Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > આજનો પુરુષાર્થ આવતી કાલનું ભાગ્ય છે

આજનો પુરુષાર્થ આવતી કાલનું ભાગ્ય છે

20 October, 2012 06:56 AM IST |

આજનો પુરુષાર્થ આવતી કાલનું ભાગ્ય છે

આજનો પુરુષાર્થ આવતી કાલનું ભાગ્ય છે




મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર





‘હે મારી ચંપાકલી,’ ચંબુએ વાત ઉપાડી. ‘તારા આ કરમાયેલા ચંપાના ફૂલ જેવો ચહેરો જોઈ મારું હૈયું ગદ્ગદિત બની ગયું છે. આંસુ આવું-આવું થાય છે, પણ આવતાં નથી. હૈયાના કૂવામાં હોય તો આંખના હવાડામાં આવેને! આટલી ગરીબાઈમાં હું પણ કોઈનાં આંસુ જોઈ ન શકું. એય તું ફિકર ન કર. યુ નો મરીઝનો એક શેર છે.’

 ‘હેં, મરીઝે વળી ક્યારે ઇશ્યુ બહાર પાડ્યો અને એક જ શૅર? એવી તે વળી કઈ કંપની? શૅરનો બજારભાવ શું છે?’



‘અરે મારી બુદ્ધિવિહીન છમ્મક છલ્લુ, મરીઝનો શેર એટલે મરીઝ નામનો એક મોટો શાયર હતો.’

‘મોટો એટલે કેટલી ઉંમરનો?’

‘તું મારી જબરી નસ ખેંચે છે. અરે મોટો એટલે મહાન અને તેની મસ્ત શાયરી સાંભળ.

મરણવેળાની આ ઐયાશી મને નથી ગમતી મરીઝ...

‘વાહ... વાહ...’

મરણવેળાની આ ઐયાશી મને નથી ગમતી મરીઝ

હું આરામથી સૂતો રહું ને ઘર આખુંય જાગ્યા કરે

‘બરાબર, મરીઝ કંઈ ખોટું ન બોલે. તું પણ જો આ રીતે કાયમ માટે સૂઈ જાય ને તને અમારું જાગવું ન ગમે તો સવાર સુધી તો અમે પણ તારી સાથે જ સૂઈ જઈએ. ફેર એટલો પડે કે અમે સવારે ઊઠીએ અને તું તો એ પહેલાં કાયમ માટે ઊઠી ગયો હોય. તને સવારે વ્યવસ્થિત સ્મશાને પહોંચાડ્યા પછી જ બધાને રાહત મળે. ઍન્ડ યુ નો, જાગ્યા ત્યારથી સવાર જેટલું સાચું છે એટલું જ ઊઠ્યાં ત્યારથી રાત પણ સાચું જ છે. અરે ચંબુડા, ઊંઘ એ પણ મૃત્યુનું નાનકડું રિહર્સલ જ છે. એક વાત કહું, દરેકને ઉપર આવવું છે પણ કોઈને ઉપર જવું ગમતું નથી. છતાં આટલી જિંદગીમાં આપણે તો ઉપર પણ ક્યાં આવ્યાં?’

‘ઉતાવળ ન કર વહાલી. એક વાર આ બકરીબજાર બની ગયેલું શૅરબજાર ઉપર આવશે તો આપણે પણ જરૂર ઉપર આવશું.’

‘તંબૂરો ઉપર આવશું? ઉપર આવશું એ પહેલાં ઉપરવાળા પાસે ઉપર પહોંચી જાશું જરૂર...’ ચંપાએ સટાક કરતી ઉઠાઈને આપી દીધી.

‘અરે દુલારી; આવા અજ્ઞાની, અશુભ, અનિષ્ટ વિચાર તારી વાણીમાં જન્મ શું કામ લેતા હશે? હે ભગવાન, તને ભાગ્ય કે ભગવાન પર ભરોસો નથી?’

‘ના, ચંબુ. બધું જો ભગવાન જ કરે તો તારું કૉન્ટ્રિબ્યુશન શું? મહેનત-પુરુષાર્થ નહીં કરવાનો? ચંબુ, માત્ર ભાગ્ય પર ભરોસો રાખી ભાગ્ય ન સુધારી શકાય. આજનો પુરુષાર્થ એ આવતી કાલનું ભાગ્ય છે.’

‘તો પછી ગઈ કાલનો પુરુષાર્થ આજનું ભાગ્ય કેમ ન બન્યો દેવી?’

‘એટલે?’

‘એટલે પ્યૉર ગુજરાતીમાં કહું તો મેં કેટલો પુરુષાર્થ કરી, સંપૂર્ણ મહેનત કરી ગુજરાતી સાહિત્યમાં પૂરો રસ લઈ, ગુજરાતી વિસયમાં આગળ વધ્યો. સાહિત્ય પરિસદનો સભ્ય બન્યો. ધીરે-ધીરે બાળકોની ગુજરાતી ભાસા સુધરે એ માટે એ સ્કૂલમાં નોકરીની અરજી કરી તો પાશ ના કરી ને પેલો ચંપક છઠ્ઠીમાં ચાર વાર નાપાશ થયો તો પણ આજે પ્રિન્શિપાલ. અરે, ગુજરાતી સાહિત્ય પરિઇદે તો મને શ્નાતકની ઉપાધિ આપી. આ અન્યાય નથી તો સું છે? જેને આપણી ભાસા વિશે પૂરું જ્ઞાન જ નથી એ પ્રિન્શિપાલ... છી.’

(સટાક) હે દેવી (ચંબુનું ગુજરાતી આપણને તાવ લાવી દે) પેલા પૂજારીઓ મંદિરના અન્નકૂટના થાળના થાળ ખાઉધરાની જેમ ખાઈ જાય છે ને આપણે પ્રસાદ તરફ દૃષ્ટિ પણ કરીએ તો એ લોકો પ્રાણ, પ્રેમ ચોપડા કે જીવન જેવા વિલન બની જીવનમાં વચ્ચે આવે છે. (સટાક) એ લોકો ‘બરફી’ના ટુકડા પેટમાં પધરાવતા જાય ને આપણે થિયેટરમાં પણ ‘બર્ફી’ ન જોઈ શકીએ. (સટાક) એ લોકો મીઠાઈનાં બૉક્સનાં બોક્સ ઉદરમાં ખાલી કરી કાઢે ને આપણા ભાગમાં ચણા-મમરા પણ ન આવવા દે. (સટાક) અરે આપણા રાષ્ટ્ર(ના)પતિ ૩૬૪ ખંડવાળા ભુલભુલામણીવાળા વિશાળ મહેલમાં રહે (કયા નંબરના ખંડમાં બેઠા છે એની પણ પૂરી ખબર ન હોય) ને તારા પતિના નસીબમાં એક નાનકડું ઝૂંપડું પણ નહીં (સટાક). અરે એ લોકો આપણું લોહી પીને ગાલ લાલ રાખે ને આપણે તમાચો ખાઈને ગાલ લાલ રાખવાના (સટાક). એ લપોડશંખો મંગળ પર જીવન છે કે નહીં એ શોધે છે પણ જીવનને મંગળ નથી બનાવી શકતા. આને કહેવાય ઈશ્વરનો આપણા પર ચાલતો ઘોર અન્યાય. (સટાક સટાક સટાક...)’

 આવા કેટલાય સટાકોના વિચારોની રમઝટ માતાજીના ગરબાની જેમ ચાલુ થઈ છે, પણ વધુ ગરબા આવતા શનિએ. અત્યારે તો બોલો અંબે માત કી જય...

શું કહો છો?
Whatsapp-channel Whatsapp-channel

20 October, 2012 06:56 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK