Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વ્યવહાર : તમારી ઔકાત મુજબનો કે પછી સામેવાળાની ક્ષમતા મુજબનો?

વ્યવહાર : તમારી ઔકાત મુજબનો કે પછી સામેવાળાની ક્ષમતા મુજબનો?

19 February, 2021 12:46 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

વ્યવહાર : તમારી ઔકાત મુજબનો કે પછી સામેવાળાની ક્ષમતા મુજબનો?

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


યક્ષપ્રશ્ન છે. વ્યવહાર કેવો રાખવાનો, તમારી ઔકાત મુજબનો કે પછી સામેવાળાની ક્ષમતા મુજબનો? જો સામેવાળાની ક્ષમતા મુજબનો વ્યવહાર રાખવાનો હોય તો પછી ડ્રાઇવરના દીકરાનાં મૅરેજમાં જમવા જતી વખતે અમિતાભ બચ્ચન એકાવન રૂપિયાનું કવર આપી દે તો પણ ચાલે જને કે પછી અમિતાભે પોતાની ક્ષમતા મુજબ સુવર્ણ મુદ્રા આપવી જોઈએ? સુવર્ણ મુદ્રા જ આપવી જોઈએ અને એ જ વ્યવહાર સાચો છે. વ્યવહાર ક્યારેય સામેવાળાની ક્ષમતા મુજબ નહીં પણ તમારી ઔકાત મુજબનો જ હોવો જોઈએ. જો મનમાં દલીલ સૂઝતી હોય તો ડૉગ-બાઇટને યાદ કરી જાતને પૂછી લેવાનું કે કૂતરો બટકું ભરે ત્યારે આપણે સામે બટકું ભરવા શું કામ નથી દોડતા. જો સામેવાળાને એ જ ભાષા સમજાતી હોય તો એ જ ભાષાનો પ્રત્યુત્તર આપણા પક્ષેથી પણ હોવો જોઈએ, કૂતરાને બટકું ભરવું જ જોઈએ અને બે શિંગડાં આગળ ધરીને ઢીંક મારતી ગાયને પણ તમારે મસ્તકમાર આપવો જોઈએ. એ જ ભાષા સમજે છે એ. જેવી ભાષા એવો વ્યવહાર. જેવી સમજણ એવું વર્તન. પણ ના, એવું નથી થઈ શકતું અને એવું કરવું પણ ગેરવાજબી છે.

વ્યવહાર ક્યારેય સામેવાળાની ઔકાત મુજબનો નહીં, વ્યવહાર હંમેશાં તમારી ક્ષમતા મુજબનો હોવો જોઈએ અને એ હોય તો જ વાજબી પરિણામ આવે. દેશભરમાં ડ્રાઇવરને દસ હજારનો પગાર આપવામાં આવતો હોય તો પણ નરેન્દ્ર મોદીના ડ્રાઇવરને દસ હજારની સૅલરી આપવામાં નથી આવતી, કારણ કે તે કોઈને પણ લઈને નથી જતો; તે દેશના પ્રતિનિધિનો સારથિ છે. એક જવાબદારી તેના શિરે છે અને એ જવાબદારીને ધ્યાનમાં રાખીને જ તેને વળતર આપવામાં આવે છે. આ જે વળતર છે, આ જે વ્યવહાર છે એ વ્યવહારમાં ડ્રાઇવરની ઔકાતને ધ્યાનમાં રાખવામાં નથી આવતી; એ વ્યવહારમાં વડા પ્રધાનપદની ક્ષમતાને ધ્યાનમાં રાખવામાં આવે છે. જગતનો આ જ નિયમ છે અને આ નિયમને અનુસરવામાં આવે તો અને તો જ વડા પ્રધાનપદની પણ ગરિમા જળવાય. ધારે તો વડા પ્રધાનની ગાડી હંકારવા માટે મફતમાં સેવા આપનારાઓ પણ મળી જાય. અરે, લાંબી લાઇન લાગે. કહ્યું એમ મફતમાં સેવા આપવા માટે લાંબી લાઇન લાગે, પણ એ સેવામાં જવાબદારીની સભાનતા હોતી નથી. જવાબદારીની સભાનતા ત્યારે જ આવે, જવાબદારીની સમજણ અને જવાબદારી પ્રત્યેની ગંભીરતા ત્યારે જ આવે જ્યારે વ્યવહાર સામેવાળાની ઔકાત મુજબ નહીં પણ તમારી ક્ષમતા મુજબનો થયો હોય.



કોઈની ગેરહાજરીમાં ક્યારેય કામ કોઈનું અટક્યું નથી અને અટકવાનું પણ નથી પણ એ જવાબદાર વ્યક્તિનો ખાલીપો હંમેશાં સતાવતો રહે છે એ હકીકત છે. આ હકીકતનો સામનો કરવો પડે અને એનો અનુભવ કરવો પડે એવું ન થવા દેવું હોય તો જીવનમાં એક વાત યાદ રાખજો. પારિવારિક હોય કે પછી આર્થિક, વ્યવહાર હંમેશાં તમારી ક્ષમતા મુજબનો કરજો. તમારી આ ક્ષમતા દર્શાવતી વખતે એ પણ ભૂલવું નહીં કે તમે કોને રીપ્રેઝન્ટ કરો છો. તમારા એ પ્રતિનિ‌િધત્વમાં ક્યાંક ને ક્યાંક, કોઈ ને કોઈ જગ્યાએ પણ વ્યવહારભાવ ઝળકવો જોઈએ. વડા પ્રધાનના સેક્રેટરીના આર્થિક વહીવટમાં મારવાડીપણું છલકાવા માંડે તો એ મારવાડીપણાનું જોખમ સેક્રેટરીએ નહીં પણ વડા પ્રધાન અને દેશે ભોગવવું પડે અને જો એવું બને તો ચોક્કસપણે નુકસાની સર્વવ્યાપી હોય. કહેવાનો ભાવાર્થ એટલો જ કે વ્યવહાર તમારી ક્ષમતા મુજબની કરતી વખતે પણ તમારા મૂળને તમારે ભૂલવાનું નથી. મૂળને પણ અને તમે કોનું પ્રતિનિધિત્વ કરો છો એ વાતને પણ. જે સમયે આ ભુલાય છે એ સમયે એક નહીં, અનેક પ્રકારની વિટંબણાઓ આવતી હોય છે. આગળ કહ્યું એમ પારિવારિક સ્તર પર પણ અને આર્થિક કે પછી કહો કે પ્રોફેશનલ ફ્રન્ટ પર પણ.


સાસરે જનારો દીકરો વાહિયાત વર્તન કરે છે ત્યારે તે ભૂલતો હોય છે કે તે પોતાના ખાનદાનનું પ્રતિનિધિત્વ કરે છે અને તેના વર્તનને કારણે એ આખો પરિવાર નિમ્ન સ્તર પર મુકાઈ રહ્યો છે. દીકરી પણ જ્યારે સાસુ સાથે અસભ્યતા દર્શાવી બેસે છે ત્યારે એ ભૂલી જતી હોય છે કે બંધબારણે તેનું નહીં પણ તેના ખાનદાનનું મૂલ્યાંકન થતું હોય છે. તાતા ગ્રુપમાં કૉન્ટ્રૅક્ટમાં ગોઠવાયેલી કારનું મેઇન્ટેનન્સ બિલ પાસ કરવામાં થતા ઠાગાઠૈયા ક્યાંક ને ક્યાંક રતન તાતાનું નામ બોળવાનું કામ કરે છે કે પછી એ બિલમાં કાતર ફેરવવામાં આવે ત્યારે રતન તાતા સાથે જોડાવા કરતાં તો બહેતર છે કે ગાડીને ટૅક્સીમાં ફેરવી નાખવી એવો મનમાં પ્રગટી ગયેલો વિચાર અકાઉન્ટ ઑફિસરની નહીં પણ રતન તાતાની આબરૂના લીરા ઉડાડતો હોય છે. એવું ન થવા દેવું હોય તો વ્યવહાર કરતી વખતે અને વ્યવહાર નિભાવતી વખતે સામેવાળાની ઔકાતને નહીં પણ તમારી ક્ષમતાને ધ્યાનમાં રાખવાની છે. વ્યવહાર કરતી વખતે જાતને નહીં પણ તમે કોના પ્રતિનિધિ છો એનો વિચાર કરવાનો છે અને વ્યવહાર કરવાનો સમય આવે ત્યારે માત્ર ને માત્ર જાતને કેન્દ્રમાં રાખવાની છે. જે સમયે જાત કેન્દ્રમાંથી બહાર નીકળતી દેખાય ત્યારે પહેલું જાતને પૂછી લેવું, કૂતરો બટકું ભરે ત્યારે સામે બટકું ભરવા જઈએ છીએ ખરા?

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2021 12:46 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK