સૂર્યના દળ કરતાં ૧૦ અબજ ગણું દળ ધરાવતા બ્લૅક હોલની શોધ

Published: 10th October, 2012 02:50 IST

ભારતીય વિજ્ઞાનીના નેતૃત્વની ટીમે કર્યું સંશોધન : જંગી પ્રમાણમાં ઉત્સર્જિત થતા રેડિયેશનને કારણે ભાળ મળીબ્રિટનની કૅમ્બ્રિજ યુનિવર્સિટીના એક ભારતીય વિજ્ઞાનીના નેતૃત્વની ટીમે સૂર્યના કુલ દળ કરતાં ૧૦ અબજ ગણું દળ ધરાવતા વિશાળ બ્લૅક હોલની શોધ કરી છે. અત્યંત ઝડપથી વિસ્તરી રહેલા આ બ્લૅક હોલને સૂર્યમંડળના પ્રારંભિક સમયગાળામાં જોઈ શકાતું હતું. રૉયલ ઍસ્ટ્રોનૉમિકલ સોસાયટીમાં પ્રસિદ્ધ અહેવાલ મુજબ આ બ્લૅક હોલ વર્ગો નક્ષત્રની દિશામાં આવેલું છે. આ બ્લૅક હોલ પૃથ્વીથી અત્યંત દૂર છે. જો પૃથ્વી પરથી આ બ્લૅક હોલ તરફ પ્રકાશ ફેંકવામાં આવે તો એને ત્યાં સુધી પહોંચતાં ૧૧ અબજ વર્ષ લાગશે.

કૅમ્બ્રિજ યુનિવર્સિટીનાં ડૉ. મંદા બૅનરજીના વડપણ હેઠળની ટીમે આ વિરાટ બ્લૅક હોલની શોધ કરી છે. મિલ્કી વેમાં આવેલા બ્લૅક હોલના દળ કરતાં એનું કદ ૧૦ હજાર ગણું વધારે મોટું છે. ધૂળનાં જાડાં આવરણોને કારણે અત્યાર સુધી આ બ્લૅક હોલની જાણ થઈ શકી નહોતી. વિજ્ઞાનીઓનું એમ પણ કહેવું છે કે બ્રહ્માંડમાં આવાં કુલ ૪૦૦ જેટલાં વિશાળ બ્લૅક હોલ હોઈ શકે છે. બ્લૅક હોલને જોઈ શકાતાં નથી, પણ એમાંથી ઉત્સર્જિત થતા જંગી પ્રમાણમાં રેડિયેશનને કારણે વિજ્ઞાનીઓ એની શોધ કરી શકે છે. વિજ્ઞાનીઓએ પહેલી વાર યુકે ઇન્ફ્રારેડ ટેલિસ્કોપ (યુકેઆઇઆરટી)ની મદદથી ઇન્ફ્રારેડ સર્વે દ્વારા આ વિરાટ બ્લૅક હોલની શોધ કરી હતી.

બ્લૅક હોલ આખરે હોય છે શું?

બ્લૅક હોલનું સસ્પેન્સ કોઈ થ્રિલરથી કમ નથી. સૂર્ય કરતાં ત્રણથી પાંચ ગણું વધારે કદ ધરાવતો તારો જ્યારે કરોડો વર્ષની એની આવરદા બાદ મૃત્યુ પામે છે ત્યારે એ બ્લૅક હોલમાં ફેરવાય છે. એટલે કે એની અંદર રહેલા વિવિધ પ્રકારના ગૅસ ભેદી રીતે અલોપ થઈ જાય છે. પછી એ એક એવું ખંડેર બની જાય છે જેને નરી આંખો જોઈ શકાતું નથી, પણ ચોક્કસ લક્ષણોના આધારે એની ઓળખ મેળવી શકાય છે. બ્લૅક હોલ પ્રચંડ ગુરુત્વાકર્ષણ ધરાવે છે એટલે કે એની આસપાસ ફરકતા પ્રકાશ, નાના-મોટા તારા સહિતની બધી ચીજવસ્તુઓને એ ગળી જાય છે. એ પછી આ ચીજો ભાગ્યે જ જોવા મળી શકે છે. ઉચ્ચ તાપમાનને કારણે બ્લૅક હોલ જંગી પ્રમાણમાં રેડિયેશન બહાર ફેંક્યા કરે છે અને તેથી જ એની જાણ થાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK