Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ખોટા માણસને કારણે ઊભી થતી ખોટી ચિંતા

ખોટા માણસને કારણે ઊભી થતી ખોટી ચિંતા

11 November, 2020 09:44 PM IST | Mumbai
Sejal Ponda

ખોટા માણસને કારણે ઊભી થતી ખોટી ચિંતા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ચિંતા થવી સ્વાભાવિક છે. આપણને દરેકને કોઈને કોઈ વાત કે વ્યક્તિને લીધે ચિંતા રહેતી હોય છે. કોઈક વ્યક્તિ માટે થતી ચિંતા આપણો પ્રેમ દર્શાવે છે અને કોઈક વ્યક્તિને કારણે થતી ચિંતા આપણો ડર દર્શાવે છે.
કોઈક વ્યક્તિને કારણે ઊભી થતી ઇન્સિક્યૉરિટીનો અર્થ છે કે આપણને આપણી જાત પર ઓછો વિશ્વાસ છે. આપણો જાત પરનો વિશ્વાસ ડગમગી ગયો છે. કોઈક વ્યક્તિ આપણું ખરાબ કરી નાખશે એ ચિંતા, એ ડર આપણને વધુ ને વધુ ભયજનક પરિસ્થિતિ તરફ ઘસડે છે.
આ પરિસ્થિતિ વધુ ને વધુ ભયજનક બનતી જાય છે જો માણસ ભય ઉપજાવે એવા વિચારોથી મુક્ત નથી થતો. સમજો કે કોઈ માણસ સાથે તમારે કામ કરવું પડે એવું હોય અને એ માણસ ખોટો હોય. તમારું ખરાબ કરનારો હોય, તમારું કામ બગાડનારો હોય, તમારું પત્તું કાપનારો હોય તો? તો એ વ્યક્તિને લીધે ઇન્સિક્યૉરિટી થવી સ્વાભાવિક છે. એ વ્યક્તિ આપણું ખરાબ કરી નાખશે એવા વિચાર આવવા પણ સ્વાભાવિક છે.
જ્યારે આપણે વ્યક્તિને ઓળખી જઈએ છીએ ત્યારે અલર્ટ રહેવાની વધારે જરૂર પડે છે. અલર્ટ થઈ જવું પણ એ વ્યક્તિ આપણું ખરાબ કરી નાખશે એ ભય હેઠળ જીવવું આપણને વધારે નબળા બનાવે છે. સામેવાળી વ્યક્તિની ચાલ સમજી ગયા પછી આપણા માટે એ વ્યક્તિ વધુ જોખમકારક બની જતી હોય છે. એવા સમયે તેની દરેકે દરેક મૂવમેન્ટ પર નજર રાખવી આવશ્યક બની જાય છે.
આવી વ્યક્તિઓથી સમયસર ચેતી જવાની સમજણ હોય તો સારી વાત છે, પણ ચેતી ગયા પછી એ વ્યક્તિ હવે શુંનું શું કરી નાખશે એવા ભય હેઠળ જાતને ઘસડતા રહેવું હિતાવહ નથી. ખોટા માણસને લીધે થતી અસલામતી આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવી અસલામતીને કારણે આપણા કામ પર અવળી અસર પડે છે એ વધારામાં. અસલામતીને કારણે આપણે સતત એ વ્યક્તિ શું કરશે એની અટકળો કરતા રહીએ છીએ.
એ વ્યક્તિ દ્વારા જે નુકસાન થવાનું છે એ તો થવાનું જ છે. થઈ પણ ગયું હશે. મૂળ વાત એ છે કે જો આપણે એને રોકી નથી શક્યા તો એનાથી ચેતી જઈએ, પણ એ પછી આપણી ચિંતા અને અસલામતીને એક હદ પછી સ્ટૅચ્યુ કહેવું પડે નહીં તો આપણો સમગ્ર સમય એ વ્યક્તિ શું કરશે એ વિચારવામાં અને એ ભયમાં જ
વીતતો જશે.
એ વ્યક્તિ આપણું ખરાબ કરશે એવી અસલામતી આપણા જીવનનું ચેન હણી લે છે. જો તમે સાચા છો, સાચા રસ્તે છો તો સૌથી પહેલાં તો જાત પર સંપૂર્ણ વિશ્વાસ મૂકી દો અને ભયમાંથી મુક્ત થઈ જાઓ. અસલામતી જાત પરનો અવિશ્વાસ દર્શાવે છે. જો આપણે પ્રામાણિક અને સત્યના રસ્તે ચાલનારા છીએ, મહેનતુ છીએ તો એક વિશ્વાસ જાતને અપાવવાની જરૂર છે કે એવા કોઈ અંતિમ સુધી કોઈ મારું કંઈ જ બગાડી શકે એમ નથી કે જેનાથી હું બરબાદ થઈ જાઉં.
જો તમને ઈશ્વરમાં શ્રદ્ધા હોય અને તમે સાચા હો તો જીવનનું એક સત્ય એ પણ છે કે એવી કોઈ તાકાત નથી જે તમને બરબાદ કરી શકે છે. તમે કોઈનું ખરાબ ન કર્યું હોય તો આ સત્ય તમારી સાથે જરૂર ચાલે છે.
જેમ મનથી ક્રોધ, સ્વાર્થ, કાવાદાવા કાઢવાની જરૂર હોય એમ મનથી ભય પણ કાઢવાની એટલી જ જરૂર હોય છે. સતત અસલામતીમાં જીવતા લોકો સૌથી પહેલાં તો પોતાનું જ નુકસાન કરતા હોય છે, કારણ કે અસલામતી માણસને પોતાની જાત પરના વિશ્વાસમાંથી બાદ કરી નાખે છે. અને એવા માણસ બીજા ઉપર પણ વિશ્વાસ નથી મૂકી શકતા. સામે કોઈ સારી વ્યક્તિ હોય તો પણ તેને એવું જ લાગે કે આ વ્યક્તિ મારું ખરાબ કરી નાખશે.
જીવન હંમેશાં સત્ય-અસત્ય, ધર્મ-અધર્મની વચ્ચે વહેતું રહે છે. જીવન છે તો એમાં સત્યની સાથે અસત્ય અને અધર્મ, કાવાદાવા અને પ્રપંચ પણ રહેવાના. આપણું કામ એ કાવાદાવા અને પ્રપંચને ઓળખવાનું, એવી વ્યક્તિને ઓળખવાનું અને ચેતી જવાનું જરૂર હોવું જોઈએ, પણ એવી વ્યક્તિને ઓળખ્યા પછી રોજેરોજ જો આપણે વિચારતા રહીએ કે એ વ્યક્તિ મારું ખરાબ કરી નાખશે અને દરેકે દરેક કાર્યમાં આપણને એ વ્યક્તિનો ભય લાગતો હોય તો એવા ભયને તાત્કાલિક બહાર ફેંકી દેવાની જરૂર છે.
ભય અને અસલામતી સૌથી પહેલાં તો જાતનું વધુ નુકસાન કરે છે. મારા દરેક કાર્યમાં જો હું મારા સો ટકા આપી શકતી હોઉં તો મારે એવી કોઈ અસલામતીમાં જીવવાની જરૂર જ નથી કે મારા કાર્યને કોઈ અસફળ કરી નાખશે. મારી આવડતને અણઆવડતમાં ખપાવી નાખશે. આપણે ભય વગર આપણું કામ કરતાં રહેવું જોઈએ. ભલે આપણી સામે ખોટી વ્યક્તિ કેમ ન હોય!
માણસ જ્યારે અસલામતીમાંથી બહાર નીકળી જાય છે ત્યારે જાત પર વિશ્વાસ કરી શકે છે અને બમણી શક્તિથી કાર્ય કરી શકે છે અને તેના કાર્યનું વધુ સારું પરિણામ પણ આપી શકે છે, કારણ માણસનું સમગ્ર ધ્યાન માત્ર અને માત્ર તેના કાર્યમાં જ હોય છે. કોઈ ખોટા વિચારો તેની આસપાસ નથી ફરકતા જેને કારણે માણસ શાંતિથી તેને જે ટાર્ગેટ અચીવ કરવાના છે ત્યાં સુધી પહોંચી શકે છે.
અસલામતી અને ખોટી ચિંતા ખોટા માણસો કરતાં પણ વધુ ભયાવહ હોય છે. બીજા તો આપણું નુકસાન કરે એ પહેલાં આપણે જ આપણું નુકસાન કરી બેસતા હોઈએ છીએ. અસલામતીના વિચાર કરી જાત પર અન્યાય કરવાનું બંધ કરીએ. થોડોક વિશ્વાસ જાત ઉપર પણ કરી જુઓ.
જેમ મનથી ક્રોધ, સ્વાર્થ, કાવાદાવા કાઢવાની જરૂર હોય એમ મનથી ભય પણ કાઢવાની એટલી જ જરૂર હોય છે. સતત અસલામતીમાં જીવતા લોકો સૌથી પહેલાં તો પોતાનું જ નુકસાન કરતા હોય છે, કારણ કે અસલામતી માણસને પોતાની જાત પરના વિશ્વાસમાંથી બાદ કરી નાખે છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

11 November, 2020 09:44 PM IST | Mumbai | Sejal Ponda

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK