નટસમ્રાટની નિવૃત્તિ

Published: Dec 28, 2019, 15:56 IST | Raj Goswami | Mumbai

બ્લૉકબસ્ટર - ફિલ્મી દુનિયાના જાણીતા સર્જકો અને એમનાં સર્જનની ઓછી જાણીતી વાતો: શ્રીરામ લાગુ (૧૬ નવેમ્બર, ૧૯૨૭ - ૧૭ ડિસેમ્બર, ૨૦૧૯)

નટસમ્રાટ
નટસમ્રાટ

૧૮ ડિસેમ્બરે ૯૨ વર્ષની ઉંમરે લબ્ધપ્રતિષ્ઠ અભિનેતા ડૉ. શ્રીરામ લાગુનું અવસાન થયું ત્યારે ઘણાં સમાચારપત્રોમાં તેમની આગળ ‘નટસમ્રાટ’નું વિશેષણ લગાડવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ કહ્યું કે ‘ડૉ. લાગુના જવાથી મરાઠી રંગભૂમિએ એનો ‘નટસમ્રાટ’ ગુમાવ્યો છે.’

‘નટસમ્રાટ’ મરાઠી રંગમંચનું સદાબહાર નાટક છે. મરાઠી રંગભૂમિ માટે કહેવાય છે કે તમે જ્યાં સુધી ‘નટસમ્રાટ’ ન કરો ત્યાં સુધી અભિનેતા ન કહેવાઓ. ૨૩ ડિસેમ્બર, ૧૯૭૦ના મુંબઈના બિરલા માતોશ્રી સભાગૃહમાં એનો પહેલો શો થયેલો અને ડૉ. શ્રીરામ લાગુએ એમાં અપ્પાસાહેબ ગણપત બેલવલકરની ભૂમિકા કરી હતી. એ પછી તે લગાતાર આ નાટક કરતા રહ્યા. બહુ બધા મરાઠી અભિનેતાઓએ પછી આ ભૂમિકા કરી છે. મરાઠીમાં જ આ નાટકનાં ત્રણ-ચાર વર્ઝન છે. તમે જો હિન્દી ફિલ્મોમાં ડૉ. શ્રીરામ લાગુની બૉડી લૅન્ગ્વેજ જોઈ હોય તો એ આ અપ્પાસાહેબ ગણપત બેલવલકરનો પ્રભાવ હતો.

૧૯૭૪માં કાન્તિ મડિયાએ ‘બહુત નાચ્યો ગોપાલ’ નામથી આ નાટક ગુજરાતીમાં કર્યું હતું. ૭૦ના દાયકામાં અમદાવાદની એચ. કે. કૉલેજમાં જશવંત ઠાકરે ‘નટસમ્રાટ’ કર્યું હતું. ૯૮ની આસપાસ પ્રવીણ સોલંકી અને સિદ્ધાર્થ રાંદેરિયાએ ‘અમારી દુનિયા, તમારી દુનિયા’ના નામે આ નાટક કર્યું હતું. ૨૦૧૮માં ડિરેક્ટર જયંત ગિલાટરે સિદ્ધાર્થ રાંદેરિયા, દીપિકા ચીખલિયા અને મનોજ જોશીને લઈને ‘નટસમ્રાટ’ની ગુજરાતી ફિલ્મ બનાવી હતી.

૨૦૧૬માં મહેશ માંજરેકરે મરાઠીમાં ‘નટસમ્રાટ’ ફિલ્મ બનાવી ત્યારે એના નાયક નાના પાટેકરે કહ્યું હતું, ‘હું વીસ વર્ષનો હોઈશ ત્યારે મેં પહેલી વાર શ્રીરામ લાગુનું નાટક ‘નટસમ્રાટ’ જોયું હતું. હું એને વારંવાર જોતો હતો. નહીં-નહીં તોય મેં એને ૨૫ વાર જોયું હશે. ‘નટસમ્રાટે’ મને એક સ્ટાઇલ સાથે લાગણીઓને ભજવવાની તક આપી.’

મરાઠી નાટ્યકાર વિષ્ણુ વામન શિવર્ડકર ઉર્ફે કુસુમાગ્રજના પ્રતિષ્ઠિત ‘નટસમ્રાટ’માં તેમણે શ્રેષ્ઠતાના શિખર પરથી ગબડીને કનિષ્ઠતાની ખીણમાં પટકાતા અભિનેતા ગણપત બેલવલકરની દુઃખદાયક યાત્રા ભજવી હતી. કુસુમાગ્રજ શેક્સપિયરના મહાન નાટક ‘કિંગ લિયર’ને મરાઠીમાં કરવા માગતા હતા અને અચાનક તેમને એક એવા ઉંમરવાન ઍક્ટરનું પાત્ર મગજમાં આવ્યું જે શેક્સપિયરનાં નાટકો કરતો હોય અને રંગમંચની સફળતા અને શોહરત પછી નિવૃત્ત થઈને પરિવારના નાટકમાં ફસાઈ જતો હોય. તે અર્શથી ફર્શ પર પછડાવાની કહાની હતી. ‘કાગઝ કે ફૂલ’માં ગુરુ દત્તે આવી જ રીતે ‘નકામા’ થઈ ગયેલા હતાશ ડિરેક્ટરની ભૂમિકા કરી હતી.

ગણપત બેલવલકરનું એ પાત્ર એટલું ગહન હતું કે એ સમયે શ્રીરામ લાગુના હાર્ટ-અટૅક માટે કારણભૂત બન્યું હતું. તેમના પછી જેટલા રંગકર્મીઓએ એ ભૂમિકા કરી તેમના સ્વાસ્થ્ય પર પણ એની અસર પડી હતી. એને યાદ કરીને ડૉ. લાગુએ કહ્યું હતું, ‘એનું કારણ એ છે કે એ ભૂમિકા અસાધારણ મહેનત માગી લે એવી હતી. બીજું શું કે મોટા ભાગના આપણા ઍક્ટરો ચુસ્ત નથી. ડૉક્ટર તરીકે મને ખબર હતી કે હું પણ ચુસ્ત નહોતો. એ જમાનામાં અમને કશી ખબર નહોતી. શું કરવું અને શું ન કરવું તથા કેટલું કરવું અને કેટલું ન કરવું એની સલાહ-સમજણ આપવાવાળું પણ કોઈ નહોતું. અમે તબિયતની, ખાવા-પીવા ને કસરતની કોઈ દરકાર વગર ઍક્ટિંગમાં ડૂબી જતા હતા. એ નુકસાનકારક છે.’

nat-samrat-01

નાના પાટેકરે આ ભૂમિકા માટે શ્રીરામ લાગુની સલાહ લીધી હતી. એક ઇન્ટરવ્યુમાં લાગુએ કહ્યું હતું, ‘એ ભૂમિકા કોઈ રીતે સહેલી નહોતી. એમાં પાત્રની ખિન્નતામાં ડૂબી જઈને પ્રેક્ષકો સુધી પહોંચવાનું હતું. લોકો આજે પણ ગણપત બેલવલકરના અવાજ અને હાવભાવને યાદ કરીને મને એનું રહસ્ય પૂછે છે તો મારા મોઢા પર હાસ્ય આવી જાય છે.’

ડૉ. લાગુને ‘નટસમ્રાટ’ની ભૂમિકા ફાવી ગઈ હતી એનું કારણ એ કે તે પોતે નવા જમાનાના, પ્રગતિશીલ અને  બુદ્ધિજીવી હતા અને ‘નટસમ્રાટ’ પર શેક્સપિયરના ટ્રૅજિક નાયક કિંગ લિયરનો બહુ પ્રભાવ હતો. એમબીબીએસ, એમએસ ડિગ્રી સાથે આંખ-નાક-ગળાના ડૉક્ટર અને રૅશનલિસ્ટ વ્યક્તિ હતા અને સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર થાય તેમ જ વૈજ્ઞાનિક અભિગમ કેળવાય એ માટે સક્રિય હતા. તે મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સભ્ય હતા. આ સમિતિની રચના ડૉક્ટર, સમાજસેવક અને રૅશનલિસ્ટ નરેન્દ્ર દાભોલકરે કરી હતી, જેમની ૨૦૧૩માં આ પ્રવૃત્તિના કારણે જ હત્યા કરવામાં આવી હતી. શ્રીરામ લાગુ અને દાભોલકર બન્ને પુણેવાસી હતા.

મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દર મહિને ‘વિવેક જાગરણ’ શીર્ષક હેઠળ ડૉ. લાગુનું એક વક્તવ્ય ગોઠવે, જેનો વિષય હોય ‘ઈશ્વરને નિવૃત્ત કરીએ.’ એમાં તે બોલે, ‘હું ઈશ્વરમાં માનતો નથી અને મને લાગે છે કે ઈશ્વરને હવે નિવૃત્ત કરી દેવો જોઈએ. ઈશ્વરનો વિચાર એ કવિની સુંદર કલ્પના છે અને માનવ સભ્યતાની શરૂઆતમાં એની ઉપયોગિતા હતી, પણ હવે સમય આવ્યો છે આપણે સંપૂર્ણ તાર્કિક અભિગમ સાથે દુનિયાનો સામનો કરવો જોઈએ. છેલ્લાં પાંચ હજાર વર્ષથી ઈશ્વરના અસ્તિત્વનો કોઈ પુરાવો નથી મળ્યો અને જેને વૈજ્ઞાનિક રીતે પુરવાર ન કરી શકાય એવી ઘટનાઓમાં વિશ્વાસ એ અંધશ્રદ્ધાથી વિશેષ કશું નથી. ‘ઈશ્વર’ના નામે ઘણાં અમાનવીય વ્યવહારો, અત્યાચારો અને યુદ્ધો થયાં છે. ઈશ્વરની ધારણાને રદ કરવાની માત્ર જરૂર જ નહીં, આપણી ફરજ પણ છે. કારણ કે એ માનવતા સામેનો બહુ મોટો અન્યાય છે. માત્ર તાર્કિક વિચારશક્તિ પાસે જ લોકોને તમામ ચીજોથી ઉપર મૂકવાની ક્ષમતા છે, પણ તમે જ્યારે ઈશ્વરમાં માનો છો ત્યારે તમે એ ક્ષમતાને જતી કરો છો અને જે કહેવામાં આવ્યું હોય એને આંખો બંધ કરીને સ્વીકારો છો. તમે તમારી બુદ્ધિને નિષ્ક્રિય બનાવી દો છો અને પછી તમારામાં અને જાનવરમાં કોઈ તફાવત રહેતો નથી.’

તેમને સાંભળવા માટે બહુ લોકો એકઠા થાય અને અનેક સંસ્થાઓ-સંગઠનો આ વક્તવ્ય ગોઠવવા માટે પડાપડી કરે. શ્રીરામ લાગુએ આ જ વિષય પર લેખ પણ પ્રકાશિત કરેલો અને એનો બહુ વિરોધ-વિવાદ થયો હતો. એમાં લાગુને ધમકીઓ પણ આપવામાં આવેલી અને કાર્યક્રમોમાં તોફાન પણ કરવામાં આવેલાં છતાં તેઓ વિચલિત થયા વગર તેમનું કામ ચાલુ રાખતા. વિરોધ કરવાવાળાએ તેમને કહેલું કે તેઓ ‘શ્રીરામ’ નામ બદલી નાખે, કારણ કે નાસ્તિક માણસનું નામ શ્રીરામ ન હોય.

સાતારામાં ૧૯૨૭માં જન્મેલા શ્રીરામ લાગુ તેમની ભાવે સ્કૂલમાંથી જ થિયેટર કરતા હતા. ભાવે સ્કૂલ રંગમંચને બહુ પ્રોત્સાહન આપતી હતી. અહીંથી જ સ્મિતા પાટીલ, રોહિણી હટંગડી અને સોનાલી કુલકર્ણીને ઍક્ટિંગનો રંગ લાગેલો. આ જ સ્કૂલના એક નાટકમાં લાગુએ સ્વાતંત્ર્ય સેનાની ગોપાલ કૃષ્ણ ગોખલેની ભૂમિકા કરી હતી. વર્ષો પછી રિચર્ડ ઍટિનબરોની ‘ગાંધી’ ફિલ્મમાં લાગુ એ જ ભૂમિકા કરવાના હતા.

એંસી વર્ષના આ પડાવ પર આવીને તમે પાછળ વળીને જુઓ તો તમને કશું જુદી રીતે કરવાનું મન થાય? શ્રીરામ લાગુને એક ઇન્ટરવ્યુમાં સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું, ‘ઘણું બધું. હું આમ તો અભિનેતા જ બનું, પણ હું મારો અહંકાર છોડવાનું પસંદ કરું. હું શ્રેષ્ઠ છું એવી ભાવના જરા વધારે પડતી છે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK