Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નવી સદીની નવી સલાહ :ઝાઝાં કામ છે રળિયામણાં

નવી સદીની નવી સલાહ :ઝાઝાં કામ છે રળિયામણાં

28 March, 2020 05:19 PM IST | Mumbai
Sanjay Raval

નવી સદીની નવી સલાહ :ઝાઝાં કામ છે રળિયામણાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજના સમયમાં સૌથી વધારે કામ લોકો કરે છે અને એટલી જ સામે ભાગદોડ પણ કરે છે. મુંબઈ, અમદાવાદ કે પછી રાજકોટ, જામનગર કે ભાવનગર જેવાં પ્રમાણમાં નાનાં કહેવાય એવાં બધાં શહેરોનું વર્ક-કલ્ચર બદલાઈ ગયું છે અને આ વર્ક-કલ્ચર માત્ર ગુજરાત કે મહારાષ્ટ્રમાં નહીં, આખા દેશમાં બદલાયું છે, જેનું કારણ છે સમય બદલાયો છે અને એ સમયથી આપણે બધા પણ બદલાઈ ગયા છીએ. જો વાત કામની હોય તો હવે એવું માનવામાં નથી આવતું કે દિવસમાં માત્ર૮ કે ૧૨ કલાક જ કામ કરવું પડે. હવે એવું માનનારાઓ ઓછા થઈ ગયા છે કે કામના કલાકો ફિક્સ હોય અને એ ફિક્સ કલાકો પૂરતું જ કામ કરવું જોઈએ. ના ઘરેથી કામ કરતા હો તો પણ કામના કલાકો ફિક્સ નથી હોતા અને એવું પણ બને કે ઘરેથી કરતા હો તેણે કામ માટે ઑફિસ કરતાં પણ વધારે સમય આપવો પડે.

એક પ્રકારની આ હેલ્ધી કૉમ્પિટિશન છે અને એ જરૂરી છે એ પણ એકદમ સાચું છે. એમાં કશું ખોટું પણ નથી. આગળ વધવા માટે વધારે કામ કરો અને આગળ વધો તો એમાં કોઈને પ્રૉબ્લેમ ન હોવો જોઈએ. આટલો સ્વાર્થ તો કોઈ પણ પોતાને માટે રાખી શકે, દરેકને એનો હક હોવો જોઈએ. આ સિવાયનો મુદ્દો પણ અવગણી શકાય એમ નથી. આજનો સમય સ્પર્ધાત્મક છે, હેલ્ધી કૉમ્પિટિશનનો આ યુગ છે. જો તમે કામ નહીં કરો તો તરત જ સામેની વ્યક્તિ તમારો ઑપ્શન શોધી લેશે. આ પણ લગભગ નક્કી જ છે એટલે સતત કામ કરતા રહેવું એ સ્પર્ધામાં રહેવા સમાન છે. જો સ્પર્ધામાં ન રહેતા હો તો તમારે જ નક્કી કરી લેવાનું કે તમે આગળ નહીં વધો, પણ તમારી જ કોઈ વ્યક્તિ આગળ વધશે. પછી એ તમારો હરીફ પણ હોઈ શકે અને તમારો ફ્રેન્ડ પણ હોઈ શકે.



હું કહીશ કે કામની વાત આવે ત્યારે ઘડિયાળના કાંટા સામે જોવાનું નહીં. ડૉક્ટર કે પોલીસને ક્યારેય સમય મુજબ કામ કરતા જોયા છે ખરા? તેમની ઇમર્જન્સી ખરેખર સાચા અર્થમાં ઇમર્જન્સી જ હોય છે. જો એ લોકો ૨૪ કલાક કામ કરી શકતા હોય તો આપણે શા માટે નહીં? આપણી સરહદ પર ફરજ બજાવતા સૈનિકો જો ૨૪ કલાક કામ કરી શકતા હોય તો આપણે કેમ નહીં? શાને માટે કામના કલાકો હોવા જોઈએ અને એ પછી પણ કામના કલાક રાખીને ફરનારાઓનો પણ તોટો નથી.


કામ તો હું આટલા કલાક જ કરીશ, આટલા સમયથી વધારે હું કામ નહીં કરું, આટલું કામ કર્યા પછી મારાથી વધારે કામ નહીં થાય અને છેલ્લી દલીલ, હવે બહુ કામ કર્યું, હવે શાંતિ રાખવાની. આ બધાં કારણો ત્યારે જ હોય જ્યારે તમને તમારું કામ વહાલું ન હોય. જેને પોતાનું કામ વહાલું હોય તે ક્યારેય સમય મુજબ કામ કરતા જ નથી. આલ્બર્ટ આઇન્સ્ટાઇન રાતે પ્રયોગ કરતી વખતે વિચારતા નહોતા કે આજે તો હવે રાતે બે વાગ્યા, સૂઈ જઈએ શાંતિથી. પાબ્લો પિકાસો પિક્ચર પેઇન્ટ કરતી વખતે એવું વિચારતા હશે ખરા કે આજે તો રવિવાર છે, આજે તો આરામ કરવાનો? ના, કારણ કે તેમને માટે કામ એ માત્ર કામ નહોતું એટલે આવો ક્યારેય પ્રશ્ન આવતો નહોતો અને બીજા માટે, કામ માત્ર કામ છે એટલે એ પૂરું થાય એવી નીતિ હોય છે. આ મુદ્દો યાદ આવવાનું કારણ પણ જાણી લઈએ. અત્યારે કોરોનાને લીધે મોટા ભાગની કંપનીઓમાં વર્ક ફ્રૉમ હોમની નીતિ આવી ગઈ છે. આ નીતિને લીધે ૮૦ ટકા લોકોને કામમાં તકલીફ પડી રહી છે. આ તકલીફ પડવાનું કારણ પણ વાજબી છે. ઘર અને ઑફિસ સાથે કેવી રીતે રહી શકે. ઑફિસમાં એક ચોક્કસ પ્રકારનું વાતાવરણ હોય અને એ વાતાવરણ વચ્ચે જ કામ કરવાનું હોય, પણ ઘરમાં તો ૫૦ જાતનનાં ડિસ્ટર્બન્સ આવતાં હોય, એ ડિસ્ટર્બન્સને કેવી રીતે ફોડવાનાં?

આ મુદ્દો મોટા ભાગે એવા લોકોને આવતો હોય છે જેના મનમાં એક પ્રશ્ન વારંવાર આવતો હોય છે. શું અમારે અમારી ફૅમિલીને સમય નહીં આપવાનો, અમારે પણ પત્ની છે, બાળકો છે, અમારી પોતાની એક સ્પેસ છે એ માટે તો સમય કાઢવો પડે કે નહીં. એવી દલીલ કરનારાઓનો પણ તોટો નથી જેઓ વારંવાર એવું કહેતા રહે છે કે હું મારા અને મારા લોકો માટે તો સમય કાઢું કે નહીં. મારી સાથે જે રહે છે અને જે મારી જવાબદારી છે તેમના માટે સમય તો મારે જ કાઢવો પડેને?


પહેલી વાત, જો તમારી જવાબદારી હોય તો તમે જે કરો છો એ બધું તેમને માટે જ કરો છો એટલે એ પ્રશ્ન ગૌણ થઈ ગયો. બીજું એ કે તમારે એ બધાને સમય આપવાનો જ હોય અને એમાં કશું ખોટું પણ નથી, પરંતુ એને માટેની ચાવી તમારે હાથમાં રાખવાની જરૂર છે. આ ચાવીનું નામ છે મલ્ટિ ટાસ્કિંગ. કોઈ પણ પ્રોફેશનમાં હોય એ એકસાથે પાંચ કામ કરતી હશે, પહેલાં કરતાં આજે વાતાવરણ જુદું છે. પહેલાં એક માણસ એક કામ કરતો, પણ આજે દરેક પાસે બધાં ક્ષેત્રો ખુલ્લાં છે અને એટલે જ મલ્ટિ ટાસ્કિંગ ખૂબ વધી ગયું છે અને એટલે જ જો તમે મલ્ટિ ટાસ્કર બની શકો તો તમારે માટે ‘સ્કાય ઇઝ ધ લિમિટ’નો ઘાટ છે. બને કે તમારા મલ્ટિ ટાસ્કિંગ સામે ઘણા ફરિયાદ પણ કરશે કે એવું કરવા જતાં એક પણ કામ સરખું કરી નથી શકાતું, પણ આ ફરિયાદ ગેરવાજબી છે. જો કામ કરવાની દાનત હોય, બધે પહોંચવાની ઇચ્છા હોય તો આ કામ થઈ શકે છે અને એ પણ કોઈ પણ જાતની ભૂલ વિના.

અગાઉ આપણે વાત કરી છે કે ડાયરી લખવાની રાખો. ડાયરી લખવાની રાખશો તો ખ્યાલ આવશે કે ક્યાં કેટલો સમય ગયો અને ક્યાં કામમાં તમારો સમય વધુ અને ક્યાં ઓછો જાય છે. બીજું એ કે ડાયરીને લીધે એક પ્રકારની ડિસિપ્લિન પણ આવશે એટલે જો હજી પણ તમે ડાયરી લખવાની શરૂઆત ન કરી હોય તો આજે જ કરી દો. ડાયરી લખશો એટલે ઑટોમૅટિક કામ લખાશે અને કામ લખાશે એટલે ઑટોમૅટિક ક્યાં કેટલો સમય ગયો એ પણ ખ્યાલ આવશે. હવે જે કહું છું એ ખાસ ધ્યાનથી વાંચીને અમલમાં મૂકશો તો મલ્ટિ ટાસ્કિંગ કરતી વખતે તમને કોઈ પ્રૉબ્લેમ નહીં આવે.

દરેક કામ મહત્ત્વનું છે, ઑફિસનું કામ મહત્ત્વનું છે, દીકરાની સ્કૂલનું ફંક્શન મહત્ત્વનું છે, પત્નીને કિટી પાર્ટીમાંથી પાછી ઘરે લેતાં જવાની છે એ પણ મહત્ત્વનું છે અને મમ્મીને સાંજે ચાલવા માટે લઈ જવી એ પણ એટલું જ મહત્ત્વનું છે. હું એમ કહેતો જ નથી કે માત્ર ઑફિસનું જ કામ કરો, ઘરનું કામ પણ કામ જ છે અને એ પણ તમારી જ જવાબદારી છે. ડાયરી લખશો એટલે આદત પડશે પ્રાયોરિટી સેટ કરવાની. દરેક કામની પ્રાયોરિટી હોય છે. એ સેટ કરીને એ મુજબ કામ કરવાનું ચાલુ કરી દેશો તો મલ્ટિ ટાસ્કિંગમાં પણ પ્રૉબ્લેમ નહીં આવે. એક ખાસ વાત, જ્યારે એકસાથે ઘણાં કામ ભેગાં થઈ જાય ત્યારે ખાસ બધાં કામને લખો અને પછી એ બધાં કામની એક ચિઠ્ઠી બનાવો. એ ચિઠ્ઠીને આંખ સામે રાખો અને જુઓ કે કયા કામની કેટલી પ્રાયોરિટી છે, કયા કામ માટે કેટલો સમય આપવો પડશે અને એનું રિઝલ્ટ શું આવશે. થશે એવું કે જેવી તમે ચિઠ્ઠી બનાવશો કે તરત જ તમારી પ્રાયોરિટી ક્લિયર થઈ જશે અને એ મુજબનો સમય તમે કામને આપશો અને આપોઆપ જે કામ ભેગાં થઈ ગયાં હતાં એવું લાગતું હતું એ ધીરે-ધીરે ઓછાં થવા લાગશે અને એ બધાં કામ તમે સરસ રીતે કરી પણ શકશો. જેમ-જેમ કામ પૂરાં થતાં જાય એમ-એમ એ કામને ચિઠ્ઠીમાંથી દૂર કરવા માંડો અને આગળ વધતા જાઓ.

યાદ રાખજો કે દરેકેદરેક કામ તમારું જ છે અને તમારે જ એ કરવાનું છે. એ માટે મલ્ટિ ટાસ્કિંગ એટલું જ જરૂરી છે અને એ જો અત્યારે વાત થઈ એ રીતે કરતા જશો તો માનસિક રાહત થઈ જશે, આઉટપુટ પણ સારું મળશે અને દરેક કામને તમે પૂરતું વેઇટેજ આપી શકશો. એ વેઇટેજ આપીને કામ પ્રાયોરિટી મુજબ કરશો તો દરેક કામ કરી શકશો અને ક્યારેય સ્ટ્રેસ પણ નહીં આવે. આજના દિવસની છેલ્લી વાત કહી દઉં તમને. કામ એ જ ભુલાતાં હોય છે કે મગજમાંથી નીકળી જતાં હોય છે જે કરવાની દાનત નથી હોતી એટલે કામ ભુલાઈ ગયાં એવી દલીલ પણ ક્યારેય કરતા નહીં.

Whatsapp-channel Whatsapp-channel

28 March, 2020 05:19 PM IST | Mumbai | Sanjay Raval

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK