રાજ ઠાકરેને પાનો ચડાવવા માટે રાજ્યભરમાંથી આવ્યા ટેકેદારો

Published: 11th November, 2014 06:06 IST

MNS રાજ્યના રાજકારણમાંથી સાવ સાફ થઈ ગઈ હોવાના વાતાવરણ વચ્ચે પાર્ટીમાંથી કેટલાક નેતાઓ નીકળી રહ્યા છે ત્યારે જે વક્તા અને રાજકારણીના જોર પર MNS પાર્ટી ઊભી થઈ એ રાજ ઠાકરેને સમર્થન આપવા માટે આખા રાજ્યમાંથી MNSના કાર્યકરો રાજના દાદરના શિવાજી પાર્કમાં આવેલા રહેઠાણ કૃષ્ણકુંજ સામે ગઈ કાલે એકઠા થયા હતા.MNSએ મરાઠીનો મુદ્દો, ટોલ-આંદોલન, નોકરીઓમાં મરાઠી યુવાનોની ભરતી વગેરે મુદ્દા પર પ્રથમ ચૂંટણી લડીને ૧૩ બેઠક પર જીત મેળવી હતી. એ પછી આઠ વર્ષોમાં અનેક ઘટનાઓ બની છે. આ વર્ષે લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીનો કરુણ પરાજય થયો. એ સાથે પાર્ટીમાંથી વિધાનસભ્યો અને હોદ્દેદારોનાં રાજીનામાંનો સિલસિલો શરૂ થયો હતો.

આવી વણસેલી પરિસ્થિતિમાં પણ હિંમત હાર્યા વિના આગળ વધવા અને તેમને પૂરેપૂરો ટેકો હોવાની બાંયધરી આપવા માટે પાર્ટીના કાર્યકરો શક્તિપ્રદર્શન માટે રાજના રહેઠાણ સામે ગઈ કાલે એકઠા થયા હતા. આ શક્તિપ્રદર્શન તેમણે અગાઉ પહેલી નવેમ્બરે યોજવાનું વિચાર્યું હતું, પરંતુ એ દિવસે રાજ ઠાકરે પ્રવાસમાં હોવાથી કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો. મુલતવી રખાયેલો એ કાર્યક્રમ ગઈ કાલે યોજાતાં મુંબઈ, થાણે, નાશિક તથા રાજ્યના બીજા અનેક વિસ્તારોમાંથી કાર્યકરોએ ભેગા થઈને ‘રાજસાહેબ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈં’ જેવા સૂત્રોચ્ચારો કર્યા હતા. બપોરે રાજ ઠાકરેએ આ કાર્યકરોનું અભિવાદન કરવા ઉપરાંત તેમને મળીને ચર્ચા પણ કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK