Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > માટી વિનાનું મુંબઈ

માટી વિનાનું મુંબઈ

05 December, 2020 05:35 PM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

માટી વિનાનું મુંબઈ

માટી વિનાનું મુંબઈ

માટી વિનાનું મુંબઈ


મુંબઈગરાઓ ચોતરફ જ્યાં નજર કરે ત્યાં સિમેન્ટ-કૉન્ક્રીટનાં જંગલો જ છે. માટી જોવા માટે લિટરલી તરસવું પડે એવી સ્થિતિ છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એમ પંચમહાભૂતમાં માટી અતિ મહત્ત્વનું પ્રાઇમરી તત્ત્વ છે અને છતાં આપણું શહેર કસદાર માટી માટે તરસી રહ્યું છે. માણસ માટીમાંથી પેદા થયો છે અને માટીમાં જ મળી જાય છે એવું બૌદ્ધિક રીતે જાણતા હોવા છતાં મોટા ભાગે માટી વિશે આપણે ખાસ ધ્યાન દઈને વિચાર્યું જ નથી, પણ આજે વર્લ્ડ સૉઇલ ડે છે ત્યારે જાણીએ મુંબઈની માટીની વિશેષતાઓ વિશે. સાથે

મુંબઈ શહેરનું વર્ણન કરવા માટે કવિ કલાપીની પંક્તિઓને સહેજ ટ્વિસ્ટ કરવી પડે – ‘જ્યાં-જ્યાં નજર મારી ઠરે, સિમેન્ટ-કૉન્ક્રીટનું જંગલ છે આજનું’ અરે ઘરની બાલ્કનીમાં છોડ વાવવો હોય તો માટી ક્યાંથી લાવવી એ મોટી સમસ્યા છે. આપણી પાસે માટી ખરીદવા સિવાય કોઈ વિકલ્પ જ નથી. નવાઈની વાત એ છે કે જે માટી ખરીદવામાં આવે છે એ પણ કંઈ મુંબઈની પોતાની માટી નથી. ઍગ્રિકલ્ચરલ નિષ્ણાતોનું કહેવું છે કે મુંબઈમાં બહુ જ ઓછી જમીન છે જ્યાં ખેતી થઈ શકે કે કશુંક ઊગી શકે. અહીં જેકંઈ પણ ઊગે છે એ નાળા અને ગટરોની આજુબાજુમાં અઢળક દવાઓ અને રાસાયણિક ખાતરોની મદદથી જ થાય છે અને એટલે એની ક્વૉલિટી વિશે કંઈ જ કહેવા જેવું નથી. 



તો શું ખરેખર મુંબઈની ભૂમિમાં કોઈ દમ નથી? આખા ભારતનું ફાઇનૅન્શયલ કૅપિટલ કહેવાતા મુંબઈના લોકો કદાચ ભારતભરના લોકો કરતાં વધુ આર્થિક ઉપાર્જન કરે છે, પરંતુ જો ખેતી, બાગાયત કે પ્લાન્ટેશનના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો આપણે સૌથી પાછળ છીએ. એનું કારણ એ છે કે મુંબઈમાં ખુલ્લી જગ્યાનો સદંતર અભાવ છે.
મુંબઈ સિટીમાં ૭૯.૫૦ ટકા અને સબર્બ્સમાં ૭૫ ટકા જમીનમાં રેસિડેન્શ્યલ વિસ્તાર છે. સિટીમાં વીસ ટકા અને સબર્બ્સમાં ૧૨ ટકા વિસ્તાર ઇન્ડસ્ટ્રિયલ એરિયા છે. ફૉરેસ્ટ કવર તો સાવ સમ ખાવાપૂરતું છે. સિટીમાં ૦.૭ ટકા અને સબર્બ્સમાં માત્ર ૮.૧ ટકા વિસ્તાર ફૉરેસ્ટ કવરમાં આવે છે જ્યાં તમને થોડીક ખુલ્લી અને મોકળી જગ્યા લીલોતરી સાથેની જોવા મળે. અર્બન લીવ્ઝ નામે ઑર્ગેનિક સિટી ફાર્મિંગના વૉલન્ટરી ગ્રુપનાં ફાઉન્ડર પ્રીતિ પાટીલ મુંબઈની જમીનમાં માટી જોવા કેમ નથી મળી રહી એનો જવાબ આપતાં સમજાવે છે, ‘સૌથી મોટી સમસ્યા એ છે કે મુંબઈની જમીનને શ્વાસ લેવા મળે એવી મોકળાશ મળી જ નથી. જ્યાં જગ્યા મળી ત્યાં કંઈક બાંધકામ થઈ ગયેલું છે. લગભગ નેવું ટકાથી વધુ મુંબઈ સિમેન્ટ-કૉન્ક્રીટના રોડથી ઢબૂરાયેલું છે. મુંબઈની ઓરિજિનલ માટીની જો મહેક લેવી હોય તો અત્યારે માત્ર ત્રણ જ સ્પૉટ એવા છે જ્યાં મુંબઈની પોતાની કસદાર હેલ્ધી માટી બચી છે એવું કહેવાય. એ છે એક બોરીવલીનું સંજય ગાંધી નૅશનલ પાર્ક, બીજો છે ગોરેગામનો આરે કૉલોનીનો વિસ્તાર અને ત્રીજો આઇઆઇટી પવઈનો વિસ્તાર.’
નવાઈની વાત તો એ છે કે મુંબઈમાં જ્યાં પણ ગાર્ડન્સ, પાર્ક્સ કે ઈવન રોડની સાઇડમાં કે ડિવાઇડરોની વચ્ચે જે પ્લાન્ટેશન જોવા મળે છે એ માટે પણ મુંબઈની બહારથી માટી આયાત કરવામાં આવેલી છે. મોટા ભાગે આજુબાજુની નદીઓનાં કોતરોમાંથી એ માટી અહીં લાવવામાં આવે છે. આવું કેમ છે? મુંબઈની ઓરિજિનલ માટીની તાસીર શું છે? માત્ર સિમેન્ટ-કૉન્ક્રીટના જંગલનો ફેલાવો થઈ ચૂક્યો છે એ જ કારણ નથી, પરંતુ કદાચ મુંબઈની જમીનના ઉપરના સ્તરની માટીના પ્રકારોમાં પણ ઘણું વૈવિધ્ય છે. જિયોલૉજીના ક્ષેત્રમાં ઊંડું રિસર્ચ કરનારા જિયોલૉજિસ્ટ ડૉ. અમર જોશી મુંબઈની સૉઇલ કેવી છે એનો વિસ્તારપૂર્વક ચિતાર આપતાં કહે છે, ‘કોઈ પણ જગ્યાની માટી એટલે કે જમીનનો ઉપરનો સ્તર કેવો છે એ બે ચીજો પર નિર્ભર હોય છે. એક તો એ કે જમીનની નીચે જે બેડરૉક છે એનો પ્રકાર કેવો છે, એ કેટલો ઊંડો છે અને જે-તે જગ્યાની આબોહવા કેવી છે. જમીન કયા રૉક પર ઊભી છે અને સ્થાનિક વેધર એ બે જ મુખ્ય ફૅક્ટર છે કેમ કે માટી ખડકોમાંથી જ બનતી હોય છે. ક્યાંક વરસાદ વધુપડતો હોય તો એ મુજબ ઉપરની જમીન પણ બદલાય અને ઓછો હોય તો એ મુજબ. વધુ ગરમી પડતી હોય તો એ મુજબ અને ઓછી પડતી હોય તો એ મુજબ. મુંબઈની ભૂમિ બેસૉલ્ટ ટાઇપની છે. મોટા ભાગે વૉલ્કેનિક મટીરિયલમાંથી બનેલી સૉઇલ હોય. મુંબઈની સૉઇલને મુખ્યત્વે વિટ્રીસોલ અને ઍન્ડોસોલ એમ બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવી છે. ઍન્ડોસોલ એટલે વૉલ્કેનિક મટીરિયલમાંથી ડિસઇન્ટીગ્રેટ થઈને બને એ સૉઇલ અને વિટ્રીસોલ એટલે વૉલ્કેનોના ધુમાડા નીકળીને એ સેટલ થયા પછી લાંબા ગાળે બનેલી સૉઇલ.’
મુંબઈની ભૂરચના મુજબ અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ પ્રકારની સૉઇલ જોવા મળે છે. આ સૉઇલ માત્ર ક્યાં–કેવું વેજિટેશન સંભવ છે એ તો નિશ્ચિત કરે જ છે પણ સાથે જે-તે જગ્યાએ કેવા પ્રકારનું બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની શકે અને એ બનાવવામાં શું ધ્યાન રાખવું પડે એ માટે પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ વિષય પર ઊંડો અભ્યાસ કરનારા ડૉ. અમર જોશી મુંબઈની મુખ્યત્વે ચાર પ્રકારની માટીઓ વિશે કહે છે, ‘અહીંની સૉઇલના પ્રકારો સમજવા હોય તો પહેલાં મુંબઈની ટોપોગ્રાફી એટલે કે મુંબઈની રચના કેવી છે એ સમજવું પડે. મુંબઈમાં ખાડી છે, દરિયો છે, નદી છે અને પર્વતમાળાઓ પણ છે. મુંબઈમાં મુખ્યત્વે બે પર્વતમાળાઓ છે. એક મલબાર હિલથી શરૂ થાય છે જે છેક અંબોલી સુધી જાય છે. બીજી શિવડી એટલે કે એન્ટૉપ હિલથી માનખુર્દ અને થાણે સુધી જાય છે. આખા વિસ્તારમાં બિલ્ડિંગો બની ગયાં હોવાથી આપણને આ માઉન્ટન રેન્જનો ખ્યાલ નથી આવતો, પણ આ પર્વતમાળાઓની આસપાસની સૉઇલ પર બહુ મોટી અસર હોય છે. આવા હિલ એરિયામાં લાલ માટી બને છે, જેમાં ખૂબ મોટી માત્રામાં લેટરાઇટ એટલે કે આયર્ન-રિચ કન્ટેન્ટ હોય છે. આ માટીમાં લગભગ પંચાવન ટકા જેટલું આયર્ન હોય છે જેને કારણે એ ખૂબ ફર્ટાઇલ ગણાય છે. થ્રૂ-આઉટ કોંકણ રીજનમાં આવી લેટરાઇટ સૉઇલનું પ્રમાણ વધુ છે. આ માટીની પોરોસિટી ખૂબ સારી હોય છે. પોરસ માટી હોવાને કારણે એમાંથી પાણી જમીનમાં ઊંડે સુધી ઊતરી શકે છે. આવી સૉઇલની નીચે હાર્ડ રૉક આવેલા હોય છે. મુંબઈના સબર્બ્સમાં તમને બીજા પ્રકારની માટી જોવા મળશે. એ નૅચરલ બેસૉલ્ટ છે. જેને ગોરાડુ અથવા તો બ્લૅક કૉટન સૉઇલ પણ કહેવાય છે. એમાં ક્લે મિનરલ્સ ખૂબ હોય. આ સૉઇલ ઝીણી માટી જેવી હોય છે જેના કણો એકબીજા સાથે જોડાઈને ભેગી થઈ જાય છે. એને કારણે આવી માટી જ્યાં હોય ત્યાં પાણી જમીનમાં ઊંડે ઊતરી ન જાય પણ ઉપર પાણી ભરાઈ રહે. આ જ કારણોસર જે પાકને પાણીના ભરાવની જરૂર હોય એવી ચીજો માટે આ માટી બહુ જ સારી. એમાં ડાંગર અને કપાસ જેવા પાક સરળતાથી પેદા થાય. હવે ત્રીજા પ્રકારની માટી આવે છે નદીઓની આસપાસની. મુંબઈમાં ચાર મુખ્ય નદીઓ છે; દહિસર, પોઇસર, ઓશિવરા અને મીઠી નદી. એની આજુબાજુમાં નદીમાંથી ઘસાઈને આવેલો કાંપ કાંઠે આવીને સેટલ થાય એ મોસ્ટ ફર્ટાઇલ સૉઇલ કહેવાય. ઍલુવિયલ સૉઇલ એટલે કે કાંપવાળી જમીન પર દાણા-દાણાવાળી અને ભરભરી માટી જેવી હોય છે. એ ગંઠાઈને કડક નથી થઈ શકતી એટલે એમાં ઊંડાં મૂળવાળાં વૃક્ષો ન થાય પણ ખૂબ પોરસ માટી હોવાથી એમાં શાકભાજી, વેલા અને જેનાં મૂળ ઊંડાં ન જતા હોય એવા ઘણા પાકો લઈ શકાય છે. બીજું, મુંબઈ પાસે બહુ મોટો દરિયાકિનારો છે. તમે બાંદરા, નરીમાન પૉઇન્ટ અને જ્યાં લાંબો દરિયાકિનારો છે એ વિસ્તારોમાં રેતીનું પ્રમાણ વધુ છે અને જમીન વધુ પથરાળ હોય. આ પથરાળ ખડકોમાંથી બનેલી અહીંની માટી યલો કે ગ્રે રંગની ક્લે જેવી હોય છે. હવે વાત કરીએ આપણા ખાડી વિસ્તારોની. જ્યાં ટુફ અથવા તો બ્રેક્શિયા પ્રકારનાં વૉલ્કેનિક રૉક હોય એ જ્વાળામુખીના ધુમાડા કે ઍશમાંથી બનેલા હોય. આ રૉક ખૂબ જલદીથી માટીમાં તબદિલ થઈ જાય અને એ કાળી ચીકણી સૉઇલ બને. આ સૉઇલ ખાડી વિસ્તારોમાં જોવા મળે. લોખંડવાલા, જુહી સ્કીમ અને વર્સોવા બાજુની ખાડી પાસે આવી સૉઇલ હોય. એ શિલ્ટી અથવા તો ક્લેવાળી કાળી સૉઇલ હોય. એમાં મૅન્ગ્રોવ્સ ઊગે. જો કમ્પેર કરવામાં આવે તો આપણે માટીના જે પણ પ્રકારોની વાત કરી એમાંથી ખાડીની સૉઇલ સૌથી ખરાબ હોય. પ્લાન્ટેશન માટે પણ અને કંઈક સ્ટ્રક્ચર ઊભું કરવાનું હોય તો એ માટે પણ.’
માટી કેટલે ઊંડે સુધી મળી શકે?
દરેક માટીનો પ્રકાર એ ભૂગર્ભમાંના કેવા પ્રકારના રૉક પર સેટ થઈ છે એના આધારે બદલાતી હોય છે. એને કારણે દરેક એરિયામાં બેડ રૉકની ઊંડાઈ પર અલગ-અલગ હોય એ વિશે જીઓલૉજિસ્ટ ડૉ. અમર જોશી સમજાવે છે કે, ‘જો મુંબઈના હિલ-એરિયાની વાત કરીએ તો અહીં મોટા ભાગે દસ-વીસ મીટર ઊંડે જાઓ એટલે હાર્ડ રૉક આવી જાય છે. અમુક જગ્યાએ તો ઉપરનું સૉઇલનું આવરણ જ નથી. માટીનું એટલું ધોવાણ થઈ ચૂક્યું છે કે જમીન જ પથરાળ છે. બોરીવલી અને સબર્બ વિસ્તારમાં હાર્ડ રૉક લગભગ દસ મીટર જેટલી ઊંડે મળે. જ્યાં ખાડીનો એરિયા અને શિલ્ટી ક્લે છે ત્યાં ૨૫-૩૦ મીટર ઊંડે સુધી સૉઇલ મળી શકે. સૅન્ડી સૉઇલ છે એ પાંચથી સાત મીટર ઊંડે સુધી હોય. બીજી તરફ જો તમે ઉત્તર ગુજરાતના મહેસાણા કે કચ્છ વિસ્તારમાં જાઓ તો હજાર-દોઢ હજાર ફુટ ઊંડે સુધી ઉપર સૉઇલ જ મળશે. ત્યાં પથરા બહુ જોવા નહીં મળે. ’
આ માટીનો સ્તર બહુ ઊંડો ન હોવાથી પ્લાન્ટેશનની લાઇફમાં અડચણો આવે છે. તમે જોશો તો ધારાવી નેચર પાર્કમાં ઝાડની હાઇટ દસ-બાર ફુટથી વધુ થતી જ નથી. ઝાડ ઊંચું થવાની જગ્યાએ જાડું થઈ જાય છે, કેમ કે એનાં મૂળિયાંને ઊંડે જવા માટે પૂરતી માટી નથી. મૂળિયાં ઊંડાં ન જવાથી વારંવાર મુંબઈમાં વૃક્ષ ઊખડીને પડી જવાની ઘટનાઓ બને છે.
માટીનું મહત્ત્વ
માત્ર મુંબઈ જ નહીં, માટીનું ધોવાણ બધે જ થઈ રહ્યું છે અને એની ગુણવત્તાનું ડીગ્રેડેશન પણ બહુ ઝડપથી થઈ રહ્યું છે. આજે ઠેર-ઠેર પૂરની સ્થિતિ નિર્માણ થઈ રહી છે, વાતાવરણમાં તાપમાનનો પારો ઊંચે ને ઊંચે જઈ રહ્યો છે, હવામાં પૉલ્યુશન અને ઝેરી વાયુઓનું પ્રમાણ વધી રહ્યું છે આ બધામાં સીધી કે આડકતરી રીતે માટીની ગુણવત્તા જોડાયેલી છે. આજે પૃથ્વી પર ભૂખમરો વધી રહ્યો છે એનું પણ મુખ્ય કારણ એ છે કે એક સમયે ફળદ્રુપતાથી લચી રહેલી જમીન હવે બંજર થઈ રહી છે. માટી હવે ધૂળ બની રહી છે એટલે જ માટી બચાવવા માટે વર્લ્ડ સૉઇલ ડે જેવા દિવસોની દુનિયાભરમાં ઉજવણીઓ કરવી પડે છે. ઑર્ગેનિક ફાર્મિંગના પિતામહ ગણાતા ભાસ્કર સાવેની સાથે મળીને સજીવ ખેતી માટે ઊંડું રિસર્ચ અને પ્રયોગો કરનારા ભૂમિપુત્ર અશોકભાઈ સંઘવી માટીની મહત્ત્વ સમજાવતાં કહે છે, ‘માટી છે તો આપણે છીએ. આપણે વધુ મેળવવાની લાયમાં માટી પર જે જુલમ કર્યો છે એને કારણે અત્યારે ખોરાક પણ ઝેરસમાન બની ગયો છે. ગટર અને નાળાની બાજુમાં ઊગેલી શાકભાજી મુંબઈગરાઓ ખાય છે. આપણે માટી પર એટલુંબધું પ્રોસેસિંગ કરી નાખીએ છીએ કે એ સાવ નકામી થઈ જાય છે. ધારો કે તમે એક ઘઉંનો દાણો જમીનમાં વાવો છો તો એમાંથી બીજા દસ દાણા ઊગી શકશે. જો તમે એનો કરકરો લોટ બનાવશો તો એમાંથી બનતો જે લોટ હશે એના કણો એકબીજા સાથે જોડાવા છતાં સુપાચ્ય હશે, પણ જો તમે એ લોટને દળી-દળીને ખૂબ પ્રોસેસ કરી નાખશો તો એમાંથી મેંદો બની જશે. આ મેંદો શરીર પચાવી નથી શકવાનું. એવી જ રીતે વારંવાર પ્રોસેસ કરીને ખૂબ લીસી, પાતળી કરી નાખેલી માટી પણ પોતાનામાં કશું ધારણ નથી કરી શકતી.’ 


માટી કંઈ આાકશમાંથી ઊતરતી નથી, એ વિવિધ પ્રકારના ખડકોનું ધોવાણ થઈને બનેલી હોય છે. મુંબઈની બેસિક સૉઇલ ટાઇપ બેસૉલ્ટ પ્રકારની છે. મુંબઈ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, નૉર્થ ગોવામાં આ જ પ્રકારની સૉઇલ જોવા મળે છે.
- ડૉ. અમર જોશી, જીઓલૉજિસ્ટ

ઉત્તમ માટીના જનક છે અળસિયાં


માટીને ફળદ્રુપ બનાવવાનું કામ કરે છે અળસિયાં. પાંદડાં, શાકભાજી અને કિચન વેસ્ટનો સેન્દ્રીય કચરો જો અળસિયાંને હવાલે કરવામાં આવે તો એ કચરાને હજમ કરીને જે વિષ્ટા કાઢે છે એ ઉત્તમ માટી બને છે. બીજા કોઈ પણ પ્રાણીની વિષ્ટા ગંધ મારશે, પણ જો અળસિયાંની વિષ્ટાવાળી માટીમાં પાણી છાંટવામાં આવે તો એની રિયલ માટીની સુગંધ જેવી હોય છે.
- અશોક સંઘવી, ઑર્ગેનિક ફાર્મિંગના નિષ્ણાત

કસદાર માટી જાતે બનાવી શકાય છે

ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે આપણી આસપાસમાં જેવી પણ માટી હોય એને સ્વીકારવા સિવાય માણસ પાસે કોઈ છૂટકો નથી હોતો, પરંતુ ખેતી માટે જરૂરી ફળદ્રુપતાવાળી માટી એક એવી ચીજ છે જે તમે ચાહો તો પેદા કરી શકો છો. આ વર્ષના વર્લ્ડ સૉઇલ ડેની મુખ્ય થીમ એ છે કે માટીનું ધોવાણ અને ઘસારો થતો અટકાવવો. સજીવ ખેતીના હિમાયતીઓ પાસે આનો સરસ ઉકેલ છે. ઑર્ગેનિક સિટી ફાર્મિંગને પ્રમોટ કરતાં અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટનું કમ્યુનિટી ગાર્ડન તૈયાર કરનારાં પ્રીતિ પાટીલ કહે છે, ‘મુંબઈમાં હજારો ટન ભરીને બાયોડિગ્રેડેબલ કચરો એકઠો થાય છે. જો એમાંથી કમ્પોસ્ટ તૈયાર કરવામાં આવે તો એ ખૂબ ફળદ્રુપ માટીની ગરજ સારે છે. આપણે ત્યાં હજારો ટન સૂકાં પાંદડાંને એમ જ કચરા ભેગાં ડમ્પ યાર્ડમાં નાખવામાં આવે છે અથવા તો બાળી નાખવામાં આવે છે. પણ જો એને કમ્પોસ્ટ બનાવવા માટે અલગ પ્રોસેસિંગ કરવામાં આવે તો ગણતરીના દિવસોમાં જ એ માટી જેવું બની જાય છે.’
જો વાત આટલી સરળ છે તો પછી કેમ માટી બનાવવાનું કામ થઈ નથી શક્યું? એના જવાબમાં પ્રીતિબહેન કહે છે, ‘એનું મુખ્ય કારણ છે લોકોની ભાગીદારી બહુ ઓછી છે. બીએમસી દ્વારા પણ એ દિશામાં નક્કર પ્રયત્નો થવા જોઈએ. જોકે સરકાર નિયમો બનાવી શકે, પણ એ નિયમોનું પાલન કરવાનું કામ તો પ્રજાનું જ છે. આપણે પોતાના ઘરનો બાયોડિગ્રેડેબલ કચરો અલગ તારવવાની તસ્દી લેવા પણ તૈયાર નથી ત્યારે સરકારી સ્તરે બહુ મોટા નિર્ણયો લેવાય એવી અપેક્ષા ક્યાં રાખવાની?’

Whatsapp-channel Whatsapp-channel

05 December, 2020 05:35 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK