Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નવકાર મંત્રના બીજા પદે બિરાજમાન શ્રી સિદ્ધ પરમાત્મા

નવકાર મંત્રના બીજા પદે બિરાજમાન શ્રી સિદ્ધ પરમાત્મા

08 December, 2019 02:45 PM IST | Mumbai
Chimanlal Kaladhar

નવકાર મંત્રના બીજા પદે બિરાજમાન શ્રી સિદ્ધ પરમાત્મા

જૈન મહાવીર સ્વામી

જૈન મહાવીર સ્વામી


નવકાર મહામંત્રમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંત એ પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યો છે. આજે આપણે અહીં સિદ્ધ પરમાત્મા વિશે થોડી વાત કરવાનો ઉપક્રમ છે. 

આ સંસારની ભવાટવિમાં ભમતા જીવોનું લક્ષ્ય હોય છે મોક્ષગતિ, સિદ્ધગતિ. સિદ્ધાવસ્થા ઉચ્ચત્તમ હોવા છતાં નવકાર મંત્રમાં પ્રથમ નમસ્કાર અરિહંત પરમાત્માને અને બીજા નમસ્કાર સિદ્ધ પરમાત્માને કરવામાં આવ્યા છે. તેનું કારણ બતાવતા આપણા શાસ્ત્રકારો કહે છે કે સિદ્ધ પરમાત્માની ઓળખ કરાવનાર અરિહંત પરમાત્મા છે. અરિહંત પરમાત્મા તીર્થ પ્રર્વતાવે છે અને જીવોને મોક્ષ માર્ગ બતાવે છે. અરિહંત પરમાત્મા ન હોત તો જીવ મિથ્યાત્વના ગાઢ અંધકારમાં અટવાઈ ગયો હોત. સિદ્ધગતિ શું છે એની પણ એને ખબર ન હોત. આમ સિદ્ધ પરમાત્માની ઓળખ કરાવનારા અરિહંત પરમાત્મા હોવાથી આપણે તેમને પહેલો નમસ્કાર કરીએ છીએ. વળી અરિહંત પરમાત્મા ભવ્ય જીવોને દેશના આપી, ધર્મ પમાડી મોક્ષ માર્ગ તરફ દોરી જાય છે. અરિહંત પરમાત્મા જ્યારે સ્વયં દીક્ષિત થાય છે ત્યારે સિદ્ધ ભગવંતોની સાક્ષીએ થાય છે, અને ‘નમો સિદ્ધાણં’ બોલીને સામાયિકવ્રત ઉચ્ચરે  છે. સિદ્ધત્વની પ્રાપ્તિ એ જો અરિહંત પરમાત્માનું અંતિમ લક્ષ્ય ન હોય તો જીવોને તે મોક્ષ માર્ગ કઈ રીતે બતાવી શકે? વ્યવહારુ દૃષ્ટિએ અરિહંત પરમાત્મા દેહધારી હોવાથી સાકારી પરમાત્મા છે. સિદ્ધ પરમાત્મા અશરીરી છે, અદૃષ્ટ છે. એ દૃષ્ટિએ તેઓ નિરાકારી છે. એટલે પ્રથમ ભક્તિ સાકારી પરમાત્માની અને પછી નિરાકારી પરમાત્માની ભક્તિ એ ક્રમ જીવો માટે ગ્રહણ કરવો સર‍ળ છે. એટલે નવકાર મંત્રમાં પ્રથમ નમસ્કાર અરિહંત પરમાત્માને કરવામાં આવ્યો છે તે સર્વથા યોગ્ય છે.



‘સિદ્ધ’ શબ્દ ઘણા દર્શનોમાં વપરાયો છે. કૃતકૃત્ય, નિસ્પન્ન, પરિપૂર્ણ, દિવ્ય, સંપ્રાપ્ત, સજ્જ, પરિપક્વ, અમર ઇત્યાદી ‘સિદ્ધ’ શબ્દના અર્થ છે. કેટલાક અન્ય દર્શનોમાં જે વ્યક્તિ લબ્ધિ-સિદ્ધિયુક્ત હોય તેને સિદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. જૈન ધર્મગ્રંથોમાં નામ સિદ્ધ, સ્થાપના સિદ્ધ, દ્રવ્ય સિદ્ધ, કર્મ સિદ્ધ, મંત્ર સિદ્ધ, યોગ સિદ્ધ, આગમ સિદ્ધ, અર્થ સિદ્ધ, બુદ્ધિ સિદ્ધ અેમ ચૌદ પ્રકારના સિદ્ધો દર્શાવવામાં આવ્યા છે. જૈન મહર્ષિઓએ ‘સિદ્ધ’ શબ્દની  જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે. ‘સિતં બદ્ધમષ્ટપ્રકાર’ કર્મન્ધનં ધ્યાત-દગ્ધંની જાજવલ્યમાન શુક્લા ધ્યાનાનલેન યેસ્તે સિદ્ધા:’ અર્થાત્ જાજવલ્યમાન એવા શુકલ ધ્યાનથી જેમણે કર્મરૂપી ઇંધણોને બાળી નાખ્યા છે તે સિદ્ધો છે. વળી કહ્યું છે કે ‘સેન્ધન્તિસ્મ અપુનરાવૃત્યા નિવૃત્તિપુરી મગચ્છન’ એટલે કે જ્યાંથી પાછા ફરવાનું નથી એવા નિવૃત્તિ પુરીમાં જેઓ સદાને માટે ગયા છે તે સિદ્ધો છે. ‘અઠ્ઠપયારકમ્મકખએણ સિદ્ધિસદામ એસિંતિંસિદ્ધા:’ અર્થાત્ આઠ પ્રકારના કર્મનો ક્ષય થવાથી સિદ્ધિને પામેલા તે સિદ્ધો. સિદ્ધની વ્યાખ્યા વધુ સ્પષ્ટ કરતી ગાથા આપણા ધર્મગ્રંથોમાં જોવા મળે છે.


‘ધ્યાત સિંત યેન પુરાણ કર્મ, યોવા ગતૌ નિવૃતિસૌધમુદિર્ન, ખ્યાતૌડનું શાસ્તા પરિનિષ્ઠિતાર્થો યાસોડસ્તુસિદ્ધઃ કર્મ મંગલોમે.’

જેઓએ પૂર્વે બાંધેલાં પ્રાચીન કર્મોને બાળી નાખ્યા છે. જેઓ મુક્તિરૂપી મહેલની ટોચે પહોંચી ગયા છે. જેઓ જગતના જીવોને માટે મુક્તિ માર્ગનું અનુશાસન કરનાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે તથા તેમના સર્વ પ્રયોજનો સિદ્ધ થયા છે એવા શ્રી સિદ્ધ પરમાત્મા મને મંગલરૂપ થાઓ.


જ્યાંથી સર્વ શબ્દો પાછા ફરે છે, જ્યાં તર્કશક્તિ પહોંચી શકતી નથી અને બુદ્ધિને જે ગ્રાહ્ય નથી એવી સિદ્ધાવસ્થા છે. આવી સકલકર્મ રહિત અવસ્થામાં માત્ર ચૈતન્યપૂર્ણ જ્ઞાનમય દશામાં બિરાજે છે. જીવને કર્મ અનાદિકાળથી વળગેલા હોય છે, ત્યારથી એમની એ કર્મરહિત અવસ્થા પછી તો અનંતકાળ સુધી રહેવાની છે. એટલે સિદ્ધદશા આદિ-અનંતના પ્રકારની હોય છે. ‘આચારાંગ સૂત્ર’માં કહેવામાં આવ્યું છે કે સિદ્ધાવસ્થાના જીવો દીર્ઘ નથી, હસ્વ નથી, ગોળ નથી,  ત્રિકોણાકાર નથી, ચતુષ્કોણાકાર નથી, કંકણના આકારના નથી, કાળા, લીલા, રાતા, પીળા, ધોળા નથી, ખાટા કે મધુર નથી, ભારે કે હલકા નથી, શીત કે ઉષ્ણ નથી. સ્નિગ્ધ કે રૂક્ષ નથી, મૃદુ કે કર્કશ નથી, સ્ત્રી કે પુરુષ નથી, નપુસંક નથી, એટલે જ તેઓના માટે કોઈ ઉપમા નથી, તેઓ અરૂપી અને અલક્ષ્ય છે. તેઓનું વર્ણન કરવા કોઈ શબ્દ નથી. રૂપ, ગંધ, રસ કે સ્પર્શ પણ નથી. આમ છતાં તેઓ અનંત ગુણયુક્ત  છે. એમાં પણ તેમના આઠ મુખ્ય ગુણ બતાવવામાં આવ્યા છે. એ આઠ ગુણ કર્મક્ષયથી પ્રગટ થયેલા ગુણ છે.

સિદ્ધ પરમાત્માના આઠ મુખ્ય ગુણ આ પ્રમાણે છે ઃ (૧) અનંત જ્ઞાન, (૨) અનંત દર્શન, (૩) અનંત સુખ, (૪) અનંત ચારિત્ર, (૫) અક્ષય સ્થિતિ, (૬) અરૂપીપણું, (૭) અગુટુ લધુ અને (૮) અનંત વીર્ય સિદ્ધ પરમાત્મા  તે ચાર ઘાતિ અને ચાર અઘાતિ એમ આઠેય કર્મોનો ક્ષય કરેલો હોય છે. એટલે કર્મક્ષયની દૃષ્ટિએ, મોક્ષગતિ  પ્રાપ્ત કરવાની દૃષ્ટિએ સિદ્ધ પરમાત્મા અરિહંત પરમાત્મા કરતાં ચડિયાતા છે. સિદ્ધ પરમાત્મા અશરીરી, અકર્મા અને અવિનાશી છે, અરિહંત પરમાત્મા દેહધારી હોય છે અને એમનો દેહ પણ અંતે તો નાશવંત છે. અરિહંત પરમાત્માને હજુ ચાર અઘાતિ કર્મ ઉદયમાં વર્તતા હોય છે. સિદ્ધ પરમાત્મા સર્વથા અકર્મા છે. અરિહંત પરમાત્માને હજી નિર્વાણપદ પામવાનું સિદ્ધ થવાનું બાકી હોય છે. કાળ શરીર ભક્ષક છે અને તે અરિહંત પરમાત્માને પણ છોડતો નથી, પરંતુ  અશરીરી સિદ્ધ પરમાત્મા તો કાળનું પણ ભક્ષણ કરનારા છે, અર્થાત્ અવિનાશી છે.

સિદ્ધ ભગવંતો મંગલરૂપ છે. અરિહંત, સિદ્ધ સાધુ અને કેવલી પ્રણિત ધર્મ એ ચાર મંગલ, ચાર લોકોત્તમ અને ચાર શરણરૂપ છે. આ ચારમાં બીજા કર્મે સિદ્ધ ભગવંત છે. કોઈક કદાચ પ્રશ્ન કરે કે અરિહંત પરમાત્મા તો અનેક જીવોને ધર્મ પમાડે છે.  સાધુ ભગવંતો દ્વારા અને કેવલી પ્રણિત ધર્મ દ્વારા પણ અનેક જીવોનું કલ્યાણ થાય છે, પરંતુ સિદ્ધ ભગવંતો તો સિદ્ધદશામાં સિદ્ધશીલા ઉપર અનંતકાળ માટે સ્થિર છે. એમને કશું કરવાપણું નથી. તેઓ હવે આપણું કશું કરી શકે તેમ નથી. તો પછી તેમને કેવી રીતે આપણે મંગલરૂપ કહી શકીએ? તેઓ કઈ રીતે આપણને ઉપયોગી કે ઉપકારક થઈ શકે? એનો ઉત્તર એ જ છે કે જો ખુદ અરિહંત ભગવંતો માટે પણ સિદ્ધ પરમાત્મા મંગલરૂપ છે તો આપણા માટે કેમ ન હોઈ શકે? વળી સિદ્ધ ભગવંતો પોતાના સિદ્ધપણા દ્વારા આપણને મોક્ષ માર્ગ બતાવે છે એ એમનો ઉપકાર અનંત છે. સિદ્ધ પરમાત્મા અષ્ટકર્મનો ક્ષય કરી મુક્ત દશા દ્વારા આપણને પરોક્ષ રીતે સમજાવે છે, પ્રેરણા આપે છે અને તે તરફ ગતિ કરવાનું બળ આપે છે. આ રીતે સિદ્ધ પરમાત્મા આપણા માટે સદૈવ મંગલમય અને વંદનીય છે.

Whatsapp-channel Whatsapp-channel

08 December, 2019 02:45 PM IST | Mumbai | Chimanlal Kaladhar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK