Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એન્ટ્રી પર તાળી અને ડાયલૉગ પર પણ લાફ્ટર

એન્ટ્રી પર તાળી અને ડાયલૉગ પર પણ લાફ્ટર

30 June, 2020 06:45 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

એન્ટ્રી પર તાળી અને ડાયલૉગ પર પણ લાફ્ટર

લોગો લુક: ‘બા રિટાયર થાય છે’નો આ લોગો એટલી હદે પૉપ્યુલર થયો કે દૂરથી લોકો માત્ર બા વાંચીને પણ સમજી જતા કે ‘બા રિટાયર થાય છે’ નાટકની જ વાત કરવામાં આવી છે. મિસ યુનિવર્સ અને મિસ વર્લ્ડને જે રીતે તેમનો ખિતાબ પહેરાવવામાં આવે એ રીતે બાને પણ અહીં ખેસ પહેરાવવામાં આવ્યો હતો, જેમાં તેમનું રિટાયરમેન્ટ લખ્યું હતું.

લોગો લુક: ‘બા રિટાયર થાય છે’નો આ લોગો એટલી હદે પૉપ્યુલર થયો કે દૂરથી લોકો માત્ર બા વાંચીને પણ સમજી જતા કે ‘બા રિટાયર થાય છે’ નાટકની જ વાત કરવામાં આવી છે. મિસ યુનિવર્સ અને મિસ વર્લ્ડને જે રીતે તેમનો ખિતાબ પહેરાવવામાં આવે એ રીતે બાને પણ અહીં ખેસ પહેરાવવામાં આવ્યો હતો, જેમાં તેમનું રિટાયરમેન્ટ લખ્યું હતું.


નાટકનાં રિહર્સલ્સ આગળ વધતાં ગયાં અને વાત નાટકના ટાઇટલ પર આવી, ‘બા રિટાયર થાય છે.’ મારા તરફથી આ ટાઇટલ ફાઇનલ હતું, પણ બધાને એવું લાગતું હતું કે આ ટાઇટલ નથી, આ સ્ટેટમેન્ટ છે, આ વાક્ય છે, આવું ટાઇટલ ન હોય. આ ટાઇટલ વર્ક નહીં કરે. જો ‘બા રિટાયર થાય છે’થી વધારે ઉત્તમ બીજું ટાઇટલ મળતું હોય તો મને વાંધો નહોતો. બધા પોતપોતાની રીતે ટાઇટલ પર કામ કરે, પણ મજા આવે એવું કોઈને કશું મળ્યું નહીં એટલે ફાઇનલી મનહર ગઢિયાના સજેશનથી શફી ઈનામદારે નાટકનું ટાઇટલ ‘અભિયાન’ લગભગ નક્કી કરી નાખ્યું અને મને એની જાણ કરી, પણ મારો સખત વિરોધ હતો કે ‘અભિયાન’ કરતાં તો ‘બા રિટાયર થાય છે’ વધારે સારું છે.

ઘણી વાર એવું બનતું હોય છે કે જ્યાં સુધી તમારા નાટકની પહેલી ઍડ કે પહેલો શો ન થાય ત્યાં સુધી તમારું ટાઇટલ કેવું અસરકારક છે એની તમને ખબર નથી પડતી. આજે પણ વરસમાં હું પાંચ-છ નાટક કરતો હોઈશ, પણ તમે માનશો નહીં, ક્યારેય મને નાટકના વિષયની કમી નથી પડી, ક્યારેય નહીં. કમી હોય તો એ છે નાટકના ટાઇટલની. લીડ ઍક્ટર્સથી માંડીને સાથીકલાકાર, દિગ્દર્શક અને લેખક એમ બધાને ટાઇટલ પસંદ આવવું જોઈએ. બધાની સહમતી સાધવામાં ખૂબ એનર્જી જતી હોય છે એટલે મારી દૃષ્ટિએ આ કામ ખૂબ કપરું છે. ફિલ્મ અને સિરિયલનાં ટાઇટલ નક્કી કરવાં અને એમાં જરા ઉપર-નીચે થાય તો એક વખત ચાલી જાય, પણ નાટકના ટાઇટલમાં એવું ન ચાલે. આનું કારણ એ છે કે નાટકની પબ્લિસિટી માટે એક જ માધ્યમ છે છાપાની જાહેરખબર અને એનું પણ બજેટ લિમિટેડ હોય છે એટલે નાટકનું ટાઇટલ એવું હોવું જોઈએ જે તરત જ તમારા મોઢે ચડી જાય.



મેં શફીભાઈને ખૂબ સમજાવ્યા અને કહ્યું પણ ખરું કે આપણા નાટક માટે ‘બા રિટાયર થાય છે’ એકદમ એપ્ટ ટાઇટલ છે, આપણે એ જ રાખીએ. શફીભાઈ અને મનહરભાઈએ મને આ ટાઇટલની નબળાઈઓ વિશે કહ્યું. મેં બધું શાંતિથી સાંભળી લીધા પછી પણ કહ્યું કે હું હજી પણ એ જ કહું છું કે આપણે ટાઇટલ ‘બા રિટાયર થાય છે’ જ રાખીએ.


ક્રીએટિવ ફીલ્ડનો એક નિયમ છે. કાં તો કન્વિન્સ કરો અને કાં તો કન્વિન્સ થાઓ. મારી વાતોથી શફીભાઈ કન્વિન્સ થયા અને અમે ટાઇટલ ફાઇનલ કર્યું અને દોસ્તો, મનહર ગઢિયાએ ‘બા રિટાયર થાય છે’ની અદ‍્ભુત ડિઝાઇન બનાવી. ટાઇટલના લેટરિંગ અને એની જે સ્ટાઇલ હતી એ ખૂબ અનોખી હતી. પહેલી ઍડ રિલીઝ થયા પછી અમને નાટકના બે શો મળ્યા. આજના સમયમાં ‘એ’ ગ્રેડ નાટકના ભાવ ૮૦-૮૫ હજાર જેવો છે પણ એ સમયે ‘એ’ ગ્રેડ નાટક ૧૨થી ૧૫

હજારમાં વેચાતાં.


૪ માર્ચે નાટક ઓપન કરવાનું હતું અને ઓપનિંગની તારીખ નજીક આવવા માંડી હતી. આ જ ગાળામાં મારા પૈસા ખૂટવા લાગ્યા હતા, પણ કહે છેને, સમય તમારો બદલાતો હોય ત્યારે બધી જગ્યાએથી તમને એ ચેન્જની પૉઝિટિવ અસર જોવા મળે. આઇએનટીમાં બહુ મોટું નામ ધરાવતા પદાધિકારી બચુભાઈ સંપટનો મને એક દિવસ ફોન આવ્યો કે મહિલામંડળનું એક ગ્રુપ છે, તેમને શો કરવો છે તો કેટલા રૂપિયા કહેવાના છે?

‘૧૨,પ૦૦...’

મેં તરત જવાબ દીધો અને તેમણે મને કહી દીધું કે તેમને ત્યાં જઈને ઍડ્વાન્સ લઈ લેજે. હું ગયો ત્યારે મારો ચેક રેડી હતો. નાટકનું બૅનર શફીભાઈનું ‘હમ પ્રોડક્શન્સ’ હતું એટલે એ ચેક શફીભાઈની કંપની હમ પ્રોડક્શન્સના અકાઉન્ટમાં ડિપોઝિટ કર્યો અને બે દિવસ પછી શફીભાઈ પાસેથી બેરર ચેક લઈ, પૈસા કઢાવી એ પૈસા પ્રોડક્શનના કામમાં વાપર્યા. શુભારંભ પહેલાં મળેલા એ બે શો પૈકીના બીજા શોની વાત કહું તમને. રોની સ્ક્રૂવાલા અને હોસી વાસુનિયા ડાઇનર્સ ક્લબ નામનું એક ગ્રુપ ચલાવતા હતા. એકદમ એલિટ ક્લાસનું ગ્રુપ હતું. ગ્રુપમાં જાતજાતનાં નાટક બતાવવામાં આવે. કોઈ ભાષણબાજી નહીં, ડિનર કે બીજી કોઈ પાર્ટી નહીં. માત્ર નાટક. આવવાનું, નાટક જોવાનું અને નીકળી જવાનું.

ઇંગ્લિશ નાટકો જોનારા ઑડિયન્સ માટે હોસી વાસુનિયાનું નામ જરા પણ અજાણ્યું નથી. હોસીભાઈ એ વખતે ઇંગ્લિશ નાટકો કરતા. અત્યારે હોસીભાઈ હયાત નથી. ગ્રુપના બીજા મહત્ત્વના સૂત્રધારની વાત કરીએ તો એ હતો રોની સ્ક્રૂવાલા.

આ ગ્રુપના રોની સ્ક્રૂવાલા એટલે જેણે યુટીવીની સ્થાપના કરી. હા, રોની એ સમયે નાટકના શો અને આવાં છૂટક કામ કરતો. બાહોશ એવો કે એ કામમાંથી તેણે આવડી જાયન્ટ કંપની બનાવી અને બૉલીવુડને અઢળક સુપરહિટ ફિલ્મો આપી. રોનીની કંપની આઠેક વર્ષ પહેલાં વૉલ્ટ ડિઝનીએ ખરીદી લીધી અને એ પછી ત્રણેક વર્ષના ક્ષેત્રસંન્યાસ પછી રોનીએ નવેસરથી RSVP નામની ફિલ્મ પ્રોડક્શન કંપની શરૂ કરી. આ કંપનીની પહેલી ફિલ્મ એટલે બધા રેકૉર્ડ તોડી નાખનારી દેશભરમાં ગાજેલી ફિલ્મ ‘ઉરી - ધી સર્જિકલ સ્ટ્રાઇક’.

રોની અને શફીભાઈ ખૂબ સારા મિત્રો. રોનીએ શફીભાઈને કહ્યું કે અમારે તમારા નાટકનો પ્રીમિયર શો કરવો છે, શું કરીએ? શફીભાઈએ કહ્યું કે પાટકરમાં અમારો સાંજે પોણાઆઠ વાગ્યાનો શો છે. જો બપોરના ટાઇમમાં ઑડિટોરિયમ તમને મળતું હોય તો બુક કરાવી લો. બપોરનો શો હું તમને આપી દઈશ.

રોનીએ વાત કરી પાટકરના મૅનેજર સામ કેરાવાલાને, સામ કેરાવાલા પણ ઇંગ્લિશ નાટકો સાથે જોડાયેલા એટલે આ ઓળખાણના દાવે તેમણે બપોરના ટાઇમે ઑડિટોરિયમ આપી દીધું અને આમ મારો બીજો શો પણ વેચાઈ ગયો. આ શોના ઍડ્વાન્સ પેટે પણ મને ૫૦૦૦ રૂપિયા મળી ગયા. આમ મારો જે ફાઇનૅન્શિયલ પ્રૉબ્લેમ હતો એ ઑટોમૅટિક સૉલ્વ થઈ ગયો. કહે છેને, માણસનો જ્યારે ભાગ્યોદય થવાનો હોય ત્યારે એને કોઈ રોકી શકતું નથી. સીડી ચડતો હોય તેનો પગ ક્યારેય ખેંચવો નહીં. ટાંટિયાખેંચને લીધે એ ડબલ ફોર્સથી આગળ વધશે અને એ ઉપર પહોંચશે ત્યારે તમારા હાથમાં માત્ર તેના જોડા રહી જશે. બીજી વાત, માણસ જ્યારે સફળતાની સીડી ઊતરતો હોય ત્યારે તેની ક્યારેય મશ્કરી કરવી નહીં, એવા સમયે તેને માટે સહાનુભૂતિ રાખવી, કારણ કે આવી સહાનુભૂતિની જરૂર ક્યારેક તમને પણ પડશે.

ફરી આપણે આવીએ ‘બા રિટાયર થાય છે’ના સર્જનકાળ પર.

નાટક ડિરેક્ટ કરતી વખતે શફીભાઈ નાટક ખૂબ એન્જૉય કરતા હતા. બીજા કલાકારોને પણ ખૂબ મજા આવતી. નાટકમાંથી બધાને પૉઝિટિવ વાઇબ્સ આવતાં હતાં. બધાને ગળા સુધી ખાતરી હતી કે નાટક હિટ થઈને જ રહેશે. પદ્‍મારાણી પણ બાકીની ટીમ સાથે ખૂબ એક્સાઇટેડ હતાં. તેમને લાગતું હતું કે કઈંક બહુ મોટું નિર્માણ થઈ રહ્યું છે, કઈંક બહુ મોટું થવા જઈ રહ્યું છે અને આ આખી પ્રક્રિયા ૧૦૦ ટકા સફળ થશે. મને હજી યાદ છે કે ફાર્બસ હૉલમાં રિહર્સલ્સ કરતી વખતે એક વાર શફીભાઈએ પદ્‍માબહેન પાસે એકની એક મૂવમેન્ટ ૧૫ વખત કરાવી હતી. પદ્‍માબહેન જેમનું નામ, તેમણે શફીભાઈને સંતોષ ન થયો ત્યાં સુધી એ મૂવમેન્ટ કરી. સરસ રીતે નાટક આગળ વધતું

હતું. નાટકમાં સરસ ઇમ્પ્રોવાઇઝેશન પણ આવતું જતું હતું.

પદ્‍માબહેન પછી સૌથી સરસ કામ જો કોઈનું હોય તો એ અશોક ઠક્કરનું હતું. અદ્ભુત. ઑડિયન્સમાં બેઠેલા દરેકને એમ જ લાગે કે આ આપણા જ બાપુજી છે. આ બહુ મોટાં કૉમ્પ્લીમેન્ટ્સ કહેવાય. મોટા દીકરાના રોલમાં અલીરઝા નામદારનું પણ ખૂબ સરસ કામ હતું, તો બાકીના બધા કલાકારોએ પણ પોતાનો રોલ અદ્ભુત રીતે નિભાવ્યો હતો.

અને ફાઇનલી એ દિવસ આવી ગયો.

૧૯૯૦ની ૪ માર્ચ. પાટકર હૉલ. બપોરે સાડાત્રણ વાગ્યાનો શો. હોસી વાસુનિયા બધાને મળવા અંદર આવ્યા, રોની સ્ક્રૂવાલા શો સમયે હાજર નહોતા. હોસીભાઈએ એકદમ ટૂંકી અનાઉન્સમેન્ટ કરી અને નાટક શરૂ થયું અને સુપરડુપર હિટ. હોસીભાઈએ બૅલૅન્સ ચેક આપતી વખતે કહ્યું, ‘ધિસ પ્લે વિલ રન લાઇક એનીથિન્ગ.’ મને શુભેચ્છા આપીને હોસીભાઈ રવાના થયા અને મેં બહાર જઈને જોયું, પોણાઆઠ વાગ્યાનો શો હાઉસફુલ. મિત્રો મારે અહીં એક વાત કહેવી છે. સોલ્ડઆઉટ અને પબ્લિક શો એમ બન્ને શોના રિસ્પોન્સ જુદા હોય છે. ઘણી વાર એવું પણ બન્યું છે કે સોલ્ડઆઉટમાં હિટ થયેલા નાટકને પબ્લિક શોમાં નબળો પ્રતિસાદ મળે અને એનાથી અવળું પણ બને. પબ્લિક શોમાં નાટક ચાલે અને સોલ્ડઆઉટમાં નાટકને નબળો રિસ્પૉન્સ મળે. અમારા પબ્લિક શો પર સૌની નજર હતી. મનમાંથી એક જ વાત નીકળે, સોલ્ડઆઉટ શો જેવો સારો ગયો એવો રિસ્પૉન્સ પબ્લિક શોમાં પણ મળે અને મિત્રો, નાટક શરૂ થયું.

પદ્‍માબહેનની એન્ટ્રી પર તાળીઓ, એકેક ડાયલૉગ પર લાફ્ટર. અશોકભાઈએ તો કૉમેડીમાં ઑડિટોરિયમમાં ઝાડુ ફેરવી દીધું. નીતિન વખારિયાના ફાળે પણ થોડી ઘણી કૉમેડી આવી હતી. મરાઠી નાટકમાં બાનું કૅરૅક્ટર ખૂબ સિરિયસ હતું, પણ ગુજરાતીમાં અરવિંદ જોષીએ એમાં હ્યુમર ભર્યું હતું તો શફીભાઈએ પણ એ કૅરૅક્ટરને વધારે ઉપસાવીને સાવ અલગ જ લેવલ આપી દીધું જેને લીધે ‘બા રિટાયર થાય છે’ના બા રડમસ, રોતલ કે સોગિયું વર્તનારાં નહોતાં. શો પૂરો થયો, નાટકને ખૂબ વખાણવામાં આવ્યું. બધાના મોઢે એક જ વાત હતી, નાટક ખૂબ ચાલશે. મનહર ગઢિયાની બોલીમાં કહું તો, નાટક હજારો શો કરશે અને ‘બા રિટાયર થાય છે’ દ્વારા ગુજરાતી રંગભૂમિના એક નવા ઇતિહાસનું સર્જન થયું.

Whatsapp-channel Whatsapp-channel

30 June, 2020 06:45 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK