Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એક થા ટાઈગર : ન ભૂતો ન ભવિષ્યતિ

એક થા ટાઈગર : ન ભૂતો ન ભવિષ્યતિ

17 November, 2012 12:33 PM IST |

એક થા ટાઈગર : ન ભૂતો ન ભવિષ્યતિ

એક થા ટાઈગર : ન ભૂતો ન ભવિષ્યતિ




મરાઠી અસ્મિતા અને હિન્દુત્વના કટ્ટર સમર્થક, લાખો અનુયાયીઓને એક આદેશ આપીને દેશના રાજકારણમાં મહત્વનો ફેરફાર કરવાનું સામથ્ર્ય ધરાવતા નેતા અને દેશમાં અનેક પ્રાદેશિક પક્ષો હોવા છતાં એક મહત્વના પક્ષ તરીકે હંમેશાં કેન્દ્ર સરકારમાં પણ નોંધ પામનારી શિવસેનાના પ્રમુખ બાળ ઠાકરેનું ગઈ કાલે બપોરે ૩.૩૩ વાગ્યે ૮૬ વર્ષની વયે લાંબી માંદગી બાદ તેમના બાંદરા (ઈસ્ટ)માં કલાનગરમાં આવેલા બંગલા માતોશ્રીમાં અવસાન થયું હતું. તેમના અવસાનના સમાચાર મળતાં મુંબઈમાં જ નહીં, મહારાષ્ટ્ર અને દેશભરમાં તેમના સમર્થકોમાં શોકની લાગણી ફરી વળી હતી. તેમની અંતિમયાત્રા આજે સવારે સાત વાગ્યે બાંદરાથી નીકળશે અને તેમના પાર્થિવદેહને સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી શિવાજી પાર્કમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. સાંજે ૬ વાગ્યે શિવાજી પાર્ક પર જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

બાળ ઠાકરેની તબિયત છેલ્લા થોડા સમયથી બગડી હતી. તેમને શ્વાસોચ્છ્શ્વાસની તકલીફ હતી. લીલાવતી હૉસ્પિટલના ફિઝિશ્યન ડૉક્ટર જલીલ પારકર, ઇન્ટેન્સિવિસ્ટ ડૉક્ટર અબ્દુલ અન્સારી અને ક્રિટિકલ કૅર ડૉક્ટર પ્રકાશ જિયાનદાનીની ટીમ તેમની સારવાર કરી રહી હતી. મંગળવાર રાતથી તેમની તબિયત લથડી હતી. તેમને તેમના બંગલા માતોશ્રીમાં જ સારવાર આપવામાં આવી રહી હતી. તેમને થોડો વખત લાઇફ સર્પોટ સિસ્ટમ વેન્ટિલેટર પર પણ રાખવામાં આવ્યા હતા. ગઈ કાલે બપોરે ૩.૩૩ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ડૉક્ટર જલીલ પારકરે કહ્યું હતું કે હાર્ટઅટૅકને કારણે તેમનું મૃત્યુ થયું હતું. એ સમયે ઉદ્ધવ ઠાકરે અને તેમનો પરિવાર તેમની પાસે હતા. ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેની તબિયત પણ લથડતા ડૉક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી હતી.

બાળ ઠાકરેએ શિવસેનાની સ્થાપના કરી ત્યારથી જ તેઓ તેમના ઉદ્દામ વિચારો માટે જાણીતા થયા હતા. શિવસેનાના ઉદય પછી મહારાષ્ટ્રના રાજકારણમાં જોરદાર ફેરફાર આવ્યા હતા એટલું જ નહીં, સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ મરાઠી માણૂસને તેની ઓળખ અપાવવામાં બાળ ઠાકરે અને તેમના વિચારોએ મુખ્ય ભાગ ભજવ્યો હતો.

 છેલ્લાં બે વર્ષથી ઉંમરને કારણે તબિયતને લગતી સમસ્યાઓને લીધે તેમણે સક્રિય રાજકારણમાં ભાગ લેવાનું ઓછું કરી દીધું હતું. એમ છતાં શિવસૈનિકો તેમનું વક્તવ્ય સાંભળવા તૈયાર રહેતા. દર વર્ષે‍ શિવાજી પાર્ક પર યોજાતી દશેરાની રૅલીમાં લાખોની સંખ્યામાં લોકો તેમને સાંભળવા આવતા. આ વર્ષે‍ ખરાબ તબિયતને કારણે તેમણે વિડિયો રેકૉર્ડિંગથી શિવસૈનિકોને સંબોધ્યા હતા. એ વખતે તેમણે બહુ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે ‘હવે હું થાકી ગયો છું. તમે ઉદ્ધવ અને આદિત્યને સંભાળી લેજો.’

બાળ ઠાકરેના આ ઉદ્ગારો સાંભળીને શિવસેનાના અનેક નેતાઓ સહિત લાખો શિવસૈનિકોમાં ભયનું લખલખું પસાર થઈ ગયું હતું. ત્યારથી જ શિવસૈનિકોના મનમાં તેમની તબિયતની ચિંતા થઈ રહી હતી. બુધવારે સવારે જેમ-જેમ લોકોને જાણ થવા માંડી કે તેમની તબિયત લથડી ગઈ છે ત્યારથી શિવસૈનિકો માતોશ્રી પર જમા થવા માંડ્યા હતા. તેમના ર્દીઘાયુ માટે અનેક જગ્યાએ મહામૃત્યુંજયના જાપ, હોમ-હવન અને પ્રાર્થનાઓ કરવામાં આવ્યાં હતાં. એમ છતાં સૃષ્ટિના સનાતન નિયમ ‘જેનો જન્મ છે તેનું મૃત્યુ અફર છે’ એ મુજબ ગઈ કાલે બપોરે તેમણે તેમનું અવસાન થયું હતું. એને કારણે મહારાષ્ટ્ર અને દેશભરમાં શોકની લાગણી ફરી વળી હતી.

શિવાજી પાર્કમાં અંતિમ દર્શનની તૈયારી

શિવાજી પાર્કમાં ગઈ કાલે સાંજથી જ બાળ ઠાકરેનાં અંતિમ દર્શન માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. શિવાજી પાર્કમાં આવેલા ગણેશમંદિર નજીક સ્ટેજ બનાવવામાં આવ્યો છે. શિવસેનાની દશેરા-રૅલી માટેનું સ્ટેજ બનાવનારા રાજા શ્રીધર જાધવને સ્ટેજ બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે. સમગ્ર સ્ટેજ પર સફેદ કપડું અને એની ઉપર મોગરાનાં ફૂલ હશે. ૨૦ બાય ૩૦ ફૂટના આ સ્ટેજની ઊંચાઈ ૬ ફૂટ હશે. લોકોને સ્ટેજથી ૫૦ મીટર દૂર રાખવામાં આવશે. માત્ર વીવીઆઇપીઓ જ તેમનાં અંતિમ દર્શન માટે નજીક જઈ શકશે. શિવાજી પાર્કની બહાર ૬ ઍમ્બ્યુલસન્સ, ૧૦ વૉટર-ટૅન્કર તેમ જ ૧૨ મોબાઇલ-ટૉઇલેટ રાખવામાં આવ્યાં છે.


પોલીસ-કમિશનરે પણ પુત્રીનાં લગ્ન રદ કર્યા

શિવસેનાપ્રમુખ બાળ ઠાકરેના અવસાન બાદ સામાન્ય મુંબઈગરા તો ઠીક પણ ખુદ પોલીસ-કમિશનર ડૉ. સત્યપાલ સિંહે પણ પોતાની પુત્રીનાં લગ્ન મુલતવી રાખવાં પડ્યાં હતા. સિંહે પુત્રી રિચાનાં લગ્ન આજે બપોરે નક્કી કર્યા હતાં, જેનું રિસેપ્શન ગોરેગામ (વેસ્ટ)માં હિલટૉપ ગ્રાઉન્ડ પર (તસવીરમાં) સાંજે યોજાવાનું હતું. એ રદ કરવામાં આવ્યું છે અને લગ્નની તારીખ પણ બદલવાનું વિચારાઈ રહ્યું છે. તસવીર : નિમેશ દવે

બાળ ઠાકરેને ત્રાસ આપવા બદલ માફી માગું છું : રાણે

બાળ ઠાકરેને મેં જે ત્રાસ આપ્યો હતો એ બદલ હું માફી માગું છું એવું રાજ્યના ઉદ્યોગપ્રધાન નારાયણ રાણેએ બાળ ઠાકરેના નિધન બાદ કહ્યું હતું.  મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણેએ કહ્યું હતું કે ‘અમુક કારણસર ૭ વર્ષ પહેલાં મેં શિવસેના છોડી હતી. મને ખબર હતી કે એને લીધે બાળ ઠાકરેને ઘણી તકલીફ પડી હતી. એ બદલ આજે હું માફી માગું છું. વળી તેમની માંદગી દરમ્યાન તેમના ખબરઅંતર પૂછવા માટે પણ ન જઈ શક્યો એ બદલ પણ હું ખૂબ દુ:ખ અનુભવું છું.’

 નારાયણ રાણેએ કહ્યું હતું કે આજે હું જે કાંઈ પણ છું એની પાછળ બાળ ઠાકરેનો ઘણો ફાળો હતો

રિક્ષા-ટૅક્સીઓ નહીં દોડે

બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપવા માટે શિવસેનાની ભારતીય કામગાર સેનાએ ગઈ કાલે સાંજે ઍરપોર્ટ પાસેની બધી લાઇટો બંધ રાખી હતી. ટૅક્સીની તોડફોડ કરવામાં આવશે એવા ડરે ગઈ કાલે ઍરપોર્ટ પર પણ ટૅક્સી-ડ્રાઇવરો તેમનું કામ બંધ કરીને ઘરે જતા રહ્યા હતા. આજે શહેરમાં ૩૫,૦૦૦ ટૅક્સીઓ તથા ૯૦,૦૦૦ રિક્ષાઓ બંધ હશે. 

એપીએમસી માર્કેટ પણ બંધ

આજે એપીએમસી માર્કેટ બંધ રાખવામાં આવશે. એપીએમસી ઑથોરિટીએ કહ્યું હતું કે થોડા દિવસ માટે શાકભાજી અને ફળોની સપ્લાયમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.

એપીએમસી = ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી

- તસવીર : સત્યજિત દેસાઈ


Whatsapp-channel Whatsapp-channel

17 November, 2012 12:33 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK