એસી કૉફીન ધરાવતું પાલઘર દેશનું પહેલું રેલવે સ્ટેશન બન્યું
રેલવે અકસ્માતમાં મૃત્યુ પામનારાના મૃતદેહને સાચવવા માટે ઍર કન્ડિશન્ડ કૉફીનની સેવા શરૂ કરનારું મુંબઈ નજીકનું પાલઘર દેશનું સૌપ્રથમ રેલવે સ્ટેશન બન્યું છે. રેલવેને આ સફળતા રોટરી ક્લબ ઑફ સાઉથ મુંબઈ અને રેલવે અકસ્માતના ભોગ બનનારાઓને મદદ કરતા તથા સામાજિક કાર્યકર ભાવેશ પટેલના સહયોગથી સફળતા મળી છે. પાલઘર રેલવે સ્ટેશનની હદમાં સફાલાથી બોરડી સુધીનાં નવ રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે એટલે આ સુવિધા ઘણી ઉપયોગી સાબિત થશે. અકસ્માતનો ભોગ બનનારાના પરિવારજનો રેલવે સ્ટેશને પહોંચે ત્યાં સુધી મૃતદેહને આ કૉફીનમાં સાચવી રખાશે.
રોટરી ક્લબના દક્ષિણ મુંબઈના પ્રેસિડન્ટ સોનુ ચૌધરીએ કહ્યું હતું કે ‘રેલવે અકસ્માતમાં લોકોના મૃત્યુ થયા બાદ નક્કી કરાયેલા સમય સુધી મૃતદેહનો તાબો લેવા કોઈ આગળ ન આવે તો તેને પોલીસે ફરજિયાત દફન કરવો પડતો હતો. આ સમસ્યા ભાવેશ પટેલના ધ્યાનમાં આવતાં તેમણે એના ઉકેલ માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. એસી કૉફિનના રૂપમાં તેમણે શોધી કાઢેલા ઉપાયને પગલે પાલઘર રેલવે સ્ટેશન પર એની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે.’
ADVERTISEMENT
ભાવેશ પટેલે કહ્યું હતું કે ‘પાલઘરથી શરૂઆત કરાઈ છે, પણ અમે દરેક રેલવે સ્ટેશન પર આવી સુવિધા ઉપલબ્ધ થાય એ માટેના પ્રયાસ શરૂ કરી દીધા છે. રેલવે પોલીસ રેલવે અકસ્માતનો ભોગ બનનારાના અંગૂઠાની છાપ લેવાની શરૂઆત કરે તો એને આધારે તેના પરિવારજનો પાસે પહોંચવાનું સરળ બનશે. આ માટે રેલવે વિભાગ કે પોલીસને જે કંઈ જરૂરિયાત હોય એ પૂરી પાડવા અમે તૈયાર છીએ.’

