Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઇસ શહર મેં હર શખ્સ પરેશાન સા ક્યૂં હૈ?

ઇસ શહર મેં હર શખ્સ પરેશાન સા ક્યૂં હૈ?

27 February, 2019 02:16 PM IST |
સેજલ પોન્દા

ઇસ શહર મેં હર શખ્સ પરેશાન સા ક્યૂં હૈ?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોશ્યલ સાયન્સ

જ્યારે એવું અનુભવાય કે હું સૌથી દુ:ખી વ્યક્તિ છું ત્યારે બીજી વ્યક્તિઓ સાથે સંવાદ સાધવો. એ લોકોને જીવનમાં શું તકલીફ છે એ જાણવાનો પ્રયત્ન કરવો. જેમ-જેમ આપણે બીજાના દુ:ખમાં સહભાગી થઈએ છીએ તેમ-તેમ આપણને જાણ થાય છે કે આપણા દુ:ખની સાઇઝ બીજાના દુ:ખ કરતાં નાની છે



જબ તુમ ઝ્યાદા ઉદાસ હો તો ઐસે ઇલાકે મેં જાઓ જહાં તુમ સે ભી ઝ્યાદા પરેશાન લોગ રહતે હૈં - નિદા ફાઝલી


શું તમને નાની-નાની વાતે દુ:ખ થાય છે? શું તમે સાવ ક્ષુલ્લક બાબતે ઉદાસ થઈ જાઓ છો? શું તમને એવું લાગે છે કે તમારાથી વધારે દુ:ખી આ દુનિયામાં કોઈ નથી? જવાબ હા હોય તો સમજી લો કે તમારી અંદર કંઈક કેમિકલ લોચો છે.

ઈશ્વરે દુ:ખોનો પહાડ મારા માથે નાખી દીધો છે. જીવનમાં તકલીફો જ તકલીફો છે. નસીબ હંમેશાં બે ડગલાં આગળ જ હોય છે. મારા કરતાં ફલાણાની જિંદગી વધુ સારી અને સુખી છે. ઈશ્વરે મારી સાથે અન્યાય કર્યો છે. મારી પાસેથી બધું છીનવી લીધું છે. આ પ્રકારના વિચારો આવીને જતા રહે ત્યાં સુધી ઠીક છે, પણ જો આ વિચાર સતત સાથે ને સાથે રહેતા હોય તો એને રોદણાં કહેવાય. જીવન માટેનો અસંતોષ કહેવાય. જીવનમાં જે નથી એનો અફસોસ આપણે જ્યારે કરવા લાગીએ છીએ ત્યારે સૌથી દુ:ખી વ્યક્તિ બનતાં આપણને કોઈ રોકી શકતું નથી.


સ્કૂલમાં હોઈએ ત્યારે સારામાં સારા પર્સન્ટેજનું સપનું હોય. એ મળી ગયા પછી બેસ્ટ કૉલેજ અને બેસ્ટ લાઇન પકડાઈ જાય એવી ઇચ્છા હોય. એ મળી ગયા પછી સારી કરીઅર, સારી નોકરી, સારો પાર્ટનર, લગ્ન, બાળકો, તેમની કરીઅર, સેવિંગ્સની ચિંતા અને ઇચ્છા. એ બધું મળી જાય પછી વૃદ્ધ થઈએ અને એકલતા લાગે. એટલે ફરી અફસોસનું બિલ ફાડીએ. આપણે આપણા મનને સતત બધું મેળવવા ઑર્ડર કરતા હોઈએ છીએ. અને મળી જાય કે ઓછું મળે તો અફસોસ કરતા હોઈએ છીએ.

જે મળ્યું છે એ સુખ આપણે થોડોક સમય માણીએ અને ફરી નવું મેળવવા દોડીએ. એ મળી જાય પછી વળી બીજે નજર દોડાવીએ. આ પ્રોસેસ એન્ડલેસ છે. એવું નથી કે સપનાં ન જોવાં કે એ પૂરાં કરવા દોડવું નહીં, પણ દોડતાં-દોડતાં જે કંઈ મળે એનો ઉત્સાહ અમુક સમય પછી ઓછો ન થઈ જવો જોઈએ. સવારે ઊઠતાંવેંત આંખમાં અને હૃદયમાં અંધારું અનુભવાતું હોય તો એ મનની નિરર્થકતા કહેવાય.

જ્યારે એવું અનુભવાય કે હું સૌથી દુ:ખી વ્યક્તિ છું ત્યારે બીજી વ્યક્તિઓ સાથે સંવાદ સાધવો. એ લોકોને જીવનમાં શું તકલીફ છે એ જાણવાનો પ્રયત્ન કરવો. જેમ-જેમ આપણે બીજાના દુ:ખમાં સહભાગી થઈએ છીએ તેમ-તેમ આપણને જાણ થાય છે કે આપણા દુ:ખની સાઇઝ બીજાના દુ:ખ કરતાં નાની છે. અમુક દુ:ખ આપણે અફસોસના કારણે જાતે ઊભાં કરેલાં હોય છે.

આપણી સૌથી મોટી તકલીફ એ છે કે કુદરતી રીતે આવતી તકલીફની સાથે આપણે જાત માટે અફસોસ, અસંતોષની તકલીફ ઊભી કરીએ છીએ. દુ:ખ શું છે? દુ:ખ એટલે આપણે ઇચ્છેલા સુખ સુધી ન પહોંચી શકવાનો અસંતોષ. જે મળ્યું છે એનો આભાર, એની કૃતજ્ઞતા, એનો સંતોષ આપણને થતાં નથી અને એવું લાગે કે આપણું જીવન સંઘર્ષોથી જ ઘેરાયેલું છે. પણ જીવનમાં સંઘર્ષ જ ન હોય તો અનુભવ ક્યાંથી મળે!

આવતી મુશ્કેલીની સામે લડતાં, ઝઝમૂતાં થાક લાગે, માનસિક રીતે ભાંગી પડીએ, હારી જઈએ. એવું ચોક્કસ બન્યા કરશે. આવી ફીલિંગમાંથી નીકળવાની હિંમત ભેગી કરવી પડશે. હિંમત કેવી રીતે ભેગી થાય? જ્યારે આપણી જિંદગીને રિવર્સમાં જોવાનું શરૂ કરીએ ત્યારે સમજાય કે ઘણું મળ્યું છે. મોટી-મોટી મુસીબતોમાંથીય પાર ઊતરી ગયા છીએ તો હવે આ વખતે પણ હું નહીં જ હારું. મન સાથે જ્યારે આપણે આવો સંવાદ સાધીએ છીએ ત્યારે હિંમત ભેગી થાય છે.

જ્યારે આપણે ભાંગી પડ્યા હોઈએ, જીવનથી અસંતોષ રહેતો હોય, સૌથી દુ:ખી હોવાનો અહેસાસ થતો હોય ત્યારે સૌથી પહેલાં આપણી આસપાસની, આપણી ઓળખીતી, પરિચિત વ્યક્તિને પૂછી લેવું કે તમારી લાઇફમાં બધું બરાબર તો છેને? કોઈ તકલીફ છે? મૂંઝવણ છે? મુશ્કેલી છે? આવું પૂછીએ એટલે એ વ્યક્તિઓ એની મુશ્કેલીઓ કહેવા લાગે. અને આપણે એનું સોલ્યુશન આપવાની ટ્રાય કરવાની. આમ કરતાં-કરતાં આપણને અહેસાસ થશે કે મારી તકલીફનું કદ આ લોકોની તકલીફ કરતાં નાનું છે. આમાં આપણને અને સામેવાળાને ફાયદો થશે. આપણને આપણી જિવાતી જિંદગીનો અહેસાસ થશે અને સામેવાળાને તેની તકલીફનું નિરાકરણ મળશે. સાંત્વના મળશે. હિંમત મળશે. જ્યારે આપણે બીજાને હિંમત આપીએ છીએ ત્યારે આપણી હિંમત ડબલ થઈ જાય છે. એક પર એક ફ્રીની જેમ. છેને સારામાં સારી ઑફર?

આ પણ વાંચો : આતંકવાદ ફેલાવતા દુશ્મનની ક્રૂર હરકતો રોકે એવાં કોઈક પગલાં આપણે લઈ શકીએ

કોને શું તકલીફ છે એ જ્યારે આપણે શોધવા નીકળીએ છીએ ત્યારે ઈશ્વર સામે માથું આપોઆપ નમી જાય છે. ઈશ્વર માટે આભારની લાગણી થઈ આવે છે. એટલે શોધવું હોય તો આપણા સપનાની સાથે-સાથે બીજાનું દુ:ખ પણ શોધી લો. મેળવવું હોય તો આપણા સંઘર્ષના અનુભવોની સાથે આપણા દ્વારા બીજાને મળતો હાશકારો મેળવો. આપણે જ્યારે આપણા મનના અસંતોષ, અફસોસને કટઑફ કરી નાખીએ છીએ ત્યારે લાઇફ જુદું જ ટેકઑફ લઈ લે છે. તો હવેથી દુ:ખને એન્લાર્જ કરવાનું બંધ કરીએ.

Whatsapp-channel Whatsapp-channel

27 February, 2019 02:16 PM IST | | સેજલ પોન્દા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK