રામગોપાલ વર્માએ ૨૬/૧૧ પરની ફિલ્મના ફર્સ્ટ લુક માટે રિયલ હીરોને આપ્યું આમંત્રણ

Published: 23rd November, 2012 05:10 IST

આજે નેહરુ ઑડિટોરિયમમાં થઈ રહેલા ટ્રેલર લૉન્ચિંગમાં હુમલાનો ભોગ બનેલા લોકોનાં સગાં અને પોલીસ-અધિકારીઓને બોલાવ્યાંમુંબઈ પર અટૅક કરનાર પાકિસ્તાનના ટેરરિસ્ટ અજમલ આમિર કસબને આપવામાં આવેલી ફાંસીની ઉજવણી દેશભરના નાગરિકો સહિત મુંબઈગરાઓ પણ કરી રહ્યા છે ત્યારે એ ઘટના પરથી ફિલ્મ બનાવી રહેલા જાણીતા નિર્માતા-દિગ્દર્શક રામગોપાલ વર્માએ એ અટૅકમાં ટેરરિસ્ટો સામે જીવની પરવા કર્યા વિના લડેલા રિયલ હીરો જેવા પોલીસ-કર્મચારીઓને ફિલ્મના ફર્સ્ટ લુક લૉન્ચિંગ વખતે આમંત્રણ આપ્યું છે.

ઘણા બધા વિવાદો જેમની સાથે જોડાયા છે એ રામગોપાલ વર્માને આખરે મુંબઈ પર થયેલા ૨૬/૧૧ના ટેરર અટૅક પરની તેમની ફિલ્મના ફર્સ્ટ લુકને રિલીઝ કરતાં આંનદ થઈ રહ્યો છે એમ તેમણે કહ્યું છે. થોડા વખત પહેલાં તેઓ આ ફિલ્મને લીધે ચર્ચામાં હતા. તેમણે સીએસટીમાં જ્યાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને અનેક લોકોને રહેંસી નાખ્યા હતા એ જ જગ્યાએ ફિલ્મનું શૂટિંગ કરવા સેન્ટ્રલ રેલવે પાસે પરવાનગી માગી હતી, પણ સેન્ટ્રલ રેલવેએ તેમને ના પાડી દીધી હતી. આ બાબતે સેન્ટ્રલ રેલવેના જનરલ મૅનેજર સુબોધ જૈને કહ્યું હતું કે ‘અમે તેમને શૂટિંગની પરમિશન ન આપી શકીએ, કારણ કે એ બહુ જ સેન્સિટિવ ઇશ્યુ છે. અમે એ માટેનું પ્રપોઝલ રેલવે-ર્બોડને મોકલી આપ્યું છે અને હવે એ જ આ બાબતે નિર્ણય લેશે.’

ગયા મહિને રામગોપાલે તારીખ અને સમય સાથે તેઓ જે અલગ-અલગ લોકેશન પર શૂટિંગ કરવા માગે છે એની વિગતો મોકલી હતી, પણ સેન્ટ્રલ રેલવેના સત્તાવાળાઓએ એ માટે ના પાડી દીધી હતી. જો સેન્ટ્રલ રેલવેના એક ઑફિસરની વાત સાચી માનીએ તો હજી પણ રામગોપાલ એ સ્પૉટ પર  શૂટિંગ કરવા માગે છે અને પરમિશન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે તેમણે અનેક કોશિશ કરી હોવા છતાં સેન્ટ્રલ રેલવેના સત્તાવાળાઓ તેમને સીએસટી પર એ લોહિયાળ ઘટનાના સીનનું શૂટિંગ કરવા દેવાના ખિલાફ છે. એક સિનિયર રેલવે-ઑફિસરે કહ્યું હતું કે ‘જો તેઓ સ્ટેશન પર લોહિયાળ જંગના સીનના શૂટિંગ માટે પરમિશન આપશે તો એને કારણે રેલવેની નેગેટિવ ઇમેજ બનશે. જોકે આ બાબતે આરપીએફ (રેલવે પોલીસ ર્ફોસ)ના એક કર્મચારીએ જેમણે એ અટૅકમાં ભાગ લીધો હતો અને તેમને એમાં કામ પણ કરવા મળતું હતું તેમણે કહ્યું હતું કે હું રામગોપાલ વર્માની ફિલ્મમાં કામ કરવા તૈયાર હતો, પણ એ માટે મારે સિનિયર્સની પરવાનગી લેવી જરૂરી છે. તેને ગર્વ છે કે એ અટૅક દરમ્યાન તેના બીજા સહકર્મચારીઓ સાથે આતંકવાદીઓ સામે લડવાનો તેને મોકો મળ્યો હતો.

આટલી બધી મુશ્કેલીઓ હોવા છતાં રામગોપાલે તેમની ૨૬/૧૧ ફિલ્મનો શુક્રવારે નેહરુ ઑડિટોરિયમમાં ફર્સ્ટ લુકનો પ્રોગ્રામ ગોઠવ્યો છે. વર્માએ આ માટે આતંકવાદીઓ સામે લડનારા ખરા હીરો એવા પોલીસ-કર્મચારીઓ અને શહીદીને વરેલા સુરક્ષા-કર્મચારીઓની ફૅમિલીને આંમત્રણ આપ્યું છે. રામગોપાલે કહ્યું હતું કે ‘૨૦૧૩માં રજૂ થનારી એ ફિલ્મના ફર્સ્ટ લુકના પ્રોગ્રામમાં મેં એ અટૅકમાં ભાગ લેનાર દરેકને આમંત્રણ આપ્યું છે. અમે એ ફિલ્મમાં રિયલ હીરોને પણ દર્શાવવાના છીએ.’

તેમણે વધુમાં કહ્યું હતું કે તેઓ આ ફિલ્મ દ્વારા દુનિયાને એ જણાવવા માગે છે કે એ રાતે શું બન્યું હતું એની સાચી હકીકતથી લોકો વાકેફ થાય. જોકે ફિલ્મ હજી પૂરી થઈ નથી. સીએસટી પર જે બન્યું હતું એનું શૂટિંગ હજી બાકી છે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK