Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સૌથી ભારેખમ વિચારોનું વજન

સૌથી ભારેખમ વિચારોનું વજન

31 July, 2020 10:49 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

સૌથી ભારેખમ વિચારોનું વજન

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વિચારોની દિશા જો યોગ્ય રાખવામાં ન આવે કે પછી મનના ભાવોને સાચા પોર્ટફોલિયોમાં પાર્ક કરવામાં ન આવે તો વિચારો ખોટવાયેલા થાઇરૉઇડનું રૂપ ધારણ કરીને ભારેખમ બનવા માંડે છે. થાઇરૉઇડના ફૉલ્ટના કારણે વધી ગયેલા વજનની ટ્રીટમેન્ટ શક્ય છે, પણ ખોટી જગ્યાએ પાર્ક થઈને વધી ગયેલા વજનવાળા વિચારોની સારવાર અઘરી છે.

વાત સહજ અને સામાન્ય છે, પણ એને આપણે સૌએ વધારે અઘરી બનાવી દીધી છે. વિચાર, અગણિત વિચાર અને દોરીસંચાર વિનાના વિચારો ધનોતપનોત કાઢી શકે છે અને નીકળેલા આ ધનોતપનોતની નુકસાની અકલ્પનીય છે. વાતને સહજ રીતે સમજાવે એવી આ બોધકથા વાંચવા જેવી અને જો સહજ રીતે સમજાય તો જીવનમાં ઉતારવા જેવી છે.
એક સાધુ હતો. તેને એક શિષ્ય. સાધુ તો ચલતા ભલાનો નિયમ ધારણ કરીને ફરતા રહે. ભિક્ષામાં જે મળે એ જમવાનું અને હરિનામ જપવાનું. કોઈ ગામમાં અઠવાડિયાથી વધારે રહેવાનું નહીં. સાત દિવસ પૂરા થાય એટલે સાતમી સાંજે ગામ છોડીને નીકળી જવાનું. શિષ્યએ એક વખત પૂછ્યું પણ આનું કારણ, તો સાધુએ સરસ જવાબ આપ્યો. સમય સાથે વહેતો રહે એ ખરો સાધુ. અટકવું, રોકાવું કે પછી થંભી જવું એ તો સંસારીની પ્રક્રિયા છે, સાધુએ તો આગળ ધપતા રહેવાનું હોય.
આ જ જીવન અને આ જ જીવનનું ધ્યેય. સાધુ મહારાજને ઑબ્ઝર્વ કરવાનું કામ શિષ્ય કરે. શિષ્યને હંમેશાં એક જ વિચાર આવે કે ગુરુદેવ આટલી સહજ રીતે કેવી રીતે જીવી શકે, કેવી રીતે આટલું સરળ જીવન તેનાથી જીવી શકાય? કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં. આપે તેને પણ દુઆ આપે અને જાકારો આપે તેને પણ આશીર્વાદ આપી દેઃ ‘ભગવાન તેરા ભલા કરે.’
ભલાઈના આ રસ્તે જીવન આગળ વધતું રહે અને બન્ને પોતપોતાની હરિભક્તિમાં લીન રહે. સાધુ અને તેનો શિષ્ય એક ગામમાં હતા. છ દિવસ પૂરા થયા અને સાતમા દિવસની સવાર શરૂ થઈ. ચોમાસાના દિવસ, આકાશ કાળુંડિબાંગ. અવકાશી કાલીનને ચમક આપવાનું કામ વીજળી કર્યા કરે. થોડી-થોડી વાર લબકારા મારી આગાહી કરતી રહે કે બારે મેઘ ખાંગા થવાના છે અને બન્યું પણ એવું જ. સૂર્યદેવે રજા રાખી લીધી અને આકાશ વરસી પડ્યું. સાંજ પડતાં સુધીમાં તો ચારેકોર પાણી-પાણી અને ગામની બહાર વહેતી નદીમાં તો ઘોડો તણાઈ જાય એવું ઘોડાપૂર. ગામ છોડવાનો સમય થતાં સાધુએ પોતાની ઝોળી ઉપાડી, શિષ્ય પણ તૈયાર. સાધુની પ્રતિજ્ઞાથી શિષ્ય વાકેફ એટલે કંઈ પૂછવાનો કે આનાકાની કરવાનો પ્રશ્ન નહોતો. મહારાજ અને શિષ્ય વરસતા વરસાદ વચ્ચે ગામની બહાર નીકળ્યા. હવે નદી પાર કરવાની હતી, પણ એ નદી પાર કરવી કેમ એ પ્રશ્ન હતો. સાધુએ આંખો બંધ કરી, હરિનું નામ લીધું અને જાતને ઈશ્વરના ચરણમાં મૂકીને નદી પાર કરવાની તૈયારી કરી. પહેલો પગ ઉપાડી પાણીમાં પગ મૂકવાની તૈયારી કરી અને ત્યાં જ તેમની નજર દૂર એક ઝાડ નીચે વરસતા વરસાદ વચ્ચે પલળતી મહિલા પર પડી. એકલી મહિલા અને એ પણ નદીની સામે. મહારાજ એ મહિલા પાસે પહોંચ્યા. પૂછપરછ કરી તો ખબર પડી કે મહિલા પણ નદી પાર કરવાની તૈયારી કરતી હતી. મહારાજે કારણ પૂછ્યું તો ખબર પડી કે મહિલાનો પતિ નદીની સામે પાર આવેલા ખેતરમાં ગયો હતો, બે દિવસ થઈ ગયા પણ વરસાદને લીધે આવી શક્યો નહોતો.
‘મહારાજ, તે બિચારો ભૂખ્યો છે, મારે આ ભાથું લઈને તેની પાસે...’
‘મને આપી દો, હું પહોંચાડી દઈશ...’
‘તમે કેમ ઓળખશો તેને ને તમને તો અમારા ખેતરની ખબર પણ નથી.’ મહિલાની વાત સાચી હતી, ‘આટલું મોટું જંગલ અને એ જંગલમાં અમારા ખેતર સુધી જવું. જો તમે પહોંચી ન શક્યા તો તેણે બિચારાએ પાછું ભૂખ્યા રહેવું પડશે.’
‘એ તો હરિ જોઈ લેશે, દરેક વાતની ફિકર...’
‘સંસારી બીજું કંઈ ન કરી શકે તો ફિકરનો હક તો હોવો જોઈએને?’
વાત ખોટી નહોતી મહિલાની. પતિ પ્રત્યેનો પ્રેમ અને સદ્ભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા. ચહેરા પરના એ ભાવને પારખીને મહારાજ સમજી ગયા કે એ નદીમાં ઉતારવાનું સાહસ કરશે. મહિલાનું સાહસ દુઃસાહસ ન બને એ માટે મહારાજે જ મહિલાને કહ્યું, અમે નદી પાર કરીએ છીએ. આપ એક કામ કરો, મારા ખભા પર આવી જાઓ, હું નદી પાર કરાવી દઉં આપને.
મહિલા આનાકાની વિના તરત તૈયાર થઈ ગઈ. મહારાજ જમીન પર બેઠા એટલે મહિલા સાધુના બન્ને ખભા પર એકેક પગ મૂકીને બેસી ગઈ. મહારાજ અને શિષ્ય અને મહારાજના ખભે મહિલા, ત્રણની સવારી નદીમાં ઊતરી. જેમ-તેમ, અથડાતાં-કૂટાતાં અને પાણીના વહેણ વચ્ચે જાતને સાચવતાં ત્રણેય કિનારે પહોંચ્યાં. મહારાજે મહિલાને જમીન પર ઉતારી. મહિલા જેવી જમીન પર ઊતરી કે સીધી પોતાના ખેતર તરફ ભાગી.
સાધુ અને શિષ્ય બન્ને શરીરે આખા ભીના હતા. એક જગ્યા શોધીને બન્ને ત્યાં આરામ કરવા બેઠા. સાધુએ પોતાનું ધ્યાન શરૂ કર્યું પણ શિષ્યનું મન ક્યાંય ચોંટે નહીં. ધ્યાન પૂરું કરીને સાધુ અને શિષ્યએ ફરી ચાલતી પકડી.
એક દિવસ, બે દિવસ અને ત્રણ દિવસ...
‘તું કોઈ મૂંઝવણમાં છો, ત્રણ દિવસથી હું જોઉં છું.’ એક વખત મહારાજે શિષ્યને પૂછ્યું, ‘વાતને મનમાં રાખવા કરતાં એનું નિરાકરણ કરશે તો સરળ રહેશે.’
‘એક પ્રશ્ન છે.’
‘પૂછ, સંકોચ વિના...’
‘ગુરુદેવ, આમ તો તમે પરસ્ત્રી સ્પર્શ પણ ટાળો છો પણ પેલા દિવસે પેલી મહિલાને ખભા પર બેસાડવા સુધી તૈયાર થઈ ગયા...’
મહારાજના ચહેરા પર આછું સ્મિત આવી ગયું.
‘આ જ વાતને લીધે...’
‘હા, ત્રણ દિવસથી મનમાં આ જ પ્રશ્ન ઘૂંટાય છે.’
‘એ મહિલા મારા તો શરીરનું વજન હતી, પણ તારા તો મનનું વજન બની ગઈ...’ મહારાજે શિષ્યની સામે જોયું, ‘એ વજન મેં તો ચાલીસ મિનિટ, નદી પાર કરવા સુધી ભોગવ્યું પણ તું તો બોંતેર કલાકથી વિચારોનું આ વજન ઉપાડ્યા કરે છે... ’
વિચારોમાં જે દિવસે ભાર આવ્યો એ દિવસે રાહતની શાંતિ નીકળી જશે. વિચારોમાં જે દિવસે નકારાત્મક વજન વધ્યું એ દિવસે સંબંધોનું મહત્ત્વ ઘટવા માંડશે. ધ્યાન રાખજો, ભારેખમ શરીરનો ઇલાજ છે, વજનદાર વિચારોની કોઈ સારવાર નથી.
(caketalk@gmail.com)
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2020 10:49 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK