તામિલ બાળકો આવ્યાં હતાં. આ આશ્રમમાં રસોઈઘર છે જેમાં ગાંધીજી જાતે રસોઈ બનાવતા હતા. ગાંધીજી અને કસ્તુરબાના હાથે બનેલી રસોઈ દેશ-વિદેશના નાગરિકો જમ્યા છે. રસોઈ કરીને જમ્યા બાદ દરેક જણે વાસણ જાતે માંજતા પડતાં હતા એટલું જ નહીં; આશ્રમમાં નોકર નહીં રાખવાનો આગ્રહ હોવાથી પાણી ભરવું પડતું હતું, ટૉઇલેટની સફાઈ કરવી પડતી હતી, અનાજ દળવું પડતું હતું, રસોઈ બનાવવી પડતી હતી.

ગાંધીજી અને કસ્તુરબા જ્યાં રસોઈ બનાવતા એ રસોડું આજે પણ આશ્રમમાં છે. કૂવામાંથી પાણી ભરી લાવતાં એ પાણીની ડોલ, અનાજનું વજન કરવાનાં ત્રાજવાં, અનાજ દળવાની ઘંટી, પાટલા સચવાયેલાં છે.

ગાંધીજીને માત્ર આશ્રમ ચલાવવાનો નહોતો, રાષ્ટ્રને બેઠું કરવું હતું

સત્યાગ્રહ આશ્રમમાં ગાંધીજી રોજ પ્રાર્થના કરતા હતા અને આ પ્રાર્થનાસભાનું એ સમયે ભારે આકર્ષણ ઊભું થયું હતું. ગાંધીજીને માત્ર આશ્રમ નહોતો ચલાવવો; પણ ખાદી, ગ્રામોદ્યોગ, ખેતી, શિક્ષણ જેવા અનેકવિધ કાર્યક્રમથી રાષ્ટ્રને બેઠું કરવું હતું.

ગાંધીજીએ આ આશ્રમમાંથી ખાદી, હરિજનોની સેવા, ગરીબો સાથે સમાનતા, રાષ્ટ્રભાષા તરીકે હિન્દી, સ્વતંત્રતા અને સ્વાવલંબન વિશેના પોતાના વિચારોનો પ્રચાર શરૂ કર્યો હતો અને સત્ય, અહિંસા અને પ્રેમનો સંદેશો ફેલાવ્યો હતો. આ આશ્રમમાં રહેતા આશ્રમવાસીઓ કાંતણ, વણાટ અને એની સાથે સુથારી વિદ્યાનો અભ્યાસ કરતા હતા.

ખાદીનાં કપડાં પહેરવાનાં

મિનિમમ પાંચ દિવસ અહીં રોકાણ દરમ્યાન ખાદીનાં કપડાં પહેરવાનાં હોય છે. ખાદીનાં કપડાં તમને આશ્રમમાંથી આપવામાં આવશે.

ગાંધીજીના નીતિનિયમોથી રહેવાનો અલગ જ અનુભવ કરવા માટે પાંચ દિવસ દરમ્યાન રોજના વ્યક્તિદીઠ બેથી અઢી હજાર રૂપિયા ચૂકવવાના રહેશે જેમાં મુલાકાતીઓને ઍરર્પોટ કે સ્ટેશન પરથી સત્યાગ્રહ આશ્રમ સુધી લાવવા-લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવશે

તેમ જ રહેવા-જમવાની વ્યવસ્થા અને ખાદીનાં કપડાં આપવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK