Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પતિ નામે પતંગિયું અંગ્રેજીમાં સુપરફ્લૉપ થયું

પતિ નામે પતંગિયું અંગ્રેજીમાં સુપરફ્લૉપ થયું

09 February, 2021 02:27 PM IST | Mumbai
Sanjay radia

પતિ નામે પતંગિયું અંગ્રેજીમાં સુપરફ્લૉપ થયું

પતિ નામે પતંગિયું અંગ્રેજીમાં સુપરફ્લૉપ થયું

પતિ નામે પતંગિયું અંગ્રેજીમાં સુપરફ્લૉપ થયું


અશોક પાટોળે પાસેથી મૂળ મરાઠી નાટક ‘દેખણી બાયકો દુસર્યાચી’ના રાઇટ્સ અમે લીધા હતા, જેનું ગુજરાતીમાં સિદ્ધાર્થ રાંદેરિયાએ રૂપાંતર-દિગ્દર્શન કર્યું હતું અથવા એમ કહો કે સિદ્ધાર્થે ધરમૂળથી આખું નાટક બદલી નાખ્યું હતું એટલે અમે નવેસરથી એના રાઇટ્સ લઈને એ જ નાટક અમેરિકા લઈ જવાનું નક્કી કર્યું

૧૯૯૭ની ૨૭ એપ્રિલ અને રવિવાર.
‘શારદા’ નાટક ઓપન થયું. નાટક મેગાહિટ નહોતું રહ્યું, પણ સુપરહિટ તો તમે ગણી જ શકો. ગયા રવિવારે મેં તમને કહ્યું હતું એમ નાટકમાં, મારા અને કૌસ્તુભ ત્રિવેદી ઉપરાંત જે. અબ્બાસ, અરવિંદ રાઠોડ અને પદ્‍મારાણી પણ પ્રોડ્યુસર હતાં.
‘શારદા’ ખૂબ સરસ રીતે ચાલતું હતું એટલે ફરીથી અમે નવા નાટક તરફ નજર કરી. અમારી પાસે લેખક અશોક પાટોળેના નાટક ‘દેખણી બાયકો દુસર્યાચી’ના રાઇટ્સ ઑલરેડી પડ્યા હતા, જે નાટક પરથી ‘પતિ નામે પતંગિયું’ નાટક બન્યું હતું. નાટકની મરાઠી સ્ક્રિપ્ટ અમને અશોક પાટોળેએ આપી હતી. એક વખત હું અને કૌસ્તુભ બેઠા હતા ત્યારે મેં કૌસ્તુભને કહ્યું કે આપણે ‘પતિ નામે પતગિંયુ’ પરથી ઇંગ્લિશ નાટક બનાવીએ. કૌસ્તુભનું મન માનતું નહોતું એટલે તેણે ના પાડતાં મને કહી દીધું કે ઇંગ્લિશ નાટકમાં મારે પૈસા નથી લગાડવા, તારે કરવું હોય તો તું કર, ઇંગ્લિશ નાટકમાં હું સાથે નથી. આપણને વાંધો નહોતો. મારા આજ સુધીના અનુભવ પરથી તમને અંદાજ તો આવી જ ગયો હશે કે મને સતત કશુંક નવું કરવાના કીડા ઊપડતા રહેતા.
મેં કહ્યું કે હું મારા પૈસે નાટક બનાવીશ. હું મારા બહુ જૂના એવા મિત્ર ઇકબાલ ખ્વાજા પાસે ગયો. ખ્વાજાનું અત્યારનું નામ ઇકબાલ રાજ છે. ઇકબાલ તેના મિત્રો સાથે મળીને એક ગ્રુપ ચલાવતો હતો, નામ એનું હેતુ. તેણે ઘણાં સુપરહિટ નાટકો પૃથ્વી થિયેટર માટે કર્યાં હતાં. હેતુમાં વ્રજેશ હીરજીથી માંડીને પીસી, રાજેન કવાડિયા, અમિત બહલ જેવા અનેક કલાકારો હતા. હેતુમાં ઘણાં સરસ નાટક થયાં હતાં. એ નાટકોમાંથી એક નાટક હતું, ‘શેક્સપિયર કી રામલીલા’. આ નાટકનો શો પૃથ્વીમાં થવાનો હતો, પણ શો થાય એ પહેલાં જ તોફાની તત્ત્વો આવી ગયાં અને તેમણે નાટક બંધ કરાવી દીધું. એ નાટક પછી ક્યારેય થયું જ નહીં.
મેં ઇકબાલને મળીને કહ્યું કે અમારી આ મરાઠી નાટકની સ્ક્રિપ્ટ છે, તું આ નાટકનું ઇંગ્લિશ રૂપાંતર કર અને ડિરેક્શન પણ તારે જ કરવાનું છે.
નાટકની તૈયારીઓ શરૂ થઈ. અમારા એ નાટકમાં ઇકબાલે પણ એક રોલ કર્યો તો ભાવના બલસાવર પણ હતી. ભાવનાની બીજી ઓળખાણ આપું. તે શુભા ખોટેની દીકરી અને વિજુ ખોટેની ભાણેજ થાય. સાથે ફાતિમા શેખ પણ હતી. નાટકનું નામ હતું, ‘અ ગાઇડ ટુ ધ મૅરિડ મૅન’. નાટક સુપરફ્લૉપ ગયું. ફાઇનલી મને સમજાઈ ગયું કે આપણી જે ભાષા નથી, જેની આપણને ગતાગમ નથી એમાં ક્યારેય ચંચુપાત કરવા જવું નહીં. અમારું એ નાટક પાંચ જ શોમાં બંધ થઈ ગયું. આ મારું બીજું અંગ્રેજી નાટક, એ નાટક પછી મેં ક્યારેય ફરી એ દિશામાં જોયું નહીં.
આ નાટકમાં મારે બહુ મોટી ખોટ સહન કરવી પડી, પણ સદ્ભાગ્યે અમને અમેરિકાથી મહેન્દ્ર ત્રિવેદીનું કહેણ આવ્યું કે ‘દેરાણી જેઠાણી’ નાટક આપણું બહુ સરસ ગયું છે તો તમે આવતી ફેબ્રુઆરીની સીઝન માટે નાટક આપો. ‘દેરાણી જેઠાણી’ ૧૯૯૭માં કર્યું અને મહેન્દ્ર ત્રિવેદીએ ૧૯૯૮ના ફેબ્રુઆરી-માર્ચ માટે નાટકનું આમંત્રણ આપ્યું. વાત આગળ વધારતાં પહેલાં હું તમને મહેન્દ્ર ત્રિવેદીની ઓળખાણ આપું. જૂની રંગભૂમિના ખૂબ જ જાણીતા લેખક ચીમનલાલ ત્રિવેદીના તે દીકરા થાય. મહેન્દ્ર ત્રિવેદી અમેરિકા સેટલ તો થઈ ગયા, પણ થિયેટરનો જીવ એટલે નાટકથી દૂર તો કેવી રીતે રહે. અમેરિકામાં રહીને તેમણે આપણાં નાટકો બોલાવવાનું શરૂ કર્યું. મિત્રો, અમેરિકામાં અત્યારે ગુજરાતી રંગભૂમિ જે રીતે ફૂલીફાલી છે એના પાયામાં મહેન્દ્ર ત્રિવેદીનો બહુ મોટો ફાળો. તેમણે ઑર્ગેનાઇઝ્‍ડ વેથી આખા અમેરિકામાં ગુજરાતી નાટકના શો કર્યા અને પછી એ જ રીત બીજા પ્રમોટરોએ પણ અપનાવી.
મહેન્દ્રભાઈની ઑફર આવી એટલે મેં કૌસ્તુભને કહ્યું કે ‘દેખણી બાયકો દુસર્યાચી’ આપણે અમેરિકામાં કરીએ. કૌસ્તુભે હા તો પાડી, પણ મારા મનમાં એક નવી મૂંઝવણ શરૂ થઈ. ‘દેખણી બાયકો દુસર્યાચી’ની ઓરિજિનલ સ્ક્રિપ્ટ જેના પરથી ઇકબાલ અને મેં જે અંગ્રેજી નાટક બનાવ્યું હતું એ સ્ક્રિપ્ટ એટલી સારી નહોતી. ઓરિજિનલ મરાઠી નાટક પરથી સિદ્ધાર્થ રાંદેરિયાએ જે ગુજરાતી નાટક કર્યું હતું એમાં તેણે ધરમૂળથી ફેરફાર કર્યા હતા, જે અમને પછીથી સમજાયું.
જો હવે અમારે અમેરિકામાં ‘દેખણી બાયકો દુસર્યાચી’ કરવું હોય તો અમારે કિરણ સંપટ અને ગુજરાતી વર્ઝન તૈયાર કરનાર લેખક-દિગ્દર્શક સિદ્ધાર્થ રાંદેરિયા પાસેથી ‘પતિ નામે પતંગિયું’ નાટકના રાઇટ્સ લેવા પડે. અમે કિરણભાઈ અને સિદ્ધાર્થ પાસે ગયા અને તેમની પાસેથી ગુજરાતી વર્ઝનના રાઇટ્સ ખરીદ્યા. એની સામે અમને કિરણભાઈએ તેમના નાટકનું મ્યુઝિક અને નાટક રેકૉર્ડ કરેલી વીએચએસ કૅસેટ પણ આપી. નાટકની સ્ક્રિપ્ટ હાથમાં આવી એટલે અમે ‘પતિ નામે પતંગિયું’ નાટક અમેરિકા લઈ જવાની તૈયારીમાં લાગ્યા.
‘પતિ નામે પતંગિયું’ નાટકના કાસ્ટિંગની વાતો અને અમેરિકામાં થયેલા શોની વાતો કરીશું આપણે આવતા મંગળવારે.



ફૂડ ટિપ્સ : તારાબાગની પાણીપૂરી


મિત્રો, મારી આ ફૂડ-યાત્રા આગળ નીકળી અને હું ‘ચારભુજા’થી નીકળીને તારાબાગ તરફ આગળ વધ્યો. આ તારાબાગ ચર્ની રોડ સ્ટેશન પાસે આવ્યું છે. ક્વ‌ીન્સ રોડથી આપણે ઑપેરા હાઉસ તરફ જતાં સેન્ટ્રલ સિનેમાવાળો રાઇટ લઈએ કે તરત જ હિન્દુજા ઑડિટોરિયમ અને હિન્દુજા કૉલેજ આવે. આ જ રસ્તા પર આગળ વધતાં જમણી બાજુએ જ તારાબાગનો પાણીપૂરીવાળો છે. મૂળ તો એ ઝવેરી બિલ્ડિંગના એન્ટ્રન્સ પાસે વર્ષોથી બેસે છે, પણ તારાબાગના પાણીપૂરીવાળા તરીકે ફેમસ છે. અદ્ભુત પાણીપૂરી. હું નાનપણથી ત્યાં ખાતો આવ્યો છું. મોટી પૂરી અને પૂરીની ખાસિયત એ કે તે સહેજ બળેલી એટલે કે થોડી ઓવરફ્રાય થયેલી હોય, જેને લીધે એ સહેજ કાળી કે પછી ડાર્ક બ્રાઉન દેખાય. ઓવરફ્રાય હોવાનો ફાયદો એ કે એ એકદમ કડક હોય.
આપણી જે રેગ્યુલર પાણીપૂરીની પૂરી છે એમાં રગડો, ચટણી અને પાણી નાખ્યા પછી એ તમારા સુધી આવે અને તમે એને ઊંચકો અને મોઢામાં મૂકો ત્યાં સુધીમાં નરમ થઈ જાય, પણ તારાબાગની પાણીપૂરીમાં એવું નથી થતું. એની આ ઓવરફ્રાયનેસને કારણે એ કડક અને કરકરી થઈ જવાથી તમે મોઢામાં મૂકીને સહેજ દાંત અડાડો ત્યાં એ ફૂટે અને પછી તમારા મોઢામાં ફુદીના-મરચાના પાણીની તીખાશ, ખજૂર-આમલીની ચટણીનું ગળપણ અને ગરમાગરમ રગડાની ખારાશ આવે. એવું નથી કે તારાબાગની પાણીપૂરી કે રગડા-પૅટીસ જ વખણાય છે. તેની બધી જ આઇટમ સારી છે. દહીં-બટાટાપૂરી, પકોડી-ભેળ બધું અદ્ભુત.
મિત્રો, તમને એક વાત કહું, પકોડી-ભેળ માત્ર ને માત્ર મુંબઈમાં જ મળે છે અને અમુક લોકો જ એ બનાવે છે. પકોડી એટલે દહીંવડા જેવું જ વડું, જે ખૂબ સૉફ્ટ હોય. પકોડી-ભેળ માટે પહેલાં પકોડી એટલે કે વડાનો ચૂરો કરે, પછી એમાં ફણગાવેલાં બાફેલાં મગ, રગડો, તીખી-મીઠી ચટણી અને ઉપર દહીં નાખીને જીરુંનો મસાલો ભભરાવી તમને આપે. સાહેબ, મોઢામાં મૂકતાં જ એકદમ ઓગળી જાય એવી સરસ દહીં-પકોડી તારાબાગવાળો બનાવે છે. હું તમને કહીશ કે જ્યારે પણ તારાબાગ જાઓ ત્યારે તેની બધી વરાઇટી ચાખજો અને ધારો કે કંઈક ન સૂઝે તો તેની પાણીપૂરી અને દહીં-પકોડી તો અચૂક ખાવવી. સ્વાદ, સુગંધ અને શુદ્ધતાનો અદ્ભુત સંગમ છે.


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2021 02:27 PM IST | Mumbai | Sanjay radia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK