સ્કૂલબસોની આવતી કાલે હડતાળ પર જવાની ચીમકી

Published: Dec 19, 2011, 10:10 IST

અસોસિએશન આજે નાગપુરમાં મુખ્ય પ્રધાન સાથે મીટિંગ કરશે, જો માગણી સ્વીકારવામાં નહીં આવે તો ૩ જાન્યુઆરીથી બેમુદત સ્ટ્રાઇકઆરટીઓ (રીજનલ ટ્રાફિક ઑફિસ)ના અધિકારીઓ દ્વારા આપવામાં આવતા ત્રાસ અને રાજ્ય સરકારે બનાવેલા સ્કૂલબસ સેફ્ટી પૉલિસીના નિયમોના વિરોધમાં સ્કૂલબસ ઓનર્સ અસોસિએશન મંગળવારે હડતાળ પર ઊતરવાનું છે. જોકે આ પહેલાં અસોસિએશનનું પ્રતિનિધિમંડળ આજે નાગપુરમાં મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણને મળવાનું છે. જો તેમના તરફથી આશ્વાસન મળશે તો જ આ હડતાળ પાછી ખેંચી લેવામાં આવશે એવું અસોસિએશનનું કહેવું છે. ત્યાર બાદ પણ જો ડિમાન્ડ માનવામાં ન આવી તો ૩ જાન્યુઆરીથી બેમુદત હડતાળ પર જવાની અસોસિએશને ચીમકી આપી છે.

શું બન્યું હતું?

૨૩ નવેમ્બરે સાયનની શ્રી વલ્લભ આશ્રમ ઇંગ્લિશ સ્કૂલમાં ભણતા નવ વર્ષના વિરાજ પરમાર માટે સ્કૂલબસમાંથી બારીની બહારની બાજુ નમીને ખાસ મિત્રને ગુડબાય કહેવાનું જીવલેણ સાબિત થયું હતું, કારણ કે આમ કરવાને કારણે તેનું માથું હોર્ડિંગ સાથે ભટકાઈ જતાં તેને મરણતોલ ઈજા થઈ હતી અને તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં પેરન્ટ્સે સેફ્ટીનાં પગલાં લેવામાં આવ્યાં ન હોવાથી સ્કૂલ અને બસ-કૉન્ટ્રૅક્ટર પર આક્ષેપ કયોર્ હતો. આના અઠવાડિયા બાદ આરટીઓ દ્વારા ડ્રાઇવ લૉન્ચ કરવામાં આવી હતી અને ૧૫૦ જેટલી સ્કૂલબસના કૉન્ટ્રૅક્ટરોને દંડ કરવામાં આવ્યો હતો.

સ્કૂલબસ અસોસિએશનની આ વિશે શનિવારે મીટિંગ થઈ હતી જેમાં મુંબઈ, નવી મુંબઈ અને પનવેલના સ્કૂલબસ કૉન્ટ્રૅક્ટરો હાજર રહ્યા હતા. આ મીટિંગમાં તેમણે પોતાના પ્રૉબ્લેમો વિશે ચર્ચા હાથ ધરી હતી, જેમાં આરટીઓ દ્વારા સ્કૂલબસો સામે જે પગલાં લેવામાં આવી રહ્યાં છે એનો સામનો કરવો પડે છે એની પણ ગંભીર રીતે ચર્ચા કરવામાં આવી હતી. અસોસિએશન પોતાના પ્રૉબ્લેમને લઈને આજે મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણને પણ મળવાનું છે.

અસોસિએશન શું કહે છે?

મુંબઈ, થાણે, નવી મુંબઈ અને પનવેલમાં અંદાજે ૩૫૦૦ જેટલી બસો છે. દરેક બસમાં બસો જેટલા સ્ટુડન્ટ્સ અવરજવર કરે છે. આ બસનો સ્ટાફ ત્રણ શિફ્ટમાં કામ કરે છે. આવતી કાલની હડતાળ વિશે સ્કૂલબસ ઓનર્સ અસોસિએશન (એસબીઓએ)ના પ્રેસિડન્ટ અનિલ ગર્ગે કહ્યું હતું કે ‘સેફ્ટીના નિયમો જેણે બનાવ્યા છે તેમને સ્કૂલબસનું પ્રૅક્ટિકલ નૉલેજ નથી. બસડ્રાઇવરને ૧૫ વર્ષનો ડ્રાઇવિંગ કરવાનો અનુભવ હોવો જોઈએ એવા નિયમો તો બનાવવામાં આવ્યા છે, પરંતુ પાંચ વર્ષનો અનુભવ કાફી છે. વિન્ડોની બહાર જે સ્ટીલ-બાર બેસાડવાનું જણાવ્યું છે એનું અંતર પાંચ સેન્ટિમીટર જ હોવું જોઈએ એ નિયમ પણ યોગ્ય નથી.’

વધુમાં અનિલ ગર્ગે જણાવ્યું હતું કે ‘અધિકારીઓ પગલાં લે તો કૉમ્પ્રોમાઇઝ કરીએ છીએ, પરંતુ સત્તાવાળાઓ અમારી પોઝિશનની અવગણના કરી રહ્યા છે. અમે તેમને સ્કૂલબસની પૉલિસીના અમુક નિયમોમાં મામૂલી બદલાવ કરવાની માગણી કરી હતી પણ કોઈએ અમને સમર્થન નહોતું આપ્યું. અમે મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ અથવો તો બીજા કોઈ સરકારી અધિકારી પાસેથી બાંયધરી મળે એવી આશા રાખીએ છીએ. આશ્વાસન મળ્યા બાદ જ અમે હડતાળ પાછી ખેંચીશું.’

સેફ્ટીની ગાઇડલાઇન્સ શું છે?

સ્કૂલનાં બાળકો માટે બસ પીળા રંગની અને એની બૉડી સ્ટીલની હોવી જોઈએ. બસમાં ફસ્ર્ટ-એઇડ બૉક્સ અને બે ફાયર-એક્સ્ટિંગ્વિશર હોવાં જોઈએ. દરેક સ્કૂલબસમાં અટેન્ડન્ટ હોવો જોઈએ. આ ઉપરાંત છોકરીઓ માટે મહિલા અટેન્ડન્ટ પણ હોવી જોઈએ. બસમાં કેટલા સ્ટુડન્ટ્સ ટ્રાવેલ કરે છે તેમનું લિસ્ટ અને સ્ટુડન્ટ્સના પેરન્ટ્સનો કૉન્ટૅક્ટ નંબર, બ્લડ-ગ્રુપ જેવી વિગતો એ બસના સ્ટાફ પાસે હોવાં જરૂરી છે. બસની બારી પાસે ત્રણ આડા સ્ટીલના બાર લગાડવા જેની વચ્ચે પાંચ સેન્ટિમીટરથી વધુ અંતર ન હોવું જોઈએ.

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK