Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જલ જીવન મિશનમાં તમે સહયોગ આપશો?

જલ જીવન મિશનમાં તમે સહયોગ આપશો?

06 July, 2019 10:43 AM IST | મુંબઈ
રુચિતા શાહ

જલ જીવન મિશનમાં તમે સહયોગ આપશો?

જલ જીવન

જલ જીવન


સાંભળવી પડે અને સાંભળવી જ જોઈએ, કારણ કે પાણી ઍક્સેસ હોય ત્યારે જ એને બચાવવાનું હોય : ગઈ કાલે જ રજૂ થયેલા બજેટમાં ૨૦૨૪ સુધી દરેક ઘરમાં પીવાનું પાણી પહોંચાડવાની જાહેરાત થઈ છે અને એના માટે દેશના ઇતિહાસમાં પહેલી વાર જલ શક્તિ મંત્રાલયની પણ રચના કરવામાં આવી છે. આપણા વડા પ્રધાને પણ જળ બચાવોની ઝુંબેશ ચલાવી છે અને અમિતાભ બચ્ચન પણ અપીલ કરી રહ્યા છે ત્યારે મુંબઈમાં રહીને પાણી બચાવવા માટે તમે શું કરી શકો એ વિશે થોડી વાતો કરી લઈએ. 

જેમને ત્યાં ૨૪ કલાક પાણી આવતું હોય એવી કોઈ વ્યક્તિને પાણી માટે કહેવામાં આવે કે તમારે દરરોજ ચાર બાલદીમાં ચલાવવાનું છે તો તે વ્યક્તિ એને ગંભીરતાથી લે ખરી? સીધું એમ જ કહેને કે ‘જાને બકા, તું તારું કામ કરને.’ સ્વાભાવિક રીતે અભાવ વિના કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની કિંમત ન થાય એ માનવસ્વભાવ છે. ભલે મુંબઈમાં બે જ દિવસમાં આખા જૂનમાં પડતો વરસાદ વરસી ગયો હોય તો પણ એ હકીકતને નકારી ન શકાય કે આખા દેશમાં ઓવરઑલ ચોમાસું નબળું છે. અત્યારે ભલે વરસાદ વરસી રહ્યો હોય, પણ આવનારા સમયમાં વૉટર-ક્રાઇસિસ મોટું રૂપ લેશે અને એટલે જ વૈશ્વિક સ્તરે યોજાતી કૉન્ફરન્સિસમાં પાણીની ચર્ચા કરવી પડી રહી છે. વડા પ્રધાન બીજા મહત્ત્વના પ્રશ્નોને બાજુએ રાખીને લોકોને પાણી બચાવવાનું ઇજન આપતા હોય એ પણ જળની અગવડનું પ્રમાણપત્ર છે. જળ એ જીવન છે અને જળ જો જોખમમાં મુકાશે તો જીવન પણ જોખમમાં મુકાશે. સતત ભાગવા ટેવાયેલી મુંબઈની પ્રજાને શ્વાસ લેવાનો સમય તો માંડ મળે છે અને રોજેરોજના પ્રશ્નોમાં મગજ સતત રોકાયેલું રહેતું હોય ત્યારે તમારે પાણી બચાવવું એવું કોઈ આવીને કહે તો મનોમન કાનના નીચે એક ચમાટ લગાવવાનું મન થઈ આવે એ બનવાજોગ છે. જોકે આજે નહીં તો કાલે પાણી બચાવવાની દિશામાં મુંબઈવાસી તરીકે આપણે સૌએ સક્રિય બનવું પડશે અને કમ્મર કસવી પડશે. છૂટકો જ નથી. મુંબઈકર તરીકે પાણી બચાવવા માટે આપણે આપણા સ્તર પર શું કરી શકીએ એ વિશે ચર્ચા કરીએ.



બગાડ એ સ્ટેટસ સિમ્બૉલ?


નદીના પાણીથી લઈને સમુદ્રના પાણીના ઉપયોગમાં મુંબઈ અને ગુજરાતના વૉટર પ્રોજેક્ટ પર કામ કરનારા પર્યાવરણપ્રેમી અવિનાશ કુબલ કહે છે, ‘રીડ્યુસ, રીચાર્જ અને રીસાઇક્લિંગ દ્વારા પાણીને આપણે બચાવી શકીએ. રીડ્યુસ એટલે સીધું જે પ્રમાણમાં પાણી વાપરો છો એમાં કાપ મૂકો. બે બાલદીથી નાહતા હો તો એક બાલદી લો. વૉટર સેવ થાય એ પ્રકારના નળ ઘરમાં લગાવો. રીયુઝ એટલે કે વપરાયેલું પાણી ફરી કઈ રીતે વાપરી શકાય? કપડાં ધોયેલું પાણી ઘરમાં પોતું મારવામાં કામ લાગી શકે. શાકભાજી કે દાળ-ભાત ધોવામાં વપરાયેલું પાણી કુંડામાં વાપરી શકાય. આ રીતે એક જ પાણીનો બે-થી ત્રણ વાર કેવી રીતે ઉપયોગ થાય એની ચર્ચા કરો. ‌રીચાર્જ એટલે વરસાદમાં વરસતું પાણી વેસ્ટ ન થાય એ માટે રેઇન વૉટર હાર્વેસ્ટિંગ દ્વારા તમારા કૂવા અથવા બોરવેલને રીચાર્જ કરો. એ પાણી જમીનમાં જઈ શકે એવી વ્યવસ્થા કરો. મારો અનુભવ છે કે મુંબઈમાં ચાલીઓમાં રહેતા લોકો વરસાદમાં પાણીને પોતાની રીતે બચાવીને વાપરે છે. તેમનો પાણીનો વપરાશ ઓછો છે. જોકે ફ્લૅટમાં રહેતા આપણા ખાધેપીધે સુખી ગુજરાતીઓ પૈસાથી પાણી ખરીદી શકાય એ બાબતમાં થોડા મુસ્તાક છે. આ મેન્ટાલિટી બદલાવી જોઈએ. તમે પાણીનું બિલ ભરી શકો એ સારી બાબત છે, પણ પાણીનો આડેધડ ઉપયોગ કરીને સ્ટેટસ સિમ્બૉલ તરીકે તમારી સધ્ધરતાનો દુરુપયોગ ન કરો. પાણીના બગાડથી પૈસાનો પાવર છતો ન કરવો જોઈએ.’

ઑપ્શન આ પણ છે


મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પાણીના ઉપયોગ પર નિયંત્રણ રાખવા માટે કેટલાક નિયમો બનાવાયા છે, જેમ કે ૧૫૦ લીટર સુધી પાણીના નૉર્મલ ચાર્જ છે. ૧૫૦થી ૨૦૦ લીટર પાણીની વ્યક્તિગત ખપત થાય તો ચાર્જ બમણા થઈ જાય. મુંબઈ મહાનગરપાલિકાના હાઇડ્રોલિક એન્જિનિયર અશોક તાવડિયા કહે છે, ‘મુંબઈનું પાણીનું નેટવર્ક ૬૫૦૦ કિલોમીટરમાં વિસ્તરેલું છે. લગભગ ૮૦થી ૧૨૦ કિલોમીટરથી પાણી લાવીને પ્રોસેસ કરીને મુંબઈનાં ૨૫૮ ઝોનમાં પાણી પહોંચાડીએ છીએ. લગભગ પાણીનાં ૨૭ જળાશયો મુંબઈ અને એની આસપાસ છે, જ્યાંથી આ પાણીની સપ્લાય પહોંચે છે. રોજનું મુંબઈગરાઓને લગભગ ૩૮૦૦ મિલ્યન લીટર પાણી પહોંચે છે જેમાંથી ૨૫૦૦ મિલ્યન લીટર પાણી સ્યુએજમાં જાય છે, એટલે કે રોજબરોજની ઍક્ટિવિટીમાં વપરાય છે. મુંબઈગરા ધારે તો આ પાણીમાંથી બચત કરે તો ઘણુંબધું પાણી બચાવી શકે એમ છે.’

અત્યારે મુંબઈમાં અમુક જગ્યાએ ૨૪ કલાક પાણી આવે છે તો અમુક જગ્યાએ એકાદ કલાક જ પાણી આવે છે. આ અસમાનતા શું કામ એના જવાબમાં અશોકભાઈ કહે છે, ‘પાણી કયા જળાશયમાંથી પહોંચાડવામાં આવી રહ્યું છે એ મહત્ત્વનું છે, જેમ કે મલબાર હિલના જળાશયમાંથી વાલકેશ્વર અને નેપિયન સી રોડ ખાતે રહેતા લોકોને પાણી પૂરું પાડવામાં આવે છે એથી એ વધુ પ્રમાણમાં અને સારા ફ્લો સાથે મળશે તો સામા પક્ષે કોલાબામાં એનું પ્રમાણ ઓછું હોય. જોકે હવે અમે એમાં બદલાવ લાવવાના પ્રયત્ન કરીને ઇક્વલિટી બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ. પાણી બચાવવા માટે સૌથી વધુ અકસીર બાબત છે જાગૃતિ અભિયાન, જે હવે મુંબઈમાં શરૂ થયું છે અને ટૂંક સમયમાં એનું પરિણામ દેખાશે પણ ખરું. નવા બિલ્ડિંગમાં રેઇન વૉટર હાર્વેસ્ટિંગ કમ્પલ્સરી કરી દીધું છે. જોકે જૂના બિલ્ડિંગમાં પણ એની અમલબજાવણી શરૂ થઈ ગઈ છે. રેઇન વૉટર કૉસ્ટવાઇઝ લોકો પાછા પડતા હતા. જોકે હવે એમાં પણ બદલાવ આવ્યો છે.’

આ પણ વાંચો : કૉલમ: સંબંધોમાં સ્વાર્થ વાજબી છે

અનેક ધર્મો પણ આ જ કહે છે

પાણી બચાવવાની વાત માત્ર પર્યાવરણવાદીઓ જ નથી કરી રહ્યા, પણ ઘણાબધા ધર્મોમાં પણ પાણી બચાવવા વિશે ચર્ચા કરવામાં આવી છે. છેલ્લાં ઘણાં વર્ષથી પાણીની એકેય બુંદ પણ વેસ્ટ ન જાય એ માટે કૅમ્પેન ચલાવી રહેલા ૮૫ વર્ષના આબિદ સુરતી કહે છે, ‘હું જ્યારે પ્લમ્બર અને એક અસિસ્ટન્ટને લઈને લોકોના ઘરે-ઘરે જઈને ગળતા પાણીના નળ ઠીક કરાવતો ત્યારે લોકોને તાજ્જુબ થતું, હવે લોકો માટે એ નૉર્મલ થઈ ગયું છે. હવે લોકોને આ કાર્યમાં જોડાયેલા રાખવા માટે કંઈક નવો રસ્તો વિચારવો પડશે જે આપણા ધર્મગુરુઓએ કર્યો હતો. નસીબજોગે થોડાં વર્ષો પહેલાં આ વિચાર આવ્યો અને અમને કેટલાંક ધર્મપુસ્તકોમાં પાણી બચાવવા વિશે કહેવાયેલી વાતો રેફરન્સ તરીકે મળી. ઇસ્લામમાં કહેવાયું છે કે નહેરની બાજુમાં બેઠા હો તો પણ તમને પાણી બગાડવાનો અધિકાર નથી. જૈન, હિન્દુ, પારસી, ખ્રિસ્તી એમ દરેક ધર્મમાં પાણી બચાવવા વિશે પુષ્કળ વાતો થઈ છે. આપણે ત્યાં લોકો જાણે છે, સમજે છે પણ એને ઍક્શનમાં નથી લાવતા. એ બાબતમાં થોડા ગંભીર બનવાની જરૂર છે. તુલસી તમારા ઘરને બૅક્ટે‌‌રિયાથી મુક્ત રાખે છે અને વધુ ઑક્સિજન આપે છે એવું કહે તો લોકો ન માને, પણ શિવજીએ તુલસી લગાવવાનાં પુણ્ય દેખાડ્યાં છે તો લોકો એ કરશે. ધર્મમાં પાણી બચાવવા વિશે પણ ઘણું કહેવાયું છે જે હવે લોકો સ્વીકારશે. એ કીમિયો કામ લાગ્યો છે. એનાં અમે પોસ્ટર્સ બનાવીને પબ્લિક અવેરનેસ લાવી રહ્યા છીએ. જેની સીધી અસર અમને એક મસ્જિદમાં જોવા મળી. ત્યાં નમાઝ પઢવા જતાં પહેલાં હાથ-પગ ધોવાનો રિવાજ છે. આ પોસ્ટરની અસર વિશે ત્યાંના મૌલવીએ મને કહ્યું કે હવે પહેલાંની તુલનાએ ૮૦ ટકા પાણી બચી રહ્યું છે. સામાન્ય રીતે એક માણસ ધારે તો ચાર બાલદી પાણીમાં ચલાવી શકે એમ છે. હું રોજનું વધુમાં વધુ ચાર બાલદી વાપરું છું. જો મારા માટે આ શક્ય છે તો કોઈ પણ માટે એ શક્ય છે.’

આબિદ સુરતી બાળકોમાં પાણી બચાવવાની અવેરનેસ લાવ્યા છે અને તેમને સેવ વૉટરના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવ્યા છે. બાળકો પોતાના ઘરે પાણીનો બગાડ ન કરે એનું તેઓ ધ્યાન રાખી રહ્યા છે.

અત્યારે વરસાદ છે તો સૌથી પહેલાં રેઇન વૉટર હાર્વેસ્ટિંગ તમે વ્યક્તિગત ધોરણે અથવા સોસાયટી ધોરણે કેવી રીતે કરી શકો એની તપાસ કરો અને ગ્રાઉન્ડ વૉટર રીચાર્જિંગની દિશામાં પણ પગલાં લો.

આજકાલ ફુવારા જેવા નળ આવે છે જેમાં પાણી ઓછું વપરાય છે, પરંતુ પરપોટા વધુ થવાને કારણે એનો મૅક્સિમમ ઉપયોગ કરી શકાય. આ પ્રકારના નળ તમારા ઘરમાં ઇન્સ્ટૉલ કરો.

ઘરમાં વપરાતા પાણીનો રીયુઝ ક્યાં-ક્યાં થઈ શકે એનું લિસ્ટ બનાવો.

ટૂથબ્રશ અને શેવિંગ કરતી વખતે, વાસણ કે કપડાં ધોતી વખતે ચાલુ નળ રાખીને કામ કરવાને બદલે એક ગ્લાસમાં કે બાલદીમાં પાણી લઈને વાપરો.

ફ્લશ ટૅન્કમાં પણ જરૂર કરતાં વધુ પાણી ન વપરાય એ પ્રકારની સિસ્ટમ હવે ઉપલબ્ધ છે એ ઇન્સ્ટૉલ કરાવો.

દર વરસાદમાં તમારા બિલ્ડિંગનો બોરવેલ કે કૂવો તો રીચાર્જ થઈ જ જાય એટલી વ્યવસ્થા તો સોસાયટીના સભ્યોએ જઈને કરી જ લેવી જોઈએ.

તમારી સોસાયટીમાં જઈને પાણીનું મીટર ચેક કરો અને તમારા ઘરનું કેટલું પાણી વપરાય છે એના પર પણ નજર રાખો.

Whatsapp-channel Whatsapp-channel

06 July, 2019 10:43 AM IST | મુંબઈ | રુચિતા શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK