નવરાત્રિની ઝાકમઝાળ આખા ભારતમાં છે હોં!

Published: Oct 05, 2019, 15:06 IST | વર્ષા ચિતલિયા

પશ્ચિમ બંગાળમાં સિંદૂર ખેલા, ઓડિશાની અપરાજિતા પૂજા અને સિલ્વર ડેકોરેશન,મરાઠીઓની રાંગોળી અને ઘટસ્થાપના, સિંધીઓની દર્શનરાત ને પંજાબીઓના જગરાતા તેમ જ ઉત્તર પ્રદેશની રામલીલા નવરાત્રિનાં મુખ્ય આકર્ષણ છે.

દુર્ગાપૂજા
દુર્ગાપૂજા

પશ્ચિમ બંગાળમાં સિંદૂર ખેલા, ઓડિશાની અપરાજિતા પૂજા અને સિલ્વર ડેકોરેશન,મરાઠીઓની રાંગોળી અને ઘટસ્થાપના, સિંધીઓની દર્શનરાત ને પંજાબીઓના જગરાતા તેમ જ ઉત્તર પ્રદેશની રામલીલા નવરાત્રિનાં મુખ્ય આકર્ષણ છે. દેશભરમાં પરંપરાગત રીતે ઊજવાતી શારદીય નવરાત્રિની આવી જ બીજી રસપ્રદ વાતો જાણવા મળીએ કેટલાક નૉન-ગુજરાતીઓને

નવરાત્રિ એટલે મા જગદંબાની આરાધનાનું પર્વ. નવ દિવસ માતાજીનાં જુદાં-જુદાં સ્વરૂપની ઉપાસના કરવાની સદીઓ જૂની પરંપરા છે. માતાજીનો હવન અને ઉપવાસ કરવાની પ્રથા પણ આપણે ત્યાં જોવા મળે છે. શારદીય નવરાત્રિમાં લગભગ દરેક ગુજરાતીના ઘરમાં માટીના ગરબાની સ્થાપના અને આરતી થાય. રાત પડે ચોકમાં રાસ-ગરબાની રમઝટ જામે. જાત જાતનાં અને ભાત-ભાતનાં રંગબેરંગી વસ્ત્રો અને જ્વેલરી પહેરી ગરબા રમવા ખેલૈયાઓ આખું વર્ષ રાહ જોતા હોય છે. ગુજરાતીઓનાં હૈયાં અત્યારે હિલોળે ચડ્યાં છે. છેક શરદપૂનમ સુધી ગરબા ચાલશે તોય મન નહીં ભરાય. શું નવરાત્રિની આવી ધમાકેદાર ઉજવણી માત્ર ગુજરાતીઓ જ કરે છે?

વાસ્તવમાં દૈવી શક્તિની પૂજા ભારતની પ્રાચીન સંસ્કૃતિ છે. શારદીય નવરાત્રિ દરમ્યાન ભારતભૂમિમાં વિવિધ રૂપમાં દૈવી શક્તિની ભક્તિ થાય છે. ગામે-ગામે બોલી બદલાય એમ માતાજીની સ્થાપના અને પૂજામાં પણ જુદી રીત અને પરંપરા જોવા મળે છે. દેશનાં વિવિધ રાજ્યોમાં નવરાત્રિની પરંપરાગત ઉજવણી કઈ રીતે થાય છે તેમ જ કેવી પ્રથાને અનુસરવામાં આવે છે એ જાણવા ચાલો મળીએ કેટલાક નૉન-ગુજરાતીઓને.

નવ દિવસ રામલીલાનાં નાટકો અને વિજયાદશમીના દિવસે રાવણદહન : શિવાની સિંહ

યુપીમાં ઊજવાતી નવરાત્રિ અને બાળપણની વાતો યાદ કરતાં વસઈનાં ગૃહિણી શિવાની સિંહ કહે છે, ‘કાનપુરમાં તો ખૂબ જ મોટા પાયે આયોજન થાય છે. રાત પડે ને દુર્ગામાના પંડાલમાં ભક્તોની મંડળી જામે. આખી રાત ભજન-કીર્તન થાય. અત્યાર સુધી સ્થાનિક લોકો જ કીર્તન કરતા હતા, પણ હવે ખાસ્સો ખર્ચ થાય છે. થોડાં વર્ષથી મુંબઈના પ્રોફેશનલ સિંગરોને પણ બોલાવાય છે. માતારાનીના ભજનમાં પૂડી (પૂરી) અને ખીરનો ભોગ ધરાવાય. અષ્ટમીના દિવસે હવન, કન્યાપૂજન અને ભંડારાનું આયોજન થાય. કેટલાક પંડાલમાં નવમીના દિવસે હવન થાય છે. આ ઉપરાંત નવ દિવસ સુધી મોટા મંચ પર રામલીલાનાં નાટકો ચાલે. હનુમાનજી બનનારા કલાકારનો અભિનય જોવા ટોળું વળીને ભક્તો ઊભા રહે. ગિરદી એટલી હોય કે તમને દેખાય નહીં કે મંચ પર શું ચાલી રહ્યું છે. બચપન મેં પાપા હમે કંધે પર બિઠાકે લે જાતે થે. હનુમાનજી કી ગદા ઔર મેલે મેં મિલનેવાલે ખિલૌને આજ ભી યાદ હૈ. વિજયાદશમી અહીંનો સૌથી મોટો તહેવાર છે. આ દિવસે વિશાળ મેદાનમાં મેળો ભરાય. મગફળી ખાતાં-ખાતાં આખા મેદાનમાં ફરવાનું. કાનપુરના ચાટ બહુ ફેમસ છે. પાનીવાલે બતાસે (પાણીપૂરી) અને આલૂચાટ માટે લાંબી લાઇન લાગે. રાવણના પૂતળાનું દહન જોવા જનમેદની ઊમટે. સાંજથી ચારે બાજુ શોરબકોર અને ચહલપહલ ચાલતી હોય. રાત પડે એટલે બધા રાવણના પૂતળા સામે ભેગા થાય. વિજયાદશમીની આવી ઉજવણી અને રાવણદહન તમને મુંબઈમાં ક્યાંય જોવા ન મળે.’

ચંડીગઢમાં નવો રેકૉર્ડ બનશે?

આ વર્ષે ચંડીગઢમાં નવો રેકૉર્ડ બને એવી શક્યતા છે. આઠમી ઑક્ટોબર, ૨૦૧૯ના દશેરાના દિવસે ચંડીગઢના ધાનાસમાં આવેલી ઇડબલ્યુએસ કૉલોનીના ગડ્ડા ગ્રાઉન્ડમાં ૨૨૧ ફીટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવાની આયોજન કરવામાં આવ્યું છે. અંબાલાના બારામાં આવેલી રામલીલા ક્લબના તેજિન્દર ચૌહાણે આ પૂતળાનું સર્જન કર્યું છે. આટલા ઊંચા પૂતળાનું સર્જન કરી તેજિન્દરે પોતાનો જ અગાઉનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. સાત હજાર કિલો વજન ધરાવતા આ પૂતળાને બનાવવા તેમની ટીમના ૨૦ મેમ્બરોએ છ મહિનાનો સમય લીધો છે. પૂતળાની સુરક્ષા કાજે બે એજન્સીના ૩૦૦ બાઉન્સરો અને ૫૦૦ સ્વયંસેવકો તહેનાત કરવામાં આવ્યા છે. બધું સમુસૂતરું પાર પડશે તો રાવણદહનનો નવો રેકૉર્ડ સ્થાપિત થશે.

દુર્ગાપૂજાની રોનક અને સિંદૂર ખેલા જોવા કલકત્તા જવું પડે : નિકિતા મુખરજી

દુર્ગાપૂજાની રોનક જોવી હોય તો કલકત્તા જવું પડે એમ ઉત્સાહભેર જણાવતાં નાલાસોપારાનાં બંગાળી ગૃહિણી નિકિતા મુખરજી કહે છે, ‘વેસ્ટ બંગાળમાં ઠેર ઠેર ભવ્ય પંડાલ, દેવીની ઊંચી પ્રતિમાઓ અને રંગોની છટા જોવા મળે. ષષ્ઠી (છઠ્ઠું નોરતું)ના દિવસે દુર્ગામાતાનું ભવ્યાતિભવ્ય આગમન થાય. માતાની સાથે તેમનાં સંતાનો ગણપતિ, કાર્તિકેય, સરસ્વતીજી અને લક્ષ્મીજીની પધરામણી થાય. પાંચ દિવસ આરતી અને ભોગ ધરાવાય. ભોગમાં મીઠા ભાત, વિવિધ જાતનાં શાકભાજી નાખી બનાવેલી ખીચડી, બેસનમાં બોળી ફ્રાય કરેલાં રીંગણ અને આલૂ આપણા મુંબઈનાં વડાપાંઉ જેવાં હોય. માતાની બાજુમાં સિંહાસન પર કુંવારી કન્યાઓને બેસાડી પૂજન કરવાની પ્રથા છે. અષ્ટમી અને દશેરાના દિવસે બંગાળી મહિલાઓ વાઇટ ઍન્ડ રેડ સાડી પહેરવાનું પસંદ કરે છે. ગુજરાતમાં રાતે ગરબા થાય એ રીતે અમે ધુલી નૃત્ય કરીએ છીએ. સૌથી મુખ્ય પરંપરા એટલે સિંદૂર ખેલા. કહેવાય છે કે ચાર દિવસ દુર્ગામાતા પિયર આવે છે. પાંચમા દિવસે (દશેરાના દિવસે) તેમને સાસરે જવા વિદાય આપવામાં આવે ત્યારે માતાના માથા પર સિંદૂરથી તિલક કરવામાં આવે છે. છેલ્લે માતાના મોઢામાં કલકત્તાનું મીઠું પાન મૂકી વિદાય આપવામાં આવે. અમારે ત્યાં પાન ખાવાનો રિવાજ છે. રામ-રાવણનું યુદ્ધ થયું ત્યારે રાવણે દુર્ગામાતાની ભક્તિ કરી હતી તેથી રાવણની પણ પૂજા થાય છે. મુંબઈમાં આવી રોનક જોવા દર વર્ષે અમે બૉલીવુડ સ્ટાર કાજોલ અને રાની મુખરજીના પરિવાર દ્વારા આયોજિત પંડાલમાં જઈએ છીએ. અહીં પરંપરાગત રીતે દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવે છે તેથી આખા મુંબઈના બંગાળીઓ ભેગા થાય છે.’

દર્શન રાત સુધી રસોઈમાં મગ અને શ્રીફળ ન વપરાય : અનીતા સાની મહેતા

ઘાટકોપરનાં ગૃહિણી અનીતા સાની મહેતા ઉત્સાહમાં આવીને કહે છે, ‘નવરાત્રિમાં સિંધીઓના ઘરમાં થોડો ગુજરાતી ટચ જોવા મળે છે, કારણ કે અમે મૂળ પાકિસ્તાનના કરાચીથી ગુજરાતમાં આવ્યા છીએ અને મેં તો લગ્ન પણ ગુજરાતી સાથે કર્યાં છે. અમારાં કુળદેવી વારાહી માતાનું મૂળ મંદિર પાડોશી દેશમાં હતું. મુંબઈમાં કાંદ‌િવલી (વેસ્ટ)માં છે. નવરાત્રિ દરમ્યાન સિંધી પરિવારમાં માતાજીની સ્થાપના સાથે ગરબો હોય. ગરબાની અંદર મગ ભરવાનો રિવાજ છે. દર્શન રાત એટલે કે સાતમા નોરતાની રાત સુધી અમારા રસોડામાં મગ અને શ્રીફળનો વપરાશ ન થાય. તળેલી વસ્તુ પણ ન બને. નવરાત્રિમાં બધી જગ્યાએ માતાજીના મંદિરમાં દર્શન ખુલ્લાં હોય, જ્યારે વારાહી માતાના મંદિરનાં કમાડ સાત દિવસ માટે બંધ રાખવામાં આવે છે. કહે છે કે નવરાત્રિના પ્રથમ સાત દિવસ દરમ્યાન ધરતી પરથી દાનવો અને અસુરોનો સંહાર કરવા માતાજી સાધનામાં બેઠાં હોય છે. સાતમા નોરતે મંદિરના દરવાજા ખૂલે તેથી અમે એને દર્શન રાત કહીએ છીએ. આ દિવસે ઘરમાં ગળ્યા મગ અને તાઇરી (ગળ્યા ભાત)નો પ્રસાદ બને. તાઇરીમાં કેસર, એલચી અને ડ્રાયફ્રૂટ્સ નાખવામાં આવે છે. એ દિવસે ગૅસ પર તાવડો મુકાય અને પૂરી તેમ જ ભજિયાં બને. નવ નિયાણી (કન્યા)ને જમાડવાની પ્રથા પણ ખરી. દશેરાના શુભ દિવસે તમારા પ્રોફેશન અનુસાર પૂજન થાય. દાખલા તરીકે કોઈને ઇલેક્ટ્રિકલ્સનો બિઝનેસ હોય તો માતાજીની સન્મુખ ઇલેક્ટ્રિક પ્રોડક્ટ મૂકી પૂજા કરે, ટીચિંગ ફીલ્ડમાં હોય તો પુસ્તકની પૂજા કરે.’

ઓડિશામાં ચક્ષુદાન સેરેમની અને અપરાજિતા પૂજાની નોખી પરંપરા છે - પદ્માલયા નાયક

અમારે ત્યાં શારદીય (શરદ ઋતુ) અને વાસંતીય (વસંત ઋતુ) એમ બન્ને દુર્ગાપૂજા થાય છે એમ જણાવતાં વિરારનાં ઓડિશી ગૃહિણી પદ્માલયા નાયક કહે છે, ‘નૉર્થ-ઈસ્ટનાં રાજ્યોમાં દેવીપૂજાનું અનેરું મહત્વ છે. ઓડિશામાં તો બે જ મુખ્ય તહેવાર છે, રથયાત્રા અને દુર્ગાપૂજા. આખા રાજ્યમાં તમને એક પણ એવી ગલી જોવા નહીં મળે જ્યાં દુર્ગા પંડાલનું આયોજન ન હોય. નોરતાં શરૂ થાય એ પહેલાં આંખ સિવાય દુર્ગાની આખી પ્રતિમાને કલર કરી દેવાય છે. પ્રથમ નોરતે મહાલયા હોય. આ દિવસે માતાની આંખોને કલર કરવામાં આવે. કલર બાદ ચહેરાને ઢાંકી દેવાય. છટ્ઠા દિવસે વહેલી સવારે પંડિત પ્રાણ પ્રતિષ્ઠા કરાવે ત્યારે ચહેરો ખુલે. એને ચક્ષુદાન સેરેમની કહે છે. અષ્ટમીના દિવસે ખેચુરી (ખીચડી) ભોગ અને નવમીના માછલીનો પ્રસાદ ધરાવાય છે. દસમીના દિવસે વિવિધ પ્રકારનાં ગળ્યાં ભોજન બને. સૌથી મહત્વની પરંપરા છે અપરાજિતા પૂજા. માન્યતા અનુસાર પ્રભુ રામે લંકા જતાં પહેલાં દુર્ગામાતાને પ્રસન્ન કરવા અપરાજિતા નામના પર્પલ ફૂલથી પૂજા કરી હતી. ક્ષત્રિયો યુદ્ધમાં જતાં પહેલાં દેવીને આ ફૂલ વડે પ્રસન્ન કરે તો અપરાજિત થઈને આવે એવી માન્યતા છે. ઍગ્ર‌િકલ્ચર સ્ટેટ હોવાના કારણે દશેરાના દિવસે શસ્ત્રપૂજા થાય છે. ખેતીવાડીને લગતાં સાધનો અને વાહનોની પૂજા થાય. ઓડિશાનું સિલ્વર વર્ક અને ડેકોરેશન આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. દુર્ગામાતાના ક્રાઉન અને પંડાલના ડેકોરેશન પાછળ કરોડોનો ખર્ચ થાય છે. સોના-ચાંદીથી આખા પંડાલને કવર કરી દે. મહિલાઓ સાંજે વહેલી રસોઈ બનાવી આખી રાત પંડાલોમાં ફરે. આવી ઝાકમઝાળ મુંબઈમાં જોવા નથી મળતી તેથી બે-ત્રણ વર્ષે એક વાર જઈએ.’

પંજાબના જગરાતામાં માતારાનીની ભેટેં ગાવાનો મહિમા છે - રેણુ ટંડન

બોરીવલીનાં પંજાબી ગૃહિણી રેણુ ટંડનને ગુજરાતીઓના ગરબા જોઈ જગરાતા યાદ આવી જાય છે. પંજાબમાં ઊજવાતી નવરાત્રિ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘નવરાત્રિ એટલે નવ રાતના ઉજાગરા. આખી રાત તમે જેમ ગરબા રમી માતાજીને રીઝવો છો એ જ રીતે અમે પણ આખી રાત માતા વૈષ્ણોદેવીની ભેટેં (ભજન) ગાઈને તેમની આરાધના કરીએ છીએ. નરેન્દ્ર ચંચલની ભેટેં તો તમે સાંભળી જ હશે. મંદિરો, મહોલ્લા અને રહેવાસી સોસાયટીઓમાં માતારાનીનો ફોટો મૂકી સાર્વજનિક જગરાતાનું આયોજન થાય છે. દરરોજ જુદી-જુદી જગ્યાએ જગરાતા થાય. સાથે ચા-નાસ્તાની વ્યવસ્થા પણ હોય. જગરાતાના અંતે તારારાનીની કથા સાંભળવાની પરંપરા ઘણી જૂની છે. રાજકુમારી તારારાનીની કહાની વગર જગરાતા અધૂરા કહેવાય. નોરતાના પ્રથમ સાત દિવસ ભક્તો ઉપવાસ કરે છે. અષ્ટમી અથવા નવમીએ સાત-આઠ વર્ષની ઉંમરની કન્યાઓના પગ ધોઈ તેમના હાથમાં લાલ દોરો બાંધ્યા બાદ ઉપવાસ તોડી શકાય. કન્યાઓને હલવા-પૂડીનો પ્રસાદ અને ભેટ આપવામાં આવે. આ વિધિને અમારે ત્યાં કંજિકા કહે છે. નવરાત્રિ દરમ્યાન ઘરમાં કાંદા-લસણવાળી રસોઈ બનતી નથી. ઘરમાં કોઈ સ્થાપના હોતી નથી, પરંતુ છેતરી પૂજાનું મહત્વ છે. નવરાત્રિના બે-ત્રણ દિવસ અગાઉ માટીની અંદર ઘઉં વાવી રોજ પાણી રેડવામાં આવે. ધીમે-ધીમે ઘઉં ઊગી નીકળે. છેતરી પર લાલ દોરો અને લાલ ચૂંદડી બાંધીને સવાર-સાંજ દીવાબત્તી કરવાની પ્રથા છે. હવે તો પંજાબ જવાનું ઓછું થઈ ગયું છે, પણ નવરાત્રિમાં જગરાતાને મિસ કરીએ છીએ.’

ગયા વર્ષે થયો હતો આ રેકોર્ડ

હરિયાણાના પંચકુલામાં ગયા વર્ષે ૨૧૦ ફીટ ઊંચા રાવણના પૂતળાને સળગાવવામાં આવ્યું હતું જે અત્યાર સુધીનો રેકૉર્ડ છે. દશેરાના દિવસે એક જ સ્થળ પર પૂતળા સળગાવવાની મહત્તમ સંખ્યા પચાસ છે. ૨૧ ઑક્ટોબર, ૨૦૧૮ના ઉત્તર પ્રદેશના લખનઉની ખુંખુંજી ગર્લ્સ ડિગ્રી કૉલેજના ગ્રાઉન્ડમાં ૪૦ ફીટ ઊંચા રાવણ અને મેઘનાથના પૂતળાની સાથે વીસ ફીટ ઊંચાં રાવણનાં ૪૮ પૂતળાંને પણ બાંધીને સળગાવવામાં આવ્યાં હતાં. એકસાથે પચાસ પૂતળાંના દહનના કાર્યક્રમનું આયોજન લખનઉની શ્રી શિશુબાલ રામલીલા સમિતિએ કર્યું હતું. ઇન્ડિયા બુક્સ ઑફ રેકૉર્ડ્સે ૨૦ જુલાઈ, ૨૦૧૯ના આ રેકૉર્ડની પુષ્ટિ કરી હતી.

નવરાત્રિ મ્હણજે દેવી અંબાચી મૂર્તિ, ઘટપૂજા આણિ રાંગોળી : પ્રતીક્ષા માને

નવરાત્રિમાં મરાઠીઓ દેવી અંબાની મૂર્તિનું સ્થાપન કરે છે એમ શ્રદ્ધાપૂર્વક જણાવતાં વિરારનાં મરાઠીભાષી ગૃહિણી પ્રતીક્ષા માને કહે છે, ‘મહારાષ્ટ્રિયન પરિવારમાં પરંપરાગત રીતે મા જગદંબાની પૂજાઅર્ચના થાય છે. અંબામાની મૂર્તિની બાજુમાં ઘટનું સ્થાપન થાય. ગુજરાતીઓ જેમ મોળાકાતમાં જુવારા વાવે છે એ જ રીતે માટીના કુંડામાં મુંગ, ચવલી, મટકી (મગ, ચોળી, મઠ) અને તાંદુળ (ચોખા) નાખી જુવારા ઉગાડવામાં આવે. આ ઉપરાંત તાંબાના કળશમાં પાણી ભરી આંબાના પાન પર શ્રીફળ મૂકવાનું. આ બન્ને વસ્તુ દેવીની મૂર્તિની બાજુમાં ગોઠવી ચારે તરફ રંગોળી બનાવવાની. નવરાત્રિમાં ખાસ ફૂલોની રંગોળી કરવામાં આવે છે. હા, દરવાજે ગેંદાના ફૂલનું તોરણ તો જોઈએ જ. સાંજે વિવિધ પ્રકારનાં ફ્રૂટ્સનો ભોગ ધરી સંધ્યા આરતી કરવાની પ્રથા છે. અમારામાં સુહાગનના શૃંગારની વસ્તુનું ખૂબ મહત્વ છે. અંબામાને ચૂંદડી, હિરવી બંગડી, મંગળસૂત્ર, ચાંદલાનાં પૅકેટ વગેરે ધરવાનું. અષ્ટમીના દિવસે કન્યાઓને મીઠું ભોજન અને ભેટ આપવાનો રિવાજ છે. મોટા ભાગની મહિલાઓ નવ દિવસ અથવા કન્યાભોજન સુધી માત્ર ફ્રૂટ્સ ખાઈને વ્રત કરે છે. દશેરાના દિવસે સોનેરી બૉર્ડરવાળી હિરવી સાડી અથવા નવવારી સાડી પહેરીને વડીલોના આશીર્વાદ લેવાની પંરપરા છે. આ દિવસે અમે એકબીજાને આપ્ટેનાં પાન (કદંબના વૃક્ષનાં પાન) આપી કહીએ સોના ઘ્યા બાઈ સોના ઘ્યા. આડોશપાડોશમાં પણ આપ્ટેનાં પાન વહેંચી શુભેચ્છા પાઠવીએ. સામાન્યમાં સામાન્ય પરિવારની મરાઠી મહિલા પણ દશેરાના દિવસે સોનું તો ખરીદશે જ.’

કુલુમાં થાય છે આંતરરાષ્ટ્રીય દશહરા ફેસ્ટિવલ

હિમાચલ પ્રદેશનો આંતરરાષ્ટ્રીય દશહરા કુલુ ફેસ્ટિવલ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આખા દેશમાં દશેરાની સમાપ્તિ થાય છે જ્યારે અહીં સાત દિવસનો અનોખો ઉત્સવ શરૂ થાય છે. આ દિવસે હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈ હાથમાં તુરહી, બિગુલ, ઢોલ, નગારાં, વાંસળી જેવાં વાદ્યો લઈને ગ્રામીણ દેવતાની પૂજા કરવા નીકળે છે. ગ્રામીણ દેવતા અને ભગવાન રઘુનાથજીની પ્રતિમાને પાલખીમાં બેસાડી રથયાત્રા નીકળે છે. અહીંના લોકોનું માનવું છે કે દશેરાના અવસર પર પૃથ્વી પર એક હજાર દેવી-દેવતાઓનું આગમન થાય છે. અહીંની સ્થાનિક પ્રજા દેવી-દેવતાનું રૂપ ધારણ કરે છે.

રથયાત્રા દરમ્યાન કુલુ નાટીનું આયોજન કરવામાં આવે છે જેમાં મહિલાઓ નૃત્ય કરે છે. આ ઉત્સવ હિમાચલ પ્રદેશની કળા, સંસ્કૃતિ અને ધાર્મિક આસ્થાનું પ્રતીક છે. આ વર્ષે અંદાજે ૪૦૦૦ મહિલાઓ એકસાથે નૃત્ય કરશે. આ ફેસ્ટિવલના નામે અનેક રેકૉર્ડ છે અને દર વર્ષે નવા રેકૉર્ડ ઉમેરાતા જાય છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK