Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શિકાર બનો, કાં ભૂખ્યા મરો

શિકાર બનો, કાં ભૂખ્યા મરો

08 June, 2019 10:35 AM IST |
સંજય રાવલ-સંજયદૃષ્ટિ

શિકાર બનો, કાં ભૂખ્યા મરો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સંજયદૃષ્ટિ

આફ્રિકામાં એક વાત બહુ પ્રચલિત છે. દરરોજ સવારે જ્યારે હરણ જાગે ત્યારે એને ખબર હોય છે કે એણે જંગલના સૌથી ઝડપી ભાગતા સિંહ કરતાં પણ વધારે ઝડપથી ભાગવાનું છે, જો એ ભાગી નહીં શકે તો એનો આજે છેલ્લો દિવસ છે. આ જ જંગલના સિંહને પણ એક વાતની ખબર છે. એને ખબર છે કે એણે આજે સૌથી ધીમે ભાગતા સિંહ કરતાં વધારે ઝડપથી ભાગવું પડશે. જો એ ભાગી ન શક્યો તો એણે ભૂખ્યા મરવાનો વારો આવી જશે. આફ્રિકામાં જ્યારે પણ ફિલોસૉફીની વાત આવે ત્યારે આ દાખલો અચૂક આપવામાં આવે છે. હકીકત એ છે કે આફ્રિકા જ નહીં, આપણા બધાની જિંદગીમાં પણ આ વાત લાગુ પડે છે. જૉબ હોય કે બિઝનેસ હોય કે પછી આપણું કોઈ પણ નાનુંએવું સ્ટાર્ટઅપ હોય; દરેકે ફાસ્ટ ભાગવું પડશે, નહીંતર પાછળ રહી જઈશું અને જો પાછળ રહી ગયા તો આપણે કોઈકનો ખોરાક બનવાનો વારો આવી જશે અને જો ખોરાક ન બન્યા તો ભૂખે મરવાનો વારો આવી જશે, પણ જો ધીમા પડ્યા તો અંત નજીક છે એ નક્કી છે.



આ વાત ક્રૂર લાગે છે, પણ હકીકત છે. આજે જે ઝડપે આપણે બધા આગળ વધી રહ્યા છીએ ત્યાં આપણે માટે રોજેરોજ એક નવો ગોલ, નવો ટાસ્ક પૂરો કરતા જવાનો છે. રોજ કૉમ્પિટિશનમાં ઊતરવાનું છે અને રોજ જીતવાનું છે. રોજ એક નવું સાહસ કરવાનું છે અને રોજ એ સાહસમાંથી સાંગોપાંગ પાર ઊતરવાનું છે. જીતીશું નહીં, બહાર નહીં આવીએ તો કોઈ પણ ઘડીએ અંત આવી જશે અને અંત જોઈતો ન હોય તો આપણે ભાગવાનું છે અને સ્ક્સેસફુલી દોડવાનું છે.


અને હકીકત એ જ છે કે આપણે દોડવા માટે જ જાગીએ છીએ. દોડવા માટે, ભાગવા માટે, જીવનમાં કંઈક પામવા માટે જ તો આ કરી રહ્યા છીએ. આપણી પાસે એક ગોલ છે, એક હેતુ છે જેને મેળવવાનો છે, સિદ્ધ કરવાનો છે. તમારે જે હેતુ મેળવવો હોય એ જ ગોલ કદાચ એ જ ક્ષણે તમારી સાથોસાથ બીજા કોઈએ પણ બનાવ્યો હોઈ શકે અને કાં તો એ જ ગોલ એને પણ આપવામાં આવ્યો હોય. જો એવું હોય તો તમારી સીધી કૉમ્પિટિશન એ વ્યક્તિ સાથે છે અને હવે તમારે બન્નેએ દોડવાનું છે, ભાગવાનું છે. એ પૉસિબલ જ નથી કે તમે બન્ને એ ગોલને પામી શકો, અચીવ કરી લો. જો એ ગોલના ઑપ્શન ઘણા હશે તો બન્ને પામી લો એવું બની શકે, પણ જો એવું બન્યું તો તમે તમારા કૉલર ટાઇટ નથી કરી શકવાના અને ધારો કે એક જ ગોલ અને એક જ ઑપ્શન હોય તો બન્નેમાંથી કોઈ એક પાસે એ સિદ્ધિ મળશે. એવા સમયે જો એ અલર્ટ હશે તો એ આગળ નીકળશે, જેની ભાગવાની સ્પીડ વધારે હશે તે જીતી લેશે. બીજી સવાર, નવો ગોલ અને નવી સ્પર્ધા, નવો સ્પર્ધક અને ફરી પાછું ભાગવાનું શરૂ.

આફ્રિકાની વાતને હવે બરાબર સમજવાની છે. સમજવાની છે, સાચી રીતે શીખવાની અને એને અનુસરવાની પણ છે. જંગલનો રાજા સિંહ પણ જો શિકાર કરવા માટે નીકળે નહીં અને બેસી રહે તો એણે પણ ભૂખે મરવાનો વારો આવે. સિંહે પણ શિકાર પર નીકળ્યા પછી હરણને પકડવા માટે હરણ કરતાં વધારે ઝડપથી ભાગવું પણ પડે અને ભાગ્યા પછી મહેનત પણ એણે જ કરવી પડે. જો તમે સિંહ બનીને જીવવામાં માનતા હો કે પછી તમારી જાતને જ તમે સિંહ માનતા હો તો હું કહીશ કે તમારી પાસે બીજો કોઈ ઑપ્શન જ નથી કે તમે જરા પણ બેદરકાર રહો. તમે કિંગ છો એટલે તમારે કિંગની જેમ જ રહેવાનું છે, ભાગવાનું છે અને માત્ર તમારા માટે જ નહીં, પણ તમારા સિવાયના એ સૌકોઈ માટે પણ ગોલ પૂરો કરવાનો છે જેઓ તમારી સાથે જોડાયેલા છે. કહ્યું એમ, નો ઑપ્શન. કોઈ બીજી વાત જ નહીં.


આપણે એ પણ જાણ્યું કે જંગલમાં સૌથી વધુ ઝડપથી ભાગી શકતું હરણ પણ જો ધીમું પડે તો એણે સિંહનું ભોજન બનવું પડે છે. હવે જરા વિચારો કે તમે હરણ છો અને તમારે તમારી જાતને એ હરણની જગ્યાએ જોવાની છે. હવે યાદ કરો એ આખા હરણના ટોળાને અને એ બધાની વચ્ચે તમારે ભાગવાનું છે. જો ધીમા પડ્યા તો શિકાર બનશો અને ક્યાંય નહીં પહોંચી શકો. ધારો કે વધારે ઝડપથી નીકળી ગયા આગળ તો આપણે બધું પાર કરી જઈશું. હું કહીશ કે આ આજની રિયલ લાઇફ છે. આજની કૉર્પોરેટ્સમાં, જૉબમાં કે બિઝનેસમાં તમારી સાથે ઘણા લોકો છે જે તમારા જ લેવલ પર છે અને તમારી સાથે જ કામ કરે છે. તમે પણ જો એ લોકોને જોઈને કામ કરશો તો કદાચ તમે આગળ નહીં નીકળી શકો અને પછી જ્યારે મંદી કે કૉસ્ટ-કટિંગ આવશે ત્યારે સૌથી પહેલાં કોળિયો બનવાનો વારો તમારો આવશે, પણ જો તમે એના કરતાં થોડા વધારે સ્માર્ટ હશો અને ગોલ તરફ એ બધા કરતાં થોડા વધારે ફાસ્ટ ભાગતા હશો તો તમે કંપનીનો ખોરાક નહીં બનો.

આગળ કહ્યું એમ, ધારો કે તમે સિંહ છો અને તમારે સિંહની જેમ જ વિચારવાનું છે તો સમજો કે તમારું કામકાજ ખૂબ સરસ ચાલે છે, પણ જો તમે કંઈક નવું, અલગ કે પછી ડિફરન્ટ કરવા માટે બહાર નહીં આવો તો એક દિવસ કોઈ બીજું તમારા કરતાં અલગ, નવું અને જુદું કરીને તમારો રોટલો છીનવી લેશે અને એ દિવસે તમારે ભૂખે મરવાનો વારો આવશે. જો એવું ન થવા દેવું હોય તો તમારે ફાસ્ટ ભાગવું પડશે, એકધારું અલગ અને નવું કરતા જવું પડશે. જે દિવસે કે જે સમયે તમારાથી નવું કશું ન થયું અને તમે તમારી અનિવાર્યતા સાબિત ન કરી એ દિવસે તમારે સમજી લેવાનું કે તમારે ભૂખ્યા રહેવાનો સમય આવી ગયો છે અને તમે એકલા પડવા માંડ્યા છો, પણ જો તમે લડી લીધું, દોડી લીધું અને નવું કરવાની જવાબદારીમાં નવું કરી ગયા તો તમારે સમજી લેવાનું છે કે તમે ચલણમાં હજી પણ અકબંધ છો અને તમારું શાસન આમ જ અકબંધ રહેશે. એક વાત યાદ રાખજો કે તમને હરાવવા માગતી વ્યક્તિએ તમારા કરતાં અલગ વિચારવું પડશે અને તમારાથી વધારે ઝડપથી ભાગવું પડશે. આ વાત માત્ર અહીં જ નથી અટકતી. એક દિવસ, વીક કે પછી એક મહિના માટે પણ આ વાત લાગુ નથી પડતી. રોજ સવારે જાગો ત્યારે તમારે નક્કી કરીને નીકળવાનું છે કે તમારાથી આગળ કોઈ ન રહે અને તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે તમે પાછળ પણ ન રહી જાઓ. આ જો હરણ ધીમું પડ્યું તો જીવ ગયો અને સિંહ ધીમો પડ્યો તો પણ જીવ ગયો. એક શિકાર થઈને મરશે અને બીજું ભૂખ્યું રહીને. રોજ આ વાતને યાદ કરીને, આ જ વાતને જીવનમાં અમલમાં મૂકીને ભાગવાનું છે, દોડવાનું છે અને દોડતા રહેવાનું છે. તમે ચાહે ૨૦ના હો તો પણ આ જ વાત લાગુ પડે અને ધારો કે તમે ૫૦ના હો તો પણ તમને આ જ વાત લાગુ પડે છે.

આ પણ વાંચો : કૉલમ : આ વિકાસ બહુ વાયડો છે

હું દરેક વખતે કહું છું કે આપણે કંઈક અલગ, નવું અને નોખું કરવાનું છે. બીજાથી જુદું કરવાનું છે અને બીજા કરે એ પહેલાં કરવાનું છે. જો એવું કરી શક્યા તો જ તમે ટકશો અને આવું કરવા માટે તમારામાં ફાઇટિંગ-સ્પિરિટ જોઈશે. જો એક વખત આ સ્પિરિટ આવી ગયો તો ક્યારેય દુખી થવાનો વારો નહીં આવે, ક્યારેય હારનો સામનો કરવાનો વારો નહીં આવે, ક્યારેય થાક નહીં લાગે અને ક્યારેય નહીં લાગે કે બહુ ભાગી લીધું. કારણ વાત તમારા જીવની છે. થાકીને, હારીને બેસી રહેવાથી કંઈ મળવાનું નથી, પણ જો ભાગીશું તો ચોક્કસ કંઈક મેળવીને જ રહીશું માટે મિત્રો, ગોલ સેટ કરીને નક્કી કરે કે કઈ રીતે અને કેવી રીતે એ ગોલને હાંસલ કરવો છે અને એમાં સાથે આ ફાઇટિંગ-સ્પિરિટ ઉમેરી દો. બસ, ક્યારેય પાછળ જોવાનો સમય નહીં આવે, પણ કહ્યું એમ, ધીમા નથી પડવાનું અને ક્યારેય અટકવાનું નથી.

Whatsapp-channel Whatsapp-channel

08 June, 2019 10:35 AM IST | | સંજય રાવલ-સંજયદૃષ્ટિ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK