આપણો ઈશ્વર પણ સીઝનલ છે

Published: Jul 24, 2020, 19:52 IST | Rashmin Shah | Mumbai

કેરીની સીઝન હજી હમણાં ગઈ અને ચાર મહિના પછી એટલે કે મૉન્સૂન ઊતરતાં ચેરી અને સ્ટ્રૉબેરી આવવા માંડશે.

ધર્મના અનુકરણ માટે દિવસ નહીં, દિલ જોઈએ. ધર્મના અનુસરણ માટે મહેનત નહીં, મન જોઈએ.
ધર્મના અનુકરણ માટે દિવસ નહીં, દિલ જોઈએ. ધર્મના અનુસરણ માટે મહેનત નહીં, મન જોઈએ.

હા, શ્રાવણમાં મહાદેવને જગાડીએ અને પયુર્ષણ આવતાની સાથે પ્રતિક્રમણનું વિશ્વ ખોલી નાખીએ. ગોકુળાષ્ટમીમાં આપણા મનમાં કાનો રમવા માંડે અને નવરાત્રિના ચાર દિવસ અગાઉથી માતાજીનાં નૈવેદ્ય વિચારોમાં ફરવા માંડે

કેરીની સીઝન હજી હમણાં ગઈ અને ચાર મહિના પછી એટલે કે મૉન્સૂન ઊતરતાં ચેરી અને સ્ટ્રૉબેરી આવવા માંડશે. એવું જ બીજાં ફ્રૂટ્સમાં થશે. મૉન્સૂનના આ મહિનાઓમાં ખાસ કોઈ સીઝન નહીં આવે, પણ હા, લિચી દેખાશે અને લિચીની સાથે લચી પડેલા તહેવારો પણ દેખાવાનું શરૂ થઈ જશે. આ ચાર મહિના હવે તહેવારોની સીઝન ચાલશે. તહેવારોની સીઝન અને એ સીઝનની સાથોસાથ ઈશ્વરની સીઝન. હા, આપણો તો ઈશ્વર પણ સીઝનલ છે. શ્રાવણ ચાલુ થયો એટલે આપણે મહાદેવને જગાડી દીધા છે. ૩૦ દિવસ અને પાંચ સોમવાર આપણે મહાદેવનાં ગાણાં ગાઈશું, પર્યુષણ આવશે એટલે પ્રતિક્રમણનો દરવાજો ખોલી નાખીશું. કહો જોઈએ, કેટલા જૈન એવા છે જેઓ ૭ દિવસ સુધી કાંદા-બટાટાનો ત્યાગ કરીને સાધર્મી હોવાનો ગર્વ લેશે? નવરાત્રિમાં માતાજીના નામની આરાધના થશે, નૈવેદ્યની થાળી બનશે અને મા-મયી વાતાવરણ વચ્ચે માતાજીની સીઝન આવશે. આપણો ઈશ્વર સીઝનલ છે. તહેવારો અને ઉત્સવોના દિવસોમાં ભગવાન ઇનથિંગ્સ થઈ જાય છે અને એ પછી ઈશ્વર હાંસિયાની બહાર ચાલ્યા જાય છે. પર્યુષણમાં ઉઘાડા પગે ૭ દિવસ રહીને જીવહિંસા ટાળનારાઓ પાસે પોતાના તર્ક અને પોતાની દલીલો છે, પણ એ તર્ક અને દલીલોથી વિશ્વ સાચું બની જતું હોત તો વાતચીતને બદલે માત્ર તર્ક અને દલીલો જ સંવાદના સ્થાને હોત.
સીઝનલ ઈશ્વર ક્યારેય શ્રદ્ધા સાથે નથી આવતો. સીઝનલ ઈશ્વર દેખાડાંનું પ્રતીક છે, જેની પાસે ૩૫૭ દિવસ માટે ઈશ્વરને યાદ રાખવાનું કામ સહેલું નથી હોતું એ કેવી રીતે ૯ દિવસના પોતાના ભક્તિભાવથી ઈશ્વરને પૂજી શકે, ઈશ્વરને રીઝવી શકે? કેવી રીતે ચાર કે પછી પાંચ સોમવારથી મહાદેવ પોતાની નજર તમારા પર સ્થાયી કરી શકે અને કેવી રીતે ૭ દિવસ માટે સૂર્યાસ્ત પહેલાં જમી લેવાથી ઈશ્વરને તમારો ભક્તિભાવ પહોંચી જાય. કન્ડિશનલ કે પછી સીઝનલ ધર્મ ક્યારેય અસરકારક હોતો નથી અને એ હોઈ પણ ન શકે. એ વાત અને એ મુદ્દો અસ્થાને છે કે આખું વર્ષ ન થઈ શકે ધર્મ એટલે આ દિવસોમાં પાળીએ કે પછી પાળવાનો પ્રયાસ કરીએ. માત્ર તર્ક અને દલીલ છે અને એ તર્ક કે દલીલને સ્થાન નથી. તર્ક બચાવ માટે હોઈ શકે, દલીલ સાચા પડવાની માનસિકતામાંથી જન્મી શકે પણ હકીકત હંમેશાં કાયમી રહે અને એ જ વાસ્તવિકતા છે.
ધર્મના અનુકરણ માટે દિવસ નહીં, દિલ જોઈએ. ધર્મના અનુસરણ માટે મહેનત નહીં, મન જોઈએ. ધર્મ પાળવા પરંપરા નહીં, પુરુષાર્થ જોઈએ, પણ ના, એ બધું આપણને સહેજ પણ લાગુ પડતું નથી, કારણ કે ધર્મ ઇન્ફેક્શન બની ગયો છે. હા, જે રીતે વાઇરલ ઇન્ફેક્શન લાગે એ જ રીતે તહેવાર અને ઉત્સવોના દિવસોમાં આપણને ધર્મનું ઇન્ફેક્શન લાગે છે. તાવ આવે ત્યારે જે રીતે ટાઢ લાગવાની શરૂ થાય એ જ રીતે આ ઇન્ફેક્શન લાગે ત્યારે હાથ જોડવાનું શરૂ થઈ જાય છે, જે સમયે ઉત્સવનો મહિનો આવીને ચીંટિયો ભરી જાય છે. જે રીતે શરદીમાં નાક ગળવાનું શરૂ થઈ જાય છે એ જ રીતે તહેવારોના દિવસોમાં મોઢામાંથી એ બે-ચાર શ્લોક નીકળવાનું શરૂ થઈ જાય છે. એ જ શ્લોક જેને નાનપણમાં ગોખાવીને મારવામાં આવ્યા છે.
આપણે માટે ધર્મ એક ડોઝ બની ગયો છે. સવારે જાગીને જે રીતે બ્રેકફાસ્ટ કરવામાં આવે છે એ જ રીતે ધર્મ નિભાવવામાં આવી રહ્યો છે. શરીરના કોઈ એક ખૂણે જે સમયે દુખાવો શરૂ થાય અને આયોડેક્સ યાદ આવે એ રીતે જીવનના કોઈ એક ખૂણે દુખાવો ઊપડે એટલે ઈશ્વર યાદ આવે છે. ચાર-છ મહિને એક વાર બૉડી ચેકઅપનો દિવસ ઊજવી લેવામાં આવે એ જ રીતે અમુકતમુક સમયગાળા પછી આપણે ઈશ્વરનું અસ્તિત્વ ચેક કરવાના હેતુથી ઈશ્વરને ઊજવી લઈએ છીએ. સાચું કહું તો આપણે ક્યાંક ને ક્યાંક ઈશ્વર અને ધર્મને મનોરંજન બનાવી દીધા છે. મનોરંજન કે પછી સમય પસાર કરવાનું એક શ્રેષ્ઠ માધ્યમ. ટાઇમપાસ કરવાનું એક શ્રેષ્ઠ માધ્યમ કે પછી જીવનમાં નવીનતા ઉમેરવાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ, એવું જ ઉત્કૃષ્ટ ઉદાહરણ જેની સરખામણી પેલી મૅગી હૉટ ઍન્ડ સ્વીટ ટોમૅટો કૅચઅપ સાથે થઈ શકે. ખાવામાં ચટાકો ઉમેરવા માટે કે પછી ફૂડને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે પ્લેટમાં કરવામાં આવતું ઉમેરણ હોય એવું જરા નવીનતા ભરેલું કૅચઅપ. તીખાશ અને ગળાશનો સુમેળ. ઈશ્વર અને ધર્મ પણ એવા જ કરી નાખવામાં આવ્યા છે.
સીઝન આવે ત્યારે જીવનમાં એનું ઉમેરણ કરવામાં આવે અને એ કરી લીધા પછી સીઝન પૂરી થવાની રાહ પણ જોવામાં આવે. જરા વિચારો કે ઈશ્વર જ્યારે આ પ્રકારની આપણી આ પરંપરાને જોતો હશે ત્યારે એ આપણી સરખામણી પેલા ચાલુ અને ચાપ્ટર લોકોમાં કરતો હશે કે નહીં? બની શકે એ આવી જ સરખામણી કરતો હોય અને એમાં કંઈ ખોટું પણ નથી. તકવાદીઓને જો આપણે ચાલુ-ચાપ્ટર માનતા હોઈએ તો એવા જ ચાલુ-ચાપ્ટર થઈને આપણે પણ ધર્મધ્યાન કરવા બેસી જઈએ છીએ. ચાલુ-ચાપ્ટર બનીને આપણે પણ શ્રાવણનો સોમવાર કરીએ છીએ અને એ કરી લીધા પછી મહાદેવના મસ્તક પર દૂધનો અભિષેક કરવા પણ પહોંચી જઈએ છીએ. શું કામ ન કરીએ, ઈશ્વર તો આપણે માટે સીઝનલ છે. ઉનાળામાં કેરી ખાવી એ આપણી પરંપરા હોય તો શ્રાવણ, નવરાત્રિ અને પર્યુષણમાં ઈશ્વરને જગાડવો એ પણ આપણો ધર્મ છે, જે આપણે દિલથી નિભાવીએ છીએ, પૂરી નિષ્ઠા સાથે નિભાવીએ છીએ. એવી જ રીતે જે રીતે આપણી ગરજ કોઈને પડે અને એ આપણને મસ્કાબાજી કરે, બિલકુલ ચાલુ અને ચાપ્ટર બનીને, દંભી બનીને અને ઈશ્વરની સાથે છેતરપિંડી કરવામાં માસ્ટરી હાથવગી કરીને. આ દંભની દુનિયા છોડવા આપણે રાજી નથી, કારણ કે એના આધારે જ શાખ ઊભી થવાની છે. કહેવાની કોઈ જરૂર નથી કે આપણે માત્ર શાખ ઊભી કરવા માગીએ છીએ, બીજો કોઈ ભાવ મનમાં હોતો નથી અને એ હોતો નથી એટલે જ આપણે બુદ્ધ કે મહાવીર બનવાના રસ્તે હોતા નથી. જો એ રસ્તા પર હોત તો દંભનો સાથ ક્યારેય લીધો ન હોત, ક્યારેય આચરણને આડંબરનું આવરણ આપ્યું ન હોત. રાજપાઠને અને રાજવીપણાને ગળે વળગાડ્યું ન હોત. જે એ છોડી શકે છે એ જ મહાવીર અને બુદ્ધ બનવાની ક્ષમતા હાંસલ કરી શકતો હોય છે, પણ એ ક્ષમતા આપણામાં રહી નથી. હોય પણ ક્યાંથી? કારણ કે આપણે માટે તો ધર્મ અને ઈશ્વર સીઝનલ છે. થોડા દિવસનો દંભ પહેરી લેવાનો અને એ પછી જૂની ડીવીડીની જેમ એને શોકેસમાં ગોઠવી દેવાનો. આવતા વર્ષે ફરી એ બહાર કાઢવામાં આવશે. માતાજીના ગરબા વાગશે અને પર્યુષણમાં સ્તવન ગુંજશે. ૯ દિવસના ગરબા અને ૭ દિવસના સ્તવન. સાહેબ, ધર્મ સીઝનલ છે. અમુકતમુક દિવસ માટે એ જાગે છે અને એ પછી એ ફરીથી મૂર્છિત થઈ જાય છે. ધર્મ, કાં તો સીઝનલ અને કાં તો પેલા ટ્વિટર જેવો. કહેવું હોય એ ૧૬૦ શબ્દોમાં કહી દેવાનું અને પછી કલ્ટી મારીને નીકળી જવાનું, પતલી ગલીથી.
આપણે ખરેખર બહુ ચાલુ થઈ ગયા છીએ. હેંને?!

ધર્મના અનુકરણ માટે દિવસ નહીં, દિલ જોઈએ. ધર્મના અનુસરણ માટે મહેનત નહીં, મન જોઈએ. ધર્મ પાળવા પરંપરા નહીં, પુરુષાર્થ જોઈએ, પણ ના, એ બધું આપણને સહેજ પણ લાગુ પડતું નથી, કારણ કે ધર્મ ઇન્ફેક્શન બની ગયો છે. હા, જે રીતે વાઇરલ ઇન્ફેક્શન લાગે એ જ રીતે તહેવાર અને ઉત્સવોના દિવસોમાં આપણને ધર્મનું ઇન્ફેક્શન લાગે છે.

(caketalk@gmail.com)
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK