શનિવારે માધવસિંહ સોલંકીનું અવસાન થયું. ૯૦થી વધુ વર્ષ ‘જીવી જાણનારા’ આ આપણા મુખ્ય પ્રધાનને અનેક રીતે યાદ કરવામાં આવ્યા છે. પાછલાં વર્ષોમાં તેમણે સ્વાસ્થ્યની દૃષ્ટિએ બહાર જવાનું ટાળ્યું. ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને એકાંતિક જિંદગી જીવતાં પુસ્તકો વાંચે, મુલાકાતીઓ (જેની સંખ્યા ક્રમશઃ ઓછી થઈ રહી હતી)ને મળે, આરામ કરે આ તેમનો નિત્યક્રમ. દરેક રાજકારણી હવે પોતાના રાજકીય વારસદારને મૂકી જાય છે. ભરતસિંહ તેમના પુત્ર, કૉન્ગ્રેસના એક જૂથના મહારથી અને હમણાં કોરોનાના સકંજામાં આવ્યા અને એમાંથી પાર થઈને વળી પાછા સક્રિય થયા.
માધવસિંહ ફૂલસિંહ સોલંકીની કારકિર્દીની તરાહમાં વિવિધતા રહી. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના પ્રચાર અધિકારી (પીઆરઓ), અમદાવાદથી પ્રસિદ્ધ થતા અખબારના પત્રકાર, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પછી કૉન્ગ્રેસના સંગઠનની જવાબદારી, ધારાસભ્ય અને બે વાર મુખ્ય પ્રધાન, એ પછી કેન્દ્રના વિદેશપ્રધાન... આમ તેમના અનુભવોનો રસ્તો ઘણો વિશાળ અને લાંબો હતો. એક વાર ૧૯૮૫નાં રમખાણો દરમ્યાન જ્યારે તેઓ મુખ્ય પ્રધાન હતા ત્યારે મેં મારી કૉલમમાં લખ્યું હતુંઃ ‘કાશ, જો લખે સોલંકી તેમની આત્મકથા.’
એવું તો તેમણે કર્યું નહીં, પણ ‘મતદારના મંચ’ પર ખાસ્સો ઊહાપોહ મચાવે એવા નિર્ણય જરૂર અમલમાં લાવ્યા. સોલંકી સાથે એક શબ્દ જોડાઈ ગયો એ ‘ખામ’ થિયરીનો. કેટલાકે એને સોશ્યલ એન્જિનિયરનો પ્રયોગ ગણાવ્યો અને એને કારણે પછાત અવસ્થામાં ઉદ્ધારની આશા રાખતો મોટો વર્ગ કૉન્ગ્રેસને મળ્યો એનું શ્રેય માધવસિંહને જાય છે. તેમના પછી એવા લાખ પ્રયત્નો નિષ્ફળ ગયા અને ગુજરાતનો કબજો બીજેપી, કેશુભાઈ, નરેન્દ્ર મોદી, આનંદીબહેન અને વિજય રૂપાણીએ લીધો.
આ બધાની રાજકીય વ્યૂહરચના અલગ-અલગ રહી. સોલંકીને ‘ખામ’ થિયરીના જનક ગણવામાં આવ્યા છે, પણ તેમની સાથે સનત મહેતા અને ઝીણાભાઈ દરજી પણ આ વ્યૂહરચનામાં સામેલ હતા, જે પછીથી સોલંકીની નીતિરીતિથી અસંમત થઈ ગયા હતા. તેમના કાર્યકાળ દરમ્યાન જ ગુજરાત કૉન્ગ્રેસમાં ભાગલા પડ્યા. નારાજ રતુભાઈ અદાણી અને બીજા ગાંધીવાદી કૉન્ગ્રેસી નેતાઓ ‘ખામ’થી પેદા થયેલા વર્ગવિગ્રહ અને અરાજકતાથી ભારે નારાજ હતા અને તેઓએ કૉન્ગ્રેસ છોડીને રાષ્ટ્રીય કૉન્ગ્રેસની સ્થાપના કરી હતી, પણ ૧૯૮૫માં વળી પાછા સોલંકી ભારે બહુમતથી ચૂંટાઈ આવ્યા. એ સિદ્ધિ સંઘર્ષ પણ લાવી. ૧૯૮૫માં અનામતવિરોધી તરફેણમાં જે તોફાનો થયાં, હિંસાચાર સર્જાયો, લાશો ઢળી, આગજની અને લૂંટફાટ શરૂ થઈ એ ગુજરાતના રાજકીય ઇતિહાસનો રક્તરંજિત અને વિભાજિત અધ્યાય છે.
એક દિવસ પોલીસ હડતાળ પર ઊતરી ગઈ તો રસ્તા પર દારૂનાં પીપડાં છલકાયાં, જાહેર જુગાર શરૂ થયો, ઘરો બાળવામાં આવ્યાં, રસ્તા પર સળગતાં ટાયરની આડશ ઊભી કરાઈ. આ નજરે જોયેલા હિંસાચાર અને અરાજકતા પછી મેં મારી કૉલમમાં લખ્યુંઃ ‘જો લખે આત્મકથા, મુખ્યમંત્રી સોલંકી...’ એવા સમયે પણ તેમનો ફોન આવ્યો. કૉલમમાં નિષ્ફળ કાયદો-વ્યવસ્થાની સખત ટીકા હતી, પણ જરાસરખોય અણસાર આપ્યા સિવાય તેમણે અમૃત ઘાયલની એક ગઝલપંક્તિ ટાંકીને મને કહ્યું, ‘હું તો માત્ર વાંચું છું બધું, લખતો નથી. તમે પૂછો છો કારણને, પણ હું તો કારણનું અકારણ છું!’
ગુજરાતની રાજનીતિમાં આ બીજા મુખ્ય પ્રધાન એવા નીકળ્યા જેમનું કૉન્ગ્રેસની સર્વોચ્ચ નેતાગીરીએ રાજીનામું માગી લીધું. ૧૯૭૪માં ચીમનભાઈ પટેલને રાજીનામું આપવાની તાકીદ કરવામાં આવી હતી. તેમણે પદ છોડ્યું, નવો પક્ષ ‘કિમલોપ’ સ્થાપ્યો અને પછી એનો લોપ કરીને જનતા દળ, પછી વળી પાછા કૉન્ગ્રેસમાં જોડાયા અને ફરીથી મુખ્ય પ્રધાન પણ બન્યા. સોલંકીએ એ રસ્તો અપનાવ્યો નહીં. કેન્દ્રએ તેમને વિદેશપ્રધાન બનાવ્યા ત્યારે બોફર્સના મુદ્દે ‘પોસ્ટમૅન’ હોવાનો કટાક્ષ અખબારોએ કર્યો હતો!
સોલંકી સાહિત્યપ્રેમી હતા. મિત્રોનો ડાયરો તેમને પસંદ હતો. તેમણે થોડો સમય પત્રકારની કામગીરી પણ બજાવી હતી. એ સમયના દિગ્ગજ પત્રકારો વાસુદેવ મહેતા, નીરુભાઈ દેસાઈ, પ્રબોધ ચોકસી, ઠાકોરભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, શેખાદમ આબુવાલા વગેરે સાથે તેઓ ટોળટપ્પા મારતા. વિઠ્ઠલભાઈને તેમણે રાજ્યસભામાં મોકલ્યા. શેખાદમ આબુવાલાને કૅન્સર હતું એ સમયે આર્થિક પ્રશ્ન ન નડે એટલે માહિતી ખાતામાં સલાહકાર તરીકે નિયુક્ત કર્યા. ભૂપત વડોદરિયા અને મોહમ્મદ માંકડ એ બન્ને તેમના સાહિત્યકાર મિત્રો. એક માહિતી નિયામક બન્યા, તો બીજા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ. અત્યારે લગભગ પથારીવશ મોહમ્મદ માંકડની વય માધવસિંહભાઈ જેટલી જ છે. તેમને સાહિત્ય અકાદમીનો ખ્યાત ‘ગૌરવ પુરસ્કાર’ એનાયત કર્યો. એમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઉપસ્થિત રહીને સન્માન કર્યું હતું. સોલંકી ગુજરાતના રાજકારણમાં એવા સમયે આવ્યા હતા જ્યારે વિવાદ, સંઘર્ષ અને વ્યૂહરચનાઓનો રસપ્રદ તબક્કો હતો.