Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પ્રોવિડન્ટ ફન્ડની રકમ માટે સિનિયર સિટિઝનની ૨૦ વર્ષ સુધી સતામણી થઈ

પ્રોવિડન્ટ ફન્ડની રકમ માટે સિનિયર સિટિઝનની ૨૦ વર્ષ સુધી સતામણી થઈ

25 July, 2020 09:41 AM IST | Mumbai
Dhiraj Rambhiya

પ્રોવિડન્ટ ફન્ડની રકમ માટે સિનિયર સિટિઝનની ૨૦ વર્ષ સુધી સતામણી થઈ

પ્રોવિડન્ટ ફન્ડની રકમ માટે સિનિયર સિટિઝનની ૨૦ વર્ષ સુધી સતામણી થઈ


૧૯૭૭થી એનટીવી મલ્ટિવૉલ પેપર બૅગ કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે દવેસાહેબ કાર્યરત હતા. ૧૯૯૫માં પેપર બૅગ બનાવવાના સ્પેશ્યલ સેક ક્રાફ્ટ પેપર પર નિયંત્રણ આવતાં પેપર બૅગ બનાવતી ફૅક્ટરીઓને તાળાં લાગી ગયાં. કામદારો તથા સર્વે સ્ટાફને છૂટા કરવામાં આવ્યા. કંપનીએ નાદારી નોંધાવી તથા કંપનીનો કબજો ગવર્નમેન્ટ લિક્વિડેટરે લઈ લીધો.

વાશી તથા નવી મુંબઈની એમ્પ્લૉઈઝ પ્રોવિડન્ટ ફન્ડ ઑર્ગેનાઇઝેશનનાં ક્ષેત્રીય કાર્યાલયોના તેમ જ બાંદરા-ઈસ્ટની ઝોનલ ઑફિસના અસંખ્ય ધક્કા ખાધા બાદ ૧૯૯૭ની ૧૫ ઑક્ટોબરે  ૨,૦૭,૪૨૭ રૂપિયાનો ચેક બાબુઓએ છેલશંકરજીના બૅન્ક-અકાઉન્ટમાં ચૂપચાપ જમા કરાવી દીધો. ન કોઈ પત્ર દ્વારા એની જાણ કરી કે ન કોઈ ચુકવણીની વિગતો જણાવવામાં આવી. ત્રણ વર્ષની દોડાદોડી બાદ જાણવા મળ્યું કે પ્રોવિડન્ટ ફન્ડ (પીએફ)ની પૂરી રકમની ચુકવણી કરવામાં નથી આવી, કારણ કે તેમની કંપનીએ કર્મચારીના પગારમાંથી કાપેલી પૂરી રકમ સરકારી ટ્રેઝરીમાં ભરી નહોતી. જ્યારે કંપની બાકી રહેલી રકમ ભરશે ત્યારે કર્મચારીને એની ચુકવણી કરવામાં આવશે એવી જાણ માત્ર કરવામાં આવી.



૭૦ વર્ષની વૃદ્ધાવસ્થા વટાવી ચૂકેલા દવેસાહેબની અસહ્ય સ્થિતિથી પ્રોવિડન્ટ ફન્ડ કાર્યાલયના કર્મચારીઓ પણ સંવેદનશીલ બન્યા, જેને કારણે એપ્રિલ ૧૯૯૩થી જાન્યુઆરી ૧૯૯૭ દરમ્યાન પગારમાંથી કપાયેલી ફન્ડની રકમનું ડાયરેક્ટરની સહીવાળું સ્ટેટમેન્ટ હાથવગું થયું. ૨૦૦૧ની ૮ ઑગસ્ટથી ૨૦૧૬ની ૧૮ જાન્યુઆરી સુધી સતત પીએફ કાર્યાલય સાથે પત્રવ્યવહાર કરીને પગારમાંથી કપાયેલી પીએફની રકમની ચુકવણી કરવાની માગણી કરતા રહ્યા, પરંતુ પીએફ કાર્યાલયના સરકારી કર્મચારીઓ એની સતત ઉપેક્ષા કરતા રહ્યા, ન તો પત્રોનો જવાબ આપતા કે ન ચુકવણી કરવા માટે કાર્યરત બન્યા.


સતત  ઉપેક્ષાથી હતોત્સાહ થયેલા દવેસાહેબે તેમની વેદના તથા વ્યથાની વાત તેમના ચાર્ટર્ડ  કાઉન્ટન્ટ-મિત્ર જોયસરજીને કરી. પોતાની તથા પોતાના ક્લાયન્ટના અટવાયેલાં કાર્યોની સંપન્નતા માટે તેમણે તરુણ મિત્ર મંડળના જનાધિકાર અભિયાન સંચાલિત RTI કેન્દ્ર - ઘાટકોપરની સહાય અને માર્ગદર્શન મેળવ્યું હોવાથી દવેસાહેબને પણ ઘાટકોપર સેવા કેન્દ્રના નિયામક મનહરભાઈ સંગોઈના નંબર આપી આગોતરી અપૉઇન્ટમેન્ટ મેળવી કેન્દ્ર પર જવાની સલાહ આપી.

મળેલી સલાહ મુજબ છેલશંકરજી ફોન કરી અપૉઇન્ટમેન્ટ મેળવીને કેન્દ્ર પર પહોંચ્યા. વેદનાની વાત મનહરભાઈ તથા સાથીઓને કરી, જેમણે શાંતિથી વાત સાંભળી અને લાવ્યા હતા એ ફાઇલનો અભ્યાસ કરને RTI કાયદા હેઠળની પ્રથમ અરજી બનાવી આપી, જે ૨૦૧૫ની ૨૮ ડિસેમ્બરે કર્મચારી ભવિષ્યનિધિ સંગઠનની બાંદરા-ઈસ્ટની ઝોનલ ઑફિસમાં સુપરત કરવામાં આવી. અરજીના પ્રત્યુત્તરમાં અરજીકર્તાને ૨૦૧૬ની ૮ જાન્યુઆરીના પત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે આપે આપના ૨૦૧૫ની ૨૯ મેના પત્ર દ્વારા જે માહિતી માગી હતી એ બાબતમાં જણાવવાનું કે આપનો આ પત્ર અમને મળ્યો જ નથી. આપનો ૨૦૧૫ની ૨૦ ઑગસ્ટનો પત્ર અમારી વાશી, નવી મુંબઈની સબ–રીજનલ ઑફિસને, અમારા ૨૦૧૫ની ૦૭ ઑક્ટોબરના પત્ર સાથે આપને પ્રત્યુત્તર મોકલવા માટે પાઠવી છે. વાશીની ઑફિસમાંથી ૨૦૦૬ની ૨૧ જાન્યુઆરીનો પત્ર આવ્યો, જેમાં જણાવવામાં આવ્યું કે ‘(૧) માગેલી માહિતી અમારી પાસે ઉપલબ્ધ નથી, (૨) આપના ખાતામાં બૅલૅન્સ કાંઈ પણ નથી, કારણ કે આપને ૧૯૯૭-’૯૮ દરમ્યાન પૂર્ણ રકમની ચુકવણી કરી દેવામાં આવી છે.’


RTI અરજી દ્વારા માગેલી માહિતી નકારવામાં આવતાં ૨૦૧૬ની ૧૨ ફેબ્રુઆરીએ પ્રથમ અપીલ ફાઇલ કરવામાં આવી, જેના પ્રત્યુત્તરમાં ફસ્ટ અપેલેટ ઑથોરિટી (FAA)એ જણાવ્યું કે સેન્ટ્રલ પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસર (CPIO)એ તેમની પાસે ઉપલબ્ધ માહિતી આપને આપી છે તથા અમારી અન્ય ઑફિસોમાં ઉપલબ્ધ માહિતી તથા મુંબઈ હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પાસેથી માગેલી માહિતી તેમની એટલે કે CPIO પાસે ન હોવાથી આપી શકાઈ નથી. આપને ઉપરોક્ત જવાબથી સંતોષ ન થયો હોય તો આપ દ્વિતીય અપેલેટ ઑથોરિટીને નવેસરથી અપીલ કરી શકો છો. 

૨૦૧૬ની પાંચમી જુલાઈએ ફરીથી RTI અરજી દ્વારા ૧૯૯૭થી ૨૦૧૭ સુધીના સમયગાળાના માસિક અકાઉન્ટિંગ સ્ટેટમેન્ટની માગણી કરી. દવેસાહેબને એવી સમજ હતી કે ૧૯૯૮માં ૨,૦૭,૦૨૭ રૂપિયાની રકમ PFમાંથી ચૂકવ્યા બાદ બચેલી રકમ પર વ્યાજ જમા થતું રહેશે અને પછી તો વ્યાજ પર વ્યાજની રકમ મળીને સારીએવી રકમ જમા પડી હશે. જોકે હકીકતમાં તેમના PF ખાતામાં તેમની એમ્પ્લૉયર કંપનીએ જમા કરેલી તમામ રકમ વ્યાજ સહિત ૧૯૯૮માં તેમને ચૂકવી દેવામાં આવી હોવાથી તેમના PF ખાતામાં NIL બૅલૅન્સ હતી.

૨૦૧૮ની ૨૯ ઑક્ટોબરના પત્ર દ્વારા છેલશંકર દવેએ તેમના એમ્પ્લૉયરે તેમના પગારમાંથી PFની કપાયેલી રકમ કરતાં ઓછી રકમ જમા કરાવી છે એવી ફરિયાદ કરી તથા એન્ફોર્સમેન્ટ અધિકારીની નિમણૂક કરી તપાસ કરવાનો આદેશ આપવામાં આવે અને ઓછી જમા કરાવેલી રકમની કંપની પાસેથી વસૂલી કરી મારા PF ખાતામાં જમા કરવામાં આવે એવી માગણી કરી. એથી એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફન્ડ ઍન્ડ મિસેલિનિયસ પ્રોવિઝન્સ ઍક્ટ ૧૯૫૨ના સેક્શન ૭-એ, હેઠળ કંપનીએ કેટલી રકમ ઓછી જમા કરાવી છે એ નિશ્ચિત કરવા તપાસ યોજવાનું નક્કી કરવામાં આવ્યું. અસિસ્ટન્ટ PF કમિશનર વશિષ્ઠ નારાયણની ૨૦૧૯ની ૧૬ જાન્યુઆરીએ તપાસ-અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી.

૨૦૧૬ની ૨૨ સપ્ટેમ્બરના પત્ર દ્વારા સબ રીજનલ ઑફિસ-વાશી દ્વારા છેલશંકર દવેને જાણ કરવામાં આવી કે એકાઉન્ટિંગ પ્રોસીજર મૅન્યુઅલ મુજબ ફૉર્મ-૩-એ સાચવવાનો સમયગાળો પાંચ વર્ષનો છે એથી તમારા PF ખાતાની માહિતી ઉપલબ્ધ નથી. આથી આપને એ આપવા અસમર્થ છીએ. એ જ રીતે ૧૯૯૭-’૯૮નું લેજર બૅલૅન્સ NIL હોવાથી આપને ૧૯૯૭ની ૩૦ સપ્ટેમ્બરે ચૂકવવામાં આવેલા ૨,૦૭,૦૨૭ રૂપિયા બ્રેકઅપ પણ આપવા અસમર્થ છીએ.

૧૮ વર્ષથી PFની બાકી રહેતી રકમ મેળવવા સતત કાર્યરત રહેનાર છેલશંકર ૮૮ વર્ષની ઉંમર વટાવી ચૂક્યા હતા અને એને કારણે થાક અનુભવતા હતા. બીજી તરફ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના બાબુઓ નિતનવાં બહાનાં બતાવી વરિષ્ઠ નાગરિકની મનોવ્યથા અને મનોવેદના વધારતા રહ્યા એથી છેલશંકરજીએ કન્ઝ્‍યુમર ફારમના બારણે ટકોરા દેવાનું નક્કી કર્યું અને એની જાણ ક્ષેત્રીય કાર્યાલયની વાગળે એસ્ટેટ ઑફિસને, ક્ષેત્રીય કાર્યાલયની વાશી - નવી મુંબઈની ઑફિસને તથા બાંદરા-ઈસ્ટની અંચલ કાર્યાલયના સંબંધિત અધિકારીઓ તથા કર્મચારીઓને કરતાં કર્મચારી ભવિષ્યનિધિ સંગઠનમાં ભૂકંપ થયો. બધા યુદ્ધના ધોરણે કામે લાગ્યા. એનટીવી મલ્ટિવાલ પેપરબૅગ કંપની પર ચારે તરફથી દબાણ લાવી છેલશંકર દવેજીના પગારમાંથી કપાયેલી PFની રકમ જે ભવિષ્ય નિધિ સંગઠનના બૅન્ક-ખાતામાં ભરી નહોતી એ ભરાવવા ખડેપગે કાર્યરત બન્યા, કારણ કે જો કન્ઝ્‍યુમર ફારમમાં ફરિયાદ દાખલ થઈ જાય તો કોણ જાણે કેટકેટલાય અધિકારીઓ તથા કર્મચારીઓનાં માથાં વધેરાઈ જાય.

ભવિષ્ય નિધિ સંગઠનનાં ત્રણેય કાર્યાલયોના અધિકારીઓ તથા કર્મચારીઓના સંગઠિત પ્રયાસે રંગ રાખ્યો. ભવિષ્ય નિધિની પગારમાંથી કપાયેલી, પરંતુ ભવિષ્ય નિધિ સંગઠનના બૅન્ક-ખાતામાં ન ભરાયેલી ૧,૦૭,૭૦૦ રૂપિયાની રકમ એનટીપી કંપનીએ બૅન્કમાં ભરી અને ભરાયેા ચલાનની પ્રત મોકલતાં ભવિષ્ય નિધિ સંગઠનના ત્રણેય કાર્યાલયના સંબંધિત અધિકારીઓ તથા કર્મચારીઓએ રાહતની લાગણી અનુભવી અને પ્રભુનો પાડ માન્યો હશે.

આ તરફ છેલશંકરજીને તેમની બાકી રહેતી PFની ૧,૦૭,૭૦૦ રૂપિયાની રકમ તેમના બૅન્ક-ખાતામાં ૨૦૧૯ની ૨૩ ઑગસ્ટે જમા થઈ ગઈ હોવાથી વધાઈ આપવામાં આવી. બૅન્કની પાસબુક લઈને મારતે ઘોડે તેઓ બૅન્કમાં પહોંચ્યા. પાસબુકમાં ૬ આંકડાની રકમ જમા થયેલી દેખાતાં છેલશંકરજી માટે સોનાનો સૂરજ ઊગ્યો હતો. બૅન્કમાંથી જ ઘાટકોપર સેવા કેન્દ્રના નિયામક કાર્યદક્ષ મનહરભાઈ સંગોઈ તથા મહેન્દ્ર ભાનુશાલીને ફોન કરીને તેમણે ગદ્ગદ સાદે આભાર માન્યો.

૨૦ વર્ષથી ગૂંચવાયેલું અને અટવાયેલું કાર્ય સેવાભાવી મનહરભાઈ તથા મહેન્દ્રભાઈની અથાક મહેનત તથા RTI કાયદાના યથાયોગ્ય ઉપયોગથી સિદ્ધિને વર્યું તથા ‘ફાઇટ ફૉર યૉર રાઇટ’ની મનોભાવના યથાર્થતા પામી.

: મુખવાસ :

સૌંદર્યનું ગાણું, અમ મુખે હોજો!

વિશ્વના માંગલ્યનું ગાણું, અમ મુખે હોજો!

સેવાકેન્દ્રની હેલ્પલાઇન

•કેન્દ્રનું સરનામું : તરુણ મિત્ર મંડળ, C/0 ડિવાઇન ટોટ્સ,

૩, પૂનમ બિલ્ડિંગ, ગ્રાઉન્ડ ફ્લોર, અરિહંત કો-ઑ. બૅન્કની બાજુમાં, ૬૦ ફીટ રોડ, ઘાટકોપર-ઈસ્ટ, મુંબઈ-૪૦૦ ૦૭૭.

• સેવાભાવીઓના સંપર્ક-નંબરનો ઉપયોગ માત્ર અપૉઇન્ટમેન્ટ મેળવવા જ કરવો.

• કેન્દ્રનિયામક તથા કથાનાયક :  મનહર સંગોઈ - ૯૨૨૧૦ ૪૬૬૮૬

સહ કથાનાયક : મહેન્દ્ર ભાનુશાલી - ૯૬૧૯૩ ૯૩૭૭૦ :  હિમાંશુ ચંદે    - ૯૯૬૯૦ ૩૩૭૯૦ :  અનિલ ચરલા - ૯૮૩૩૪ ૧૭૩૩૭

• કેન્દ્ર પ્રત્યેક બુધવારે સાંજે ૭.૩૦થી રાતે ૯.૩૦ વાગ્યા દરમ્યાન કાર્યરત હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

25 July, 2020 09:41 AM IST | Mumbai | Dhiraj Rambhiya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK