Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ભયમુક્ત જીવન જીવવું એટલે શું?

ભયમુક્ત જીવન જીવવું એટલે શું?

10 August, 2019 10:32 AM IST | મુંબઈ ડેસ્ક
સંજય રાવલ-સંજયદૃષ્ટિ

ભયમુક્ત જીવન જીવવું એટલે શું?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સંજય દ્રષ્ટિ

મેં અત્યાર સુધીમાં અંદાજે ૫૦૦૦ મોટિવેશનલ કાર્યક્રમ કર્યા છે, વધારે હશે, પણ ઓછા જરાય નહીં. ગુજરાતના તો દરેકેદરેક જિલ્લા, શહેર, ગામ અને નગરોમાં થઈ ગયા છે, પણ ગુજરાત ઉપરાંત મુંબઈમાં પણ પુષ્કળ થઈ ગયા છે અને આ ઉપરાંત રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્ય પ્રદેશથી માંડીને ફૉરેનમાં પણ કાર્યક્રમ થયા છે. અત્યારે આ લેખ પણ હું ફૉરેનથી જ મોકલી રહ્યો છું. વિદેશમાં ઓછામાં ઓછા બાવીસેક દેશમાં મેં કાર્યક્રમ કરી લીધા છે. આ જે કાર્યક્રમ છે એનું નામ છે ‘ભયમુક્ત જીવન’. આ જ નામથી મને આ કૉલમ કરવી હતી, પણ પછી વિચારણા ખૂબ ચાલી અને અંતે આ કૉલમનું નામ ‘ભયમુક્ત જીવન’ને બદલે ‘સંજય દૃષ્ટિ’ કરવામાં આવ્યું. નામ સારું હતું અને મૂળ કાર્યક્રમના વિષયને અંતર્ગત હતું એટલે મને વાંધો પણ નહોતો. વિચાર સાથે બંધ બેસતો હતો કે ભયમુક્ત જીવન આવે છે ક્યાંથી? તો જવાબ છે સંજયની દૃષ્ટિમાંથી. નામકરણ થયું ‘સંજય દૃષ્ટિ’ પણ વાત હવે અહીંથી શરૂ થાય છે. ‘સંજય દૃષ્ટિ’ મને ગમતું હોવાથી અને એમાં વિચાર પણ સારો હોવાથી મેં હમણાં નક્કી કર્યું કે જે વર્ષોથી ચાલે છે એ ‘ભયમુક્ત જીવન’ કાર્યક્રમનું નામ પણ ચેન્જ કરવું. મેં ઓપિનિયન લેવા માટે બેચાર લોકો સાથે વાત કરી તો મને મારા ફૅન્સે જ રોક્યો. મને કહ્યું, ‘ના સર, એવું ન કરતા. અમને આ નામ વાંચીને જ મજા આવી જાય છે. ભયમુક્ત થઈ ગયા હોઈએ એવી લાગણી થાય છે.’



આ જ વાત આપણે આજે કરવાની છે. ડર ક્યારેય ક્યાંય સ્થૂળ અવસ્થામાં હોતો નથી, એ મનમાં હોય છે, એ જે ક્ષણે નીકળે એ ક્ષણે તમને એવું લાગવા માંડે કે તમે એક આઝાદ પક્ષી છો અને તમે આ પૃથ્વી પર લહેરાવા, ઊડવા અને ફરવા આવ્યા છો. ડર હોય જ નહીં, એ મનનો એક ભ્રમ છે અને એ ભ્રમ જ તમને મારી નાખે છે. સિંહ સામે આવીને ઊભો રહી જાય અને ચાલતો-ચાલતો સાવ બાજુમાં આવી જાય તો ૧૦માંથી ૮ જણનું હાર્ટ ફેલ થઈ જાય. ભાઈ, હજી એણે બટકું ભર્યું નથી ત્યાં જ મરી જવાનું?


આવા સમયે આવતો હાર્ટ-ફેલ એ ડર છે, એ ભય છે અને એને કાઢવાનો છે. હું મારા કાર્યક્રમમાં કહેતો હોઉં છું કે સિંહને એનું કામ કરવા દેજો, સિંહને એની ફરજ અદા કરવા દેજો. એટલા માયકાંગલા ન બનતા કે સિંહને જોઈને હાર્ટ ફેલ થઈ જાય. હું એવી ખોટી હોશિયારી પણ નથી શીખવવા કે કહેવા માગતો કે સિંહ સામે આવી જાય તો એના માથા પર એક જોરથી મુક્કો મારીને એને બ્રેઇન-હૅમરેજ કરી નાખજો. ના, એ બધું ફિલ્મસ્ટાર કરી શકે, આપણે એ ન કરી શકીએ અને આપણને એ પોસાય પણ નહીં, પરંતુ આપણને શું પોસાય, આપણને સમયસૂચકતા વાપરીને સલામત સ્થળે પહોંચી જવાનું પોસાય. આજુબાજુમાં ઝાડ હોય તો એના પર ચડી જવું પોસાય, પાછળ મોટી દીવાલ હોય તો કૂદકો મારીને એ દીવાલ પર ચડીને ત્યાંથી નીકળી જવાનું પોસાય કે પછી આંખ બંધ કરી, મુઠ્ઠીઓ વાળીને ત્યાંથી ભાગી જવાનું પોસાય, પણ એ કરવા માટે હિંમત જોઈએ અને એ હિંમત માત્ર અને માત્ર ભયમુક્ત જીવન જીવો તો જ આવે.

આ ભયમુક્ત જીવન મળે કેવી રીતે?
આ ખૂબ જ વાજબી પ્રશ્ન છે અને આ વાજબી પ્રશ્નનો જવાબ વાજબી રીતે સમજવાની પણ જરૂર છે. જો મુક્ત મને જીવી શકો તો તમને ભયમુક્ત જીવન મળે. જો જીવનને બોજ ગણવાનું બંધ કરો તો તમને ભયમુક્ત જીવન મળે અને જો તમે જીવનને ત્રાસની નજરથી જોવાનું બંધ કરો તો તમને ભયમુક્ત જીવન મળે. યાદ રાખજો કે તમારી આસપાસ જેકંઈ છે, જેકોઈ ઘટના ઘટે છે એ ઈશ્વરની ભેટ છે. તમને મળતી તમામ તકો એ તમે કરેલાં કર્મોનું જમા ખાતું છે અને તમારા હાથમાંથી નીકળી જતી તમામ તક એ તમે કરેલાં ખોટાં કર્મોનું ઉધાર ખાતું છે. તમને વિચાર પણ આવે કે આવું શું કામ? ભગવાને તમને કોઈ તક આપવી જ નહોતી તો પછી એ દેખાડી જ શું કામ?
એટલા માટે જેથી તમને ખબર પડે કે તમારા નસીબમાં શું-શું લખી આપવામાં આવ્યું હતું અને એ લખાયેલી સારી તકો તમે કેવી રીતે ગુમાવી રહ્યા છો?


...અને આવું એટલા માટે તે કરે છે કે જેથી તમને એના ગણિત અને એના વિજ્ઞાન પર ભરોસો બેસે અને પૂરી શ્રદ્ધા સાથે તમે તમારા જીવનને સાચી દિશામાં જીવવાનું શરૂ કરો. હું તો ત્યાં સુધી કહીશ કે એ ૧૦૦૦ હાથવાળાએ કોઈના જીવનમાં દુઃખ લખ્યું જ નથી. ના, ક્યારેય નહીં. આપણા બધાનો જો એ માઇબાપ હોય તો કેવી રીતે આપણા નસીબમાં એ દુઃખ લખી શકે. આપણાં માબાપ ક્યારેય એવું કરે ખરાં જેને લઈને આપણે દુખી થઈએ? ના, ન જ કરે. જો આ જ તમારો જવાબ હોય તો ભગવાન તો આપણાં માબાપનો પણ માઇબાપ છે, એ કેવી રીતે આપણા નસીબમાં દુઃખ લખે. એણે તો ખાલી અને ખાલી સુખ જ લખ્યાં છે, પણ આ જીવનને સુખ અને દુખ ભરેલું આપણે બનાવીએ છીએ અને બનાવતા આવીએ છીએ. કવિઓ જે વિષાદની વાત કરે છે એ વિષાદ પણ આપણે ઊભો કર્યો છે અને પીડા, ગ્લાનિ જેવા જેકોઈ બીજા પર્યાય છે એ પણ આપણે જ ઊભા કર્યા છે. એક જ વાત સનાતન સત્ય છે કે આજનો દિવસ આપણો છે અને દરેક જગ્યાએથી શું મેળવવું એ આપણા હાથમાં છે. જો આપણે ધારણા મુજબનું મેળવીશું તો એ આપણને શાંતિ આપશે અને જો આપણે ધારણા મુજબનું નહીં મેળવીએ તો એ આપણને પેલા કવિવાળો વિષાદ આપશે.

મિત્રો, જીવનમાં સખત મહેનતનો બીજો કોઈ વિકલ્પ નથી. મારી તમામ પરિસ્થિતિ માટે હું જ જવાબદાર છું અને આ જ સચ્ચાઈ છે. આવું માનીને, આવું સ્વીકારીને જો દરેક પળે ઈશ્વરનો આભાર માનવામાં આવે તો જીવન બોજરૂપ નહીં લાગે, ઊલટું જીવનમાં મીઠાશ પણ ઉમેરાઈ જશે. જીવનની આ સમજણ આવી જાય તો આપણા જીવનમાં આવતી ૯૫ ટકા તકલીફો અને મુશ્કેલીઓ પણ આસાન અને સરળ લાગશે.

જીવન ખરેખર તહેવાર છે અને એ તહેવારમાં પ્રત્યેક દિવસ ઉત્સવ છે. આ જ રીતે તમે એને જુઓ. જો તમને મ્યુઝિક ગમતું હોય તો જીવનને સંગીત તરીકે જુઓ, મૅજિક ગમતું હોય તો તમારી લાઇફને મૅજિક તરીકે જ જુઓ અને માઉન્ટન પર જવું ગમતું હોય તો લાઇફને પર્વત પર ચડવાની સીડી સમજીને ચાલો, પણ પ્લીઝ, જીવનને ક્યારેય બોજ ન ગણો, સંઘર્ષ ન ગણો. ઈશ્વરે ખૂબ સરસમજાનું શરીર આપ્યું છે. આટલી મસ્તમજાની બુદ્ધિ આપી છે, તંદુરસ્તી આપી છે તો પછી એનો ખોટો અનાદર ન કરો. તમને જે મળ્યું છે એનો આનંદ લેતાં શીખો. તમે કોઈને પાંચ રૂપિયાની નોટ વાપરવા આપો અને એ ભિખારી પાંચ રૂપિયા હાથમાં લઈને મોઢું મચકોડે તો તમને કેવો ગુસ્સો આવે?

ભગવાનને પણ તમારા પર એવો જ અને એટલો જ ગુસ્સો આવે છે, જ્યારે તમે તેના હાથમાંથી તમારું જીવન લઈ લીધું છે અને હવે તમે તેની સામે જોઈને મોઢું મચકોડવાનું કામ કરો છો. પેલા ભિખારીને જેવી થપ્પડ મૂકવાનું તમને મન થઈ આવે એવું જ મન ઈશ્વરને તમને જોઈને પણ થાય છે. જો તમારું ચાલે તો તમે પેલાના હાથમાંથી પાંચ રૂપિયાની નોટ પાછી પડાવી લેશો, પણ હવે જરા વિચારો, ભગવાન કેટલા મોટા મનનો છે. એ તો તમારા હાથમાં પોતે આપેલી લાઇફ પડાવી પણ શકે છે અને એ પછી પણ એ એવુ઼ં નથી કરતો અને રહેમદિલી રાખે છે. દરેક પળને આ અંતિમ પળ છે એવું ધારીને જીવવાનું શરૂ કરશો તો તમને જીવનમાં જેકાંઈ મળ્યું છે એ બધાનો આનંદ આવશે અને આમ પણ આ સાચું જ છે. જીવનનું ક્યાં કંઈ નક્કી હોય છે. આજે આ લેખ લખીએ છીએ અને આવતી કાલે ન્યુઝ બનીને અવસાન-નોંધની કૉલમમાં ન્યુઝ પણ બની જઈએ.

આ પણ વાંચો : પ્રેગ્નેન્સીના 33માં અઠવાડિયે એમી જેક્સને કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો

તમે જુઓ, આ આર્ટિકલ આખો પૂરો કર્યો અને છેલ્લી લાઇન સુધી તમે આવી ગયા પણ વચ્ચે ક્યાંય તમારે જોવું પડ્યું ખરું કે શ્વાસ બરાબર ચાલે છે કે નહીં? નથી જોવું પડતુંને, એનું નામ જ જીવન છે. આ જ ઈશ્વરની કૃપા છે. ઈશ્વરકૃપાને માણો, એનો અનાદર કરવાને બદલે એને સ્વીકારશો તો ભયમુક્ત જીવન આપોઆપ મળશે.

Whatsapp-channel Whatsapp-channel

10 August, 2019 10:32 AM IST | મુંબઈ ડેસ્ક | સંજય રાવલ-સંજયદૃષ્ટિ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK