RTI અપીલના તમાચાએ માત્ર સાંભળતા જ નહીં, દોડતા પણ કરી દીધા

Published: Jun 27, 2020, 22:22 IST | Dheeraj Rambhiya | Mumbai

સત્તર વર્ષથી ધ્યાનબહેરા બાબુઓને RTI અપીલના તમાચાએ માત્ર સાંભળતા જ નહીં, દોડતા પણ કરી દીધા

RTI
RTI

મુંબઈના કાલબાદેવી વિસ્તારમાં ગ્લૅર્સ-ઍન-સ્પેક્ટ્સના નામે ચશ્માં અને ગૉગલ્સનો વ્યવસાય ધરાવતા અને ઘાટકોપરમાં રહેતા જતીન શાહને ૧૭ વર્ષ સુધી માનસિક સંતાપ આપનાર કસ્ટમ્સ વિભાગના બાબુઓની આડોડાઈ તથા RTI કાયદાના યથાયોગ્ય ઉપયોગથી આવેલા સુખદ અંતની રસદાયક તથા પ્રેરણાદાયક કથા છે.
૧૯૯૯ની ૪ જુલાઈએ ચશ્માંની ફ્રેમ્સ તથા ગૉગલ્સનુ કન્સાઇનમેન્ટ સહાર ઍર કાર્ગો કૉમ્પ્લેક્સમાં કસ્ટમ વિભાગના અધિકારીઓએ અટકાવી દીધું જેને કારણે વિલંબ શુલ્કના સ્વરૂપે પેનલ્ટી શરૂ થઈ. ચીફ કમિશનર ઑફ કસ્ટમ્સને મળતાં તેમણે પ્રોવિઝનલ ડ્યુટી બૉન્ડ તથા ૧,૧૭,૦૦૦ રૂપિયાની બૅન્ક-ગૅરન્ટી સામે માલ રિલીઝ કર્યો. બૅન્ક-ગૅરન્ટી ડ્યુટી બૉન્ડ રિલીઝ કરવા અનેકાનેક વખત વિનંતી કરવામાં આવી, પરંતુ એના પર કોઈ કાર્યવાહી થઈ નહીં.
૨૦૦૧ની ૩૧ જુલાઈએ બૅન્ક-ગૅરન્ટીની પણ મુદત પૂરી થઈ ગઈ, પરંતુ કસ્ટમ વિભાગના ગાઢ નિદ્રામાં સરી પડેલા બાબુઓએ કોઈ કાર્યવાહી કરી નહીં. થાકેલા જતીનભાઈએ બૅન્ક-મૅનેજરનો સંપર્ક કર્યો અને તેમને કસ્ટમ વિભાગને પત્ર લખવાની વિનંતી કરી. ૨૦૧૨ની ૮ ઑગસ્ટે બૅન્કે કસ્ટમ્સ વિભાગને પત્ર લખીને મુદત પૂર્ણ થઈ ગઈ હોવાથી બૅન્ક-ગૅરન્ટી પાછી કરવા જણાવ્યું જેનો પણ કોઈ પ્રત્યુત્તર આપવાની કે કાર્યવાહી કરવાની તસ્દી કસ્ટમ્સ વિભાગે લીધી નહીં.
આજકાલ કરતાં ૧૬ વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો, પરતું સ્થિતિ ઠેરની ઠેર રહી. શું કરવું એની અવઢવમાં જતીનભાઈ સરી પડ્યા. હૈયું હળવું કરવાની અપેક્ષાએ મિત્ર નિખિલ મહેતાને પોતાની વિટંબણાની વાત કરી. નિખિલભાઈએ પોતાની કોઈ વિટંબણા માટે તરુણ મિત્ર મંડળના જનાધિકાર સંચાલિત RTI કેન્દ્રની મદદ અને માર્ગદર્શન મેળવેલું હોવાથી જતીનભાઈને RTI સેવા કેન્દ્ર-ઘાટકોપરનો સંપર્ક-નંબર તથા સરનામું આપીને એની સહાય મેળવવાની સલાહ આપી.
મળેલા સંપર્ક-નંબર પર ફોન કરી અપૉઇન્ટમેન્ટ મેળવીને ૨૦૧૬ની ૨૬ માર્ચે જતીનભાઈ સેવા કેન્દ્ર પર પહોંચ્યા, જ્યાં તેમની મુલાકાત કેન્દ્ર-નિયામક મનહરભાઈ સાથે થઈ, જેમણે જતીનભાઈની મનોયાતનાની વાત શાંતિથી સાંભળી તથા તેઓ લાવ્યા હતા એ ફાઇલનો અભ્યાસ કરી RTI કાયદા હેઠળની ૨૦૧૬ની ૨૬ માર્ચની પ્રથમ અરજી બનાવી આપી, જેમાં નીચેની વિગતે માહિતી માગવામાં આવી હતી :
૧. મારા ૨૦૦૦ની ૧૫ જુલાઈ, ૨૦૦૫ની ૨૨ માર્ચ, ૨૦૧૧ની ૧૯ ડિસેમ્બરના પત્રો પર કરવામાં આવેલી કાર્યવાહીની ક્રમબદ્ધ માહિતી તથા આ પત્રોની સાંપ્રત સ્થિતિની વિગતવાર જાણકારી આપશો.
૨. મારા પત્રો પર કાર્યવાહી કરવાની જવાબદારી ધરાવનાર અધિકારીનું નામ, હોદ્દો તથા સંપર્ક-નંબર જણાવશો.
૩. મારા પત્રો પર કાર્યવાહી ન કરવામાં આવી હોય કે અધૂરી કાર્યવાહી કરવામાં આવી હોય તો એ માટેનાં કારણ જણાવશો.
૩. મારા પત્રો પર કાર્યવાહી ન કરનાર કે અધૂરી કાર્યવાહી કરનાર અધિકારી પર કરવામાં આવેલી શિક્ષાત્મક કાર્યવાહીની સંપૂર્ણ માહિતી આપશો.
૪. મારા પત્રો પર કાર્યવાહી કરવાની જવાબદારી ધરાવનાર અધિકારી પર શિક્ષાત્મક પગલાં ભરવાની જવાબદારી ધરાવનાર ઉપરી અધિકારીનું નામ, હોદ્દો તથા તેમના સંપર્ક-નંબર આપશો.
૫. આપના વિભાગની નિયમાવલિ તથા સિટિઝન ચાર્ટર મુજબ મારા પત્ર પર પગલાં ભરવાની તથા કાર્યવાહી પૂર્ણ કરવાની મહત્તમ સમયમર્યાદા જણાવશો.
૬. ઉપરોક્ત બાબતોને આનુષંગિક અન્ય કોઈ માહિતી હોય તો એ પણ અચૂક આપશો.
૮. મારી આ અરજીના આપે આપેલા પ્રત્યુત્તરથી હું સંતુષ્ટ ન થાઉં તો RTI કાયદાના પ્રાવધાન મુજબ પ્રથમ અપીલના વિકલ્પનો ઉપયોગ કરી શકું એ માટે આપના વિભાગના પ્રથમ અપેલેટ અધિકારીનું નામ, હોદ્દો તથા તેમના સંપર્ક અને કાર્યાલયના સરનામા વગેરેની વિગતવાર માહિતી આપશો.
RTIની ઉપરોક્ત અરજી મનહરભાઈએ આપેલાં સલાહ-સૂચન મુજબ બનાવી જતીનભાઈએ ચેમ્બુરની હેડ-પોસ્ટ ઑફિસમાં જમા કરાવી દીધી. પ્રિન્સિપલ કમિશનર ઑફ કસ્ટમમ્સ (ઇમ્પોર્ટ), ઍર કાર્ગો કૉમ્પ્લેક્સ, સહારને મોકલવાની વિનંતી કરી.
૨૦૧૬ની ૩૦ માર્ચે RTI અરજી CPIO (સેન્ટ્રલ પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસર)ને મળી, જેના ૨૦૧૬ના ૨૮ એપ્રિલના પ્રત્યુત્તરમાં જણાવવામાં આવ્યું કે...
૧. માગવામાં આવેલી માહિતી ૧૭ વર્ષ જૂનાં પ્રોવિઝનલ ડ્યુટી બૉન્ડ અને બૅન્ક-ગૅરન્ટીને લગતી છે, જેની ફાઇલ સંબંધિત સેક્શનમાં ઉપલબ્ધ નથી.
૨. ફાઇલ શોધવાના પ્રયત્ન ચાલી રહ્યા છે.
૩. સંબંધિત વિભાગને પર્યાયી વિકલ્પ શોધવાનું જણાવવામાં આવ્યું છે.
૪. તદુપરાંત વૈકલ્પિક મેકૅનિઝમ બનાવવાનું પણ જણાવવામાં આવ્યું છે.
પર્યાયી વિકલ્પ તથા એનું મેકૅનિઝમ તૈયાર થતાં આપને જરૂરી માહિતી પહોંચતી કરવાનો આદેશ સંબંધિત વિભાગને આપવામાં આવ્યા છે જેની નોંધ લેવા વિનંતી.
મનહરભાઈને ફોન કરી અપૉઇન્ટમેન્ટ મેળવી RTI અરજીના આવેલો જવાબી પત્ર લઈ જતીનભાઈ કેન્દ્ર પર પહોંચતાં મનહરભાઈએ RTI કાયદા હેઠળની પ્રથમ અપીલનું ફૉર્મેટ આપી એમાં લખવાની બાબતો માટે માર્ગદર્શન આપ્યું. ફૉર્મેટની કલમ-૭માં અપીલ કરવાનાં કારણો દર્શાવવાનાં હોય છે અને જે અપીલની મહત્ત્વની બાબત હોય છે એમાં આ મુજબ લખવાનું જણાવ્યું ઃ 
માગેલ માહિતી ૧૭ વર્ષ જૂના રેકૉર્ડ ધરાવતી ફાઇલમાં હોવાથી ‘ઉપલબ્ધ નથી’નું બહાનું બતાવીને માગેલી માહિતી આપવાનું નકારવામાં આવ્યું છે જે સ્વીકાર્ય નથી.
ઉપરોક્ત અરજી પોસ્ટ-ઑફિસના માધ્યમથી ઍર કાર્ગો પોસ્ટ-ઑફિસ, સહાર દ્વારા પ્રિન્સિપલ કમિશનર ઑફ કસ્ટમ્સ (ઇસ્પોર્ટ)ને ૨૦૧૬ મેએ મોકલવામાં આવી.
૨૦૧૬ના ૩૦ જૂનના પત્ર દ્વારા FAA (ફર્સ્ટ અપેલેટ ઑથોરિટી) દ્વારા જણાવવામાં આવ્યું કે આપે કરેલી અપીલની સુનાવણી ૨૦૧૬ની ૧૮ જુલાઈએ FAAની ચેમ્બરમાં રાખવામાં આવી છે ત્યારે ત્યાં હાજર રહેશો. જતીનભાઈએ સુનાવણી માટે આવેલા પત્રની જાણ મનહરભાઈને કરી. મનહરભાઈએ જતીનભાઈને કેન્દ્ર પર બોલાવ્યા તથા FAA સમક્ષ કઈ-કઈ બાબતોની કેવી રીતે રજૂઆત કરવી એનું માર્ગદર્શન આપ્યું.
સુનાવણીના દિવસે જતીનભાઈ FAA સમક્ષ હાજર થયા તથા મળેલા માર્ગદર્શન મુજબ રજૂઆતો કરી. CPIO પણ સ્વયં હાજર રહ્યા. બન્ને પક્ષકારોને સાંભળ્યા બાદ ચુકાદો આપતાં FAAએ જાણાવ્યું કે સંબંધિત વિભાગને જૂની ફાઇલ શોધીને CPIOને આપવાનો હુકમ આપવામાં આવે છે તથા CPIOને અરજકર્તાએ માગેલી માહિતી સંબંધિત વિભાગ તરફથી મળતાં તરત જવાબ આપવાનો આદેશ આપવામાં આવે છે.
ઍડિશનલ કમિશનર ઑફ કસ્ટમ્સે જતીનભાઈને હૈયાધારણ આપી હતી કે આપને જોઈતા દસ્તાવેજ અગ્રીમ ધોરણે શોધીને આપવામાં આવશે એની હું તમને ખાતરી આપું છું. આપને વિનંતી છે કે આપ બીજી અપીલ ફાઇલ ન કરશો. CPIOને ખખડાવતાં ફરિયાદનો ત્વરિત ધોરણે ઉકેલ લાવવાની સૂચના આપી હતી.
આપેલી ખાતરી મુજબ એક મહિનામાં જતીનભાઈને CPIOનો ફોન આવ્યો તથા જણાવવામાં આવ્યું કે આપે આપેલાં બૉન્ડ તથા બૅન્ક-ગૅરન્ટીનાં કાગળો મળી ગયાં છે તથા બન્ને દસ્તાવેજ કૅન્સલ કરી સીલ કરેલા કવરમાં આપને આપવા માટે તૈયાર છે તો એ આપ આવીને લઈ જજો. સાંભળીને જતીનભાઈને આર્શ્ચયનો સુખદ આંચકો લાગ્યો. કલ્પનાતીત સાંભળેલી વાત માનવા મન તૈયાર નહોતું. મારતે ઘોડે તેઓ CPIOના કાર્યાલયમાં પહોંચ્યા. આંખ ન મેળવનારે બેલ મારી પ્યુનને બોલાવ્યો. સાહેબ માટે ઠંડું પાણી અને ગરમ કૉફી લાવવાનો હુકમ આપ્યો. કૉફીના ઘૂંટડે જતીનભાઈને પડેલી અગવડ બદલ માફી માગી. CPIOની વાણી અને વ્યવહારમાં આવેલા બદલાવે જતીનભાઈને આશ્ચર્યચકિત કર્યા. CPIOએ બંધ કવર બૅન્કના મૅનેજરને આપવા ભલામણ કરી. કવર લઈને જતીનભાઈ બૅન્કમાં પહોંચ્યા તથા બૅન્કના મૅનેજરને કવર આપ્યું. મૅનેજરે કવર ખોલ્યું તો અંદર કૅન્સલ કરેલાં ઓરિજિનલ બૉન્ડ તથા બૅન્ક-ગૅરન્ટી જોઈ. આશ્ચર્યચકિત થવાનો વારો હવે મૅનેજરનો હતો. આ કેમ કરતાં પાછાં મળ્યાં? વાઘના મોઢામાંથી મારણ મેળવવા જેવું આ કાર્ય કેવી રીતે કર્યું? એના પ્રત્યુત્તરમાં RTIના બ્રહ્માસ્ત્રની વાત જ્યારે જતીનભાઈએ કરી ત્યારે બૅન્કના અધિકારીઓ આફરીન પોકારી ઊઠ્યા.
મનહરભાઈ તથા સાથીઓની કર્તવ્યનિષ્ઠા તથા RTI કાયદાના યથાયોગ્ય ઉપયોગથી જતીનભાઈની ૧૭ વર્ષની મનોયાતનાનો ૭૦ દિવસમાં સુખદ અંત આવ્યો અને ‘ફાઇટ ફૉર યૉર રાઇટ’ની વિભાવનાનો જયજયકાર થયો.
: મુખવાસ :
કે હશે ઇચ્છાનો દરિયો આંખમાં,
મન! તું માગ ત્યાં મારગ હશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK